|
પ્રકરણ : ૪ હરિલાલ ઉપાઘ્યાયનું ઐતિહાસિક નવલકથા ક્ષેત્રે પ્રદાન
ર.૧) પ્રસ્તાવના :
|
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક ઉત્તમ નવલકથાકાર તરીકે ગણના પામેલા હરિલાલ
ઉપાઘ્યાય ગાંધયુગીન સર્જક છે. મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ઉમાશંકર જોશીની
સાથોસાથ પડધરી (સૌરાષ્ટ્ર)ના સારસ્વત હરિલાલ જાદવજી ઉપાઘ્યાય સાહિત્યના વિવિધ
સ્વરૂપોમાં તેની કલમ વહેતી કરે છે. તેઓ કવિ, નાટયકાર, નવલિકાકાર, નવલકથાકાર
વગેરે પ્રતિભા ધરાવતા હતા. ગુજરાતી સાહિત્યમાં નવલકથાકાર તરીકે ભારે યશ અને
કિર્તિ પ્રાપ્ત કરે છે.
હરિલાલ ઉપાઘ્યાય પાસેથી
સામાજિક
અને
ઐતિહાસિક
એમ બે પ્રકારની
નવલકથા મળે છે.
સામાજિક નવલકથા
અંતર્ગત તેમણે જીવનમૂલ્યોને પ્રાધાન્ય આપ્યું છે
તો અહીં
ઐતિહાસિક નવલકથામાં
તેમણે ઐતિહાસિક તથ્યને ઉજાગર કર્યું છે. એમની
પાસેથી
' પડતાગઢના પડછાયા-૧.ર',
' રણમેદાન',
' તાતી તલવાર',
' વિજય વરદાન',
' છેલનામી સૌરાષ્ટ્ર'
વગેરે નવલકથા મળે છે. તેમાં કયાંય પણ ઈતિહાસ ખંડિત થયો હોય
એમ લાગતું નથી.
ઐતિહાસિક નવલકથાના આલેખનમાં તે પૂરેપૂરી સભાનતા ચોક્કસ
દાખવી શક્યાં છે.
ઐતિહાસિક નવલકથાની
વાત કરીએ છીએ ત્યારે ક.મા. મુનશીનું નામ અચૂક
યાદ આવી જાય. ક.મા. મુનશીએ ગુજરાતી સાહિત્યને અનેરું સાહિત્ય આપ્યું છે જે તેમાં
તેની
ઐતિહાસિક નવલકથા
વધારે ઘ્યાનપાત્ર છે. ઐતિહાસિક નવલકથાના લેખનમાં
મુનશીએ જે રીતે વિષયવસ્તુની માવજત કરી છે બરાબર એવી જ કાળજી હરિલાલ રાખી
શક્યાં છે. આ પ્રમાણે એમની ઐતિહાસિક નવલકથામાંથી પસાર થઈએ છીએ ત્યારે બે બાબત ખાસ ઉડીને આંખે વળગે તેવી છે. એક આપણે આગળ જોયું તેમ 'વિષય વસ્તુની
માવજત' અને બીજી વિશેષતા 'ઈતિહાસ પ્રત્યેની વફાદારી'. ઈતિહાસ પ્રત્યેની વફાદારીની
બાબતમાં ધૂમકેતુનું નામ ગૌરવભેર લઈ શકાય તેમ વિષયવસ્તુની માવજત બાબતે ક.મા.
મુનશીને ગૌરવભેર યાદ કરી શકાય. અહીં હરિલાલ ઉપાઘ્યાયની
ઐતિહાસિક નવલકથા
જોતા એમનો ઈતિહાસ તરફનો લગાવ ખૂબ વધારે હતો તે અનુભવાય છે. એમની
ઐતિહાસિક નવલકથાઓ
માત્ર ઈતિહાસનો દસ્તાવેજ ન બની રહેતા ખરા અર્થમાં
નવલકથાઓ બની રહે છે. કલ્પના અને વાસ્તવનું નિરૂપણ આ સર્જકમાં વિશિષ્ટ રીતે
અનુભવાય છે. આ સંદર્ભે લેખકના વિચારો નોંધી શકાય કે "ઈતિહાસ માં તથ્યનો
વિચાર કરે છે, સાહિત્ય સત્યને નિરૂપવાનો પ્રયાસ કરે છે."
હરિલાલ ઉપાઘ્યાય પાસેથી ખૂબ પ્રશસ્ય એવી
ઐતિહાસિક નવલકથાઓ
મળે છે.
ખાસ તો તેમની મેવાડના ઈતિહાસની નવલકથાઓ વાચકવર્ગમાં ભારે ચાહના મેળવી છે.
લેખક ઐતિહાસિક નવલકથાના લેખન વેળાએ કેટકેટલા ઈતિહાસ ફંફોસીને વિગતો
મેળવતા અને જરૂર પડયે ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેતા. ત્યારબાદ તે વિગતોને
નવલકથામાં આકારિત કરતા.
હવે તેમની ઐતિહાસિક નવલકથાને તપાસીએ.
|
૪.ર) હરિલાલ ઉપાઘ્યાયની ઐતિહાસિક નવલકથા અને સમીક્ષા :
|
હરિલાલ ઉપાઘ્યાય પાસેથી ગુણવત્તાની દૃષ્ટિએ સત્વશીલ એવી ઐતિહાસિક
નવલકથા પ્રાપ્ત થાય છે. તેમાં લેખકનું સર્જકત્વ જોવા મળે છે. ઈતિહાસનું આલેખન
કરવામાં તેણે શૈલી, પાત્ર, સંવાદ પ્રયુક્તિ, વર્ણનકલા, વસ્તુ એ બધી બાબતોમાં
ચીવટતાપૂર્વકનું આલેખન કર્યું છે. તે આ મુજબ છે :
જય ચિત્તોડ :
|
ઈ.સ. ૧૯૭૬માં પ્રકાશિત થયેલી
' જય ચિત્તોડ'
ઐતિહાસિક નવલકથા
૩પ પ્રકરણ
અને ૩૦૬ પૃષ્ઠમાં વિભાજિત થયેલી હરિલાલ ઉપાઘ્યાય કૃત મેવાડ ગ્રંથાવલિની ચરિત્ર
પ્રધાનતાને કેન્દ્રમાં રાખતી કૃતિ છે. આ નવલકથામાં મહારાણા બાપા રાવળના અદભૂત
જીવનચરિત્રનું ચિત્રણ કરવામાં આવ્યું છે. સૂર્યવંશી રજપૂત રાજાઓના ઈતિહાસમાં બાપા રાવળનું નામ-ચરિત્ર મોખરે છે.
તે બાપારાવળ ચિત્તોડના રાજા માનસિંહ મોરીનો પરાજય કરી મેવાડપતિ તરીકે ચિત્તોડની રાજગાદી મેળવે છે.
તેના આલૌકિક જીવનની યશગાથા અહીં વર્ણવાઈ છે.
મુખ્ય પાત્ર બાપા રાવળ અહીં સમગ્ર નવલકથામાં કેન્દ્રસ્થ પાત્ર છે. આ ઉપરાંત
રાજા કનકસેન, વિજયસેન, હેમાવતી, ગુરૂદેવ, વશિષ્ઠ મહારાજ, માનસિંહ,
અજયપાળ, શાહબુદ્દિન ઘોરી જેવા બધા પાત્રો સ્થાન પામ્યાં છે.
આ બધાં જ પાત્રો શૌર્ય, ખુમારી અને નેક-ટેક વાળાં પાત્રો છે.
" જય ચિત્તોડ"ની
સંવાદકલા ચોટદાર છે. ટૂંકા અને વેધક સંવાદો મોટે ભાગે જોવા મળે છે.
એકાદ-બે સંવાદો ઉદાહરણ તરીકે નોંધીએ. દા.ત. બાપા રાવળ :
" તમારા બેઉંના મનમાં હું રાજા થઇને જ બેસી ગયો છું
એટલે મને બિરદાવવા માટે આપણે રાજકચેરી તૈયાર કરવી જોઇએ..." ૧
બાપા રાવળઃ "પૂર્વજન્મનાં પરિચય વિના તો કોઇ કોઇને મળતું નથી.
મને સાચા સ્વરૂપે ઓળખી જવાની પણ તમે જ પહેલ કરી છે અને
ખરૂં પૂછો તો મારી જાતને હું પોતે જ ઓળખતો નથી.
એટલે તો વનવાસી બની આ સાધના કરી રહ્યો છું."૨
અહિં પ્રયોજવામાં આવેલી શૈલી શિષ્ટ અને તળપદી છે.
અલંકારો પણ ક્યાંક ક્યાંક પ્રયોજયા છે. દા.ત.
"સમ સમ વહી જતી રાતનાં સ્વચ્છ આભામંડળમાં નવલખ તારાઓનાં તેજ
મલકાટમાં પોતાનાં પ્રિયનાં અંતરનાં..."
જેવી રસ પડે તેવી શૈલીનો વિનિયોગ લેખકે કર્યો છે.
મેવાડ-ચિત્તોડની પશ્ચાદભૂમાં આલેખાયેલી આ નવલકથાનું એક મહત્વનું અંગ
તેની વર્ણનકલા છે. સ્થળવર્ણન, વ્યક્તિવર્ણન, લડાઇનું વર્ણન, વગેરે
માહિતીસભર અને જીવંત બન્યાં છે. દા.ત.
"નાગેન્દ્રનગર પાસેના જંગલની એ અખોગર ગિરીકંદરામાં ઘટાટોપ ઝાડી હતી.
જયાં જવાની ભાગ્યે જ હિંમત થઇ શકે. કોણ જાણે કેટલાં વરસથી એ ઝાડીમાં માણસનું પગલું નહોતું.
હિંસક પ્રાણીઓ અને સાપના રક્ષણ વડે નિર્જન રહી ગયેલી એ અજાણી વૃક્ષઘટા
વડે સુરજનો તડકો પણ જમીન સુધી પહોંચી શકતો નથી."૩
" જય ચિત્તોડ"
નવલકથામાં સૂર્યવંશી રજપૂત રાજા યુગપ્રવર્તક મેવાડપતિ બાપારાવળના જીવનચરિત્રને
આબાદ આલેખવાનો પ્રયાસ લેખકે કર્યો છે. ઇતિહાસનાં અમર વારસાને જાળવી રાખવાના ઉદ્દેશથી
આ નવલકથા લખાઇ હોય તેમ લાગે છે. સૂર્યવંશી, ચદ્રવંશી અને અગ્નિવંશી એમ ત્રણ
કૂળનાં ભારતીય રાજપૂતોમાં સૂર્યવંશી તથા ચદ્રવંશી રાજપૂત વીરોએ પોતાનાં તેજબળ વડે
પ્રદેશો જીતી પોતાની રાજસત્તાઓ સ્થાપી અને ભોગવી અને તેથી તેઓ પૃથ્વીપતિનું બિરૂદ પામ્યાં.
પોતાનો દેશ, પોતાની પ્રજા અને પોતાના ધર્મનું રક્ષણ કરવા માટે મથતા બાપા રાવળ જેવા
ચરિત્રો ઇતિહાસમાં અમર છે. આમ, આવા મહાનચરિત્રની યશગાથાનું આલેખન અહીં છે.
|
મેવાડના મહારથી :
|
ઈ.સ. ૧૯૭૬માં પ્રકાશિત થયેલી
' મેવાડના મહારથી'
નવલકથા ૩પ પ્રકરણ અને
૩૪૪ પૃષ્ઠમાં આકારિત થયેલી
ઐતિહાસિક નવલકથા
છે. આ નવલકથા પણ હરિલાલ
ની મેવાડ ગ્રંથાવલિને આલેખતી છે. આ નવલકથામાં મેવાડના રાણા
સંગ્રામસિંહના અવસાન પછી ચિત્તોડની રાજગાદી ઉપર આવેલા રાણા રત્નસિંહ, રાણા
વિક્રમાજિત અને રાણા ઉદયસિંહ આ ત્રણ રાજાઓના જીવનકાર્યો તેમજ તેમના રાજ્ય
અમલ દરમિયાન બનેલી ઐતિહાસિક ઘટનાઓનો ખ્યાલ મળે છે.
