લેખાંક : ૭
|
પડધરીની ડોંડી - દંડકા- નદી જાગનાથને આરે નહાતાં- હરિએ બોલેલી વરૂણ સ્તુતિ - 'અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિકરી સ્તથા'- મંત્ર સાંભળી ગયેલા ગીગાઅદાએ એને બોલાવી પૂછ્યું: 'દયાબેન સાથે રહેનાર તું હરિ છો ને?'
'હા ગીગાઅદા...'
તારા બાપુ અને એના મોટાભાઇ અહીં ભણેલા. અમારા પાડોશી હોવાથી હું બરાબર ઓળખું. તું જાદવજીનો છોકરો હોશિયાર કહેવાય છે. ગગા, પણ તું આજે મારી પાસે આવજે. મારે તારી પાસે કાગળ લખાવવો છે. અને જો, હું મફતમાં કામ નહીં કરાવું.'
જેના માટે ઘણું સાંભળ્યાં કરેલું - ફઇબાએ ગીગાભાઇને અજબ-ગજબના વિદ્યાવાન કહેલા - એવા એ મુરબ્બીને ઘેર ગયેલા હરિ પાસે ગીગાઅદાએ- 'મહારાજાધિરાજ - જામરણજીતસિંહજી' ને કાગળ લખાવેલો. પોતે લખેલો આ કાગળ -'પશ્ચિમના પાદશાહ' -મોતીયુંવાળા મહારાજા - જામસાહેબના હાથમાં જવાનો એ ખ્યાલે હરિને રોમાંચિત કરી મૂક્યો.
'તારા અક્ષ્રર મોતીના દાણા જેવા સારા થતા હશે.'- આ શબ્દોમાં મને પ્રોત્સાહન આપતાં ગીગા અદાએ લખાવ્યું: 'મહારાજા, આપ નામદારને અગાઉ જણાવેલી મારી વાત ખરી લાગી જાણી મહાશક્તિની કૃપા અનુભવું છું. આપની ક્રિકેટ રમતની પ્રવીણતાને જગતમાં ભારે કીર્તિ સાંપડી એ અમારૂં પણ અહોભાગ્ય છે. ઇતિહાસમાં પોતાની શ્રેષ્ઠતાનો યશ અંકિત કરાવનાર રાજા એની પ્રજાને મન અનેરો ગર્વ છે. હવે આગળની વાત જણાવવાની રજા લઉં છું કે નજીકના ભવિષ્યમાં આપ આપણા દેશનાં રાજવિમંડળમાં અગ્રેસર સ્થપાવાના છો, એ વાતમાં ફેર નથી. અમારા શિરછત્ર રાજાના રાજા બની રહેલા જોઇ હું મહાશક્તિને પ્રાર્થના કરૂં છું કે મારી મંગળકામના સિદ્ધ થવાનો આશીર્વાદ આપે. પડધરીમાં વસનાર હું આપનો વફાદાર પ્રજાજન બ્રાહ્મણ છું. આપ નામદારે મારા જેવા એકલવાયા - ગરીબ, અને આંખે અપંગ બ્રાહ્મણ ઉપર કૃપાદ્રષ્ટિ રાખી તે જ મને મળેલું મોટું ઇનામ છે. નામદાર, આપનાં કલ્યાણની જીવનભર પ્રાર્થના કરતો રહીશ. આંધળો છું એટલે બીજાઓની હાજરીમાં વાત કરતાં ખંચકાઉ- માટે વિનંતી કરું છું કે જ્યારે પણ આપ નામદારનો અહીં મુકામ થાય ત્યારે મને એકલો બોલાવવાને કૃપા કરશો. અહીંના અમલદાર ભલા છે, અને ગામમાં સુખશાંતિ છે. પ્રગટેશ્વર મહાદેવ અને રામમંદિરે ભગવાનની પૂજા - માંડવીના સદાવ્રતનાં પૂન્ય વડે આપનું રાજતેજ વધો. જગતમાં આપનો જયજયકાર બોલે. ઘણીખમ્મા. કાગળ લખનાર આપનો પ્રજાજન ગીગા ભારમલ.'
