Gujarati Lekhak / Gujarati Sahityakar Shri Harilal Upadhyay
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements | Feedback
Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author of all the time A quote by Late Shri Harilal Upadhyay The Book collection A list of Gujarati Novels by Late Shri Harilal Upadhyay Gujarati Books and Gujarati Sahitya
A Quote by Harilal Upadhyay
A few words about Late Shri Harilal Upadhyay A Few Words  
A Few Words About Late Shri Harilal Upadhyay
Gujarati Historical Novels by Late Shri Harilal Upadhyay Historical Novels  
Gujarati Historical Novels or Historical Novels in Gujarati by Harilal Upadhyay - The Great Gujarati Author
Gujarati Social Novels by Late Shri Harilal Upadhyay Social Novels  
Gujarati Author Late Shri Harilal Upadhyay's Social Novels or Social Novels in Gujarati
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Short Story Collections  
Gujarati Lekhak - Harilal Upadhyay
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Biographies  
Biogrphies in Gujarati by Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author
Kids Special Gujarati Literature by Late Shri Harilal Upadhyay Kids Stuff  
Children Literature in Gujarati By Great Gujarati Author - Late Shri Harilal Upadhyay
Mahabharat katha in Gujarati by the Great Gujarati Author Late Shri Harilal Upadhyay Mahabharat Katha  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
YogManjari - Mini AutoBiography of The Great Gujarati Author Late Shri Harilal Upadhyay YogManjari  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
The Last Words of  Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author The Last Words  
Gujarati Sahityakar (Gujarati Sahityakaar) Late Shri Harilal Upadhyay's Last Words
Some of the achievements of Late Shri Harilal Upadhyay Achievements  
In The Loving Memories of Late Shri Harilal Upadhyay
Some of the achievements of Late Shri Harilal Upadhyay Harilal Upadhyay
Silver Medal
 
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Media Coverage | Late Shri Harilal Upadhyay In Media...  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Research Essay  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 2  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 3  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 4  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 5  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Feedback for https://harilalupadhyay.com/ - Online Tribute To Late Shri Harilal Upadhyay Feedback  
Feedback for the Online Tribute To The Great Gujarati Author - Harilal Upadhyay
Sitemap for https://harilalupadhyay.com/ - Online Tribute To The Great Gujarati Author Late Shri Harilal Upadhyay Sitemap  
SiteMap for Online Tribute Site To The Gujarati Writer Harilal Upadhyay
A banner containing snapshots of Some of the Gujarati Novels written by The Great Gujarati Author Late Shri Harilal Upadhyay

A few words about The Great Gujarati Author Late Shri Harilal Upadhyay પ્રકરણ : પ ઉપસંહાર


 
પ્રકરણ : પ ઉપસંહાર
ગુજરાતી સાહિત્‍યમાં મઘ્‍યકાલીન યુગથી માંડીને અર્વાચીન યુગ સુધીમાં સાહિત્‍યક્ષેત્રે ઘણા બધા ફેરફારો થાય છે. મઘ્‍યકાલીન યુગમાં પદ, આખ્‍યાન, રાસ, ફાગુ, પદ્યવાર્તા જેવા બહુ ઓછા સ્‍વરૂપોનું ખેડાણ થયું છે. આ સમયે આ સ્‍વરૂપો લોકપ્રિય બનેલાં પણ તેમની મર્યાદાઓ હતી. આ યુગમાં મુદ્રણ કલાનો હજી આરંભ થયો ન હતો. આથી સરળતાથી યાદ રહી જાય તેવી ગદ્ય, પદ્ય રચનાઓ વધારે પ્રતિષ્ઠા પામી. મહદ્અંશે ધર્મને કેન્‍દ્રમાં રાખીને થયેલું સાહિત્‍ય સર્જન પારંપરિક રૂપે રચાતું. એટલે આ યુગનું સાહિત્‍ય બહું ઓછો વિકાસ પામ્‍યું.
સમય જતા વેપારઅર્થે અંગ્રેજોનું આગમન થયું. અંગ્રેજો અને અંગ્રેજી સાહિત્‍યનો સંપર્ક થતા મુંબઈ જેવા મોટા શહેરોમાં યુનિવર્સિટીની સ્‍થાપના થઈ. અંગ્રેજી ભાષાનો વ્‍યાપ વધતાં ગુજરાતી સાહિત્‍યમાં સુધારકયુગ (નર્મદયુગ), અર્વાચીન યુગમાં નવા નવા સાહિત્‍ય સ્‍વરૂપો ખેડાવાં લાગ્‍યાં. જયાં મઘ્‍યકાલીન સાહિત્‍યનાં માત્ર પદ, રાસ, આખ્‍યાન જેવા થોડાં સ્‍વરૂપોને સ્‍થાને નવલકથા, નવલિકા, નિબંધ, આત્‍મકથા, જીવનચરિત્ર, ઉર્મિકાવ્‍ય, પ્રશસ્‍તિકાવ્‍ય, સોનેટ, પ્રવાસલેખન, નાટક જેવા અનેક સાહિત્‍ય સ્‍વરૂપો વિકસ્‍યા. એમાં નવલકથા સાહિત્‍ય સ્‍વરૂપ સૌથી વધુ વિકાસ પામ્‍યું અને લોકપ્રિય થયું.