રાણા વિક્રમાજિત પછી થોડો વખત ચિત્તોડની રાજગાદી ઉપર નકલી ચમક બતાવી
ગયેલો વનવીર ભારે ઉપદ્રવ મચાવે છે. જે સત્તાલોભી છે. કર્તવ્યનિષ્ઠાની સાક્ષાત પ્રતિમા
જેવી મહાન નારી પન્નાદાઈએ જો પોતાના પૂત્રનું બલિદાન ન આપ્યું હોત તો મહારાણા
ઉદયસિંહ કિશોર અવસ્થામાં જ વનવીરની તલવારનો ભોગ બની ગયા હોત પણ એવું ન
બન્યું. મહારાજા ઉદયસિંહ પચ્ચીસ રાજકુમારોનો બહોળો પરિવાર મૂકી પછી પરલોક
સિધાવે છે અને પ્રતાપસિંહ રાજગાદી સંભાળે છે. તેની વિગતોનું આલેખન અહીં છે.
આ નવલકથાની પાત્ર સૃષ્ટિ ગૌરવપૂર્ણ અને પ્રતાપી રાજાઓની છે. રાણા રત્નસિંહ,
રાણા વિક્રમાજિત, રાણા ઉદયસિંહ વગેરે પ્રતાપી પાત્રો આ નવલકથામાં સ્થાન પામ્યાં
છે તો રાજમાતા કર્માદેવી, અકબર બાદશાહ, પ્રતાપસિંહ તેમજ ધાવ પન્નાદેવી તો આ
નવકથાનું મહિમાવંતુ પાત્ર છે. તેનામાં શૌર્ય, સ્વામીભક્તિ અને ત્યાગ જેવા ગુણો છે.
આમ દરેક પાત્રો અહીં યોગ્ય સ્થાન પામ્યાં છે.
સંવાદકલાની દૃષ્ટિએ આ નવલકથાના સંવાદોમાં લંબાણ છે. સંવાદ પ્રયુક્તિ એકંદરે
સારી છે. દાત... પન્નાદેવી : "એરેરે, મારી ગોદમાં ઉછરેલા મારા અન્નદાતા કુમાર
ઉદયસિંહ દેવલોક પામ્યા !"૪
પન્નાદેવી : "આપણા પરમ પૂજ્ય મહારાણાના આ મહિમાવંત વંશજ કુમાર
સાબહેશ્રીને તમે અહીં રક્ષણ આપો, થોડા જ વખતમાં તેઓ જુવાન થઈ જશે પછી તો
કોઈને કશી ચિંતા નહીં રહે ?"પ
આ પ્રમાણે સંવાદો પાત્રોચિત છે.
અહીં પ્રયોજાયેલા શૈલી શિષ્ટ, તળપદી અને પદ્યાત્મક છટાવાળી છે. ઈ.સ.
૧૬ર૮ અને તે પહેલાનો સમય પસંદ કરવામાં આવ્યો છે. દિલ્હી, ચિત્તોડ, મેવાડ વગેરે
સ્થળોમાં આલેખાયેલી આ નવલકથા અકબરનાં શાસનકાળ સમયના વાતાવરણને આબેહૂબ
રજૂ કરે છે. તેમજ આ નવલકથાની વર્ણનકલા પ્રમાણમાં સારી છે. એકાદ ઉદાહરણ
જોઈએ... દાત..... "ચિત્તોડની શેરીઓમાં લોહી વહેતું હતું. લડાઈમાં ખપી ગયેલા રાજપૂત
વીરોના અસંખ્ય શબોના ઢગલાઓ ખડકાઈ ગયા હતા. અંગથી છૂટા પડી ગયેલા હાથપગ
અને મસ્તકો ઠેર ઠેર વેરાએલાં પડઢ્ઢાં હતાં. નિર્દય, ઘાતકી અને અસભ્ય યવન સૈનિકોએ
રાજપૂત સૈનિકો ઉપરાંત નિર્દોષ ચિત્તોડવાસીઓનો ય સંહાર કરી નાખ્યો હતો. નગરમાં
ઠેરઠેરથી મૃત્યુ માટે કણસતાં ઘાયલ માણસોની આખરી ચીસો સંભળાતી હતી અને ઘાયલ
થયેલાઓમાંના ઘણાઓ બાદશાહ બહાદુરશાહને ચિત્તોડમાં પ્રવેશેલા ન જોઈ શકવાથી
સ્વહસ્તે પોતાના પ્રાણ વિસર્જન કરતા હતાં. પુરૂષો ઉપરાંત સ્ત્રીઓ અને બાળકોના શબ
પણ ઠેરઠેર વેરાયેલા પડયા હતાં. શહેરમાં મોતના રાક્ષસે ઘૂમી વળી કાળજુ કંપાવી મૂકે
એવી સ્મશાનશાંતિ ફેલાવી દીધી હતી."૬
આમ ઈતિહાસના ગૌરવને પ્રાધાન્ય આપવાના ઉદ્શથી લખાયેલી આ નવલકથામાં
રાજાઓની ઐતિહાસિક વિગતોનો ક્રમ જાળવી રખાયો છે. એ નોંધપાત્ર બાબત છે.
|
દેશ ગૌરવ ભામાશાહ :
|
ઈ.સ. ૧૯૭૬માં પ્રકાશિત થયેલી
' દેશ ગૌરવ ભામાશાહ'
ર૯ પ્રકરણ અને ર૮૮ પૃષ્ઠમાં આલેખાયેલી હરિલાલ ઉપાધ્યાય કૃત મેવાડ ગ્રંથાવલિની ચરિત્રપ્રધાન
ઐતિહાસિક નવલકથા
છે. જેમાં મેવાડની ધરતીને બચાવવા માટે મહારાણા પ્રતાપના સૈનિકો યુદ્ધ
ભૂમિમાં જવા માટે તૈયાર થાય છે. એ સમયે ભામાશાનું કર્તવ્ય અનન્ય હોય છે. ભામાશા
પોતાની સ્વામીભક્તિ માટે ગૌરવ પામે છે. નવલકથાના અંતમાં મહારાણા પ્રતાપ દ્વારા
મહામંત્રી ભામાશાને મેવાડના પરમહિતચિંતક ઉદ્ધારકનો ગૌરપૂર્ણ ખિતાબ વંશ પરંપરાગત
માટે જાહેર કરવામાં આવે છે. આવા ભામાશા કે જેઓ અનેક સૈકાઓના લાંબા સમય
પછી પણ જેના યશોજ્જવલ કાર્યોની કીર્તિજ્યોત ઝંખવાઈ નથી અને જેનું નામ
દેશવાસીઓની સદભાવનાના પ્રતીકરૂપે અમર રહી ગયું છે. એવા કર્તવ્યપરાયણ
સ્વામીભક્ત-દેશભક્ત, દાતારશિરોમણિ, શૌર્યમૂર્તિ દેશ ગૌરવ મંત્રીશ્વર ભામાશાનાં પ્રેરક
જીવનકાર્યોને આ નવલકથામાં ઉજાગર કરવામાં આવ્યા છે.
અહીં મુખ્ય પાત્ર ભામાશા કર્તવ્ય પરાયણ, નિષ્ઠાવાન છે. આ ઉપરાંત મહારાણા
પ્રતાપ, ઝાલારાજ, માનસિંહ, લીલાદેવી, અકબર, સલીમ, કવિ પૃથ્વીરાજ વગેરે પાત્રો
અહીં સ્થાન પામ્યાં છે. આ દરેક પાત્રમુખે મૂકાયેલા સંવાદો પાત્રોચિત છે. દાત.....
ભામાશાઃ "આપણા બારીગર સરદાર રણવીરસિંહે મેળવેલી બાતમી પ્રમાણે ઉરસની
જિયારતને બહાને અકબર અજમેર આવ્યો છે. અને શાહબાજખાને લશ્કરનો સરદાર
બનાવી આપણને ઘેરી લેવાની એણે યોજના તૈયાર કરી છે.
.....?"૭
લીલાદેવી : "તું અમારું રાજપૂતાણીઓનું લોહી ચાખી ગયો છે. હરામી.....પણ હું
જોધપુરવાળાની જોધબા કે રામસિંહની સ્ત્રી જેવી સુખલોભી પામર નથી, ખબરદાર હવે
એક શબ્દ પણ........"૮
ઉપર્યુક્ત સંવાદો ખુમારીવાળા અને દેશદાઝથી સભર છે.
' દેશ ગૌરવ ભામાશાહ'
ની શૈલી સાદી, સરળ અને તળપદી ઓજસયુક્તત
કાંતિવાળી છે. વર્ણનકલાના એકાદ ઉદાહરણ દ્વારા નવલકથાની ભાષાશૈલીનો ખ્યાલ
મેળવીએ. દા.ત. " અક્બરના શબ્દો લીલાદેવીના મસ્તકમાં બંદૂકની ગોળી જેવા વાગ્યા.
ડરી જવાનો હવે કોઈ અર્થ નહોતો અને તિરસ્કારપૂર્ણ ગુસ્સાની ગરમી વડે ફાટફાટ થઈ
રહેલા લીલાદેવીના મસ્તકનું લોહી એની મૃગલી જેવી સુંદર આંખોમાં યતરી આવ્યું છતાં
એક ક્ષણ એનાથી બોલી જ ન શકાયું." ૯
નવલકથાના વર્ણનો જીવંત બન્યાં છે. એવા જ માહિતીસભર પણ છે. અહીં હરિલાલ
ઉપાધ્યાયે ભામાશા જેવા વીરલાને કેન્દ્રમાં રાખી તેનું ગૌરવ જાળવી રાખવાનો પ્રયાસ
કર્યો છે જે લેખકની નોંધપાત્ર સિદ્ધિ છે.
|
વિજય વરદાન :
|
ઈ.સ. ૧૯૭પમાં પ્રકાશિત થયેલી
' વિજય વરદાન'
નવલકથા ૩પ પ્રકરણ અને રપપ પૃષ્ઠમાં વિભાજિત થયેલી
ઐતિહાસિક નવલકથા
છે. જેમાં રાજસ્થાનના ઈતિહાસની
કથા છે. લેખક પ્રસ્તાવનામાં લખે છે કે "સદીઓ પર્યંત પરદેશોમાં રાજસત્તા ભોગવ્યા
પછી ભારતમાં ફરીથી ઉતરી આવેલા યદુવંશી રજપૂતોની ભટ્ટી શાખાના શૂર શિરોમણિ
કેહૂડ ભટ્ટીએ સિંધમાં તણોટનગર વસાવી ત્યાં પોતાની રાજસત્તા સ્થાપી. પરંતુ તેના સામે
દગાબાજ વિદ્રોહ થતાં તેની હત્યા થઈ ને એ વિનાશમાંથી ઉગારી લેવાયેલા તેના પૂત્ર
દેવરાજ ભટ્ટીએ પિતાનું ગયેલું રાજ પાછુ મેળવ્યાની આ કથા છે."
છત્રપતિ મહરાજ કેહૂડ ભટ્ટી અને સુરજદેવી કેન્દ્રસ્થ પાત્ર છે. અંતે શક્તિ સ્વરૂપા
વીજલ અને મલુજીનું મિલન થાય છે અને ભટ્ટીકુળનો રાજ્યઘ્વજ ફરકતો રહે છે.
' વિજય વરદાન'
નવલકથાની પાત્રસૃષ્ટિ ઐતિહાસિક સંદર્ભે ઘણું મહત્વ ધરાવે છે.
