લેખાંક : ૯ : (જેમાં 'હરિ' ઉત્તમ મિત્રતાથી 'દાયરામલ' અને 'ધર્મગુરૂ' બને છે.)
|
બિલકુલ સાદા ભલા નરભેરામબાપુમાં દિવ્યપુરૂષનાં દર્શન પામેલાં ઘણાઓમાંનો હરિ એના જીવનમહિમાને શબ્દ તો આપી શકતો નહિ, પણ એના પૂર્વાશ્રમ-ગૃહસ્થાશ્રમની સફળતા જેવા બે પુત્ર- મુરારિદાસ અને મનોહરદાસ, બેઉ સમાન તેજસ્વી - રામાયણ રસપાન પ્રવીણ અને સદાચરણી રામભક્ત, ભરયુવાન વયમાં મુરારિદાસે સંસારની વિદાય લીધી ત્યારે હાહાકાર થયો. સંત હ્રદયી પિતાએ બીજાંઓને આશ્વાસન આપ્યું. અમારા ઘરનાં જ્યારે મુરારિદાસના દેવલોકવાસ માટે વિલપતાં હતાં ત્યારે કશું ન બન્યું હોય તેમ સંતબાપુ રામાયણનો સુંદરકાંડ પાઠ કરતા હતા.
યોગાનુયોગ તે પછીના એક ભાદરવા માસમાં સંતબાપુ પોતાના પ્રિય બ્રાહ્મણને ઘેર આવી ઊભા, 'પિતાના શ્રાદ્ધનો શ્રદ્ધેય દિન ધન્ય બન્યો.' કહી ઘરના માલિકે સંત નરભેરામજીનું હ્રદયથી સ્વાગત કર્યું. લાડુની રસોઇ તૈયાર થઇ, સંત અતિથી સહિત બધાં જમવાની તૈયારી કરતાં હતાં એ જ વેળાએ બે ગાઉ નજીક - ડાંગરા - ગામેથી દોડતા આવેલા માણસે નરભેરામ બાપુને કહ્યું: 'મહારાજ હમણાં જ સાથે ચાલો, તમારા દીકરા મનોહરદાસ ગાડેથી પડી જતાં જરાતરા ઘવાયા છે...'
'મારા રામભગવાનની ઇચ્છા! ચાલો બાપુ' કહી સંતબાપુ તો જમ્યા વગર જ પેલા માણસ સાથે ચાલી નીકળ્યા. બ્રાહ્મણનાં કુટુંબીઓને પણ જમણમાં સ્વાદ ન રહ્યો.
સંતબાપુનો બીજો પુત્ર પણ ગાડાં હેઠળ કચડાઇ મૃત્યુ પામ્યો હતો. સંતબાપુએ સગા પુત્રની અંત્યેષ્ઠિ કરી અને મોડી રાતે પેલા બ્રાહ્મણને ત્યાં પાછા ફર્યા. જોયું તો શોકગરકાવ બ્રાહ્મણ કુટુંબના વડિલો પણ જમ્યાં નહોતાં.
જાણીને સ્વસ્થચિત્ત સંત પ્રસન્ન અવાજે બોલ્યા: 'અરે કાંઇ તમે પણ જમ્યાં નથી! શું મહેમાનને વિદાય આપ્યા પછી ઉપવાસ કરે છે કોઇ? હું મારે આંગણે અવતરેલા મહેમાનને વળાવી આવ્યો.
'જે ગમે જગતગુરૂ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો.'-
'ચાલો રામ, મને જ પહેલાં જમવા બેસાડી લાડુ પીરસો, તમે મારા સામે બેસી આનંદથી જમો. અરેરે મહેમાનના વળામણાંને દિવસે અમારા પૂજનિક બ્રાહ્મણ ઉપવાસ કરે એથી તો ગયેલા મહેમાનનો આત્મા દુ:ભાય.'
આમ બોલી સંતબાપુએ પોતે જ લાડુપ્રસાદ લઇ બ્રાહ્મણ કુટુંબને જમવાની ફરજ પાડી.
'સંતહ્રદયની સહનશિલતા
સાગર સમ અગાધ. ખૂંદી તો પૃથ્વી ખમે, વાઢી ખમે વનરાઇ; કઠણ કષ્ટ તો સંત સહે, સાગર સર્વ સમાય.'
પિતાની આજ્ઞા શિરોમાન્ય કરી હરિ પોતાની નાત - પોતાની સમોવડ સ્થિતિ- સંસ્કારવાળાં કુટુંબની પુત્રી મંગલા સાથે લગ્ન કરવા સંમત થયો. સંમતિ માટે એ સમયે રાહ જોવાની ન રહેતી.
સંત નરભેરામ બાપુ રમતારામ, રામભજન કરતાં વિચરતા.
વીસીની વયે પરણેલા હરિનાં લગ્નમાં વિશેષતા તો શું હોય? નાણાંની અછત, સાદું છતાં ધર્મસંગત લગ્ન. હરિ ગૃહસ્થ બની ગયાં પછી પોતાની સ્થિતિ સામે મુંઝાયો. માતા-પિતાએ કહ્યું: 'તું એક હતો, હવે તમે બે થયાં. કમાવું પડશે, નહીંતર થઇ જા જુદો!'