સૌપ્રથમ ગુજરાતી નવલકથા કોને લખી, તેના મૂળ ક્યાં છે તે ચર્ચાનો વિષય રહ્યો છે. વિકાસરેખાની દૃષ્‍ટિએ જોઈએ તો ઈ.સ. ૧૮૬૩માં ‘હિન્‍દુસ્‍તાન મઘ્‍યેનું એક ઝૂંપડુ' નવલકથા લખાઈ છે. પરંતુ વાસ્‍તવમાં મૂળ ફ્રેન્‍ચ વાર્તાના અંગ્રેજી અનુવાદનો આ ગુજરાતી અનુવાદ છે. તે એક ઐતિહાસિક નવલકથા જરૂર હતી પણ નવલકથાના લક્ષણોની દૃષ્‍ટિએ તે એટલી સત્વશીલ રહી નથી. ત્‍યારબાદ ૧૮૬૬ના વર્ષમાં મહીપતરામ રૂપરામ નીલકંઠની કલમે ‘સાસુ વહુની લડાઈ' નવલકથા રચાય છે. આ સમાજિક નવલકથા છે. આ નવલકથા ઘટક તત્વોની દૃષ્‍ટિએ તે સંપૂર્ણ ગણાઈ ન હોવાથી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા તરીકે સ્‍થાન પામી નથી. ત્‍યારબાદ ૧૮૬૬માં નંદશંકર તુળજાશંકર મહેતાની કલમે 'કરણઘેલો' નવલકથા મળે છે. કહેવાયું છે કે પ્રયત્‍ન પુરૂષાર્થમાં પરિણમે ત્‍યારે પ્રારબ્‍ધ પાંગળું રહેતુ નથી. 'કરણઘેલો' ગુજરાતી સાહિત્‍યની પ્રથમ ઐતિહાસિક નવલકથા તરીકે સ્‍થાન પામે છે. આ કૃતિમાં નંદશંકર મહેતાએ ગુજરાતના રાજા કરણ વાઘેલાના પતનની કથા આલેખી છે. ત્‍યારબાદ ગુજરાતી સાહિત્‍ય ક્ષેત્રે અનેક સર્જકોએ નવલકથા સ્‍વરૂપનું ખેડાણ કર્યું છે. ગો. મા. ત્રિપાઠી પાસેથી ‘સરસ્‍વતીચંદ્ર' જેવી મહાનવલ ગુજરાતી સાહિત્‍યને સાંપડે છે. આ નવલકથા ગુજરાતી સાહિત્‍યની સિમાચિહ્‌નરૂપ નવલકથા રહી છે. પછી પન્‍નાલાલ, ધૂમકેતુ, ર.વ. દેસાઈ, મેઘાણી, ચૂનિલાલ મડિયા, હરિલાલ ઉપાધ્યાય વગેરે સર્જકોએ ગુજરાતી નવલકથા સાહિત્‍યને સમૃદ્ધ કર્યું.
પહાડોમાંથી જન્‍મ લઈને સાગરમાં સમાઈ જાય તે દરમિયાન સાહિત્‍યના રૂપ, રંગ, ગાન એક સરખા નથી હોતા એ આપણે જાણીએ છીએ. નવલકથાની સરિતાનું કંઈક એવું જ છે. ગુજરાતી નવલકથા અત્‍યારે દીર્ધ પટ પર વિસ્‍તરેલી છે અને કાળક્રમે પરિવર્તન પામતી રહે છે. નાના નિર્ઝરો નાની મોટી નદીઓ સાથે ભળવાથી તે મહાનદીનું રૂપ ધારણ કરે છે. ગુજરાતી નવલકથાનું પણ કંઈક આવું જ છે. ૧૮૬૬માં નંદશંકર તુળજાશંકર મહેતાએ 'કરણઘેલો' નવલકથા આપીને નવલકથાના બીજ રોપ્‍યાં. તેમાં હરિલાલ ઉપાધ્યાય સુધી પહોંચતા તો તે વિશાળ વટવૃક્ષનું સ્‍વરૂપ પ્રાપ્‍ત કરી લે છે. સમયાનુસાર એક પછી એક નવલકથાઓ લખાવા લાગી. ધીરે ધીરે સમય એવો આવ્‍યો કે ગુજરાતી સાહિત્‍યના વિવિધ અનેક સ્‍વરૂપોમાં નવલકથા સ્‍વરૂપ સૌથી અધિક લોકપ્રિય બની ગયું. આ નવલકથાનું સ્‍વરૂપ અનેક પ્રકારોવાળું છે. તેમાં જોઈએ તો, સામાજિક નવલકથા, ઐતિહાસિક નવલકથા, પ્રાદેશિક નવલકથા, પાત્રપ્રધાન નવલકથા, નાટ્‍યાત્‍મક નવલકથા, મનોવૈજ્ઞાનિક નવલકથા, વાસ્‍તવવાદી નવલકથા, સાગરકથાઓ આજે પણ આ ક્ષેત્રે નવા નવા પ્રયોગો થતા રહે છે. આમ, અનેક પ્રકારો દ્વારા નવલકથા સ્‍વરૂપ સતત વિકસતું જ રહે છે.
ગુજરાતી નવલકથાને ઉંડાણ પ્રદાન કરનાર ગોવર્ધનરામ છે. તો વ્‍યાપ વધારનાર મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, પન્‍નાલાલ, હરિલાલ ઉપાધ્યાય વગેરે છે. હાલારની ધરતીએ બે સમર્થ નવલકથાકારો આપ્‍યા. આપણે ઉપર જોયું તેમ હરિલાલ ઉપાધ્યાય અને ગુણવંત આચાર્ય. ગુણવંત આચાર્ય ખાસ કરીને દરિયાઈ કથાઓ લખે છે, તો હરિલાલ ઉપાધ્યાય સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ લખે છે. ગુણવંત આચાર્યની દરિયાઈ કથાઓ ગુજરાતી સાહિત્‍યમાં ઘણું આગવું સ્‍થાન પ્રાપ્‍ત કરી શકી છે. તે હરિલાલ ઉપાધ્યાયની હરોળના સર્જક હોવાથી અનાયાસે પણ તેને યાદ કરવા ઘટે.
સર્જક હરિલાલ ઉપાધ્યાય માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરથી લેખન કાર્ય શરૂ કરી દે છે. એટલે કે સર્જક પ્રવૃત્તિના બીજ તેનામાં જન્‍મજાત રોપાયા હતા. તેઓ જયારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્‍યારે માસ્‍તર કહેતા કે તું મોટો લેખક બનવાનો છે. શૈષવકાળથી જ જગત અને જીવનની ગતિવિધિ જાણવાની કાંઈક અનોખી રસવૃત્તિને લઈ રાજાશાહી સત્તાના એ સમયમાં તેર વરસની વયે એક મેળાવડામાં સ્‍વરચિત કાવ્‍ય ગાયું અને તેને બે રૂપિયા ઈનામ પણ મળ્‍યું. પછી પંદરવર્ષની વયે પહેલી ટૂંકીવાર્તા 'હૃદય પલટો' લખે છે. એમ તેની સર્જન પ્રવૃત્તિ આગળ વધે છે.