જેમાં દાસી વીજલ, મલુજી, કેહૂડ ભટ્ટી, પટરાણી સુરજદેવી, રતનાજી, ઝીમી, યોગીજી,
રાજા દેવરાજ વગેરે પાત્રો છે.
અહીં પ્રયોજવામાં આવેલી સંવાદકલા સામાન્ય છે. લાંબા અને માહિતીસભર
સંવાદો જોવા મળે છે. દા.ત. રતનાજી : "ચારણદેવે પોતાની આપવીતી અને જીવતરને
પલ્લે પડેલ કવળી વિગત જણાવી તે વાત મેં માની લીધી. તમને દેવપદ તો તમારાં રૂડાં
કામ વડે જ મળી ગયું છે. ચારણી જોગમાયા નાગભાઈ ઉપર અસુરના પાપ પડછાયા
પડે તેની ના નહીં પણ આતો તમારી વાત થઈ. મારી વાતનો બોલ કોલ મેં તમને આપી
દીધો. અમે બે પતિ-પત્ની તથા મારા સાત દીકારાને મેં મારે આંગણે આવેલા મોંઘેરા
મોતી જેવા આ માનવંત બાળુડા મહેમાનની રક્ષા આડે આણ દઈને આગળ ધરી દીધા છે
અને મારી જનોઈ તથા ચોટીના સોગન બીજીવાર ઉચ્ચારવાની જો જરૂર ન લાગે તો તમે
બેઉં જણ જે સારા અમારાં હૈયામાં યગ્યું છે તેની સાચી વિગત જણાવી દ્યો એટલે મોંઘેરા
રતન જેવા આપણા આ બાળુડા વીરનું જતન કરવાને માર્ગ કંડારી શકાય
....."૧૦
આ નવલકથાની ભાષાશૈલી શિષ્ટ અને તળપદી છે. લાઘવયુક્ત શબ્દોવાળી છે.
કહેવતો અને અલંકારો પણ અહીં પ્રયોજવામાં આવ્યા છે. આ શૈલીમાં પ્રયોજાયેલી
વર્ણનકલાનું એક ઉદાહરણ જોઈએ. દા.ત. "ઉઘાડાં આકાશ અને ખુલ્લી ધરતીની ગોદમાં
પડેલા નિર્દોષ વનવાસી ચારણ માલધારીઓ ખોટું તો ન બોલે, મળેલી બાતમી પ્રમાણે
વિલાપની ચીસો પાડનારો એ જુવાન માલધારી ગાંડપણની અસર હેઠળ સિંધુના જળમાં
ડૂબી આપઘાત પણ કરી બેઠો હોય....."૧૧
આ ઉપરાંત અન્ય વર્ણનો પણ તાદૃશ બન્યાં છે. અહીં સિંઘ પાટનગર, તણોટનગર,
દેવરાગામ જેવા સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ શીર્ષક પણ સાર્થક ઠરે છે.
|
શૌર્યપ્રતાપી મહારાણા પ્રતાપસિંહ :
|
ઈ.સ. ૧૯૭૬માં પ્રકાશિત થયેલી
' શૌર્ય પ્રતાપી મહારાણા પ્રતાપસિંહ'
નવલકથા ર૯ પ્રકરણ અને ર૪૦ પૃષ્ઠમાં આકારિત થયેલી હરિલાલ ઉપાધ્યાયકૃત
ઐતિહાસિક નવલકથા
છે. જેમાં શૌર્યશક્તિ અને અણનમ સ્વતંત્રતાના જીવંત પ્રતીકસમા ક્ષત્રિયકુળ
શિરોમણિ મેવાડપતિ મહારાણા પ્રતાપસિંહના યશોજ્જવલ જીવનકાર્યનો પ્રેરણાદાયી
પરિચય આપેલ છે. તેઓ પ્રચંડ સૈન્યશક્તિ ધરાવનાર દિલ્હીનાં બાદશાહ અકબર સામે
અંતિમ શ્વાસ સુધી ટકી રહી પોતાની સ્વતંત્રતા માટે લડે છે.
આ નવલકથાની પાત્રસૃષ્ટિ રજપૂત રાજાઓની કિર્તિને જીવંત રાખતી છે. જેમાં
મુખ્ય પાત્ર મહારાણા પ્રતાપસિંહનું છે. આ ઉપરાંત મહારાણા ઉદયસિંહ, શક્તિસિંહ,
જગમાલ, અકબરનો માનીતો રાજા માનસિંહ વગેરે આ નવલકથામાં સ્થાન પામ્યાં છે.
આ દરેક પાત્રમુખે મૂકાયેલા સંવાદો આકર્ષક, ટૂંકા, ચોટદાર અને જીવંત છે. થોડાક
સંવાદો જોઈએ. દા.ત.
માનસિંહ : "હવે ભડ થઈ રહેજો, તમારી આ શેખી ક્યાં સુધી ટકી
રહે છે એ હું જોઈ લઈશ...."૧ર
મહારાણા પ્રતાપસિંહ : "મારા તેમજ મારા મેવાડ દેશના
સંકટ કાળે આપ અમારી સાથે રહ્યા છો, મને ટકાવી રાખવા માટે આપના અનેક રાજપૂતોએ
પ્રાણ પાથર્યા છે. આજે એ સંકટનું વાદળ જ્યારે આપ ઉપર મંડાયું છે ત્યારે જો લડાઈથી
હું દૂર રહું તો મારો ધર્મ ચૂક્યાનો અફસોસ મને જીવનભર સતાવ્યા કરે !"
ઉપર્યુક્ત સંવાદો પૈકી માનસિંહના ચરિત્રની ખુમારી સ્પષ્ટ દેખાય છે અને
મહારાણા પ્રતાપસિંહનાં પાત્રમાં ધીરજના ગુણો દેખાય છે.
અહીં પ્રયોજાયેલી શૈલી વાચકને આરંભથી અંત સુધી ઝકડી રાખે તેવી કહેવતો
અને અલંકારોવાળી તળપદી અને શિષ્ટ શૈલી છે અને આવી રસાળશૈલીમાં પ્રયોજાયેલી
વર્ણનકલા ઘ્યાનપાત્ર છે. દા.ત. "ખીણમાં ઉતર્યા પછી ભીલ જુવાનો ભેખડોમાં ઝૂલતાં
ઝાડ, વેલાઓ પકડી બહાર નીકળી ગયા અને તેની પાછળ ધસેલી મોગલ ફોજ ચોતરફ
યંચી ભેખડોવાળી સાંકળી નાળીમાં સપડાઈ જવાનું જાણતાની સાથે જ યુદ્ધકુશળ મહારાણા
પ્રતાપસિંહ તથા તેના સૈનિકોએ નાકા ઉપર હથિયારોનો મારો
ચલાવ્યો."૧૩
"મારો ચલાવવામાં અગણિત ભીલોએ મહારાણાને જોરદાર સાથ આપ્યો.
વાદળછાઈ રાત્રીના ઘોર અંધારામાં પણ મહારાણાના શસ્ત્રઘાવોએ મોગલ સૈનિકોને
ભોંયભેગા કરવા માંડયાં અને પરોઢનું અજવાળું થાય તે પહેલાં તો સરદાર સહિત
આખેઆખી મોગલ ફોજનો મહારાણા પ્રતાપસિંહે નાશ કરી
નાખ્યો."૧૪
આમ, આ નવલકથાના વર્ણનો તાદૃશ બન્યાં છે. ચેતકનું વર્ણન, મોગલ
ફોજનું વર્ણન વગેરે.
મેવાડ, ચિત્તોડની પશ્ચાદભૂમાં આલેખન પામતી આ નવલકથા અકબર અને
મહારાણા પ્રતાપ સાથેના યુદ્ધનો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. તેમજ અહીં લેખકનો
ઉદ્દેશ શૌર્ય, ખુમારી, નેકટેક, ત્યાગ જેમનામાં છે તેવા મહારાણા પ્રતાપસિંહના ચરિત્રને
આબાદ રજૂ કરવું અને મોગલો સાથેના યુદ્ધને ઐતિહાસિક દૃષ્ટિએ રજૂ કરવું.
આમ,
' શૌર્ય પ્રતાપી મહારાણા પ્રતાપસિંહ'
નવલકથા સંવાદ, શૈલી, વર્ણન વગેરે
બાબતોમાં આસ્વાદ્ય બની છે.
|
મેવાડનો કેસરી :
|
ઈ.સ. ૧૯૭૬માં પ્રકાશિત થયેલી
' મેવાડનો કેસરી'
નવલકથા ૪૧ પ્રકરણ અને ૩૩૭ પૃષ્ઠમાં આકારિત થયેલી હરિલાલ ઉપાધ્યાય કૃત
ઐતિહાસિક નવલકથા
છે. જેમાં
મેવાડના સૂર્યવંશી સિસોદિયા રજપૂત રાજા ચિત્તોડપતિ રાણા હમીરસિંહ, રાણા ક્ષેત્રસિંહ,
રાણા લક્ષસિંહ, રાણા મોકલસિંહ, રાણા કુંભકર્ણ, રાણા ઉદયકરણ, રાણા રાયમલ અને
રાણા સંગ્રામસિંહ સુધીના આઠ રાજાઓના જીવનવૃતાંત લેખકે આપ્યા છે. આ નવલકથાની
શરૂઆત મહારાણા હમીરસિંહના રાજ્યાભિષેકથી થાય છે. દુશ્મનના પંજામાંથી રાજ્ય પાછું મેળવવા માટે સાથ આપનારી રાણી સોનગરીનું પણ રાજ્યમાં રાજ રીતથી સામૈયુ
કરવામાં આવે છે. અંતમાં સંગ્રામસિંહનો પૂત્ર રતનસિંહ બધો જ કારોબાર સંભાળી લે છે
અને મેવાડનું વાતાવરણ ગુંજી ઉઠે છે.
આ નવલકથાના પાત્રો ખમીરવંતા છે. હમીરસિંહ, હામાહાડા, લાલસિંહ, કાળુ
ધવલ, લક્ષસિંહ, મોકલસિંહ, ચુડાસિંહ, મહારાણા કુંભાજી, દીપસિંહ, ઉમરખા વગેરે અનેક
પ્રતાપી પાત્રો સમાવિષ્ટ થયા છે. આ દરેક પાત્રમુખે મૂકાયેલા સંવાદો ટૂંકા અને રોચક
છે. દા.ત. સંગ્રામસિંહ : "કવિરાજ તમારી કવિતાના બદલામાં હું તમને મારું મેવાડનું
રાજ્ય પાસા કરી દઉં છું."૧પ
ચૂડાસિંહ : "મા, બહ્માંડ ફરી જાય તોયે મારી પ્રતિજ્ઞા નહીં તૂટે અને નામદાર
મોકલસિંહ જ ચિત્તોડના સર્વસત્તાધીશ મહારાણા છે. તેમાં કોઈ મીનમેખ નથી માટે રાજપૂત
બેટાએ ફરી ફરીથી આ વાત કહેવાની ન હોય પરંતુ આપ મારા તથા આપના બીજા પૂત્રો
ઉપર વિશ્વાસ રાખજો કે અમારામાંનો એક પણ જ્યાં સુધી જીવતો ત્યાં સુધી અમારા
મહારાણા મોકલસિંહ સામે કોઈથી આંખ સુદ્ધાં નહીં ઉઠાવી શકાય
!"૧૬
આમ સંવાદો પાત્રોચિત છે. સિસોદિયા રાજાઓ કેટલા નેકટેક અને પ્રતિજ્ઞા પાલન
માટેના આગ્રહી હતા તેની પ્રતીતિ આપણને અહીં થાય છે. અહીં ઈતિહાસને ઉજાગર
કરવામાં ઉપકારક બને એવી રસાળ, તળપદી અને શિષ્ટ શૈલી આગવી રીતે લેખકે
પ્રયોજી છે.
