લેખાંક : ૧૨ : ('હરિ'નું મન બાપુની ચારિત્ર્યભાવના પર ગર્વ વરસાવતું)
|
ધર્મગુરૂ નામે હરિ મિત્રતાને માંડવડે માણેલા બે-ચાર વધુ યાદગાર પ્રસંગોનું આચમન કરાવી લેવાની ઉતાવળમાં છે. સહુની છત્રછાયા સમા બાપુને 'ટી.બી.' - મહારોગ વળગ્યાનો સંદેહ જણાયો છે. એ સાથે હરિના પિતા લીવરની નબળાઇથી પીડાતા થયા છે. હરિ એક દીકરાનો પિતા બન્યો છે.
દેશ અને દુનિયાનું ભાવિ બીજાં વિશ્વયુદ્ધને ત્રાજવે તોળાઇ રહ્યું છે. ઘરમાં ઘણોખરો સમય નોંધપોથીઓ લખવામાં, વાર્તાઓ અને કાવ્યો રચવામાં ગાળે છે.
આખો વખત 'આ અક્કરમી' લખલખ કર્યાં કરે એ જોઈ મા અને સમોવડિયાં દાંતિયાં કરે છે. સામેથી હરિનું મન બોલે છે: 'તમે તમારાં જેવાં રહેજો - હું મારા અંતરાત્માને વેરનો સ્પર્શ નહીં કરવા દઉં. કુહાડો ચંદનને કાપે. કપાએલું ચંદન કુહાડાને સુગંધ આપે.'
'મારી આ પ્રવૃત્તિથી હું જો કાંઇ મેળવીશ તો તમને આપીશ.
ભલે તમે તિરસ્કાર કરો - હું પ્રેમ પ્યાલો જાળવી રાખીશ.'
અને રાજકોટની કોલેજમાં હરિને ત્યાં આત્મસંબંધી પ્રાણપ્રિય ભાઇ નર્મદ મહેમાન થઇ આવ્યો. એને જોઇ આનંદના દિવડા પ્રગટ્યા. નર્મદ એક નાનકડી ચોપડી હરિના હાથમાં મૂકતાં કહે છે: 'હરિભાઇ, ચાલુ વિશ્વયુદ્ધમાં જર્મનીની આક્રમણખોર પ્રચંડ ફોજ સામે લડાઇ આપતાં પકડાઇને ફાંસીને માંચડે ચડી ગયેલી રશિયાની વીર રમણી - 'તાન્યાઝોયા કાસ્મોદેન્સ્કાયા'ની શૂરકથા ઉપર તમે સરસ કાવ્ય લખો.'
'પ્રયાસ કરીશ.'
'ના, એમ નહીં. લખશો એવું વચન આપો.' આ શબ્દોમાં કાવ્ય લખવાનો આગ્રહ કરનાર નર્મદના હેતુનો ત્યારે કોઇ ખ્યાલ ન આવ્યો. 'તાન્યા'ની ઘટનાપ્રધાન - વાસ્તવિક ગાથા વાંચી ગયો. કથા કાવ્યમાં ઊતારવી કઇ રીતે? -આજની કવિતા કેટલી પ્રગતિશીલ, શહેરવાસી કેળવાયેલા કવિઓનો શબ્દવૈભવ ક્યાં અને ક્યાં ગામડાંના અંધારા ખાડામાં પડેલો માત્ર 'ભાવભાથું' ધરાવતો બિનઅનુભવી યુવાન?
બે ત્રણ દિવસ આનંદથી રોકાઇ નર્મદ ગયો. હરિનું ધ્યાન તો તાન્યાની વીરકથાનું કાવ્ય લખવામાં હતું.