ખરેખર હરિલાલ ઉપાધ્યાયનું જીવન યોગીના જીવન જેવું શાંત અને નિરામય હતું. તેઓ બ્રાહ્મણ પરિવારના હતા પણ ગોરપદુ કરવાના વ્‍યવસાયમાં તેઓને જરાય રુચિ નહોતી. તેનું મન તો કંઈક જુદી જ દિશા તરફ જવા પ્રેરાતું હતું. કર્મકાંડનો અભ્‍યાસ કરવા સંસ્‍કૃત પાઠશાળામાં દાખલ થયા હતા એટલે સંસ્‍કૃત ભાષા પ્રત્‍યે તેમને રુચિ જાગી. ત્‍યાં તેમના વિદ્યાગુરૂ ત્રંબકરામ શાસ્‍ત્રીએ તેમને વિશેષ પ્રોત્‍સાહિત કર્યા અને તેમના કવિ તરીકેના ગુણો વિશેષ ખીલે છે. પડધરીના વસવાટ દરમિયાન રેવાશંકર શાસ્‍ત્રીજી જેવા પ્રકાંડ પંડિત સાથે શાસ્‍ત્રાર્થ ગૂઢ રહસ્‍યોની ચર્ચા એમની સંશોધન પ્રવૃત્તિને પ્રેરક બની.
લેખક અનેક પ્રતિભા ધરાવતા હતા. તેનું વ્‍યક્‍તિત્‍વ કંઈક અલગ જ હતું. સીધા સાદા પહેરવેશમાં આપણી પાસે આવી યભા રહે તો કોઈને પણ ખ્‍યાલ ન આવે કે આ વ્‍યક્‍તિ એક સારા નવલકથાકાર, સારા શાસ્‍ત્રીય સંગીતની સુરોની તર્જો બાંધનાર, સારા જયોતિષકાર, વ્‍યાસપીઠ ઉપર બેસીને શ્રોતાઓને ડોલાવી જનાર ભાગવતકથાકાર, લોકસાહિત્‍ય સંશોધનના એક ઉપાસક, ઉત્તમ ફોટોગ્રાફર અને ઘણું બધું જીવનમૂલ્‍યોના સંદર્ભમાં અનુભવનાર મુરબ્‍બીશ્રી હરિલાલ ઉપાધ્યાય પોતે હશે. તેમનું જીવન યોગીના જીવનના અરીસા જેવું, સર્જનકાર્યમાં મનોમંથન અને ગુંગણામણ અનુભવવી પડે છે. તે અકથ્‍ય છે તે મનનો ભાર વધારે છે. પણ તે વાતને તેમણે સહજ બનાવીને પોતાના સર્જનો સાથે જ નાતો બાંધી લીધો હતા. સમગ્ર જીવનને ઋષિમૂનિ સાધના કરતા હોય તેમ પૂર્ણ કરી નાખ્‍યું. યશવંત ઉપાધ્યાય કહે છે કે "મે પૂજય પિતાશ્રીને કલાકોના કલાકો સતત એકધારા સર્જનની યાત્રા કરતા જોયા છે."
આમ, લેખકની કલમમાં આ ધરતીની ખુશ્‍બુ પ્રસરતી જોવા મળે છે. ભારતની પવિ ભૂમિના ભવ્‍ય ઈતિહાસની વાતો એમની કલમે સર્જાઈ છે. લોકજીવનના અનેક પ્રસંગો આલેખાયા છે. વાર્તાસ્‍વરૂપે લોકજીવનના પ્રસંગો વહેવડાવ્‍યા છે. ચોટદાર સંવાદો હૃદયસ્‍પર્શી શબ્‍દોથી મઢીને નાટય સ્‍વરૂપે પ્રસ્‍તુત કર્યા છે. લોકસાહિત્‍યના પિયાસીએ સેંકડો લોકકથાઓ, લોકવાર્તાઓ લખી એટલું જ નહિ પણ માનવીની મધુરપ અને મોટાઈ તથા ત્‍યાગ ઉદારતાની ભવ્‍યભાવના, સાદાઈથી ઓપતા માનવીઓ, ધન સમૃદ્ધિઓ પછી ગુણ સંસ્‍કારથી સમૃદ્ધ એવા પાત્રોને રજૂ કરવામાં હરિલાલ ઉપાધ્યાયે લોકજીવનના પમરાટને પ્રસરાવ્‍યો. વિવિધ વિષયો ઉપર સંશોધનપૂર્ણ અને સંખ્‍યાબંધ પુસ્‍તકો, લેખો, વાર્તાઓ અને લેખમાળાઓ લખી પોતાના દીર્ધજીવનમાં અંધારા અજવાળાને પ્રત્‍યક્ષ અનુભવ્‍યા, સાહિત્‍ય પદાર્થનો ભંડાર હૈયામાં રાખી કશાપણ પૂરષ્‍કારની કે કિર્તિની આશા રાખ્‍યા વગર કલમની ગતિ અવિરત વહેતી રહી. પરિણામે તેઓ કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટયકાર, લોકસાહિત્‍યકાર, પત્રકાર તરીકે ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્‍ત કરે છે.
કવિ તરીકે તેઓ ગ્રામપરિવેશની કવિતાઓ આપે છે. ઉપરાંત દેશભક્‍તિની કવિતાઓ પણ તેમની પાસેથી મળે છે. આ કવિતાઓ જામનગરથી પ્રસિદ્ધ થતા અખબારમાં તે સમયે છપાતી. ટૂંકીવાર્તા ક્ષેત્રે તેમણે માતબર પ્રદાન કરેલું છે. ચારસોની આસપાસ ટૂંકીવાર્તા તેમની પાસેથી મળી આવે છે. એ જમાનાના પ્રખ્‍યાત અંજલિ, દૃષ્‍ટિ, સવિતા, પાનેતર અને રુચિ જેવા માસિકમાં તેમની ટૂંકીવાર્તા છપાતી. નાટયક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. દસ જેટલા નાટકો તેમની પાસેથી મળે છે. તેમજ લોકસાહિત્‍ય ક્ષેત્રે પણ તેમનું અનેરું પ્રદાન છે. જે રીતે લોકસાહિત્‍ય સંપાદન કરવામાં મેઘાણીનું પ્રદાન છે તેવું જ પ્રદાન હરિલાલ ઉપાધ્યાયનું છે. આ ઉપરાંત પત્રકારત્વ ક્ષેત્રે પણ તેનું નોંધપાત્ર પ્રદાન છે.