વિ.સ. ૧૩પ૭ થી વિ.સ. ૧પ૮૪ સુધીના સિસોદીયા રાજાઓની આસપાસ બનતી
ઘટનાઓ અહીં લેખકે આબેહૂબ આલેખી છે. કુંભલમેર, કેલવાડા જેવા ચિત્તોડ અને
મેવાડના પ્રાંતો સ્થળ વિશેષ તરીકે પસંદગી પામ્યાં છે. ખાસ નોંધવા જેવી બાબત લેખકે
પ્રયોજેલી વર્ણનકલા અદ્યભૂત છે. તેમાંય વ્યક્તિવર્ણનો વાચકને એકચિત્ત કરી દે તેવા છે.
તેના એક-બે ઉદાહરણો જોઈએ. "વીરકેસરી મહારાણા હમીરસિંહના રાજ્યભિષેકનો
દિવસ મેવાડના ઈતિહાસમાં સૂવર્ણાક્ષરે લખાયો. પૂર્વજોની રાજગાદી પરાક્રમ વડે પાછી
મેળવનારા એ નરકેસરી મહારાણાના વિજ્યોલ્લાસ વડે ચિત્તોડના રાજમહેલનું વાતાવરણ
આનંદ તરબોળ બન્યું."૧૭
"અંધારી રાતના આકાશે નવલખ તારાઓ મલકતા હતા અને મેવાડી વીરોએ
ચાચા અને મેરા ઉપર જોરદાર હુમલો કર્યો. ભયંકર કોલાહલ સાંભળી તેના કુટુંબી જુવાનો
અને સાથીઓ દોડી આવતાં લડાઈનો મામલો મચ્યો અને વકરેલા વાઘ જેવા મેવાડી
વીરોએ તેના એકએક કુટુંબીઓ સહિત ચાચા અને મેરાને રહેંસી નાખી એના લોહી વડે
હાથ ધોયા."૧૮
આમ,
' મેવાડનો કેસરી'
નવલકથાનો ઉદ્દેશ સિસોદીયા રાજાઓના ઐતિહાસિક
સમયગાળામાં પથરાયેલા પરાક્રમો બતાવવાનો છે. લેખક અહીં રાજપૂત રાજાઓના
ઈતિહાસને આબેહૂબ આલેખી શક્યાં છે એ તેની નોંધપાત્ર સિદ્ધિ છે. શીર્ષક, વર્ણન,
પાત્રાલેખન વગેરેની દૃષ્ટિએ આ નવલકથા ઉત્તમ બની છે.
|
ચિત્તોડની રણગર્જના :
|
ઈ.સ. ૧૯૭૬માં પ્રકાશિત થયેલી
' ચિત્તોડની રણગર્જના'
હરિલાલ ઉપાધ્યાય કૃત
ઐતિહાસિક નવલકથા
છે. આ કૃતિ મેવાડનો જય જયકાર કરતી યશસ્વી અને ઉત્તમ છે.
ચિત્તોડ વિજેતા સૂર્યવંશી મહારાણા બાપા રાવળથી તેના વંશજ રાવળ તેજસિંહ સુધીના
મેવાડપતિ મહારાજાઓની જીવનઝલક દાખવવાનો લેખકનો ઉપક્રમ છે.
જય ચિત્તોડના
અનુસંધાનમાં સ્વતંત્ર રીતે આગળ વધતી આ
ઐતિહાસિક નવલકથામાં
તેના વારસદાર
મહારાજા સમરસિંહ રાવળથી મહારાણા હમીરસિંહ સુધીની સત્તર પેઢીઓના ચિત્તોડપતિ
રાજાઓમાં શૌર્ય શક્તિમય જીવનચરિત્રોની યશગાથા આ નવલકથામાં આકારિત કરવામાં
આવી છે.
આ નવલકથાની પાત્રસૃષ્ટિમાં શૂરવીર ચિત્તોડના સૂર્યવંશી રાજાઓ સ્થાન પામ્યાં
છે. મહારાણા તેજસિંહ, અમરસિંહ, સમરસિંહ, રાણી ચંદ્રાવતી, અનંગપાળ તુંવાર,
રાજપૂરોહિત નીલકંઠ રાવળ, જયચંદ રાઠોડ, પૃથ્વીરાજ ચૌહાણ, ખેમકરણજી, ભીમસિંહ
વગેરે અનેક રાજવંશી પાત્રો અહીં સ્થાન પામ્યાં છે. રાણી ચંદ્રાવતી આ નવલકથાનું એક
ગૌરવવંતુ પાત્ર છે.
' ચિત્તોડની રણગર્જના'ની
સંવાદકલા રોચક છે. સમગ્ર નવલકથામાં લાંબા અને
ચોટદાર સંવાદો જોવા મળે છે. દા.ત. ભીમસિંહ : " અત્યારની પરિસ્થિતિ આપણા માટે પ્રતિકૂળ નથી અને અનુકૂળ છે, રોજબરોજ દુશ્મનની તાકાત ભાંગતી જાય છે. જ્યારે
દુશ્મન ફોજની આખરી હામ તૂટી ગયેલી માલૂમ પડશે ત્યારે જ આપણે તેના ઉપર ધસી
જઈશું પણ એટલા સમયમાં ચિત્તોડનું રક્ષણ કરી આપણી તૈયારી વધારો
!" ૧૯
અહીં વર્ણનો મહદ્અંશે જીવંત બન્યાં છે. રાજાઓના ઐતિહાસિક પરિવેશને
આબેહૂબ કરવા વર્ણનો મદદરૂપ થાય છે. ચિત્તોડ, મેવાડ, દિલ્હી વગેરે પ્રાંતો આ
વર્ણનકલાને કારણે જીવંત લાગે છે. આ રાજાઓના નેક, ટેક, ખુમારી, ત્યાગ, બલિદાન
વગેરેને જીવંત આલેખવા એ જ લેખકનો ઉદ્દેશ હોય શકે.
|
લાખો ફૂલાણી :
|
લાખો ફૂલાણી'
ઐતિહાસિક નવલકથા
૩પ પ્રકરણ અને ૩૬ર પૃષ્ઠમાં વિભાજિત
થયેલી છે. આ નવલકથા ચરિત્રપ્રધાન છે. જેમાં જામ ફૂલ પોતાના પિતાનું રાજ્ય ધરણ
વાઘેલા પાસેથી પડાવે છે. ત્યારબાદ સોનલ સાથે લગ્ન થાય છે. બાભણાસનો વૃદ્ધ રાજા
ધુલારો જામફૂલનો સસરો હતો. તેને ત્યાં બચપણમાં એક વખત આશરો પણ મળે છે.
જામફૂલના પરદેશ ગયા પછી સોનલરાણી શણગાર સજતી નથી અને જામફૂલને ત્યાં
લાખાનો જન્મ થાય છે. કોઈક ગેરસમજણને કારણે સોનલ અગ્નિસ્નાન કરે છે ને અંતે
લાખો અને એમની બેન ડાહી ડુમનીનું મિલન થાય છે.
આ નવલકથાની પાત્રસૃષ્ટિમાં મુખ્ય પાત્ર જામફૂલ અને સોનલરાણી છે. ઉપરાંત
લાખો, ડાહીડુમની, રાજા ધુલારો, બેલાડી વગેરે પાત્રો ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્વ
ધરાવે છે.
' લાખો ફૂલાણી'
નવલકથાના સંવાદો ટૂંકા, ચોટદાર અને મર્માવી છે. દા.ત.
જામફૂલ : " સોનલ, હું જ ભૂલ્યો ને મેં તારા જેવી એક રખડેલ રૂપાળીને રાજરાણીનું પદ
આપી દીધું." ર૦
ઉપર્યુક્ત સંવાદમાં જામફૂલ કોપાયમાન થાય છે ત્યારે આ સંવાદ ઉચ્ચારે છે.
ત્યારે તેના પ્રત્યુતરમાં સોનલરાણી જે સંવાદ ઉચ્ચારે છે તેમાં કેટલી નરમાશ છે જે તે
પાત્રની ગૌરવવંતી પ્રતિભાને તાદૃશ કરી આપે છે. દા.ત. સોનલરાણી : "રાજા તમે ભાન
ભૂલ્યા, તમને કોઈક પાપીઓની મેલી રમતે જીતી લીધા ને, એ મેલી રમતમાં ફસાઈ જઈ
તમે બહું મોટી ભૂલ કરી બેઠાં....."ર૧
અહીં લેખકે પ્રયોજેલી શૈલી સાદી, સરળ તેમજ કહેવતો અને દૂહાઓવાળી છે.
પદ્યમયતા પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે અને કચ્છ અને સિંઘ પ્રદેશનું આલેખન અહીં
છે. તેના પ્રાદેશિક આલેખનો આ શૈલી દ્વારા શોભી ઉઠે છે.
આ નવલકથાના વર્ણનો જીવંત અને તાદૃશ બન્યા છે. ખરેખર વર્ણનો પ્રયોજવાની
કલામાં લેખક ક.મા. મુનશીની હરોળમાં પહોંચી શકે તેમ છે. વર્ણનકલાનું એકાદ ઉદાહરણ
જોઈએ : દા.ત. "ચોમાસાની ઋતુમાં એ ડુંગરાળ જમીનના પસાડાઓમાં તો જાતજાતની
અમૂલ્ય ઔષધી વૃક્ષો ને વેલાઓ યગી નીકળે પરંતુ અમરવેલ તો માત્ર એ એક અંજારના
ડુંગરાઓમાં જ ઉગતી હતી. નામ પ્રમાણે એ વેલાળી વનસ્પતિ સદા સર્વ લીલી જ
રહેતી. સાત સાત દુકાળ પડયે ધરતીના ક્લેવર ફાટીને ધાણીયા થઈ જાય, ફળ સૂકાઈ
જાય ને ધરતી ખાવા ધાતી હોય એમ બળઝળું બની રહે છતાં પણ અમરવેલ તો લીલી
જ રહે, ને એના શોધનારા એવે વખતે જ સાચી અમરવેલ શોધી શકે."રર
આમ પ્રકૃતિ વર્ણનો ઉપરાંત પાત્રોચિત વર્ણનો પણ આકર્ષક બન્યાં છે. અહીં
લેખકે
લાખા ફૂલાણી
જેવા ઐતિહાસિક ચરિત્ર ને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે તે એક
મહત્વની બાબત ગણાય છે.
લાખો ફૂલાણી
ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે.
તેના નામ પરથી ગુજરાતી સિનેમા પણ બનેલી છે.
|
રણમેદાન :
|
' રણમેદાન'
નવલકથા ૪ર પ્રકરણ અને ૩૯૧ પૃષ્ઠમાં આકારિત થયેલી છે. જેનું
વસ્તુ ભૂચરમોરી સમરાંગણનું છે. મોગલ સમ્રાટ અકબરના સેનાપતિ અઝીઝ કોકતલાશ
અને જામનગરના જામસતાજીની હરિફ ફોજોએ વિનાશક યુદ્ધતાંડવ ખેલ્યું હતું. તેનું યથાતથ
આલેખન અહીં છે. આપણે જાણીએ છીએ કે ભુચરમોરીની લડાઈ સૌરાષ્ટ્રનાં ઈતિહાસમાં
માનવસંહારની મોટામાં મોટી લડાઈ હતી. તેનું કારણ એ છે કે અકબરે ગુજરાત જીત્યું
ત્યારે મુજફરને કેદ કર્યો હતો અને ગુજરાતમાં જાગી પડેલી એ ગરબડ સમાવવા સારું
અકબરે આઝીઝ કોકતલાશને લશ્કરીબળ સાથે મોકલ્યો એ શાહી ફોજથી ડરી જઈ મુજફર
જામનગરના જામસતાજીને આશ્રયે જઈ ભરાયો. અઝીઝ કોકતલાશે જામસતાજી ઉપર
દબાણ આણી મુજફરને સોંપી દેવાની માગણી કરી, જામસતાજીએ મુજફરને સોંપ્યો નહિ
અને એના પરિણામે ભૂચરમોરીની ખૂનખાર લડાઈ સળગી યઠી. આમ અકબર એક શક્તિતશાળી રાજા હતો. જ્યારે અકબરની લશ્કરી ટૂકડી મુજફરને દિલ્હી લઈ જતી હતી
ત્યારે તે અસ્ત્રો ફેરવી પોતાની જાતને જ મોતને ભેટ ધરી દે છે. આવું વસ્તુ અહીં પ્રયોજવામાં
આવ્યું છે.