એ અરસામાં બાપુની બેઠકે મળેલા મિત્રો વચ્ચે હરિને તાન્યાની વીરકથા કહેવાનો ઉમળકો થયો. 'ના, ના. એવી ઉતાવળ શા માટે?' અને અમારાં સર્વસ્વ જેવા બાપુ તો સ્વસ્થ નથી. તાવ અને ઉધરસની તકલીફ વધ્યે જાય છે. ખબર પડવા દેતા નથી, એનો પડકારો બોદો થયો નથી.'
હરિ, કવિ, બાપુ અને બીજા એક મહેમાન મોડીરાત સુધી વાતો કરી સૂતા, બરાબર ઊંઘ આવી નહોતી. એકાએક બેઠક પર કોઇકે કાંકરો ફેંક્યો. સફાળા બેઠા થઇ ગયેલા બાપુએ ધીમે સાદે પૂછ્યું: 'કોણ?'
સામેથી જવાબ ન મળ્યો એટલે ખુદ બાપુએ ઊઠી ડેલીનો દરવાજો ખોલ્યો. બહાર ઉભો હતો એક પિતા અને એની અતિસુંદર નવયૌવના પુત્રી. જે બેઉને ઓળખનાર બાપુ અત્યારે એનાં આવવાનું કારણ કલ્પીને પણ સ્વસ્થ અવાજે પૂછ્યું: 'કેમ અત્યારે? - અંદર આવી વાત કરને ભાઇ.'
પુત્રીને આગળ કરી ચિંતિત ભાવે પિતા બોલ્યો: 'મારી આ 'મીણલ' ઉપર ઝળુંબતા કાળપડછાયા વિષે બાપુ તમને ખબર છે. ખેધે પડી ગયેલા એ દુશ્મન મારી કળોઈ દીકરીને ઊઠાવી જઈ કલંકિત કરવાને ચાળે ચડી ગયા છે. શું કરું બાપુ? - સગામાં સગા એટલે કાંઈ થાય નહીં. બે દિ' પહેલાં મોટર લઇ ખેતરે કામ કરતી મીણલને આંતરી, પણ ઝાઝા માણસ ભેળાં થઇ જતાં દીકરી બચી. આજ સમી સાંજથી અટાણ સુધીમાં ત્રણવાર ઊંટસવારો અમારાં ઘર પાસે દેખાણાં. થયું કે દીકરીને બચવાનો એકમાત્ર આરો બાપુની છત્રછાયા જ છે.'
સાંભળીને બાકીનું બધું સમજી ગયેલા બાપુ બોલ્યા: 'આટલી બાબતે મેં એને ખૂબ ધમકાવ્યો. આખરે કાળાહાથ કરાવશે, નાલાયક. પણ કાંઇ ગામની આબરૂ ઉપર હાથ નાખવા દેવાશે?'
આમ બોલી એમણે મીણલ સામે જોયું.
એકવાર જોયાં પછી જેનાં રૂપની દિપ્તી જીવનભર ન ભૂલાય એવી મીણલ શરમાઇને નીચું જોઇ ગઇ. બાપુએ એના બાપને પૂછ્યું: 'હવે દીકરી માટે શું વિચારીને અહીં આવ્યા છો?'
'સવાર સુધી તમારી છત્રછાયામાં સૂવડાવશો ગગીને?' બાપે માગણી કરી. 'અરે વાહ, એમાં વળી પૂછવાપણું હોય? હાલ્ય, મારી દીકરી, આવતી રે મારી બેઠકમાં.'
ધીમા નિર્ભય ડગલે મીણલ બાપુ સાથે આવી, પુત્રીને નિર્ભય રક્ષણછાયામાં સોંપી એનો બાપ દરવાજેથી જ પાછો ઘેર ચાલ્યો ગયો.
અમોએ ખાટલા ફેરવી ખાલી કરેલી બેઠકમાં સૂઈ રહેવાનું કહેતાં બાપુ બોલ્યા: 'તારાં પિયરનું ઘર છે બેટી, અહીં રામનાં રખવાળાં. એ...ય મઝાથી નિરાંતવે મને સૂઇ જા. તરસ લાગે તો જો પાણીનો ગોળો ભર્યો છે.'