હરિલાલ ઉપાધ્યાયનું સૌથી વિશેષ અને નોંધપાત્ર પ્રદાન નવલકથા ક્ષેત્રેનું છે. તેમની પાસેથી સામાજિક નવલકથાઓ અને ઐતિહાસિક નવલકથાઓ મળે છે. તેમના નવલકથા સર્જનને પુરસ્‍કૃત કરતો ક.મા. મુનશી એવોર્ડ લેખકને આપવામાં આવે છે. હરિલાલ ઉપાધ્યાયની સામાજિક નવલકથાઓ ગુજરાતી સાહિત્‍યમાં ભારે આદર અને માન પામી છે. લેખક પોતે પણ ગ્રામ્‍ય ભૂમિમાં જન્‍મેલા માણસ અને પોતે પણ અનેક સુખ દુઃખમાંથી પસાર થયેલા એટલે સામાન્‍ય રીતે તેમના સર્જનમાં પણ એ બધું દેખાયા વિના રહેતું નથી. સર્જક જે તે સમયમાં જીવતો હોય તેની છાપ અનાયાસે તેના સર્જનમાં આવતી હોય છે. અનુભવનું ભાથું તો એમણે મેળવેલું જ હતું. જીવનમાં તડકા-છાયાનો પણ સામનો કરેલો હતો. એટલે એમની સામાજિક નવલકથામાં પ્રેમ, કરુણા, મૃદુતા, પ્રામાણિક્‍તા જેવા જીવનમૂલ્‍યો જોવા મળે છે. એમની 'ગૌરી', 'પ્રીતે પરોવાયાં' જેવી કૃતિઓમાં પ્રેમનું આલેખન વિશેષ થયેલું જોવા મળે છે. 'રૂપમંગલા' કૃતિમાં સામાજિક ખટપટોને કારણે રાજુલ અને શંકર જેવા પ્રેમી પાત્રોને કેટકેટલી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે તેનું આલેખન છે. તો 'ગૌરી' નવલકથામાં લેખકે મનુષ્‍યના સંસ્‍કારો-ગુણોને ખીલવવાનો પ્રયાસ કર્યો છે. 'કોઈ તન ભૂખ્‍યા કોઈ ધન ભૂખ્‍યા' નવલકથામાં લેખક સંસારની માયા-મોહિનિની વાત કરી છે. તેનાથી બચવા કોઈ વીરલ જ પ્રયાસ કરી શકે છે. 'કુંદન ચડ્યું કાંટે'માં લેખકે એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે કેટલાક સ્‍વાર્થી માણસો પોતાના હિત માટે બીજાના રસ્‍તાઓ બંધ કરી દે છે. અહીં એવું પણ સાબિત થાય છે કે માણસ જ માણસના પગ ખેંચે છે. અહીં શંકર નામનો યુવાન અનેક સંઘર્ષોમાંથી પસાર થાય છે ત્‍યારે ગોપાળભાઈ પોતાનો સ્‍વાર્થી હેતુ પાર પાડવા માટે શંકરનો જીવનમાર્ગ રૂંધી નાખે છે, 'કંચન લગે ન કાટ' નવલકથામાંથી એ પ્રતીત થાય છે કે સમય અને કાળની થપાટ લાગતા બધું બદલાઈ જાય છે, 'રહી ગઈ મનની મનમાં' નવલકથામાં એક કહેવત અનુસાર પગ નીચે રેલો આવે છે ત્‍યારે જ માણસને ભાન થાય તેનું દર્શન થાય છે. 'હૈયે મઢાયા હેત' નવલકથામાંથી એવો ઉદ્દેશ સ્‍ખલિત થાય છે કે મનુષ્‍ય જીવનમાં નૈતિક મૂલ્‍યોની ભારે અનિવાર્યતા છે, 'ઉગ્‍યો ચંદ્ર અમાસે' નવલકથામાં મહેન્‍દ્ર અને જયોતિના દામ્‍પત્‍યજીવનની કથાનું આલેખન છે. 'તેજછવાઈ રાત' નવલકથા કેટલાક સ્‍વાર્થી માણસો પોતાનો સ્‍વાર્થ સાધવા બીજાનું અહિત કરે છે. તેનું ઉદાહરણ છે. 'નિશા સુણાવે નાદ' નવલકથામાં બદલાતા યુગની ઝલક લેખકે બતાવી છે. 'મન પંખીના માળા' માનવમનની ગતિવિધિ પર પ્રકાશ પાડતી નવલકથા છે. 'ગોરી તો ગુણિયલ ભલી'માં ભારતીય આદર્શ નારીનું ચિત્ર અંકિત થયું છે. 'સરોવર છલી વળ્‍યા' નવલકથામાં જીવનમાંગલ્‍યનો ઉદે્‌શ રજૂ થયો છે. 'મોતીડે બાંધી પાળ' નવલકથામાં સંસ્‍કાર જાગૃતિની ઝલક સાથે જીવનકલ્‍યાણનો રાહ લેખકે બતાવ્‍યો છે, 'ખૂટયું નથી ખમીર' નવલકથામાં લેખકે સુખ અને શાંતિ ત્‍યાગમાં છે. ઉપભોગમાં નથી એ સત્‍ય સાકાર કર્યું છે. 'એક ભલો સપૂત' નવલકથામાં બુરાઈ સામે ભલાઈનો વિજય થાય છે એ બતાવ્‍યું છે. 'છાંયડી' નવલકથામાં યુવાન પેઢીને વડીલો કેવા રાહરૂપ બને છે તેનું આલેખન છે, 'મંગળફેરા' માં જુની નવી પેઢીના જીવનરંગ, સંસ્‍કારિતા, આશા, આકાંક્ષાઓ વચ્‍ચેના તફાવતનું નિરૂપણ અહીં દર્શાવવામાં આવ્‍યું છે, 'મનને લાગી માયા' નવલકથામાં લેખક એ બતાવે છે કે માણસે ઈચ્‍છેલું તેને મળી જાય કે મેળવી લે તેથી તૃપ્‍ત થવાને બદલે તે વધુ તૃષાતુર બનતો જાય છે, 'પારસ સ્‍પર્શે એક જ વાર' નવલકથામાં પશ્ચિમી સંસ્‍કૃતિની અસર હેઠળ ભારતીય યુવા પેઢીમાં આવેલું પરિવર્તન દર્શાવવાનો હેતુ છે, 'પૈસા પરમેશ્‍વર'માં પૈસાની ભૂખ તથા પૈસાદારી પાછળની દોટ માણસને કેટલી હદે જડ બનાવી શકે છે. તેનું દૃષ્‍ટાંત છે. 'ધબકતુ ધન' માં જુદા જુદા સામાજિક સંદર્ભોનો ચિતાર છે. 'સાવઝડાં સેંજળ પીએ' માં દરબારીઓના નેક, ટેક, શૌર્ય, ખુમારી દર્શાવવાનો હેતુ છે. 'અમૃત ભીની આંખલડી'મા ગ્રામ્‍ય પરિવેશ અને માનવસ્‍વભાવનું આલેખન છે, 'ધરતી લાલ ગુલાલ' માં સમાજના નિમ્‍ન સ્‍તરના લોકોની વ્‍યથા કેવી હોય શકે તે બતાવવાનો પ્રયાસ છે; વગેરે સામાજિક નવલકથા કોઈને કોઈ રીતે કંઈક ઉદે્શી જાય છે. આમ લેખકે ઉદે્‌શમય સાહિત્‍યનું સર્જન કર્યું છે.