અહીં મુજફર અને અકબર મુખ્ય પાત્ર છે. આ ઉપરાંત જામસતાજી, અકબરનો
સેનાપતિ કોકતલાશ, સ્ત્રીપાત્ર જાનુ, જેસાવજીર, જોમાબાઈ, જામરાવળ, લોમાખુમાણ,
ઈતમાદખાન વગેરે ગૌરવશાળી પાત્રો આ નવલકથામાં સ્થાન પામ્યાં છે.
આ નવલકથાના સંવાદો પાત્રોચિત છે. ટૂંકા અને ધારદાર સંવાદો દ્વારા વસ્તુને
જુદો જ વળાંક પ્રાપ્ત થાય છે. સંવાદોના ઉદાહરણો જોઈએ. દા.ત. લોમોખુમાણ :
"નામદાર, મોટી મોટી રાજસત્તાના સાણસા વચ્ચે મારા જેવા નાનકડા માણસને પોતાનું
ઘર સાચવવાનું કેટલું મુશ્કેલ છે એ તો અમારા મન જાણે છે. અમો નાના માણસો તો
કાઠિયાવાડમાં એક મોટી અને સર્વોપરી ઝંખીએ છીએ. નીકર સત્તાને રવાડે ચડી ગયેલા
બળવાન રાજપૂતો એક દિ' આ દેશમાંથી કાઠીઓનું નામનિશાન ભૂંસી નાખશે....
"ર૩
' રણમેદાન'
નવલકથાની શૈલી તળપદી તેમજ શિષ્ટ શૈલીનો વિનિયોગવાળી છે.
ક્યાંક ક્યાંક દૂહાઓ, કહેવતો વગેરે પણ જોવા મળે છે. અહીં ઉલટો, કળ, કળાતુ, રવાડે
જેવા તળપદા શબ્દો વિશેષ જોવા મળે છે.
અહીં રાજાશાહી સત્તાનું વાતાવરણ અને ૧પપ૪ થી ૧પ૯ર સમયગાળાની
ઘટનાઓ આલેખવામાં આવી છે. તેમજ ભૂચરમોરીના યુદ્ધની ઘટના નોંધપાત્ર છે.
આ નવલકથામાં વર્ણનો ઓછા આકર્ષક છે. છતા કેટલાક વર્ણનો તાદૃશ બન્યાં છે.
દા.ત. "એ અંધારી રાત સમસમ કરતી વહી જાય છે. આવ્યો દુશ્મન હાથતાળી દઈને
અલોપ થઈ જાય એવા ગાઢ અંધકાર વચ્ચે એક મેલોઘેલો છતાં શસક્તત પુરૂષ ને બીજી
નારી વેગીલે પગલે ખાડા ખબડાવાળો અંધારો માર્ગ પડતાં આખડતા પસાર કરી રહ્યાં છે
જેસા વજીરની છાવણીએ પહોંચી જવાની તે અજાણ્યા માણસને તાલાવેલી
છે."ર૪
આમ
' રણમેદાન'
નવલકથાનું શીર્ષક પણ યથાર્થ છે. પાત્રાલેખન, સંવાદકલા,
વર્ણનકલા, રસનિરૂપણ વગેરેની બાબતમાં
' રણમેદાન'
આસ્વાદ્ય કૃતિ રહી છે.
|
મેવાડની તેજછાયા :
|
ઈ.સ. ૧૯૭૮માં પ્રકાશિત થયેલી
' મેવાડની તેજછાયા'
ઐતિહાસિક નવલકથા
પર પ્રકરણ અને ૩૯ર જેટલા બહોળા પૃષ્ઠોમાં આકારિત થયેલી છે. જેમાં ભારતીય શૌર્યશક્તિ
અને ભારતવાસીના ધર્મભાવનાની પ્રતીકરૂપ રાજપૂત કુળશિરોમણી મેવાડના સૂર્યવંશી
સિસોદીયા રાજાઓની નેક-ટેક, ધર્મપાલન અને અણનમ સ્વતંત્રતાનો ભવ્ય ઈતિહાસ
રજૂ કરવામાં આવ્યો છે. ભારતીય શૌર્યશક્તિનાં આત્મા જેવા સૂર્યવંશી ક્ષત્રિય
રાજવંશીઓના આદિપિતા ભગવાન વિવશ્વાન સૂર્યથી રાજા સુમિત્ર ત્યારબાદ અનુક્રમે
કનકસેન, બાપારાવળ, પ્રતાપસિંહ, અમરસિંહ, ફતેહસિંહ સુધીના રાજકર્તાઓની સેંકડો
પેઢી અને હજારો વર્ષોના ઈતિહાસનું આલેખન આ નવલનું વસ્તુ છે.
અહીં જે કનકસેન, બાપારાવળ, પ્રતાપસિંહ, અમરસિંહ, ફતેહસિંહ જેવા મહાન
અને ખમીરવંતા પાત્રોના ચરિત્રને ઉજાગર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ તેની
આસપાસ અન્ય ગૌણ પાત્રો પણ છે. આ બધા જ પાત્રો ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્વ
ધરાવે છે.
આ નવલકથાની શૈલી સાદી અને સરળ છે છતા તેનો કથાવેગ સામાન્યતઃ સતત
જળવાઈ રહે છે. લેખક ગ્રામ્યજીવનથી નજીક હતા એટલે સામાન્ય રીતે તેની શૈલી તો
તળપદી લહેકાવાળી રહેવાની જ. આ શૈલીમાં રજૂ થયેલા સંવાદો રોચક, ટૂંકા અને જીવંત
લાગે છે. દા.ત. અમરચંદ : "હવે તો એક પાઈ પણ આપવા અમે તૈયાર નથી અને
તમારાથી થાય તે કરી લેજો."રપ
આ નવલકથામાં અકબર અને ઔરંગઝેબના સમયનું વાતાવરણ જોવા મળે છે.
દિલ્હી, મેવાડ, ઉદયપુરની પશ્ચાદભૂમાં આલેખાતી
' મેવાડની તેજછાયા'
નવલકથાનું શીર્ષક
સાર્થક છે. તેમજ વર્ણનકલા તાદૃશ અને જીવંત છે. અહીં પ્રયોજવામાં આવેલા વ્યક્તિવર્ણનો,
સ્થળવર્ણનો, યુદ્ધનું વર્ણન વગેરે નોંધપા છે. દા.ત. " માધોજી સિંધિયાની ફોજ પ્રતિક્ષણ
ક્ષીણ થયે જતી હતી અને હવે તો તેના સિપાહીઓ જીવ બચાવી નાસી છુટવાની અણી
ઉપર મૂકાઈ ગયા હતા. એટલે લાચાર સિંધિયાને અમરસિંહ આગળ શરત સ્વીકારી લેવી
પડી અને તેની માગણી અનુસાર મેવાડના મહારાણા સાથે એણે સંધિ કરી."
આમ
' મેવાડની તેજછાયા'
નવલકથા ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે.
|
પડતા ગઢના પડછાયા :
|
' પડતા ગઢના પડછાયા'
હરિલાલ ઉપાધ્યાયની સર્વશ્રેષ્ઠ નવલકથા છે. આ કૃતિ
ગુજરાતી નવલકથા સાહિત્યમાં ઘણી પ્રતિષ્ઠિત છે. સમગ્ર નવલકથા બે ભાગમાં રજૂ થઈ
છે. જેમાં પડધરીનો ઈતિહાસ છે. કથાનો મુખ્યપ્રવાહ માનબાઈ તથા મેરુખવાસની
આસપાસ ગૂંથાયેલી છે. માનબાઈની પૂત્રી ગુલાબ પોતાની બહાદુરી વડે બધાને ચકિત
કરી દે છે. અંગ્રેજી શાસનના સમયમાં પ્રજાની પરિસ્થિતિ અને તે વખતનો સમાજ કેવો
હતો તે દર્શાવવાનો લેખકનો પ્રયાસ રહ્યો છે.
વૈવિઘ્યસભર પાત્રસૃષ્ટિ ધરાવતી
' પડતા ગઢના પડછાયા'
નવલકથા સાહિત્યિક
દૃષ્ટિએ નોંધપાત્ર છે. અહીં લગભગ ર૮૦ જેટલા નિમ્ન તેમજ ઉચ્ચ વર્ગના પાત્રો સમાવિષ્ટ
થયા છે. જેમાં મુખ્ય પાત્રો માનબાઈ, ગુલાબ, જમાલખાનજી, કાકાભાઈ, અજાજી, ભાણજી
મહેતા, મેરુ ખવાસ, દિપાંજીબાઈ વગેરે તેમજ દિવાન રણછોડજી, દેશદીપક અમરજી,
દેસળજી, ગોડજી વગેરે ગૌણ પાત્રો અહીં સમાવિષ્ટ થયા છે.
અહીં પ્રયોજવામાં આવેલી સંવાદકલા સારી છે. રહસ્યમયી, મર્માળા સંવાદો
પા મુખ દ્વારા રજૂ થયા છે. દા.ત. ગુલાબ : "હા, અને તમારે પણ એમ જ માનવું પડશે,
અત્યારે જો એમ માનશો તો લાભ થશે નહીં તો ગેરલાભ વહોર્યા પછી ડહાપણ આવશે
પણ ત્યારે બહું મોડું થઈ ગયું હશે."ર૬
ઉપર્યુક્ત સંવાદ દ્વારા લેખકની સંવાદ પ્રયોજવાની પ્રયુક્તિ કેવી ચોટદાર છે તેનો
ખ્યાલ આવે છે અને ભાષાશૈલી સાદી અને સરળ, તળપદી છે. ઈતિહાસ તત્વને ઉજાગર
કરવામાં આ પ્રકારની શૈલી ઉપકારક બને છે. વર્ણનકલાના ઉદાહરણ દ્વારા તેને સમજવાનો
પ્રયાસ કરીએ. દા.ત. "કચ્છના અખાતથી માંડીને છેક રાતા સમુદ્ર અને હિન્દ મહાસાગર
સુધીના દરિયાઈ માર્ગો ઉપરનો ભય ટળી ગયો. વહાણવટીઓને મન સોરઠના બેઉં
ભડવીરો દેવદૂત સમા મહાન ભાસ્યા, પોતાના બહાદુર મેરૂખવાસનાં નામ ઉપર
જામનગરની પ્રજા હર્ષોન્મત બની કારભારીઓ તથા અન્ય અધિકારી વર્ગ પણ ગર્વથી
ફૂલાયો. જામ જસાજીને મન પોતાનો આ લોખંડી સરદાર બહું કરમીપુરૂષ
ભાસ્યો."ર૭
આઝાદી પહેલાના સમયની ઘટનાઓનું આલેખન અહીં મુખ્ય છે. પડધરી,
જુનાગઢ, જામનગર વગેરે સ્થળોમાં આલેખાયેલી આ નવલકથામાં લેખકે ઈતિહાસ પ્રત્યેની
વફાદારી જાળવી રાખી છે એ તેની નોંધપાત્ર સિદ્ધિ છે.
|
નવાનગરના નરબંકા :
|
ઈ.સ. ૧૯૮૦માં પ્રકાશિત થયેલી
' નવાનગરના નરબંકા'
૩પ પ્રકરણ અને ૩૪૪ પૃષ્ઠમાં પથરાયેલી
ઐતિહાસિક નવલકથા
છે. અહીં જામનગરની રાજગાદી ઉપર આવી
ગયેલા અઢાર રાજાઓના સમય દરમિયાન બનેલી ઘટનાઓની વિગતો આપવામાં આવી
છે. લેખક નવલકથાની પ્રસ્તાવનામાં નોંધે છે કે " ચંદ્રવંશી જાડેજા રાજપૂત રાજાઓ અને
રાજવંશીઓના ઈતિહાસની આ ત્રીજી અને સ્વતંત્ર નવલકથામાં જામનગરના રાજ્ય સ્થાપક
જામ રાવળજી અને તે પછી સૌરાષ્ટ્રમાં આવેલ એ જામનગર રાજ્યની રાજગાદી ઉપર
આવી ગયેલા અઢાર રાજાઓના સમય દરમિયાન બનેલી ઘટનાઓ આ નવલકથાનું
વસ્તુ છે."