'અમે બધા બેઠકના ચોગાન વચ્ચે સૂતા છીએ.' સૂતી વેળા બાપુએ પોતાની બંદૂક સાથે રાખી. મહેમાન પણ બંદૂકધારી હતા!
હરિનું મન બાપુની ચારિત્ર્યભાવના ઉપર ગર્વ વરસાવતુ આખી રાત આટલો પ્રસંગ વિચારી રહ્યું. પેલી પ્રસિદ્ધ પંક્તિઓ યાદ આવી:
'જળ ગિયાં, જમીન ગઇ,
ગયા પોરસ ને પતિયાર.'
પતિયાર એટલે વિશ્વાસ. વિશ્વાસની સુગંધ દિન બ દિન જીવનમાંથી વિદાય થતી રહી છે. ધોબીને ધોવા આપેલાં કપડાંની ય પાવતી રાખવી પડે છે. મહામૂલાં જોખમ જેવી નવયુવાન અતિ સુંદર દીકરીને એનો બાપ આ ઘોર મધરાતે બાપુના વિશ્વાસે સોંપી ગયો.
'ના, ના. વિશ્વાસનો દોર આ ધરતીના માનવીએ સાવ તો ખંખેરી નથી નાખ્યો.'
એ પછીના થોડા દિવસે એ જ ગામના ગણનાપાત્ર સ્નેહિનાં આમંત્રણને માન આપી હરિ એને ઘેર ગયો. ઘરધણી વાડીએ હોવાનું જાણી તે ઘરબહારથી જ પાછો ફરતો હતો ત્યારે, એ ઘરનાં ફળિયાંમાં આવેલી ત્રાજવડાં ત્રોફનારી બાઇ બોલતી સંભળાઇ: 'ઘરની શોભા જેવાં બેનબાના ગુલાબરંગ્યા - સઠાયાં હાથપગ ઉપર રૂપાળાં ત્રાજુડાંની દેરડીયું જડી દેઉં બા. સોયના ચટકા યે મીઠા લાગે એવાં રૂપાળાં ત્રાજવડાં.'
તે વેળા-આજે પણ ક્યાંઇક ચોક્કસ વર્ગની યુવાન કુમારિકાઓ હાથપગની કલાઇઓ ઉપર સોયથી ત્રાજવાં ત્રોફાવતી હતી, ત્રાજવે જડેલાં એનાં રૂપ અનેરા લળક લેતાં.
'ત્રાજુડાંવાળી આવી છે' માએ ઘરના ઉંબરામાં ઉદાસ ઊભેલી ભરજુવાન દીકરીને આરજુભર્યા અવાજે કહ્યું - 'હાલ્યને મારી દીકરી. તને ગમે એવી 'બાનક' -ડીઝાઇનવાળાં ત્રાજવાં ત્રોફાવી લે, તારાં રૂપનું તો હું ગુમાન લઇને ફરી છું અને પછી તો મારો પોરસ ઝાલ્યો નહીં રે.'
નખથી ભીંત ખોતરતી પુત્રી એમ જ ચૂપ રહી, અને મા બોલી: 'સાંભળ્યું ને ગગી, આ ત્રાજવાંવાળી - હાથમાંથી ગ્યા પછી ગોતવી પડશે. લે, મારી દીકરી. હું તારી પાસે બેસું છું. તને સોયના ચટકાની ખબરે ય નૈં પડવા દઉં.'
'મા, ત્રાજવાં તો મેં કાળજે ત્રોફાવી લીધાં. હવે હાથ પગને શણગારવાનું શું કામ?' સામેથી યુવાન પુત્રી બોલી, જાણે પ્રણયભગ્ન નારીહ્રદય ચીસ પાડતું ન હોય? સાંભળીને તે ચૂપ થઇ ગઇ.