હરિલાલ ઉપાધ્યાયની સામાજિક નવલકથામાં પાત્રો નિમ્‍ન સ્‍તરથી માંડી ઉચ્‍ચ વર્ગ સુધીના એમ બે પ્રકારના પાત્રો સ્‍થાન પામ્‍યાં છે. સામાન્‍ય રીતે જોઈએ તો ગૌરીનું પાત્ર સમાજમાં આમથી તેમ પાણીના ધોધની જેમ ફંગોળાતું પાત્ર છે, કરૂણાની મૂર્તિ જેવું નાથજીનું પાત્ર છે, રઘુ સામાન્‍ય વર્ગનું પ્રતિનિધિ પાત્ર છે, વાત્‍સલ્‍ય સમું કાશીમાનું પાત્ર પ્રેમાળતાનું પ્રતીક છે વગેરે અનેક પાત્રો આ સામાજિક નવલકથામાં સ્‍થાન પામ્‍યાં છે. મંગળદાસ, પ્રભુદાસ જેવા પૈસાવાળા પાત્રો છે. આમ પાત્રસૃષ્‍ટિ વૈવિઘ્‍યસભર છે.
સંવાદકલાની દૃષ્‍ટિએ હરિલાલ ઉપાધ્યાયની સામાજિક નવલકથાઓ આસ્‍વાઘ્‍ય બની છે. મોટેભાગે ટૂંકા, ચોટદાર, હળવા સંવાદો પ્રયોજાયા છે જે નવલકથાના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે. આમ મોટેભાગે રસપ્રદ સંવાદો જોવા મળે છે. ભાષાશૈલીની દૃષ્‍ટિએ તેમની સામાજિક નવલકથાઓ તપાસવા જેવી છે. તેમની સામાજિક નવલકથાની શૈલી શિષ્‍ટ, તળપદી અને કહેવતો તેમજ અલંકારોથી સજેલી છે. શૈલી સંદર્ભે મહાત્‍મા ગાંધીજીનું એક વિધાન છે કે 'કોઈપણ કૃતિમાં સર્જકે પ્રયોજેલી ભાષા ગામડાંનો સામાન્‍ય કોશિયો પણ સમજી શકે એવી હોવી જોઈએ.' આ પ્રમાણે હરિલાલ ઉપાધ્યાયે પણ એવી જ ભાષાનો વિનિયોગ તેમની નવલકથામાં કરેલો જણાઈ આવે છે.
હરિલાલ ઉપાધ્યાયની સૌથી મહત્વની વિશેષતા વર્ણનકલામાં છે. ઓજસયુક્ત શૈલીમાં રજૂ થયેલા વર્ણનો જીવંત અને તાદૃશ બન્‍યાં છે. તેમની 'ખૂટયું નથી ખમીર', 'સાવઝડાં સેંજળ પીએ', 'મંગળફેરા', 'મનને લાગી માયા', 'હૈયે મઢાયાં હેત' વગેરે નવલકથામાં આવતા વર્ણનો આકર્ષક બન્‍યાં છે. આ ઉપરાંત તેમની સ્‍થળ, કાળ, વાતાવરણ તેમજ શીર્ષકોની દૃષ્‍ટિએ પણ નવલકથા ઉત્‍કૃષ્‍ટ રહી છે.
સામાજિક નવલકથાઓ દ્વારા હરિલાલ ઉપાધ્યાયને જે યશ મળ્‍યો છે તેવો જ તેને તેની ઐતિહાસિક નવલકથા અપાવે છે. તેમની 'જય ચિત્તોડ', 'મેવાડનાં મહારથી', 'દેશ ગૌરવ ભામાશા', 'વિજય વરદાન', 'શૌર્ય પ્રતાપી મહારાણા પ્રતાપસિંહ', 'મેવાડનો કેસરી', 'ચિત્તોડની રણગર્જના', 'લાખો ફૂલાણી', 'રણમેદાન', 'મેવાડની તેજછાયા', 'પડતા ગઢના પડછાયા-૧-ર', 'નવાનગરના નરબંકા', 'અપરાજિતા', 'રુધિરનું રાજતિલક', 'તાતી તલવાર' અને 'છેલનામી સૌરાષ્‍ટ્ર' વગેરે ઐતિહાસિક નવલકથાઓ નોંધપાત્ર રહી છે. આપણે આગળ જોયું તે પ્રમાણે એમની ઐતિહાસિક નવલકથાઓ બે રીતે ઘ્‍યાનપાત્ર બને છે (એક) વિષયવસ્‍તુની માવજત અને (બે) ઈતિહાસ પ્રત્‍યેની વફાદારી.