આ નવલકથાના પાત્રો જામરાવળજી, હરધોળજી, પંજુભટ્ટ, યોગીરાજ, લખાજી,
પ્રતાપસિંહ, જામરણમલ, જામવિભાજી વગેરે છે. તેમજ દરેક પાત્રોના સંવાદો પણ રોચક
છે. દા.ત. જામરાવળજી : "તમે કહેલી વાત મેં સાંભળી લીધી હવે આ બાબત બીજાને
જણાવવાની નથી."ર૮
' નવાનગરના નરબંકા'ની
ભાષાશૈલી તળપદી, શિષ્ટ અને લાઘવયુક્ત છે અને
જામનગર, કચ્છ જેવા સ્થળોનો ઉલ્લેખ છે અને રાજાશાહી સત્તાનાં સમયનું વાતાવરણ
અહીં લેવાયું છે.
આ નવલકથાના સ્થળવર્ણનો તેમજ પ્રાકૃતિક વર્ણનો માહિતીસભર બન્યાં છે. દા.ત.
"શિયાળો ઉતરતાં પોતાની પેદાશનું અનાજ આવતું થયું. વરસના પાકપાણી સારાં હતાં.
જુવાર, બાજરા અને કઠોળની મબલખ પેદાશ હતી
...."ર૯
આમ વર્ણનો તાદૃશ અને જીવંત લાગે તેવા બન્યાં છે. અહીં લેખકનો ઉદ્દેશ રાજાશાહી
સત્તાના સમયમાં ખાસ કરીને જામ રાજાઓના સમયમાં પ્રજાજીવન કેવું હતુ તેનું દર્શન
કરાવવાનો હોઈ શકે. આ નવલકથા શીર્ષક, સંવાદ શૈલી, વર્ણન એ દૃષ્ટિએ ઉત્તમ છે.
|
અપરાજિતા :
|
ઈ.સ. ૧૯૮૯માં પ્રકાશિત થયેલી
' અપરાજિતા'
૩૯ પ્રકરણ અને ૩૮૦ પૃષ્ઠમાં
વિભાજિત થયેલી છે. જેમાં ગુંતરીગઢના સાંધ સરદારોની કથા છે. સાંધ સરદાર કચ્છના
ગરડા પ્રાંતનું પાટગઢ જીતે છે. વાઘમ ચાવડાને પકડી લે છે. ને વાઘમ ચાવડાનું મૃત્યુ
થાય અને અંતે જામ ઉન્નડ અને સુમલ મળે છે. જામ મોડ પ્રજાને ન્યાય પરાયણ
રાજ્યવહીવટ થશે એવી ખાતરી આપે છે ત્યાં કથાનો અંત આવે છે. આ નવલકથા સંદર્ભે
લેખક પ્રસ્તાવનામાં નોંધે છે કે ગુંતરીગઢના સરદાર અને માલિક સાતસાંધની બેન ગુંતરીનું
નામ કચ્છના ઈતિહાસમાં ચળકતા હીરાની જેમ કીર્તિ સંપન્ન બની જળવાઈ રહ્યું છે.
રહસ્યમય એ રાજકુંવરીની આજુબાજુ કલ્પનાના રંગે પૂરેલી અનેક દંતકથાઓ પણ
સાંભળવા મળે છે અને એવી એક વાર્તા સાંભળ્યા પછી કચ્છનો પ્રાચીન ઈતિહાસ
ફંફોળતાં તે કથાનો ઈતિહાસ પુરાવો આપ્યો. સિંધના જામ લાખાધુરારાના પુત્ર જામ ઉન્નડ
તથા મોડ-મનાઈની સમકાલીન આ કથા રસપ્રદ ભાસી એટલે તેની ઐતિહાસિક ગવાહીને
વફાદાર રહેવાના નિષ્ઠાભર્યા પ્રયાસપૂર્વક ઈતિહાસના આ પ્રાચીન પ્રકરણ ઉપર પ્રકાશ
પાડવાની લગનથી મેં આ નવલકથા લખી છે.
આ નવલકથાના પાત્રો ગૌરવવંતા છે. ગુંતરીનું પાત્ર કચ્છના ઈતિહાસમાં હીરાની
જેમ ચમકતું ગૌરવશાળી પાત્ર છે. આ ઉપરાંત સાંધ સરદાર, જીમા, વાઘમ ચાવડો,
ગોડબા, જામઉન્નડ, રણુબા, મોડ અને મનાઈ વગેરે પાત્રો અહીં સ્થાન પામ્યાં છે.
પ્રસ્તુત નવલકથાની સંવાદકલા ભારે ચોટદાર બની છે દરેક પાત્રમુખે મૂકાયેલા
સંવાદો ટૂંકા અને અર્થસભર છે એકાદ બે સંવાદો જોઈએ. દા.ત. ગુંતરી : "ધન્ય છે તમને
વાઘમ બાપુ, દૂધસરિતા વહેવડાવતી આ કચ્છની ધરતી ઉપર હું તમારા જેવો એક શહૂરવંત
ક્ષત્રિય ધર્મપિતા ખોજી રહી હતી.... અત્યારે તમને બંધનમાંથી મુક્ત કરવા નથી આવી
પણ તમારી પાસેથી હું તમારી બેટી, મારી બેન સુમલની માગણી કરવા આવી છું. તમે
જો મને રજા આપો તો હું સુમલને મારા આવાસમાં લઈ જઈ મારી સાથે
રાખું...."/૩૦
ગુંતરીનો આ સંવાદ સાંભળી આકાશમાંથી જાણે દેવતાઓએ આશીર્વાદ વરસાવ્યો
હોય તેમ આનંદ વડે પાગલ જેવો બની ગયેલો વીર વાઘમ હરખભર્યે હૈયે બોલી
ઉઠયો : "કેદખાનામાંથી છોડાવી મારી સુમલને તમે ખુશીથી તમારી સાથે લઈ જાવ દીકરી !
તીખી તલવાર જેવી એ રાજપૂત બેટી જીવતી રહેશે તો તમે આખા જગતનું પુન્ય કમાશો
અને મારા વતી કહેજો મારી એ દીકરીને કે બેન, તારા શરીરને કોઈકનો મેલો હાથ અડકી
ગયો તોયે તું ગંગા જેવી પવિત્ર અને પતિતપાવની જ છો એમ સમજીને શાંત રહી જજે
અને સુમલના જીવતરની જ્યોત જ મારી કચ્છ ભૂમિનું ખમીર ટકાવી
રાખશે...."૩૧
ઉપર્યુક્ત સંવાદોના માઘ્યમ દ્વારા ખ્યાલ આવે છે કે તળપદી શૈલીનો વિનિયોગ
અહીં કરવામાં આવ્યો છે. કચ્છ અને સિંધ જેવા સ્થળોની ઘટના લેવામાં આવી છે. સાંધ
સરદાર અને વાઘમચાવડા વચ્ચે થયેલા વિનાશક યુદ્ધનું વાતાવરણ લેખકે આબેહૂબ ચિત્રિત
કરી બતાવ્યું છે.
' અપરાજિતા'
નવલકથાના વર્ણનો લેખકની પ્રતિભાને કારણે જીવંત બન્યાં છે.
દા.ત. નદીના રેતાળ પટમાં ઘોડાના પગરવ સાંભળી પાસેના કોતરમાં છુપાઈ બેઠેલા
મનાઈએ પોતાની વેધક નજર તે તરફ દોડાવી, જોયું તો જે માણસનો ભેટો થઈ જવાની
તક શોધતો હતો તે વાઘમ ચાવડો જ નજરે પડયો એની સાથે બે-ચાર અંગરક્ષકો હતા.
છતાં આવી અણમોલ તક સાંપડી ગયાથી જેના રોમ રોમમાં અનેરી ચેતના જાગી ઉઠી
હતી એવા મનાઈ મોડ સામે જોઈ ચાનક ચાવડાની રીતે હળવી ગર્જના કરી અને કહ્યું :
"મોટાભાઈ હથિયાર સંભાળી ઝટ સાબદા થઈ જાઓ, પણે બેઠેલા દેવી કાળકા આપણને
સાદ કરી બોલાવે છે."૩ર
આમ, આ નવલકથાના વર્ણનો વાચકના માનસને પકડી રાખે
તેવા છે.
ઈતિહાસના પ્રાચીન પ્રકરણ પર પ્રકાશ પાડવાના હેતુથી લખાયેલી આ નવલકથા
૧૯૬૬માં "કિસ્મત" માસિકમાં હપ્તાવાર છપાઈ હતી અને વિશાળ વાચક વર્ગ ઉભો
કર્યો. જે લેખકની નવલકથાકાર તરીકેની સિદ્ધિ બતાવે છે.
|
રૂધિરનું રાજતિલક :
|
' રૂધિરનું રાજતિલક'
નવલકથા ૪૧ પ્રકરણ અને ૪૧૬ પૃષ્ઠમાં વિભાજિત થયેલી
છે. કેટકેટલા ઐતિહાસિક સંદર્ભોને આધારે લેખકે આ વસ્તુ સંકલિત કર્યું છે. જેમાં સારવાન
ગોહેલ નામનો રાજા ખેરગઢમાં રહે છે. તેની પૂત્રી ગોડબાને તે અપાર વાત્સલ્યથી ઉછેરે
છે. આ કથામાં લાખો ધુરારો સારવાન ગોહેલની પૂત્રી ચંદ્રકુંવર સાથે લગ્નસંબંધથી જોડાય છે. અંતે જામફૂલ પોતાના વેરની આગમાં સળગતો હતો. ધરણ વાઘેલાની હત્યા જામ ફૂલ
દ્વારા કરવામાં આવે છે કારણ કે ધરણ વાઘેલો જામફૂલના પિતાનો હત્યારો હતો. જામફૂલે
ધરણ વાઘેલાની હત્યા કરી તેની ખાલ ઉપર ધેણ વાઘેલી ચોપાટ રમે છે એવો તેને ખ્યાલ
આવતા જ તે પોતાની ભેટમાંથી કટાર કાઢી પેટમાં મારી પોતાના ઉદરમાંથી પૂત્ર ખેંચી
પતિને આપી દે છે અને પછી તે મૃત્યુ પામે છે.
આ નવલકથામાં રાજા સારવાન, લાખો ધૂરારો, જામ ફૂલ, ધેણ વાઘેલી, ધરણ
વાઘેલા, ગોડબા, જામ ઉન્નડ વગેરે પ્રતાપી પાત્રો અહીં લેવામાં આવ્યા છે. આ દરેક
પાત્રમુખે મુકાયેલા સંવાદો ધારદાર અને ચોટદાર બન્યાં છે. કેટલાક સંવાદો જોઈએ. જામ
ફૂલ : "રાણીજી તમારી બેઠક નીચે એકવાર જોઈ લ્યો પછી જે બોલવું હોય ઈ
બોલજો."૩૩
ધેણ વાઘેલી : "રાજા, આવી ઠેકડી નો'તી કરવી, તમે મને મારા બાપના મૂડદાં ઉપર
બેસાડી."૩૪
આમ સંવાદ પ્રયુક્તિ જીવંત લાગે તેવી છે. આ પ્રતાપી પાત્રો દ્વારા જે સંવાદો
ઉચ્ચારાય છે તેમાં એક પ્રકારની વીરતા અને વેરની ભાવના દૃષ્ટિગોચર થાય છે.
