લેખાંક : ૮
|
આર્યસમાજ અને મહાત્મા ગાંધીજીના નામથી રૂઢિચુસ્તો ભડકતા. સદીઓની ગુલામી અને અજ્ઞાનતાએ જેનાં માનસ જડ ને ભિરૂ બનાવી દીધેલાં એવો સમાજ ત્યારે નાતજાતના વાડામાં રહીને, પરંપરાગત રૂઢિઓને વળગી રહેવામાં જીવનગૌરવ માનતો.
માનશંકરભાઇ સમાજસુધારક-લોકસેવક હતા. મુંબઇમાં નાની એવી ફાર્મસી - (ઇમ્પીરિયલ કેમિસ્ટ)- દવાની દુકાન ધરાવતા. એ સજ્જને યુવકમંડળ તથા જ્ઞાતિમાં વિદ્યોત્તેજક મંડળ સ્થાપ્યા, નાતવરા તથા વહેવારના બિનજરૂરી લાગાઓમાં આંધળો ખર્ચ કરી, ગરીબ સમાજ વધુ ગરીબ બની રહ્યાના એનાં હ્ય્રદયસ્પર્શી વિધાનો ઉપર કિશોર હરિ મંત્રમુગ્ધ બની રહેતો, અને ત્યારે એનાં વડિલ સુધારાની ઉપકારક શિખ આપનારને 'વટલી ગયેલા' નો શિરપાવ આપતાં.
પાડોશી એક બાઇએ ફઇબા દયાબેનને કહ્યું: 'મારો છોકરો માનશંકરના ભાષણ સાંભળવા જાય તો તેને ઘરમાંથી કાઢી મૂકું અને તમારો હરિ 'આરજાસમાદ'-આર્યસમાજ વાળાની વાતું સાંભળવા જાય કે એણે છપાવેલી ચોપડિયું વાંચશે તો વટલી જાઇ, હવેલીના ઠાકોરજી અને મંદિરના મહાદેવની નિંદા કરતો થઇ જશે હોં..!'
આ સાંભળીને ધર્મભિરૂ ફઇબાએ હરિને - 'બગડી જતો બચાવવા'- જલદ ઠપકો ને શિખામણ આપ્યાં. બહારની કોઇ ચોપડી ઘરમાં હોય તો ફાડીને ફેંકી દેવાની ધમકી સાથે કહ્યું: 'આરજાસમાદ'ની કોઇ વાત જો તેં સાંભળી છે કે 'લાઇબેડી'વાળી વટલેલ ચોપડી તેં વાંચ્યાની મને ખબર પડશે તો હું તને ઘરમાં નહીં પેસવા દઉં. તારા બાપ પાસે ગામડે મોકલી દઇશ. પછી ત્યાં માગવી પડશે ભીખ.'
આ રીતે વીફરેલાં ફઇબાને સમજાવવા મુશ્કેલ હતાં. ગામડેથી આવેલા પિતાને પાડોશીબાઇએ 'હરિ' કુસંગે ચડી ગયાની વાત જણાવી દીધી. પરિણામે આ 'ઊંધી ખોપરી'ના છોકરા પ્રત્યે અણગમાનું વર્તુળ વધ્યું.
હા, લાયબ્રેરીના પુસ્તકો અને તેમાં પણ ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ વાંચવાનો ભારે ચસકો ધરાવનાર હરિ મુંઝવણમાં મૂકાયો, વાંધો નહી. લેસન કરવાને બહાને શુકલના છોકરાને ત્યાં જવાનું કહી હરિ ધર્મશાળાના ચોકમાં બેસી સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધારના વાંચનની મોજ માણતો.
વાંચનનો અજબ રસિયો હરિ તે કાળે સંખ્યાબંધ ચોપડિઓ વાંચી ચૂક્યો. મનમાં રસભાવ માણતાં એને થતું - આવી ચોપડીઓ લખનાર લેખક બનવા માટે જે યોગ્યતા અને આવડત જોઇએ તે મેળવવા એણે એ જ અરસામાં પ્રયાસ કરવા માંડ્યો.