હરિલાલ ઉપાધ્યાયને 'ક. મા. મુનશી એવોર્ડ' એનાયત કરવામાં આવ્‍યો તે તેની નવલકથાકાર તરીકેની સિદ્ધિ બતાવે છે. ખાસ કરીને તેમની ઐતિહાસિક નવલકથાથાઓએ વિશાળ ભાવક વર્ગ ઉભો કર્યો છે. તેમની નોંધપાત્ર નવલકથા 'છેલનામી સૌરાષ્‍ટ્ર' ગુજરાતી સાહિત્‍યમાં આગવું સ્‍થાન ધરાવે છે. તે નવલકથા અંગે વિવિધ વિદ્વાનો અભિપ્રાય આપે છે કે તે નવલકથાને ચરિત્રપ્રધાન કહેવી, સામાજિક કહેવી, ઐતિહાસિક કહેવી કે પ્રાદેશિક કહેવી એ મીઠી મુંઝવણ થાય તેવું છે. આમ હરિલાલ ઉપાધ્યાયની નવલકથાઓ ગુજરાતી વાચકવર્ગમાં ઘણું આગવુ સ્‍થાનં ધરાવે છે.
તેમની ઐતિહાસિક નવલકથામાં પાત્રચિત્રણ પર વધારે ઘ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્‍યું હોય તેમ લાગે છે જેમકે બાપા રાવળ, રાણા સંગ્રામસિંહ, પ્રતાપસિંહ, ભામાશા, મહારાણા પ્રતાપ, તેજસિંહ, લાખો ફૂલાણી, મોડ, મનાઈ, અકબર, પૃથ્‍વીરાજ ચૌહાણ, જામ ફૂલ, જામસતાજી, ગોડબા, ગુંતરી, ઘેણવાઘેલી, ધરણવાઘેલો, ઠાકોર જસાજી, રાજસિંહ, જંગબહાદુર જંગો, કવિ ઈશરદાન, છેલભાઈ દવે વગેરે પાત્રોનું ઐતિહાસિક ગૌરવ જળવાઈ રહે તેવો પ્રયાસ લેખકે કર્યો છે. આ દરેક પાત્રો ઐતિહાસિક દૃષ્‍ટિએ ઘણું ગૌરવ ધરાવે છે.
સંવાદ, ભાષાશૈલી, શીર્ષક, ઉદે્‌શ આ દૃષ્‍ટિએ પણ હરિલાલ ઉપાધ્યાયની ઐતિહાસિક નવલકથા ઉત્‍કૃષ્‍ટ રહી છે. અને સૌથી વિશેષ એમની ઐતિહાસિક નવલકથામાં જો કોઈ તત્વ હોય તો તેની વર્ણનકલા છે આમ હરિલાલ ઉપાધ્યાયે નવલકથા દ્વારા ઈતિહાસ ગૌરવને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.
લેખકના સાહિત્‍ય સર્જનને બિરદાવતા જુદા-જુદા વ્‍યક્‍તિઓ તેમજ વિદ્વાનોએ અભિપ્રાયો આપ્‍યા છે તે નીચે મુજબ જોઈએ.
"શ્રી હરિલાલ ઉપાધ્યાય પરંપરામાં પોતાની સ્‍વકીય સર્જકતા જાળવીને લોકહૃદયને કથારસ તથા માનવીય રહસ્‍યોનું આલેખન કરીને ભીંજવતા રહ્યાં છે. શ્રી હરિલાલભાઈ હૃદયથી સંવેદનશીલ કવિ છે. એમની પાસે સૌરાષ્‍ટ્રનાં ભાતીગળ જીવનનો વ્‍યાપક અને ઉંડો અનુભવ છે. એટલું જ નહિ પણ ગુજરાત સૌરાષ્‍ટ્ર બલ્‍કે ભારતના ઈતિહાસનું પણ એમનું બહોળું વાચંન છે. લેખક પોતે પણ જીવનની કેટલીક લીલી સૂકીઓમાંથી એવા પસાર થયા છે કે એમનો ચિત્તકોષ અને કથાસર્જન અનુભવપિંડથી સમૃદ્ધ છે. એમની 'ધરતી લાલ ગુલાલ', 'નથી સુકાયા નીર', 'સાવજડાં સેંવળ પીએ', 'હૈયે મઢાયાં હેત' જેવી સામાજિક નવલકથાઓની સૃષ્‍ટિમાંથી પસાર થાઓ કે 'લાખો ફૂલાણી', 'જય ચિત્તોડ', 'મેવાડનો કેસરી' જેવી ઐતિહાસિક નવલકથાઓનાં પરિવેશનું ચિત્ર નિહાળો તો તમને અનેક સ્‍થળે કથા સંયોજન ચરિત્રકલા ને પરિવેશ ચિત્રણમાં એક સનિષ્ઠ સમર્પિત સર્જકની કલાની ઝાંખી થશે. લેખકની નિરૂપણરીતિ અને ગદ્યશૈલી યથાવકાશ વેધક અને મનોરમ બને છે. આમ તેનું સર્જન ચિરંજીવ રહે તે પ્રકારનું છે."-
"સૌરાષ્‍ટ્રના એક ગામ વિસ્‍તારમાં બેસીને આ સાહિત્‍ય સેવીએ જીવનભર નાની મોટી થઈ શતાધિક કૃતિઓનું સર્જન કર્યુ તેનું મહત્વ મારે મન અદકેરુ છે. સંપૂર્ણ લેખન ઉપર નિર્ભર રહેનારા હરિલાલભાઈનું એક મહત્વનું પાસું ઐતિહાસિક તથા સામાજિક નવલકથાઓનું છે. જીવનભર લેખિનીને ખોળે માથુ મૂકીને આત્‍મસન્‍માન પૂર્વક રહેનારા, લેખકે સૌરાષ્‍ટ્રના અંધારખૂણે પડેલી કેટલીય ઐતિહાસિક કરચોને વીણીને સંશોધન કરીને સમાજ સમક્ષ મૂકી હતી."
"શ્રી હરિભાઈની કલમ પ્રત્‍યે જબરુ આકર્ષણ એમાંય મેં તેનું પુસ્‍તક 'પડતા ગઢનાં પડછાયાં ૧-ર' પ્રથમ વાંચ્‍યું ત્‍યારે અમારી જનમ ભોમકાનો પૂર્વકાળ, એ વખતની પ્રજાની લાક્ષણિકતાઓ, રાજય વ્‍યવસ્‍થા, સમાજદર્શન અને સત્‍યઘટનાઓનું આબેહૂબ આલેખન જોવા મળ્‍યું. આ સર્જકનું મૂખ્‍ય પ્રેરકબળ એમની કથાઓમાં દેશપ્રેમ, દેશદાઝ, વીરતા, ખાનદાની ખમીર અને રાષ્‍ટ્રભક્‍તિ દર્શાવે છે. તેમની સામાજિક નવલકથાઓમાં - પાત્રો દ્વારા સામાન્‍ય વાચકવર્ગ અને સર્જક દૃષ્‍ટિનો ભેદ શું છે? વાસ્‍તવનું -કલામાં રૂપાંતર કરીને વિષય વૈવિઘ્‍ય, એનું કદ, આકૃતિ, નિરૂપણ, શૈલી વગેરે નવલકથાના સ્‍વરૂપની એક વ્‍યાખ્‍યા બાંધી આપે છે."