ઐતિહાસિક વસ્તુને અનુરૂપ અને તેના બળુકા પાત્રોને શોભે તેવી શૈલી લેખકે
પસંદ કરી છે. વાચકના માનસને પકડી રાખે તેવી શૈલી અહીં પ્રયોજી છે અને
નવમી-દસમી સદીમાં સમગ્ર ગુજરાતના સિમાડાઓ ઉપર ચાવડા રાજપુતોની સત્તાનો
યુગ હતો તે સમયગાળો અહીં દર્શાવવામાં આવ્યો છે.
આ નવલકથાની વર્ણનકલા ઐતિહાસિક વાતાવરણને જીવંત બનાવવામાં સહાયભૂત
બને છે. તેના કેટલાક ઉદાહરણો જોઈએ. દા.ત. "અંધારી રાતે ભયાનક છે. જંગલની
ભેકાર ધરતીમાં ભાલાઓ વાવી બેઠેલા મોડ ને મનાઈ ચેતી ચેતીને પગલા ભરે છે.
માણસની નજર પણ ન આંબી જાય એવી સાવચેતી રાખી તે મોતના ભયને દૂર રાખી
રહ્યાં છે."૩પ
"આ વરસાદ વછોઈ છતાં યે સિંધુ માતાનાં અમીપાન વડે સદાયે ધરાઈ પડેલી
સિંધભૂમિના પડથાર ઉપર રાત્રીનાં અંધારાં છવરાઈ પડયાં હતા. આભની અભરહિણ
અટારીએથી તેજસ્વી તારાઓ મલકાટ વેરી રહ્યાં હતા,
ધરતીના પટ ઉપર ગાઉના ગાઉમાં પથરાઈને બેઉ પક્ષની વિશાળ સેનાઓ પડી હતી,
પણ સમરાંગણમાંથી માંસભક્ષી
પશુક્ષીઓની આનંદ કિકિયારીઓ સંભળાતી હતી."૩૬
આમ આ નવલકથાનું શીર્ષક પણ ઉચિત છે. રાજપુત રાજાઓનાં વેરઝેર, નેક-ટેક
અને ખુમારી કેવી હોય છે તેનું દૃષ્ટાંત આ નવલકથા દ્વારા મળે છે.
|
તાતી તલવાર :
|
' તાતી તલવાર'
૪૧ પ્રકરણ અને ર૮૬ જેટલા પૃષ્ઠોમાં વિભાજિત થયેલી
ઐતિહાસિક નવલકથા
છે. જેમાં વિક્રમ સંવત ૧૬ર૦ની સાલમાં ધ્રોળના ઠાકોર જસાજી
અને હળવદના રાજરાયસિંહ વચ્ચે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ખૂંખાર લડાઈ ખેલાઈ હતી. એ
લડાઈમાં રાયસિંહ સામે બહાદુરીથી લડીને ઠાકોર જસાજી મૃત્યું પામ્યા હતા તેની કથા
આલેખાઈ છે. અંતમાં રાજરાયસિંહ મરાયા. સોન ખાંભીઓને સિંદુર ચડાવે છે અને
જંગબહાદુર જંગો એને સલામી આપે છે.
આ નવલકથાનું વસ્તુ સંકલિત કરવામાં લેખકે ભારે પુરૂષાર્થ કર્યો છે. લેખક
પ્રસ્તાવનામાં લખે છે કે "આ વાર્તા લખવામાં વિભાવિલાસ અને બીજા ઐતિહાસિક ગ્રંથો
તેમજ વાર્તાકારો મારફત મળેલી હકીકતોનો ઉપયોગ કર્યો છે, તેમ જ મારા મિત્ર ઈશરાણી
ચારણ અને લેખકશ્રી રતુભાઈ ગઢવીએ આ કથા માટેની માહિતી મને આપી છે અને
દિલ્હીમાં રહેતી ચંદ્રમુખીનો કિસ્સો મેં એક વાર્તાકાર પાસેથી સાંભળ્યો હતો. એ ચંદ્રમુખીને
સંકટમાંથી બચાવનાર તરીકે રાયસિંહનું નામ મેં સામેલ કર્યું છે."
આ પ્રમાણે સંકલન કરેલું વસ્તુ વાચકને આરંભથી અંત સુધી ઝકડી રાખે છે.
આ નવલકથાના પાત્રો ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. ઠાકોર
જસાજી, રાજરાયસિંહ, અભાશેઠ, જામ વિભા, જેસો વજીર, હરભમજી, કવિ ઈશરદાન,
જાગા બારોટ, લાખાજી, બાંભણીયો વગેરે મુખ્ય અને ગૌણપાત્રો અહીં સ્થાન પામ્યાં છે.
ઠાકોર જસાજી રાજરાયસિંહના મામા હતા. આમ, લડાઈ તો એ બંનેની વચ્ચે જ હતી.
' તાતી તલવાર'
નવલકથાના સંવાદો કથાગતિ આપતા છે. અહીં જે સંવાદો જોવા
મળે છે તે પાત્રાનુરૂપ છે. દા.ત. ઠાકોર જસાજી : " સમાધાનના મુદ્દા શોધવા પડે એમ
નથી જામનગરની રાજગાદી એના સાચા માલિકને મળી જાય એટલે સમાધાન થઈ ગયું
એમ જ માની લ્યો !" ૩૭
કવિ ઈશરદાન : " ઠાકોર, આપ મને જામ વિભાજી એક જ
મગની બે ફાડ જેવા છો. બેઉ રાજા છો. રાજા તરીકે આપ આપની ઈચ્છા પ્રમાણે વર્તવા
સ્વતંત્ર છો, ત્યારે હું આપનો આશ્રિત ચારણ આપ પાસે મારી પોતાની વાત કહેવા
આવ્યો છું." ૩૮
આ નવલકથાની ભાષાશૈલી હળવી અને રોચક છે. તળપદા શબ્દો પ્રચુર માત્રામાં
પ્રયોજાયેલા છે. તેમજ પદ્યમયતા પણ કયાંક કયાંક પ્રયોજવામાં આવી છે.
દા.ત. "જોઈને
વહોરીએ જાત, ફાટે પણ ફીટે નહીં....."
આ નવલકથામાં સમય અને સ્થળ વિશે લેખકે ભારે ચોક્કસાઈ રાખી છે. વિ.સ.
૧૬ર૦ની આસપાસનો સમય લીધો છે. એટલે તે સમયનું વાતારવણ કેવું હતું તેનો પણ
ખ્યાલ આવે છે. જામનગર, હળવદ, ધ્રોલ, ધાંગધ્રા જેવા સ્થળોની પશ્ચાદભૂમાં આ
નવલકથાનું વસ્તુ ગૂંથાયેલું છે.
આ નવલકથાના વર્ણનો માહિતીસભર બન્યાં છે તેમ છતા બહું ઓછા વર્ણનો
અહીં જોવા મળે છે. કેટલાક ઉદાહરણો જોઈએ.
"બહારવટાંનો અઘોર પંથ સ્વીકારી લઈ એણે હાલારની ધરતી ધ્રુજાવવા માંડી.
જામનગર તાબાના ગામડાઓમાં ધોળે દિવસે સોપો પડી જવા લાગ્યો. ખેતર તથા
વાડીઓમાં કામ કરનારા ખેડૂતો હરભમજીના ભયથી ફાટી પડી ગામમાં ભરાઈ ગયા.
ખેતી પડી ભાંગી, રાજ્યની સમૃદ્ધિના એકમા મુખ્ય આધાર સમી ખેતી ઉપર જોખમી
પડછાયો ફરી વળતા જામનગરના રાજકર્તા વિભાજી તથા એના સહાયક મંડળને ભારે
આંચકો લાગ્યો."૩૯
કવિ ઈશરદાને રણમેદાન સામે પોતાની ગમગીન નજર ફેરવી. વિક્રમસંવત
સોળસોવીસની સાલનો એ લોહીખરડાયો દિન હતો.
સંઘ્યા પોતાના લોહીઆળ રંગો સંકેલતી હતી. રાત્રીનો અંધકાર ધીમે ધીમે જમાવટ
લેતો હતો. સ્મશાનશાંતિના ગૂઢ થર નીચે ઢબૂરાઈ ગયેલા રણમેદાનમાં ઘાયલોને શોધનારી
મશાલો ઘૂમતી હતી.
મુડદાંઓના ઢગલાઓ વચ્ચેનાં લોહીનું કિચકાણ ખૂંદતા ખૂંદતા કવિ ઈશરદાન
તથા જાગા બારોટ ગમગીન હૈયે આગળ વધતા હતા. ત્યાં એક માણસ શ્વાસમાં ધમાતો સામેથી દોડી આવ્યો ને એણે કવિ ઈશરદાનને સમાચાર આપ્યા કે, "નામદાર ઠાકોરશ્રી
જસાજી તલવારના ઘાવમાં ચકચૂર બનીને પણ હજુ જીવે છે ને ભાનમાં
છે."૪૦
આમ
' તાતી તલવાર'
નવલકથા સંવાદકલા, ભાષાશૈલી, શીર્ષક એ દૃષ્ટિએ યથાર્થ
છે. આ નવલકથાના સંદર્ભે એક વિશિષ્ટતા એ જોવા મળે છે કે નવલકથાની શરૂઆતનું
અને અંતનું વિધાન એકજ પ્રસંગની પ્રતીતિ કરાવે છે.
|
છેલનામી સૌરાષ્ટ્ર :
|
ઈ.સ. ૧૯રરમાં પ્રકાશિત થયેલી
' છેલનામી સૌરાષ્ટ્ર'
ઐતિહાસિક નવલકથા
હરિલાલ ઉપાધ્યાયની ગુજરાતી નવલકથા સાહિત્યમાં ખૂબ આદર પામેલી કૃતિ છે. ૪૧
પ્રકરણ અને ૩૮૬ જેટલા પૃષ્ઠોમાં તેનું વસ્તુ વિભાજિત થયું છે. અહીં છેલભાઈના
જીવનચરિત્રનું આલેખન છે. છેલભાઈના યુવાકાળથી માંડીને દેહવિલય સુધીનું વૃતાંત આ
નવલમાં આપેલું છે. લેખક પ્રસ્તાવનામાં લખે છે કે " વીર શિરોમણિ છેલભાઈએ ધાંગધ્રા,
જૂનાગઢ, જામનગર, ભાવનગર ને વડોદરા રાજ્યના પોલીસ હાકેમપદે રહી સને
અઢારસો ને નેવુંથી ઓગણીસમો છપ્પન-છ દાયકાના લાંબા ગાળા સુધી પ્રજાજીવનની
સલામતી તથા શાંતિ જાળવવાની કસોટીભરી જે જવાબદારી અદા કરી તેનો તટસ્થ હકીકત
પરિચય આપતી આ ઈતિહાસ ઝલકમાં સામેલ પાત્રોનો સહયોગ પણ તે સમયની
કર્તવ્યનિષ્ઠા તથા વફાદારીનું દર્શન કરાવી રહે છે."
આ નવલકથા અંગે એટલું ચોક્કસ કહી શકાય કે તેનું વર્ગીકરણ કરવામાં મુશ્કેલી
કે મતમતાંતરો પ્રવર્તે છે.