આ કાગળનું પરબિડીયું ટપાલ ઓફિસના ડબ્બામાં નાખી આવવાનું કામ સોંપતાં ગીગાઅદાએ હરિના હાથમાં બે પૈસા સેરવ્યા. નાના અને રસ પડે એવાં મહત્વના કામનું મહેનતાણું કેટલું ઉદાર. ત્યારે આ બહુ મોટી વાત હતી. રાજી થઇ ગયેલા હરિએ વધારામાં માગ્યું: 'ગીગાઅદા, તમે મને જ્ઞાનવિદ્યાની વાત કહેશો ને?'
'આંધળા પાસે વળી જ્ઞાનવિદ્યા કેવાં?' હસીને ગીગાઅદા બોલ્યા. 'પણ તને શ્રદ્ધા હશે, અને મને યાદ આવશે એવી વાતો જરૂર કહીશ હોં.'
શુકલના છોકરાએ ગીગાઅદા વિશે વાત કહેલી: 'ગામતરે ગીગા અદા મને દોરવા સાથે રાખે, તેને દોરી, ખોડાપીપર ગામેથી પડધરી આવું. રસ્તામાં વાવ આવે. અમે બેઉ પાણી પીવા વાવમાં ઉતરીએ ત્યાં વચ્ચે એક બાયડી ઊભેલી જોઇ હું બીકનો માર્યો ધ્રૂજી ઊઠ્યો. 'શું છે છોકરા?' ગીગા અદાએ પૂછ્યું, તેથી મેં કહ્યું - 'અદા, વાવના પગથિયાં ઉપર કોઇ બાઇ ઊભી છે.'
'કોણ છો બાઇ?' ગીગા અદાએ સત્તાવાહક અવાજે પૂછ્યું. સામેથી ખડખડાટ હાસ્ય સંભળાયું. આ પહેલાં જ બાઇનું રહસ્ય પામી ગયેલા ગીગા અદાએ મારા ઉપર હાથ મૂકીને કહ્યું: 'બીશમાં જરાય, હો બેટા. જો હું હમણાં એના દાંત ખેરવી નાખું છં. હરામી, પાણી પીતા રોકવા આવી? ઓળખું છું એ વાઘરણને.' અને ધીમા અવાજે કોણજાણે ડોસા કેવો મંત્ર બોલ્યા કે પેલી બાઇ અલોપ. મારી તરસ બીકની મારી મરી ગઇ. શરીરમાં ધ્રુજારીનો પાર નહિ, અને મને તાવ ન ચડી જાય એટલા સારૂ ગીગા અદાએ મને રાખડી-દોરો કરી આપ્યો. એ દોરો જમણા હાથે બાંધતાં જ પેલી બાઇ ભૂલાઇ ગઇ. મેં પાણી પીધું. ખુશ થયેલા ગીગા અદાએ ગાયું: ' મા જે વેદ વખાણે એવી રે, અંબા અલબેલી.'
આ વાતો સાંભળ્યા પછી એ જ ગીગા અદાની મળેલી કૃપાદ્રષ્ટિનો લાભ લેવા આતુર હરિ અવારનવાર તેની પાસે દોડી જતો. રજા વગર બીજાં કોઇને જવાની મનાઇનું ગીગા અદાએ પાટિયું મારેલું.
પોતાની વિદ્યાશક્તિ વિશે ગીગા અદા કોઇને વાત કરે નહિ. એટલે હરિએ પૂછ્યું: ' હેં અદા, ભવિષ્યમાં બનવાના બનાવની તમને કેવી રીતે ખબર પડી જાય છે, એ કહો ને.'
હસી દેતાં ગીગા અદા કહે: ' ગાંડા, એ રીત શીખવાનાં પાનાંપુસ્તક તો નથી. માણસનાં પૂર્વજન્મના સંસ્કાર, ગુરૂની કૃપા અને તેની પોતાની ઉપાસના હોય તો અગમના ભેદ ઉકેલનાર વિદ્યા મળે.'