"જેમણે પોતાનું સમગ્ર જીવન સાહિત્‍ય સાધના કરી એવા સર્જક હરિલાલ ઉપાધ્યાયની ઐતિહાસિક નવલકથાઓ મુનશી, મેઘાણી અને ધૂમકતુની યાદ તાજી કરાવી જાય છે."
"અમારી આજની જીવનનાં સાતમાં દાયકાને પાર કરી ગયેલી પેઢી, હજુ જયારે લખવાની શરૂઆત કરતી હતી. એ જમાનામાં અમારા માટે શ્રી હરિલાલ ઉપાધ્યાય બહું ગમતાં અને વંચાતા લેખક હતા. એમની સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ ત્‍યારે વિશેષ લોકપ્રિય બનેલી અને એ યુગના અમારા જેવા ઉગતા લેખક માટે આદર્શરૂપ બનેલી એમાં ઈતિહાસ-ખાસ તો રાજસ્‍થાનની આબોહવા હતી. તે મીઠી સોરઠીબાનીમાં આલેખાયેલી હતી."
"સૌરાષ્‍ટ્રના ખાસ કરીને તેમના વતન હાલાર પંથકની આસપાસના તળપદા જીવનને કેન્‍દ્રમાં રાખીને જાનપદી કહી શકાય એવી નવલકથાઓ એમણે લખી છે. માનવીને એની અસલિયતમાં એની આસપાસ સજીવ, જીવંત પરિસર સમેત એમની આ પ્રકારની નવલકથાઓમાં રજૂ કરે છે. 'ધરતી લાલ ગુલાલ', 'રહી ગઈ મનની મનમાં', 'સુખ સવાયા થાય', 'સોનાવરણી' વગેરે એમની લોકપ્રિય નવલકથા છે. ઐતિહાસિક નવલકથાઓમાં મેવાડ ગ્રંથાવલી; ત્‍યાની રાજકીય પરિસ્‍થિતિ, ત્‍યાંના રાજવીઓ વગેરે પરની એમની નવલશ્રેણી ગુરાતીમાં મેવાડને કેન્‍દ્રમાં રાખીને લખાયેલી નવલકથાઓમાં અનોખી તરી આવે છે. એમની નવલકથાઓ વાંચવી ગમે તેવી ઉત્‍કૃષ્ઠ છે."
"ઐતિહાસિક તથા સમાજીક નવલકથાઓ ક્ષેત્રે આપનું પ્રદાન સાહિત્‍ય જગત કદાપિ ભુલી નહીં શકે. પોણોસોની સંખ્‍યાએ પહોંચેલા પુસ્‍તકો વાચક વિવેચકોનો આદર પામ્‍યા છતાં કશી ધૂમધામ વિના આ સાહિત્‍ય ક્ષેત્રને પોતાના સર્જનનું યોગદાન આપી રહ્યાં છે.
સાહિત્‍ય ધર્મ એ જ સાહિત્‍યકારનો ધર્મ એવી નિષ્ઠાથી કાર્ય કરતાં સન્‍માન સમારોહ સમિતિ ગૌરવ અનુભવે છે. અને દિર્ધાયું વાંછે છે."
"હરિલાલ ઉપાધ્યાય સાહિત્‍યના એક વિશેષ સ્‍વરૂપ સામાજિક અને ઐતિહાસિક નવલકથા ક્ષેત્રે કરેલા વિશેષ સર્જનની વિશેષતા વતનની વિસરાતી સામાજિક અને સાંસ્‍કૃતિક ઈતિહાસની કડીઓ મેળવવા તેમણે આગવી સૂઝથી હાલારની જામનગર પંથકની અનેક કથાઓમાં વ્‍યક્‍તિ વિશેષને એવી રીતે રજૂ કર્યા છે. કે વાચકને આ પાત્ર પોતાના જીવનમાં પ્રેરક બની રહે છે. જેમ કે 'પડતા ગઢનાં પડછાયા'માં કાકાભાઈનું પાત્ર, 'ઓતરાદા વાયરા ઉઠો ઉઠો'માં શંકર ત્રવાડીનું પાત્ર, 'નવાનગરના નરબંકા'માં હાલારના રાજવીઓ વગેરે તેમજ ગ્રામજીવનમાં ઉછરેલા કૃષિકારો, વિવિધ પાત્રોમાં આભને થોભી દે તેવા જીરાજ બાપુ, ગોબર ભગત, ક્ષત્રિય વીરાંગના રૂપાળીબા, ગાંગા મેતર, પાતા પટેલ વગેરે કયા પાત્રોને ભુલવા અને કયા પાત્રોને યાદ કરવા એ મારે મન મુંઝવતી બાબત છે. આમ લેખકે આપેલું નવલકથા સાહિત્‍ય ગુજરાતી સાહિત્‍યમાં અમીટ છાપ મૂકી ગયું છે."
"સાહિત્‍ય રત્‍ન હરિલાલ ઉપાધ્યાય વિશે મારે કહેવું એ સૂર્ય સામે દીપકને બોલવા સમાન છે. એમ છતા મારા આત્‍મીય હરિભાઈ જાહેર જીવનમાં આવ્‍યા પછી હું તેમના દરેક કામમાં હાજર રહેતો. બહારથી સામાન્‍ય લાગતા હરિલાલભાઈ અંદરથી અસામાન્‍ય વિભૂતિ હતા. પડધરીના ઈતિહાસથી માંડી સમસ્‍ત જનમાનસને આવરી લેતા વિષયોને સાંકળી અનેક નવલકથાઓ દ્વારા વાચકોને રસપાન કરાવતા રહ્યાં છે. મકરસંક્રાતિના દિવસે લેખકના જાહેર કાર્યક્રમમાં સરપંચ હોવાના નાતે હું હાજર હતો અને તે પછી જ તબીબ હોવાના નાતે પોતાની અંતિમ પળોમાં પણ મને તેના સંબંધોનો લાભ મળ્‍યો છે. જેની હું ધન્‍યતા અનુભવું છું."