" છેલનામી સૌરાષ્ટ્ર ઐતિહાસિક કથા તો છે જ પણ સાથોસાથ
વીરકથા, સમાજકથા, જમાનાનીકથા કે જાનપદીયકથા તરીકે તેને મુલવી શકાય."
અહીં છેલભાઈ દવે મુખ્ય પાત્ર છે. વીર શિરોમણિ છેલભાઈ પોલીસ હાકેમ પદે
હતા અને તેઓ ઈમાનદાર, કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ હતા. અનેક વ્યક્તિઓએ, નેતાઓએ તેની
પ્રસંસા કરી છે. છેલભાઈ અંગે ન્હાનાલાલે એક વિધાન કરેલું છે કે "અઢારસો સતાવન
પછી ભારતમાંથી વીરત્વ હણાઈ ગયું છે. પરંતુ, હજુ તેમાં એક અપવાદ વીર છેલભાઈ
છે." આ ઉપરાંત પંડયાજી, દાજીબાપુ વગેરે ગૌણ પાત્રો પણ અહીં લેવામાં આવ્યા છે.
આ નવલકથાના સંવાદો ચોટદાર અને ટૂંકા છે. બહુ ઓછા સંવાદો રજૂ થયા છે.
ઈતિહાસ વર્ણન વધારે છે. દા.ત. દાજીરાજ : "ભાવિમાં સત્તા પરિવર્તન થયા પછી પણ સત્તાધીશોને એવી ભલામણો કરવા જેવી ખરી કે આ દેશની પ્રજાના માનસનો અભ્યાસ
કર્યા વગર તેઓ પોતાની સત્તા શાંતિથી તો નહીં જ ભોગવી
શકે...."૪૧
છેલભાઈ :
"આ શબ્દો પ્રત્યેક પલે યાદ કર્યા કરવા જેવી જ છે, તો જ દેશનો સાચો ઉદ્ધાર
થશે."૪ર
આ નવલકથાની શૈલી શિષ્ટ અને તળપદી છે. કહેવતોનો પણ પ્રચુર માત્રામાં
ઉપયોગ થયો છે અને અહીં ૧૮૯૦ થી ૧૯પ૬ સુધીના છ દાયકા દરમિયાન સૌરાષ્ટ્રનું
વાતાવરણ તેમજ લોકોના રીતરિવાજ, રહેણીકરણી વગેરે કેવા હતા તેનું આલેખન
અહીં છે.
અહીં સૌરાષ્ટ્રના જુદા જુદા પ્રાંતોના વર્ણનો જોવા મળે છે. છેલભાઈની શૂરવીરતાનું
વર્ણન પણ સારી રીતે આલેખન પામ્યું છે. આમ, આ નવલકથા ખૂબ પ્રતિષ્ઠા પામી છે.
વાચક હૃદયને આનંદિત કરી દે અને છેલભાઈના ચરિત્રથી ભાવિ પેઢીને પ્રેરણા મળી રહે
એ લેખકનો ઉદ્દેશ છે.
આમ,
' છેલનામી સૌરાષ્ટ્ર'
હરિલાલ ઉપાધ્યાયની યશસ્વી અને સફળ કૃતિ
રહી છે.
|
આ પ્રમાણે હરિલાલ ઉપાધ્યાયની
ઐતિહાસિક નવલકથાને અંતે ચોક્કસ કહી
શકાય કે મર્યાદાની તુલનાએ સિદ્ધિઓ વિશેષ છે.
|
૪.૩) હરિલાલ ઉપાઘ્યાયની ઐતિહાસિક નવલકથાકાર તરીકેની સિદ્ધિઓ :
|
ઐતિહાસિક નવલકથા
ક્ષેત્રે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું નોંધપાત્ર પ્રદાન છે.
એવી જ રીતે હરિલાલ જાદવજી ઉપાધ્યાય પણ મુનશી પરિપાટીનાં સર્જક છે. જેવી રીતે
" ઐતિહાસિક નવલકથાઓમાં
પણ મુનશીએ બોલચાલની ભાષા વાપરી, પાત્રો પાસે
ચિન્તન ન કરાવ્યું. પાત્રોને સત્તા કે વ્યક્તિકેન્દ્રી આદર્શો માટે આગ્રહી દર્શાવ્યા. એ વલણને
અનુકૂળ રજૂઆતને લીધે કથારસને હાનિ ન થઈ, આરંભિક કૃતિઓના પ્રકાશનથી જ
વાચક લેખકની પકડમાં આવી ગયો, મોટે ભાગે વિવેચક પણ મુનશીની પ્રશંસામાં બે
ત્રણ વાત વારંવાર કહેવાઈ છે :
(૧) પ્રતાપી પાત્રો,
(ર) વેગીલો કથાપ્રવાહ અને
(૩) છટાદાર સંવાદો.
મુનશીના પ્રતાપી પાત્રો અન્ય પાત્રો પર સત્તા ભોગવવા મથે છે
પણ પોતાની આંતરિક સૃષ્ટિનો પરિચય આતા નથી. વેગીલો પ્રવાહ મુનશીએ
સભાનતાપૂર્વક અપનાવેલાં 'રોમાન્સ'નાં લક્ષણોને આભારી છે. મુનશી અદભુતમાં જ નહીં,
ક્યારેક અસંભવમાં પણ રાચે છે. તાર્કિક પ્રતીતિની એ પરવા કરતા નથી. આ
અભિપ્રાય એમની અમુક કૃતિને જ લાગુ પડે છે." ૪૩
અહીં હરિલાલ ઉપાધ્યાયે પ્રતાપી પાત્રો લીધા છે. ખમીરવંતા, નેક-ટેક, વીરતાથી
સભર પાત્રો ઐતિહાસિક તત્વને જાળવી રાખવામાં મદદરૂપ બને છે. આપણે આગળ
જોયું તેમ તેની મેવાડ ગ્રંથાવલિને લગતી નવલકથાઓ એકબીજા સાથે અનુસંધાન કરાવે
છે છતાંય સ્વતંત્ર કથાવસ્તુ ધરાવે છે. ભાષાશૈલીની દૃષ્ટિએ જોઈએ તો ભાષા સરળ છે.
મોટેભાગે તળપદા શબ્દો પ્રચુર માત્રામાં જોવા મળે છે. જે વસ્તુને આકર્ષક બનાવે છે અને
સંવાદકલા ચોટદાર પ્રયોજી શકયાં છે તેમજ વર્ણનો પણ વાચકની નજર સમક્ષ તાદૃશ થઈ
જાય તેવા છે. શીર્ષકો પણ દરેક
ઐતિહાસિક નવલકથાને
અનુરૂપ ઉચિત જ છે.
આમ, તેમની
ઐતિહાસિક નવલકથા
મોટેભાગે ઐતિહાસિક ચરિત્રોને વધારે લક્ષમાં
લઈને ચાલે છે. આ પ્રમાણે લેખકની સિદ્ધિઓ જોવા મળે છે.
|
૪.૪) હરિલાલ ઉપાધ્યાયની ઐતિહાસિક નવલકથામાં મર્યાદા :
|
માનવ વ્યવહાર અને જગતના નિરિક્ષણથી એક ડગલું આગળ વધીને સર્જકની
કલ્પનાસૃષ્ટિ સુધી પશ્ચિમની નવલકથા પહોંચી હતી ત્યારે ક. મા. મુનશી પછી હરિલાલ
ઉપાધ્યાય ઐતિહાસિક દૃષ્ટિએ અદ્ભૂત
નવલકથા
આપે છે.
' અપરાજિતા'
જેવી નવલકથાને
બાદ કરતા બીજી નવલકથાઓ સ્વરૂપની દૃષ્ટિએ આગળ પડતી છે. એમની મોટાભાગની
નવલકથાના વર્ણનો જીવંત છે પણ બહું ઓછા વર્ણનો સ્થાન પામ્યાં છે. કયાંક કયાંક
સંવાદ પ્રયુક્તિ પણ ઓછી અને રસહીન જોવા મળે છે, પણ આવી નજીવી મર્યાદાઓ
તેની અપાર સિદ્ધિઓ પાછળ દબાઈ જાય છે.
|
૪.પ) ઉપસંહાર :
|
આ મુજબ ઉપર્યુક્ત
ઐતિહાસિક નવલકથાની
સમીક્ષાને અંતે એટલું ચોક્કસ કહી
શકાય કે હરિલાલ ઉપાધ્યાયની મોટાભાગની નવલકથા વાચકને આરંભથી અંત સુધી
ઝકડી રાખે તેવી છે. અહીં લેખકે ઐતિહાસિક વસ્તુઓનું આલેખ કર્યું છે પણ ઈતિહાસને
ક્યાંય ખંડિત થવા દીધો નથી. મેવાડ ગ્રંથાવલિની નવલકથા લેખકે લખી છે તેમાં વસ્તુપ્રવાહ
જે રીતે આલેખ્યો છે તે ક્રમશઃ છે. એ તેની નોંધપાત્ર સિદ્ધિ છે. આમ, તેની
ઐતિહાસિક નવલકથાઓ
ગુણવત્તાની દૃષ્ટિએ આસ્વધ્ય બની છે.
|
સંદર્ભ સૂચિ:
|
૧. જય ચિત્તોડ - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. ૧૩૭, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ.
ર. એજન
૩. એજન, પૃ. ૯ર
૪. મેવાડના મહારથી - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. ૧૪૪, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ.
પ. એજન, પૃ. ૧૪૮
૬. એજન, પૃ. ૧ર૧
૭. દેશ ગૌરવ ભામાશાહ - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. પ૮, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ.
૮. એજન, પૃ. ૭૬
૯. એજન, પૃ. ૭પ
૧૦. વિજય વરદાન - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. ૮૪, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ.
૧૧. એજન, પૃ. ૧૬૪
૧ર. શૌર્યપ્રતાપી મહારાણા પ્રતાપસિંહ - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. પ૭, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ.
૧૩. એજન, પૃ. ૧રપ
૧૪. એજન
૧પ. મેવાડનો કેસરી - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. ૩ર૪, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ.
૧૬. એજન, પૃ. ૮૪
૧૭. એજન, પૃ. ૧
૧૮. એજન, પૃ. ૧પપ
૧૯. ચિત્તોડની રણગર્જના - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. ર૦૧
ર૦. લાખો ફૂલાણી - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. ૧૭૯
ર૧. એજન
રર. એજન
ર૩. રણમેદાન - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. ૩૩૬, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ.
ર૪. એજન, પૃ. ૧૩૮
રપ. મેવાડની તેજછાયાં - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. ર૧૧
ર૬. પડતા ગઢના પડછાયા - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. ૪૭
ર૭. એજન
ર૮. નવાનગરના નરબંકા - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. પ૮, પ્રકા. નવભારત સાહિત્ય મંદિર, ગાંધી રોડ, અમદાવાદ.
ર૯. એજન
૩૦. અપરાજિતા - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. ૩૬, પ્રકા. કોઠારી પ્રકાશનગૃહ, ગાંધીમાર્ગ, અમદાવાદ.
૩૧. એજન
૩ર. એજન, પૃ. ર૭૭
૩૩. રુધિરનું રાજતિલક - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. ૪૧૬
૩૪. એજન
૩પ. એજન, પૃ. ર૮૮
૩૬. એજન, પૃ. ૧૬ર
૩૭. તાતી તલવાર - લે. હરિલાલ ઉપાધ્યાય, પૃ. ૧૧૮, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ.
૩૮. એજન
૩૯. એજન, પૃ. ૪૧
૪૦. એજન, પૃ. ૧૬પ
૪૧. છેલનામી સૌરાષ્ટ્ર - લે. હરિલાલ , પૃ. ર૧૮, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ.
૪ર. એજન
૪૩. ગુજરાતી નવલકથા - લે. રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, પૃ. ૧ર, પ્રકા. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજય, અમદાવાદ-૬.
|
This site is dedicated as Online Tribute To The Greate Gujarati Author - Late Shri Harilal Upadhyay . |
|
|