'મને એવા ગુરૂ મળી જાય તો વિદ્યા શીખવે ખરા?'
'તારા સવાલનો હેતુ સમજ્યો.' ગીગા અદા બોલે: ' પણ જો છોકરા, વિદ્યા ઊજળી અને મેલી એવા બે પ્રકારની છે. કોઇ મેલી વિદ્યાવાળો ભેટે તો જીવતર ઝેર કરી નાખનાર મેલીવિદ્યાનો પ્યાલો પાઇ દે. આપણે બ્રાહ્મણને તો જનોઇ સાથે 'ગાયત્રીમંત્ર' મળેલો જ છે. 'ગાયત્રીમંત્ર' જ સર્વશક્તિમાન ને મંગલકારી છે.'
આ સાંભળી હરિને જનોઇ ધારણ કર્યાંનો ભવ્ય અવસર યાદ આવ્યો. ગરીબ પિતાએ પોતાના બે પુત્રોને જનોઇ-યજ્ઞોપવિત સંસ્કાર માટે એનાં મોસાળ સહિત સગાંવહાલાંને નોતર્યાં. નાના મામા ઉપરાંત આફ્રિકાથી દેશમાં આવેલાં રાદડવાળાં કુટંબ અને આંગણે આવેલા સંખ્યાબંધ મહેમાનોના માન અને લાડ પામવાનો દુર્લભ પ્રસંગ. ગુરૂદેવ શ્રી મણિશંકર બાવાભાઇએ વેદમંત્રના ઉચ્ચાર સાથે વિધિ કરાવ્યો. ગુરૂમંત્ર સહિત જનોઇ ધારણ કરાવ્યું અને નાનાભાઇ સહિત 'બ્રાહ્મણધર્મ'ની ગુરૂદેવે ફરમાવેલી મર્યાદાઓ કબૂલી.
ગીત ગવાયાં, વાણંદ કરસન બાપાએ મુંડન કર્યું અને અતિ ધામધૂમથી 'બડવા' દોડ્યા. 'કાશીયાત્રા' થઇ. મામાને ખભે બેસી ઘરને આંગણે નવદિક્ષિત પોંખાયાનું હ્રદયંગમ યાદચિત્ર મનમાં ઘૂંટતા હરિએ ગીગા અદાને કહ્યું: 'એ તો હું જાણું છું એવી વાત કહી તમે. અદા, હું ન જાણતો હોઉં એવું કાંઇક કહોને.'
'બડો ચાલાક છો તું ગામડિયા.' બંધ આંખોમાં મમતાના ભાવ ચમકાવતાં ગીગા અદા બોલ્યા: 'હું યે એવી વાત જાણતો નહીં હોઉં. હા, નવગ્રહ-વીસોયંત્ર સિદ્ધ કરવા જેવો છે ખરો. ' જે પૂજે વીસા તેને શું કરે જગદીશા' પણ એ જાણવા તું નાનો છે. મોટો થઇશ ત્યારે તારી ઇચ્છા પુરી કરનારી વિદ્યા તને આપમેળે મળી જશે હોં. અત્યારે તો તને માત્ર આશીર્વાદ જ આપું.'
આમ કહી એ અજબ શક્તિમાન વિદ્યાધરે વાત ટાળી. એનો આશીર્વાદ યાદ રહી ગયો. ત્યારે નાણાંનો જમાનો નહિ, એટલે એવા નિર્લોભી વિદ્યાધરની અગમ્ય વિદ્યાશક્તિનો દુરૂપયોગ થયો નહીં. આજની જાહેરાતી વિદ્યાશક્તિ સામે ગીગાઅદાની મહત્તા, સત્યતા તથા વિદ્યાશક્તિનો વિચાર કરતાં અહોભાવ ઉછળે છે.