"એક લેખક તરીકે સ્‍વ. શ્રી હરિલાલ ઉપાધ્યાય અને તેની નવલકથા વિશે મંતવ્‍ય આપવું તે તો સૂર્યને દીવો બતાવવા જેવું છે.
અંગત રીતે કહું તો એમની ઉતરાવસ્‍થા દરમિયાન તેના હૃદયની કદાચ સૌથી નજીક હોવાના કારણે અને મારું બાળપણ તેમની છત્રછાયામાં પસાર કરવાને લીધે તેમની સર્જનયાત્રા મેં માત્ર જોયેલી જ નહિ પણ અનુભવેલી છે.
ઐતિહાસિક નવલકથાઓમાં સત્‍ય ઉજાગર કરવા માટે તલસ્‍પર્શી સંશોધન અને સામાજિક નવલકથાઓમાં જીવનમાંગલ્‍યો, સંસ્‍કારસિંચન અને સાંસ્‍કૃતિક મૂલ્‍યોને ઉજાગર કરવા એ તેમનું મૂખ્‍ય લક્ષ્ય હતું.
સમાજ તથા બાળકો (જે ભાવિ સમાજ છે.) તેના વિશે તેઓ બહું જાગૃત રહેતા અને હંમેશા સમય ફાળવતા. પોતાના દેહાવસાનની આગલી સાંજે પણ તેઓ પડધરીની સંસ્‍કૃત પાઠશાળાના મુખ્‍ય અતિથિ હતા જે બતાવે છે કે તેઓ પોતાના શબ્‍દોને આચરણથી રજૂ કરતા. તેઓ સાંપ્રત સમયને જનરેશન ગેપ વચ્‍ચે આવવા દીધા વગર સચોટ રીતે મૂલવી શકતા. આ એક શીધ્ર કાવ્‍ય રચના તેનું સચોટ ઉદાહરણ છે.
"મુશ્‍કેલીઓ બાળકોને શાળાના પ્રવેશ તણી,
	અભ્‍યાસ ઉછેરની વળી સમસ્‍યાઓ વધી ઘણી, 
ફરીયાદ આવી પાડોશીની સુણી બોલ્‍યા મારા દાદા,
	વસતિ તણા વધારાએ સર્જી આ બધી આપદા!"
                        
અંતમાં કહું તો તેઓની બધી નવલકથા ઐતિહાસિક મૂલ્‍ય ધરાવે છે. પરંતુ શૌર્યપ્રતાપી ચંદ્રવંશ માટે કદાચ બીજી બધી નવલકથાઓથી વિશેષ સંશોધન કર્યું હોઈ તેનું મૂલ્‍ય વિશેષ છે.
ઓફિશિયલ વેબસાઈટ http://www.harilalupadhyay.org ધરાવનાર સૌપ્રથમ ગુજરાતી લેખક હોવાનું ગૌરવ ધરાવનાર પૂજય દાદાજીએ કોટી કોટી વંદન."૧૦
લેખક વિશે ઉપર્યુક્‍ત અભિપ્રાયો જોતા જ ખ્‍યાલ અવો છે કે ગણનાપાત્ર સર્જક હશે. એક સર્જક તરીકે તેમનું વ્‍યક્‍તિત્‍વ ઘણું આગવું હશે. આપણે આગળ જોયું તેમ કશાય યશ કે કિર્તિની આશા રાખ્‍યા વગર ગુજરાતી સાહિત્‍યક્ષેત્રે માતબર સંખ્‍યામાં પ્રદાન કરેલું છે. આમ હરિલાલ ઉપાધ્યાય એક નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્‍યમાં હંમેશા જીવંત રહેશે.
 
સંદર્ભ સૂચિ:
૧. હરિલાલ ઉપાધ્યાયના નવલકથા સાહિત્‍ય વિશે અભિપ્રાય આપતા ભાનુપ્રસાદ પંડયા
ર. લેખકની ૯૧મી જન્‍મજયંતિ નિમિતે અભિપ્રાય આપતા, પત્રકાર રાજુલ દવે, રાજકોટ
૩. એજન - જયશંકર રાવલ 'મિલન' -મોટાવડા
૪. લેખકની ૯૪મી જન્‍મજયંતિ નિમિતે અભિપ્રાય આપતા ડૉ. એન. કે. ડોબરિયા, કાલાવાડ
પ. લેખકની ૯રમી જન્‍મજયંતિ નિમિતે અભિપ્રાય આપતા -હસુ યાજ્ઞિક ૧પ-૩-૦૯
૬. એજન -ડૉ. એમ.આઈ. પટેલ, ધોરાજી
૭. હરિલાલ ઉપાધ્યાયને તાઃ ૧૬-૬-૮૮ ના રોજ પડધરી ગ્રામજનો તરફથી અપાયેલ સન્‍માનપત્રના અંશો
૮. હરિલાલ ઉપાધ્યાયના પૂ્ત્ર શ્રી યશવંત ઉપાધ્યાય સાથેની મુલાકાત તા : ર૬-ર-ર૦૧૦
૯. પડધરીના સરપંચ ગોપાલભાઈ વસાણી સાથેની મુલાકાત તા : ર૬-ર-ર૦૧૦
૧૦. લેખકના પૌત્ર જિતેન ઉપાધ્યાય સાથેની મુલાકાત તા : ર૭-ર-ર૦૧૦ ઈમેલ: jiten@harilalupadhyay.org
 
 

This site is dedicated as Online Tribute To The Greate Gujarati Author - Late Shri Harilal Upadhyay .

 
Glimpses of Late Shri Harilal Upadhyay's journey in his own words,
"YOG MANJARI (યોગ મંજરી)".
This semi-biographical, inspirational tale was published as a series of 28 chapters in "Kismat magazine" during 1985-1986.
Valid XHTML 1.0 Transitional Valid CSS! Research Essay | Chapter 2 | Chapter 3 | Chapter 4 | Chapter 5
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements  
Media | In Memories... | Disclaimer | Feedback | Sitemap
© Jiten Upadhyay , Webmaster E-mail: jiten [at] harilalupadhyay.com