પડધરીની પ્રાથમિક શાળાનો અભ્યાસ કરી આગળનો નિર્ણય મેળવવા ગામડે પાછા ફરતા હરિને પડધરી ગળે વળગ્યું હતું, પણ નિ:સહાય છોકરો શું કરે? પડધરી છોડતાં પહેલાં ગીગાઅદા પાસે ગયો. બેઉ વિશ્વાસગાંઠે બંધાએલા, 'હવે પડધરી છોડી જઇશ અદા, મારે વધુ ભણવું છે. મને આશીર્વાદ આપો અને વચના આપ્યું છે તે પ્રમાણે ભવિષ્યવાણી કહો.' આ સાંભળી ભાવવિભોર થયેલા એ ભદ્રપુરૂષ બોલ્યા: 'તારૂં ભવિષ્ય ઊજળું છે અને કસોટીભર્યું પણ હશે. તોફાન, મારામારી, જોરતલબી ને ઉત્પાતના દાયકાઓ તારે જોવા પડશે. 'લખમી લૂંટાશે લોકો તણી,' કોઇ શેઠ શાહુકાર નહીં રહે. બધા એક આરે ઊતરી જશે, જળબંધ તૂટતાં પાણી જેમ ગાંડું થઇ પ્રલય પ્રસારે તેમ નીતિ-મર્યાદાઓ તૂટતાં લોકજીવન મસ્તીખોર બની જશે. આ વાત મનમાં રાખી મોજથી ભણજે. જોગમાયા તને સહાય કરશે.'
આ શબ્દો આજ સુધી હરિનાં મગજમાં ગુંજે છે, અને ગામડે આવેલો હરિ પ્રાથમિક શાળાના શિક્ષકની લાયકાતવાળો, વડાળાની નિશાળમાં આચાર્યે સામે ચાલી સલાહ આપી: 'છોકરાને 'માસ્તર'ની નોકરી અપાવી દો.'
'માસ્તર એટલે પંતુજી, અગીયાર રૂપીયાના બદલામાં નશીબ વેચી મારવું. ના, એ મારાથી નહીં બને.'
હરિએ આપેલા આ જવાબ સામે માતાપિતાએ દંડો બતાવી તેને કહ્યું: 'તો પછી આ રહી ઝોળી. માંડો ભીખ માગવા.'
પ્રેમ તો હશે મા-બાપના હ્રદયમાં, પણ ઘરમાં પેસી ગયેલી ગરીબી પ્રેમ કરતા વધુ પ્રબળ હતી. કાં માસ્તરૂં - કાં ભીખ - બે પ્રસ્તાવ જમદૂત જેવા. હરિએ પોતાની પ્રાર્થના રજૂ કરી- 'મારે જામનગર જઇ વધુ ભણવું છે.'
એ બન્યું જ ન હોત, પણ જામનગરના નાગોરી શેઠ - ગામના ઇજારદાર - ખળાં ભરવા આવ્યા. હિંમત દાખવી હરિએ તેને ખોળે માથું મૂકી કહ્યું: 'મને ભણવાની સગવડ કરી આપો તો મારે ભણવું છે. શેઠ, ભગવાન તમને આશીર્વાદ આપશે.'
ચોઘડિયું શુભ હતું. હસીને શેઠ બોલ્યા: 'એમાં તેં કઈ મોટી માગણી કરી. બ્રાહ્મણના દીકરાને ભણાવવો એ અમારો ધર્મ. આવતી કાલે તું અમારા ભેળો જામનગર આવ. લાવ, તને ત્યાંની બોર્ડિંગમાં દાખલ કરાવી દઉં. રહેવા-જમવાનું મફત. વસનજી શેઠ જેવા પાસેથી બેપાંચ રૂપિયા 'સ્કોલરશીપ'નો જોગ પણ થઇ રહેશે.'
'શેઠ જેવા શેઠની હરિએ કૃપાદ્રષ્ટિ મેળવી લીધી. મેં કહ્યું ને કે મારો છોકરો પાણીદાર છે.' હરિના પિતા બોલ્યા. જામનગર જવાની તૈયારીમાં બીજું શું - બે કપડાં સાથે લઇ લેવાનાં, અને નાગોરી શેઠની છત્રછાયા, જેના વૈભવની વાતો ન્યારી એવા શેઠે આંગળિયે વળગાડ્યો અને બીજે દિવસે શેઠ સાથે હરિ એનાં જ ગાડાંમાં બેઠો. મા-બાપ ઉઘાડી આંખે જાણે સ્વપ્ન જોઇ રહ્યાં. પિતાને આશા કે 'કોલરશીપ'ના રૂપીઆ હરિ ઘરે મોકલે તો કામ થઇ જાય.
ચાર ગાઉ હડમતીયા સ્ટેશને ગાડું પહોંચે તે પહેલાં નાગોરી શેઠે એકવાર જ પૂછ્યું: 'આ પહેલાં જામનગર જોયું છે તેં?'
'ના શેઠ, સાહેબ નથી જોયું.'
'તો મોટાં શહેરમાં બહુ ધ્યાન રાખવું પડે. વાહન અને રાહદારીઓની ભીડ, લુચ્ચાલફંગા ભેટી જવાનો સંભવ પણ ખરો...'