'શું કરવું?' સવાલ સાથે હરિની આંખ સમે અંધકાર ફરી વળ્યો. 'હા, ચાલો. સંપત્તિ હોય તો ઘર ભલો, નહીં તો ભલો પરદેશ.'
મંગલાએ હસીને કહ્યું: 'મારી ચિંતા ન કરશો. ઘરનું બધું કામ ઉપાડી લઇશ, છતાં ઘરનાઓને નહિ પોસાઉં તો બાપુજીને ઘેર...'
'એમ તે બેઉ ક્યાં છટકી જશો?'
સામેથી હૂહૂકાર સંભળાયો: 'રૂપાળી છોકરી ગોતી બાપુજીએ મોટે ખરચે પરણાવ્યો, અને ખરચનાં નાણાં પાછાં વાળ્યાં વિના ડગલું ભરવા નહીં દેવાય હોં.'
શબ્દોમાં પૂર્વજન્મની વેરવૃત્તિનો ભયંકર હૂંકાર હતો - જે પ્રકરણ અત્યારે અને હવે ક્યારેય પણ યાદ નથી કરવું. જ્યાં હરિનાં જીવનકાર્ય તથા એની યોગસિદ્ધિને ભારે આંચકા અનુભવવા પડ્યા છે. ભારેમાં ભારે નુકશાનીવાળી એ બાજુ આપમેળે છેડો છોડી ગઇ હોવાથી તેને ભૂલી જવામાં જ હરિએ શ્રેય માન્યું છે.
આ સંદર્ભમાં એક વાત નોંધ્યા વગર રહેવાય નહીં. અગમ્ય વિષયોનો અદભૂત રસ પીરસતાં માસિક 'કિસ્મત'ના તંત્રી અને હવે આ લખનારના વડીલબન્ધુ શ્રી ઉષાકાન્તભાઇએ લેખક પાસેથી એક લેખમાળા માગી અને તે લેખમાળાનું શિર્ષક પણ એણે જ પસંદ કર્યુ હતું - 'વેરી વસતો વાસ, સદાય માના પેટમાં.'
કિસ્મતમાં ક્રમશ: પ્રગટ થયેલી એ લેખમાળા જીવનની વિસ્મયજનક કરૂણા છતાં નક્કર વાસ્તવિકતા ઉપર પ્રકાશ પાડી ગઇ હતી.
શ્રેયપ્રેય, સુખદુ:ખ, ધૂપછાંવ એમ પ્રેમ અને તિરસ્કારનું જોડકું પણ માનવજીવનને આઘાત-પ્રત્યાઘાતની અસર આપતું રહે છે. નાના પુત્રના પક્ષે રહી માતાએ હરિને સાણસામાં પકડ્યો. પિતાએ પ્રેમવશ બની એકાંતની પળોમાં કહી દીધું: 'કોઇનો વિશ્વાસ બેસતો નથી બેટા, તું બુદ્ધિશાળી છો, મારાં શરીરનો હવે ભરોસો નથી, કાંઇ નહીં તો મારી હયાતી સુધી તું ઘેર ઠેરી જા તો....' બોલતાં બોલતાં પિતાની આંખો છલકાઇ ગઇ.
અંતરમાં ભરેલી કૃતજ્ઞભાવના ઉછાળી મૂકે એવા એ પ્રસંગે પિતા પ્રત્યે ભક્તિભાવ દાખવી હરિ બોલ્યો: ' ભલે બાપુ, આપનો શબ્દ મને કબૂલ. હવે નશીબે લખેલું થશે. હું ઘર નહીં છોડું.'
અને આ સ્થિતિમાં અણધાર્યો આત્મસંતોષ એક કવિહ્રદય મિત્ર રૂપે આવી મળ્યો, નજીકના ગામના સર્વસમર્થ, સર્વજ્ઞ અને સમૃદ્ધ જાગીરદાર - જેને શિવસિંહ નામે ઓળખાવું - તેની દોસ્તીએ કવિહ્રદય એ શિવસિંહના અનન્ય મિત્ર 'ધુનાના' ગામના ચારણ કૃષ્ણદાનજી.
પૂર્વજન્મનાં લેણદેણના યોગ એ જ જીવનકાર્યનો મૂલાધાર હોય છે. શિવભાઇ અને કૃષ્ણદાન એટલે જેવા તેવા નહીં, શિવભાઇની હાકથી ભલભલા સત્તાધીશો ગમ ખાઇ જાય, સાવઝમુખા દેવીપુત્ર કૃષ્ણદાનની કાવ્યવાણી કઠોર હૈયાનું પાણીમાં રૂપાંતર કરે. એની દોસ્તી આ બ્રાહ્મણ યુવાનને મળી.
