લેખાંક : ૬
|
પડધરીના વાતાવરણને આત્મસાત કર્યું. ઇશ્વરદત્ત અદ્રષ્ટ શક્તિનો પ્રભાવ પામેલાઓ જ મળેલું સર્વ પ્રેમથી સ્વીકારીને સહી લે. ભલે તે સારૂં કે ખરાબ હોય, પણ તેની કોઇ અવળી અસરને આધીન થાય નહિ.
ગામડાંના સાંકડા ક્ષેત્રમાં વસતી ઓછી, એટલે પ્રેમ-ચાહના વધુ. પડધરી આમ તો શહેર નહોતું પણ જનસમુદાય તથા જીવનદ્રષ્ટિ અહીં વિશાળ હતી. એ જ દ્રષ્ટિથી હરિ અભ્યાસકાળે પણ જ્ઞાનજાગૃતિ અને વિવેકમૂલ્ય શીખવતાં જગત અને જીવનનાં તથ્યોનો દ્રષ્ટા બન્યો.
અહીં સુધી યૌવનસહજ લાગણીઓના ક્રમમાં પ્રવેશ્યો ન હોવા છતાં, વ્યક્તિના ગુણ, એનો સ્વભાવ તથા જીવનનાં લક્ષણોની સમીક્ષા મનોમન કરતો થયો. સંકુચિતવૃત્તિનો સમાજ રૂઢિઓનાં જામેલાં બંધનોમાં ઝકડાએલો. રૂઢિનું ચુસ્તપણે પાલન કરવું એ તેની પ્રતિષ્ઠાની ખુમારીમાં ખપાવાતું.
અહીં બધા વરણો ને વર્ગના લોકો હતા. વિદ્યાર્થી આલમ જો કે મર્યાદિત સંખ્યાવાળી, છતાં તેમાં હિન્દુ-મુસલમાન સિવાય બીજી અનેક કોમના નામ હતાં. હરિજનને સ્પર્શ કરવાનો નિષેધ હતો. જ્ઞાતિની મર્યાદા રાજમાન્ય હતી. નાતપટેલો કોઇપણ વ્યક્તિને પંક્તિબહાર મૂકીને તેવા હુકમથી તેને અપમાનિત કરી શકતા.
આમ છતાં, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં નાત-જાત, કોમના ભેદ નહોતા. હિંદુ વિદ્યાર્થીઓ મુસલમાન મિત્રોના ધાર્મિક તહેવારોમાં ઉલટભેર સામેલ થતા. મુસલમાન વિદ્યાર્થી વર્ગ હિંદુ દેવમંદિરોમાં પણ ખુદાનો વાસ હોવાનું સમજતા.
હરિના સહાધ્યાયીઓમાં શાંતિ, છગન, ચીમન ગારડી - જેના મોટાભાઇ દીપચંદભાઇ ગારડી- આજે સખાવતી ગૃહસ્થ તરીકે દેશખ્યાત છે. બીજા નીજુમિંયા અબ્દુલ્લા, અભરામ જીવા ને જુસબ હાજી ઉપરાંત ગૌરીશંકર, દુર્ગાશંકર અને શાંતિલાલ નરભેરામ જેવા વિદ્યમાન સહાધ્યાયીઓ મળે ને અમે એકબીજાને તુંકારે સંબોધી ભૂતકાળ સજીવન કરીએ.