'શેઠસાહેબ આપે આપેલી સૂચના યાદ રાખીશ. મારે તો મને આશરો મળે ત્યાં રહી ભણવું છે, શાંતિથી ભણીશ તો બીજો વાંધો નહિ નડે ને?'
'અરે વાહ, સમજુ છે છોકરો. અલ્યા આ પહેલાં બીજે ક્યાંય રહેલો ખરો?'
'હા, પડધરીમાં દસ વરસ.'
'ચાલ ત્યારે એમ કહી દે, કે તું ગામડિયો ભોટ નથી.' બોલીને શેઠ હસ્યા. રેલગાડીની લાંબી સફર - જામનગર સુધી- પહેલીવાર. દૂર દૂર સુધી જોતાં નજર વધુ તરસી થાય. પવનવેગી ગાડીમાં બેસવાનો આલ્હાદ, જામનગર શહેર, બાગબગીચા, નાટક સિનેમા, પ્રાણીસંગ્રહસ્થાન ને બેડીબંદર - જોવાલાયક સ્થળો તો પાર વિનાનાં. ગાડીમાંથી કોઠા લાખોટા અને જૂના રાજમહેલની અટારિયો દેખાઇ, અને દેવમંદિર તો પાર વિનાનાં.
નવુંનવું જોવા જાણવાની તમન્ના અને કલ્પના ઘૂંટવાની આદત. જામનગરમાં વિદ્યાભ્યાસ, યાદ રહી ગયેલો પ્રસંગ જામબાપુની સિલ્વર જ્યુબિલીનો. શોભાશણગાર, બાપુની સવારે, બોર્ડિંગમાં રહી અભ્યાસ કરતા બ્રાહ્મણ બટુકોને પાંચ દિવસ જમણનાં નોતરાં. વચ્ચે કાર્યક્રમ આવી પડ્યો, ભીડભંજન મંદિરે ધાર્મિક નાટક ભજવવાનો. 'છોટી કાશી' જામનગર સંગીતના દ્રોણાચાર્ય આદિત રામજીનો આશીર્વાદ પામેલું - સંગીતગુરૂ કેશવરામજી અને અંધગવૈયાએ નાટકની પાત્ર પસંદગી - જે બોર્ડિંગના વિદ્યાર્થીઓમાંથી જ કરવાની હતી - તે કરી. મીઠા કંઠ માટે જાણીતો હરિ કૃષ્ણપાત્રની પસંદગી પામ્યો.
સંગીતગુરૂએ કૃષ્ણના પાત્ર માટે ગીતની તરજ બાંધી. પંદર સોળની વયના હરિનો કંઠ વહ્યો. 'ગોકુળ ગામડું મુજને પ્યારૂં...'
મહેમાનોનાં મનોરંજન માટે બે કલાક રજૂઆત પામેલા નાટકમાં હરિ-કૃષ્ણ બની રંગભૂમિ ઉપર આવ્યો. માતા યશોદા અને પ્રેમયોગી ગોપકન્યાઓ આંસુ સારતાં બોલી: 'મારા લાલ, ના ના અમો તને કૂડા કંસરાજાના મથુરા શહેરમાં જવા નહીં દઇએ.'
'મા, એક વાર જવાની રજા આપો તો હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે...' કૃષ્ણના આ વાક્ય પૂરાં થતાં સંગીતગુરૂની આંગળીઓએ હારમોનિયમના સ્વર છેડ્યા. મનભરીને કૃષ્ણપાત્ર -હરિએ-કંઠ વહેતો કર્યો: 'ગોકુળ ગામડું મુજને પ્યારૂં...'
સામાન્ય એવા આ પ્રસંગની યોગશક્તિ પંદરેક દિવસ પછી અતિ સુંદર - પંદરેકનાં વયવાળી- નવોદિત કન્યારૂપે નજર સામે પ્રગટ થઇ. જે બેડીદરવાજા તરફ કાંઇ ખરીદવા જતી હશે. મારા સામે હસી, મને રોકી શુદ્ધ હ્રદયે બોલી: 'ગોકુળ ગામડું મુજને પ્યારૂં.' રોજ જોઉં છું તને, તું મારા સામે જોતો નથી. કેટલો સરસ છો...'