આ સિવાય તે વેળા પડધરીમાં ચોક્કસ દેવસ્થાનના કર્ણધાર એક 'સાકરમા' નામે જાજરમાન બાઇ, જેઓ મારણ-સંમોહનવિદ્યાથી બીજાંઓને - જો ધારે તો- વિપરિત અસર પહોંચાડી શકે એવી માન્યતા ફેલાએલી. ફઇબાએ હરિને ધમકાવીને ભલામણ કરેલી: 'રોયા, સાકરડોશીની નજરથી આઘો રહેજે - નહીં તો એ તને વળગશે.' પણ સાકરમા ખરાબ કે ભયાનક હોય એવું હરિએ કદી અનુભવ્યું નહિ. 'રાધાકૃષ્ણ' કહી વાત કરનાર સાકરમાનો તેજસ્વી હસતો ચહેરો યાદ રહી ગયો છે.
એવા જ ચમત્કારિક હતા પ્રગટેશ્વર મઠના મહંત. એને જોયા નહોતા, એની વિદ્યાશક્તિની વાતો સાંભળેલી. જામનગરના રાજાને મહંતબાપુએ પ્રભાવિત કરી - 'ચારસો વીઘાં જમીન' મેળવેલી, જે હજુ પણ પ્રગટેશ્વર મંદિરની સંપત્તિ રહી છે. મહંત બાપુની સમાધિ ઉપર ચણાએલાં ભવ્ય મંદિર પડધરી ગામમાં ઊભાં છે. નદીઆરે- જ્યાં એ મહંતબાપુ સ્નાન કરતા- તે 'બાવાના આરા' નામે હજુ ઓળખાય છે.
નોરતાંના દિવસોમાં ત્યાંના શ્રીમંત મુસલમાનના દીકરાનું ફુલેકું, બેન્ડવાજાની ધામધૂમ્, ગરબીચોકમાં 'ફુલેકાનું સરઘસ' રોકાયું. પોતિયાદાસ થોડા બ્રાહ્મણ ને વેપારીઓ. બોલાચાલી પછી મામલો બીચક્યો, ને પડધરીના વાઘ જેવા વાણિયા વાઘજીએ નગારાં વગાડવાં છોડી સિંહ જેવી ત્રાડ પાડી, 'જીવું છું ત્યાં સુધી અમારી ગરબીનું અપમાન નહીં થવા દઉં. ''મારો - મારો' ના અવાજ સંભળાયા. રાજપુતો મારમારવેગે દોડી આવ્યા, વાત ઉછળી અને શમી ગઇ.
'આપણે હિંદુ-મુસલમાન એક જ છીએ. ચાલો ભેળા બેસી ચા પી લઇએ.' અલીભાઇ ઝવેરી જેવા માણસે નગરશેઠ ગાંધી સામે આવી કહ્યું: 'કાકા, ભૂલથી છોકરવાદી ચાળો કરનારને માફ કરી દો.' અને હિંદુ-મુસલમાન બેઉના આગેવાનો એકબીજાને પ્રેમથી ભેટ્યા. કારણ એ વખતે એમાં રાજકારણનું ઝેર નહોતું.
સમાજ વ્યવસ્થામાં તે વેળા નાતના વાડાઓની સંકુચિત ભાવના અને તેમાં પણ બ્રાહ્મણની ધર્મભીરૂતા, નાતવરાના દંભથી ખરડાએલી મહત્તા અને રૂઢિના ફાંસલામાં બંધાએલા આચાર-વિચાર સામે પ્રકોપ ઠાલવનાર સમાજસુધારક માનશંકરભાઇની સમાજસેવા સામે 'કુવાના દેડકા' જેવા સંકુચિત વિચારના જ્ઞાતિજનો ન સંભળાય એવા શબ્દોમાં ટીકાની ઝડી વરસાવતા ત્યારે, હરિ એવા પ્રગતિગામી સમાજસુધારકનાં ભાષણ તથા તેના લખાણોને વેદવાણી માની તેની પ્રત્યે ખેંચાયો. આર્યસમાજી માનશંકરની વિચારધારાની સચ્ચાઇમાં વિશ્વાસ ધરાવવા બદલ હરિને વડિલોના તિરસ્કારનો ભોગ બનવું પડેલું - જે વાત હવે પછી.
|