બીજું તો શું હોય - સાદાં જીવનમાં આકર્ષણ - હા, પડધરી ગામમાં પણ - ચમત્કારની અનેક વાતો હરિએ એટલા જ અહોભાવ સાથે વીણી, ભૂતકાળમાં અનુભવેલું સાધુ નરભેરામ બાપુનું અદભૂત મિલન, રાંદલમાતાના કૃપાપાત્ર ભક્ત હીરાબાપા ત્યારે વિદ્યમાન, હરિના પિતા પાંચ-પંદર દિવસે પગે ચાલી પોતાના દીકરાનું મોઢું જોઇ જાય. જોઇતી વસ્તુ આપી જાય. મૂળ તો પડધરીમાં અમે બેનાં પોષણનો ભાર તો મારાં પાલક ફઇબા જ ઉઠાવતાં. તેઓ દળણાં-પાણી કરી બે પૈસા મેળવી, અમારો ઘર વહેવાર ચલાવતાં, એટલે પિતાને રોકડ નાણાં આપવાની ઉપાધિ નહોતી, તેમ રોકડાં નાણાં એની ગાંઠે હતાં પણ નહીં.
અહીં તે વખતની સસ્તાઇ-માલની સોંઘવારીનો આશીર્વાદ આપમેળે યાદ આવે. બ્રિટિશ શહેનશાહ પંચમ જ્યોર્જની સર્વોપરિ સત્તા હેઠળ નવાનગર સ્ટેટ - જામનગરમાં જામશ્રી રણજીતસિંહજીનો રાજઅમલ. જામબાપુએ બેડીબંદર ખોલી વેપારીઓની જકાતમાં - 'રિબેટ પદ્ધતિ' રાખીને દેશના મોટા વેપારીઓએ બેડીબંદરે માલ ઉતારવા માંડ્યો, અને કાઠિયાવાડ, ખાસ કરી જામનગર રાજ્યમાં માલ ખૂબ સસ્તો થઇ પડ્યો.
પરદેશી કાપડની તે વખતની સસ્તાઇ આજે માનવામાં નહિ આવે. જાપાનનું રંગીન સાટિન છ પૈસે અને ચીનનું 'બોસ્કી' નામે રેશમી કાપડ છ થી આઠ આને વાર વેચાતું હતું.
આઠઆને મણ જુવાર, રૂપીએ મણ બાજરો, સવાથી દોઢ રૂપીએ મણ ઘઉં, એક રૂપીએ મણ ગોળ, બે રૂપીએ મણ ખાંડ, ત્રણ રૂપીએ ડબો તેલ અને રૂપીઆનું ત્રણ શેર ભેંસનું ઘી, આઠઆને એક મણ દૂધ. વાંચનારને લાગે કે લખનાર ગાંડો છે.
હકીકતમાં ઉપર લખ્યાભાવે હરિએ આ માલની ખરીદી કરેલી.
હા, પડધરીની નોંધપાત્ર બાબત, એ ગામના ઇતિહાસમાં અંકિત થયેલાં રોમાંચપ્રેરક પ્રકરણઃ સોળમી સદીના દેશખ્યાત શાહસોદાગર ઇબજીની પત્ની રીડીએ પડધરીમાં અતિ ભવ્ય જૈનદેરાસર બાંધેલું અને કાળક્રમે પડધરી તેના બારગામ સહિત જામનગરના રાજવંશી હાલાજી કાકાભાઇને જાગીરમાં મળેલું.
કાઠિયાવાડના સત્તર-અઢાર સદીના રાજપ્રકરણી ઇતિહાસમાં અમર નામ રાખી ગયેલા નરકેસરી કાકાભાઇની બહાદુરીની ઝલક શબ્દોમાં કહી જાય તેવી નથી. જો તેઓ ત્યાગવૃત્તિવાળા ન હોત તો એણે પણ ગોંડળ-ધ્રોળ કે પોરબંદર જેવાં એક સમૃદ્ધ રાજ્યની સ્થાપના કરી હોત. જેના હાથની તાતી તલવાર લોહીભીની એવા કાકાભાઇએ ત્રણ રાજાઓને માર્યા. અનેક સત્તાધીશ રાજાનાં પાણી ઊતાર્યાં, મોરબી તથા કચ્છનાં લશ્કરોએ બર્બર આક્રમણ કર્યાં. લોહી વડે છલકાએલી પડધરીની ભૂમિ પર, ગધેડા જોડેલાં હળથી મીઠું વવરાવી, દુશ્મનોએ તેને એવી અપશુકનિયાળ બનાવી દીધેલી, જેને લઇ - આજ સુધી ભૂમિપુત્ર કણબી - કૃષિકાર ત્યાં વસી શકતો નથી.