'બેન'- ગભરાઇ ઉઠી હરિ બોલ્યો: 'હું કદરૂપો ગામડિયો છોકરો...તમે મોટા અમલદારનાં દીકરી. તમારા સામે વંદન કરૂં ને મારાથી બોલાય તો શું?' આમ કહી ચાલતો થાઉં છું. મનમાં ન સમજાય એવી ધ્રુજારી. 'તમે મને કોઇક દિવસ તો યાદ કરશો.' પવિત્રહ્રદયા બેનના આ શબ્દો યાદ રહી ગયા. નામઠામ ભૂલાયાં. જીવન પોતે જ યોગસંગત આવિષ્કાર છે. બેઘડી પછી ભૂલી જવાયું બેનનું હાસ્ય.
અભ્યાસ કરતા છોકરા પાસેથી કશું ન મળ્યું. ગામડે બેઠેલા પિતાના નાતાદાર સુતાર સલાહ આપતા રહ્યા છે કે આવડા મોટા છોકરાને ભણવાને બહાને ધોરવાઇ બેસે એ તો તમને પોસાય. બાકી મારૂં માનો તો એને ગોરપદાંને ધંધે વળગાડી દ્યો. ભણીને તો સુધરેલી વાતું કરશે, તે વાતુંના વડાં નઇં થાય.'
પરિણામે ઘેર આવેલા છોકરાને પિતા-માતાએ પોતાની ગરીબીનો હાઉ આગળ રાખી કહ્યું: 'એ..ય ને ગામડાંમાં તારા જેવો વેદવાન ઊપડ્યો નહીં ઊપડે. ધંધે લાગી જા.'
દબાણ સંઘર્ષમય પિતા બોર આંસુડે રોયા. 'દીકરા, બે-ટાણાં પેટ ભરવું છે હોં. ભણતરે ગણતર તો મોટા માણસને પોસાય. બેડી પગમાં હોય તો યે કઠે, આ તો ગળેથી પકડાયો, છતાં છોકરો પોતાના આત્મવિશ્વાસ ઉપર અડગ રહ્યો.
'હવે શું કરવું આ છોકરાનું?' પિતા એના નાતાદાર-મિત્ર સુતાર પાસે રસ્તો માગે. સુતારે સીધો સાદો રસ્તો બતાવ્યો: 'તો એમ કરો. એને પરણાવી દ્યોને, એટલે બધી પળોજણનો આપમેળે નિકાલ.'
'હા, વાત સાવ સાચી. 'વીસનોરી' પત્ની વળગશે એટલે ઘરની મમતા બંધાશે.' બધાંએ હર્ષભેર વાત સહી લીધી. ફઇબા બોલ્યાં: 'ગગા, તને પરણાવવાની, ઘરમાં વહુ લાવવાની વાત છે. લે, હવે હરખનો ઊમળકો માણી લે.'
'પણ મારે પહેલાં ધંધે ચડવું છે.'
'ગાંડપણ મૂકી દે. બાપે કાંઈ તારૂં લઇ ખાધું નથી, પરણ્યાં પછી બધું થઇ રહેશે.' ફઇબા આ બોલ્યાં, પિતા પોશ આંસુડે રડી પડ્યાં, માએ ડોળા ઘુરકાવ્યા.
'આપત્તિકાળનો ધર્મ!' અંતરમાંથી ચીસ ઉઠી અને વ્યથિત હરિ રાતોરાત ઘર છોડી જવા તત્પર થયો. તે જ દિવસે પ્રેરણામૂર્તિ સંત નરભેરામ બાપુ સામે આવી ઉભા, જાણે ભગવાન પ્રગટ્યા. દર્શન કરતાં અંતરની આંટી ઢીલી થઇ.
મનોવ્યથાનું સમાધાન કરતાં બાપ બોલ્યા: 'પિતાવચન ખાતર રામભગવાને વનવાસ મીઠો ગણી લીધો. પિતુવચન પાળવા રામના વહાલા હરિ, ગૃહસ્થાશ્રમનો પ્રેમથી સ્વીકાર કરવો એ તારો ધર્મ. ધર્મ જ તને તારશે. તારો બેડો પાર કરશે. તારું નસીબ 'લક્ષ્મી'-પત્નીભાગીદારી વડે ચમકશે. વિશ્વાસ રાખ, આ 'ધોકાપંથી' બાવો ખોટું બોલે નહિ, રામ એનું વેણ ખોટું પડવા દેશે નહિ.'
સાંભળીને હરિનું મસ્તક નમ્યું. એનું શ્રદ્ધાપૂર્ણ હ્રદય સંત સ્તુતિ ગાઈ રહ્યું - જે સંતની કૃપા વડે ભાવિના સંકેત સાંપડવાના હતા.
સંત નરભેરામ બાપુનું જીવનદર્શન એટલું હ્રદયગમ્ય, જેની સ્તુતિની દરેક પંક્તિ પ્રેરણાદાયી-બોધ આપનારી છે: સંત સુહાગી સુખ મળે.
|