'જુઓ હરિભાઇ' - દોસ્તીના બંધાતા દોર વેળા શિવભાઇ બોલ્યા: 'તમને - તમારા આત્મવૈભવને જોઇ જાણીને દોસ્તી બાંધી છે તમારી સાથે. હવે આ દોર છૂટશે માત્ર સ્મશાને પહોંચશું ત્યારે. પણ દુનિયામાં ઘણી ઇર્ષા ભરી છે માનવહૈયાંમાં. હું ને કવિ તમને મોંઘાં માનપાનથી લડાવશું ખરા, પણ દેખાડો થવા નહીં દઇએ, તમે પણ આટલો ગોળ છૂપે ખૂણે ચોળી ખાજો - નહીં તો તમારા તેજોદ્વેષીઓ આપણા દુધપાકમાં ઝેર ભેળવી દેશે. દુનિયાએ એ જ કર્યું છે, અને અહીં તો રજવાડી હવા!' કવિમિત્રે પણ એ જ સૂચના આપી.
દુનિયાનાં અજવાળાં અંધારા ફંફોળનાર મિત્રોએ આટલાંમાં ઘણું કહી નાખ્યું. ચાલો, વાત સમજાઈ ગઈ.
અને પછી અમારી મિત્રતાની જમાવટ નવાનોખા રંગ-ઉમંગ, માહિતી, બોધ અને આનંદથી ઝબોળાતી થઇ.
બેઠકને દાયરે મહેમાનોનાં કાયમી મેલાણ, કવિ કૃષ્ણદાનની કાવ્યધારા, શબ્દસ્વામી મામૈયા બારોટની સાત રસભરી લોકવાર્તાનો ઝકોળ, કાવા-કસૂંબા અને પ્યાલીઓના ખખડાટ. 'ચારણિયા ગાંધી' રવાભાઇની સમજસૂઝ વાતો, અગમ-અપરા વિદ્યાના અજબ કૃપાપાત્ર પથુભા બાપુનાં વિસ્મયપ્રેરક - સત્યપ્રભાવી વિધાન, ભલભલાને બોલતા બંધ કરી દેનારૂં એનું જીવનલક્ષી જ્ઞાન વિસ્મયપ્રેરક હતું.
જૂનવાણી રાજકારણ - રાજાશાહીની સર્વાંગ વહીવટ પદ્ધતિ ઘોળીને પી ગયેલા દાજીબાપુ - પથુભા- દારૂને અડકે નહિ ને નીંદે, અફિણના વ્યસની, ધૂમ્રપાન સતત કર્યાં કરે છતાં બિલકુલ સ્વસ્થ, અતિશય સાદાઇ એ તેનું આકર્ષણ, દાજીબાપુએ પણ હરિને ધર્મગુરૂનું સંબોધન આપ્યું ને છાપ સર્વમાન્ય બની.
એની વિદ્યાશક્તિની વિશેષતા અભ્યાસ કરવા જેવી, શિવભાઇબાપુ - તેનાથી વયમાં નાના છતાં સગપણે કાકા થાય. પરિચયના પહેલા અંકમાં જ દાજીએ કાકાને કહ્યું: ' ધર્મગુરૂ સંસારી છે. સંસારનો ભાર વહેવાની જવાબદારી - કુટુંબની સ્થિતિ આ બધું ધ્યાનમાં રાખી સૌ પહેલાં એના યોગક્ષેમનું કરીએ...'
'વાહ, દાજી વાહ.' સામેથી કહેવાયું: 'એટલી જોગવાઇ કરી શકશું, તમારી અને મારી ખળાવાડ ખમી લેશે.'
'ચાલો એટલી નિરાંત, હવે ધર્મગુરૂ આપણા થયા.'
જાત જાત, ભાત-ભાતની રસ-રંગભરી વાતોની સરવાણી વહેવરાવતા દાયરામાં 'ધર્મગુરૂ'ની વાતોએ નવયુગી માહિતીનો નવો પ્રવાહ ઊમેર્યો. બાપુ દાજી અને કવિએ વાહવાહ કહી એ વાતોનું મૂલ્ય પારખ્યું: 'આપણી બેઠકમાં આવા 'દાયરામલ'ની જરૂર હતી હોં!'
હિંદના વાયસરોય, બ્રિટનના શહેનશાહ, સામ્રાજ્યના વડાપ્રધાન, જર્મનીના એડોલ્ફ હેર હિટલર, ઇટાલીના મુસોલિની અને હિંદસ્વરાજ લડતના કર્ણધાર ગાંધીજી, નેશનલ કોંગ્રેસ - મહાસભાના ધુરંધર નેતાઓ, ભારતની ફિલ્મી દુનિયા, ધર્મશાસ્ત્રો, પુરાણો અને પ્રાચીન-અર્વાચીન જીવનમૂલ્ય જેવાં અનેક વિષયની રજૂઆતમાં ધર્મગુરૂનાં વાંચનનો પ્રતિભાવ વહે અને બાપુ સહિત દાયરામાં બેઠેલા 'વાહ વાહ' બોલી ઊઠે.
ધર્મગુરૂનું ભારેખમ સંબોધન પામેલા હરિને ખબર નહિ કે એનાં કુટુંબ સાથે દાયરામલનો સંબંધ જૂનો હોવાથી તેઓ તેની સંસ્કારિતા આટલી હદે જાણતા હશે.
|