પડધરીના હવે તો જર્જરિત બનાવી દેવાએલા કાકાભાઇના કિલ્લામાં રાજાશાહી જમાના દરમિયાન પડતી રાતે ભૂતપ્રેતની ચીસો સંભળાતી. આરબ દરવાનો સુદ્ધાં ચૂડેલના પડછાયા જોતા. લડાઇઓના અવશેષ જ્યાં આજ સુધી જોઇ શકાય છે એવા એ લોખંડી કિલ્લાની વિચિત્ર છતાં અદ્રષ્ટ હિલચાલ વિશે એ ગામમાં વસેલા હરિએ ઘણી વાતો સંભળેલી અને તેનાં તથ્યોનો અભ્યાસ કર્યો. તેના પરિણામે ઘણા વરસ બાદ એણે 'પડતા ગઢના પડછાયા' નામે નવલકથા લખી છે.
પરંતુ ગરીબ માતાપિતાના એ કિશોરના અભ્યાસકાળની બીજી વિશેષતા નહોતી. નાતવાળાઓને મન તે કશું નહોતો. ગામડિયાઓને ક્ષુદ્ર ગણાય, પરંતુ શાળાના મુખ્ય આચાર્ય તેમ જ એના વિદ્યાગુરૂઓ વિદ્યાર્થી હરિમાં કંઇક હીર પારખી ગયા હોય તેમ એની વાતોમાં રસ લેતા. સહાધ્યાયી દોસ્તો પણ તેની વાતોમાં વહી આવતી ચમત્કારોની રસધારા પીવા આતુર રહેતા.
અને જામબાપુના જન્મદિન ખુશાલીના સમારંભમાં હરિએ ગાયેલું સ્વરચિત ગીત તેને બે રૂપિયાનું વિશેષ ઇનામ સાથે ગામમાં કવિ તરીકે પ્રસિદ્ધિ અપાવી ગયાનું અગાઉ નોંધાઇ ગયું છે.
ગામના નગરશેઠ કપુરચંદ ગાંધી, તેના કરતાં વધુ ધનાઢ્ય અને વધુ પ્રભાવશાળી અલીભાઇ ઝવેરી. જામસાહેબના માનીતા અલીભાઇ ઝવેરી બીજા રાજાઓના પણ પ્રિતીપાત્ર. એના કુટુંબનાં લગ્નો વેળાની ધામધૂમ પડધરીની જનતા ભૂલી નથી. એના પુત્ર નુરમામદ અને ભત્રીજા કાસમના લગ્નપ્રસંગે પડધરી પધારેલા જામબાપુ, બીજા બે રાજા સાથે તે વેળા વિશ્વવિખ્યાત સોરઠી જાદુગર મહમદ છેલની વિદ્યાસિદ્ધિઓ જોવામાં કિશોર હરિને ઘણો રસ પડ્યો.
રાજાઓના માનીતા તેમજ પ્રજાસમૂહના રસપાત્ર એવા એ જાદુગર યુરોપ - અમેરિકામાં જન્મ્યા હોત તો એની સિદ્ધિ ચમત્કારયુગની ઝલકને અમર કરી ગઇ હોત.
કાંઇક કામે મહમદ છેલ એક વેળા સ્ટેશને ગયા. પાછળ જિજ્ઞાસુઓનાં ટોળામાં હરિ સામેલ હતો. સ્ટેશન માસ્તર કાંતિભાઇ પરમ શ્રદ્ધાળુ ઇશ્વરભક્ત. આમ તો છેલબાપુ પડધરીમાં આવ્યા ત્યારથી એની ચમત્કારશક્તિની વાતોએ લોકોનાં દિલ ડોલાવ્યાં હતાં, સ્ટેશનની એક ઓફિસમાં બહુ માનપૂર્વક ઉંચા આસને બેઠેલા છેલબાપુએ હાજર રહેલા ઉપર ખુશ થઇ પૂછ્યું: 'ક્યા દેખના ચાહતે હો તુમ સબ?'