બિલકુલ સાદો એવો આ સંવાદ હરિને કાળજે ચોંટ્યો, અને વરસો સુધી મનમાં ઘૂંટાયા કરેલો એ પ્રસંગ, હરિની કલમે 'ધરતી લાલ ગુલાલ' નવલકથા નામે શબ્દદેહ પામ્યો.
*
બાપુની બિમારી વધે છે. ડોક્ટરની દવા કાર કરતી નથી. કવિએ - 'તું ન જન્મ્યો હોત જગતમાં, તો કાયર ઘર કે'વાત...' કાવ્યમાં બિરદાવેલા બાપુ દુનિયાની હસતે મોઢે વિદાય લેવાની તૈયારીમાં છે. એણે ધર્મગુરૂ અને કવિને પાસે બેસાડી કહ્યું: 'આપણું આ છેલ્લું મિલન છે. હવે તમે બેઉ મારી પાસે આવશો માં. તમને બેયને ભૂલી જવા દ્યો મને, નહિ તો મરતી વેળા મારો જીવ તમારામાં રહી જશે.'
ધર્મગુરૂ તો મુલાયમ મનવાળો હતો જ. 'બાપુ, આ શું બોલ્યા?' નજર સામેની ધરતી ફરતી જણાઇ. સાવજમુખા કવિએ મનમારી બાપુને કહ્યું: 'ભલે, તમારૂં વેણ માની લઇએ, પણ બાપુ તમે ઘણું જીવવાના.'
'ના, ના. એવાં ગળચવાં શીદ ગળવાં? દુર્ભાગ્યની વાત ન હોય. રાજપુત બેટા માટે મોતવાળી, પણ વસવસો એટલો કે ધીંગાણે કામ ન અવાયું. તોય કાંઇ નહીં, પડકારા કરતાં મોત ઉપર પગ મૂકીને ચાલ્યો જાઉં એટલોયે સંતોષ.'
'બાપુ.' ધર્મગુરૂ - હરિથી બોલી જવાયું.
ખડખડાટ હસી બાપુ બોલ્યા: 'સંત નરભેરામજી અને તે પછી શુકનાવળી દાજી તથા અમરદાસ બાવાજીએ ખાતરી આપી છે, કે ધર્મગુરૂના ભાગ્યનો સૂર્ય ઊગશે. પોતે તરશે, અનેકનો તારણહાર બનશે. અને જુઓ ધર્મગુરૂ, હવે હરિભાઇ બની સાંભળી લો. મેં બાતાવેલા બાવાની રાજુલને રામકલી નામ આપી એની કથા જરૂર લખજો. મારા માટે તમારે સ્તુતિ કરવાની હોય નહિ - કારણ હું તમારા માટે પારકો નહોતો.'
હરિભાઇએ 'રામકલી' નવલ લખવાનું વચન આપ્યું. કવિ અને હરિભાઇએ બાપુની વિદાય લીધી. મનોવ્યથા ભૂલવા કવિ હરિભાઇને પોતાને ગામ લઇ ગયા. ત્રીજા દિવસની પડતી સાંજે -ખાઉં ખાઉં કરત વાવડ સંભળાયા: 'ગઇ રાતે બાપુ દેવલોક પામ્યા.' અરે, રામ.
કવિ અને હરિભાઇએ સ્નાન કર્યુ. બીજા દિવસે સેંકડો શોકગ્રસ્ત સ્નેહિ-સંબંધીઓ સાથે કવિ અને હરિભાઇ બાપુની લૌકિકે ચાલ્યા ત્યારે બેઉની આંખો ચોધાર આંસુડે વરસતી હતી.
દાજી અને જીભા સહિત બધા એકી અવાજે બોલ્યા: ' પોતાના જુગને અજવાળનાર દીવો રામ થતાં - જુગ પોતે જ પુરો થ્યો.'
'જે ગમે જગતગુરૂ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો.' |