'બાપુ, સ્ટેશન માસ્તરે આપને રેલટિકિટ ન આપી એટલે તેમને જ કાંઇ બતાવી દો.'
અને છેલબાપુએ પોતાની દાઢી ઉપર હાથ પસવાર્યો, અને ધડોધડ રેલટિકિટો ખરવા લાગી. 'બંબઇ, કલકત્તા, નાગપુર, મદ્રાસ, દિલ્હી, દ્વારકા, બનારસ, પુના, અજમેર જહાં ભી જાના હો દોસ્તો, આપ અપની ટિકિટ પસંદ કર લો.'
સ્ટેશનમાસ્તર સહિત બધા પ્રશંસામુગ્ધ - વિસ્મયચકિત થઇ જોતા રહી ગયા. સ્ટેશનમાસ્તરે ટિકિટ બોર્ડ જોઇ કહ્યું: ' છેલબાપુ, આમાંની ટિકિટો ખલાસ. રેલ્વેને હું શું જવાબ આપીશ?' - 'ગભરાઓ નહિ, માસ્ટરજી, જવાબ તો હું આપી દઉં.' કહી છેલબાપુએ પેલી બધી ટિકિટો જે રીતે ખેરવી તે રીતે ઠેકાણે પહોંચાડી દીધી. ધન્યવાદના શોર ને તાળીઓના ગડગડાટ સામે છેલબાપુ એવા જ સ્વસ્થ બેસી રહ્યા હતા.
જાદુગર મહમદ છેલે બતાવેલા ચમત્કારને હજુ સુધી જગતનો કોઇ જાદુગર આંબી ગયો જણાતો નથી. નાનકડાં હરિની યાદદાસ્તમાં આથી એક યાદગાર પ્રકરણ ઉમેરાયું. જાદુગર છેલબાપુએ બધાં વચ્ચે નાનકડા હરિ સામે એટલાં માટે ધ્યાનથી જોયું કે મહારાજા જામસાહેબની પધરામણી વેળા, રંગીન વાવટા લઇને વિદ્યાર્થીઓની કતારમાં ઊભેલા એ છોકરાએ મધુર કંઠે પ્રાર્થના ગીત ગવરાવ્યું હતું.
તે વેળા બાર વરસનો એ છોકરો પચાસ વરસ બાદ મહમદ છેલની અપરા ચમત્કારવિદ્યા તથા તેમના જીવનકાર્યનો પરિચય લેખ લખશે એવી તો કલ્પના પણ નહોતી.
પડધરીના સારસ્વત બ્રાહ્મણ, પાડોશમાં રહેતા ગીગા અદાનો હરિ ઉપર અત્યંત મમતાભાવ. જન્મથી આંધળા એ જાજરમાન છતાં સાદા ભલા ડોસા અગમનિગમનાં રહસ્યો જાણનાર અજબ અસાધારણ ભવિષ્યવેત્તા.
લાકડી ખખડાવતા રોજ સવારે નદીએ સ્નાન કરી, ખભા ઉપર પાણીનો કળશો ભરી લાવી, હાથે રાંધી જમનાર એકલવાયા ગીગાઅદાનાં હ્રદયચક્ષુ ભગવાને ખોલ્યાં, એટલી જ નવાઇ અનુભવનારાં પાડોશીઓને ખબર નહોતી કે જીવનનાં ગૂઢ રહસ્યો અને ભાવિના ભેદ ઊકેલી જાણનાર એ વ્યક્તિમાં સમર્થ ભવિષ્યવેત્તા છુપાયો છે. જેના પ્રેરણાદાયી સંપર્કની વાત હવે પછી કરીશું.
|