લેખાંક : ૫
|
હૈયાદુબળાં ભાઇનું ઘર જાળવવા દેહને દળી નાખતો પરિશ્રમ પણ જેને મન કશું નહોતો- એવાં ત્યાગમયી ફઇબા દયાબેને પોતાના પ્રાણપ્રિય હરિની પીઠ ઉપર હાથ પસવારતાં કહ્યું: 'મારા દીકરા, હવે પડધરી જઇ રહેવાની તૈયારી કરીએ. ભણીગણી બાજંદો થવાની તને હોંશ છે, હું તારી સાથે છું., તને રસોઇ કરી આપીશ. આપણે ફોઇ-ભત્રીજાના મન મળી ગયાં છે. તને પડધરી રહેણાક બહુ ફાવી જશે. જોજે તો ખરો, તારા દાદાજીએ ત્યાં કેવું છોબંધ ઘર બાંધ્યું છે, ચોમાસામાં બારે મેઘ ખાંગા થાય તો યે તેમાં રહેનારના પેટનું પાણી ન હાલે.'
ઘર અને મોસાળ સિવાય ક્યાંય ન નીકળેલા હરિને માતા-પિતા-મોટાબાપુ ને આત્મસાત બની ગયેલાં વતનનાં સર્વસ્વથી પહેલીવાર અળગો કર્યા વિના છૂટકો નહોતો. દાદીમા, મોટાબાપુ અને માતાપિતાએ છોકરાને પડધરી રહેવાની લાલચો આપી હતી.
ગામની ધરતી સાથે બંધાએલી આત્મીયતા, પરિચિત શેરીઓમાં વહાલા દોસ્તો સાથે મનભરી માણવા મળતી રમતગમતની મઝા, અવનવી વાતોનો આનંદ, નદીના જળપ્રવાહમાં નહાવું. ત્રિવેણીસંગમ સ્થાને ઉભેલી વૃક્ષઘટા - વડની વડવાઇઓના હીંચકા બાંધી હીંચકવું, ભવાનના વાડામાં સામે ખોડાએલી જાંગી ઉપર સહેલ કરવી - આ બધું છોડતી વેળા શું થશે એ વાત શબ્દોમાં કહી જાય તેમ નથી. મન મારી વિદ્યાભ્યાસ માટે ચાલો પડધરી.
છોકરાને સાતમું વરસ બેસી ગયું. વસંત-પાંચમે નિશાળે બેસાડવાનું 'મૂરત' નક્કી થયું. એ જ દિવસે ખીજડિયા બાલુભાઇ જેવા સગાની દીકરીનાં લગ્ન. ચાલો તેને ત્યાં જાન આવે તે પહેલાં પડધરી જઇ હરિને નિશાળે બેસાડવાનું મૂરત સાચવી હું અને હરિ ખીજડિયા જઇએ. બનશે તો પડધરીથી પસાર થનારાં જાનનાં ગાડાંનો સથવારો લેશું.
બીજા દિવસની વહેલી સવારે હરિને નવરાવી નવાં લુગડાં પહેરાવાયાં. મોટાબાપુએ - પોતે ભણ્યા હતા એ જ સાચવી રાખેલી પાટી આપતાં હરિને ચૂમી લીધો, ત્યારે એની આંખ આંસુભીની હતી.
આલાભાઇ આહિરનું ગાડું આવ્યું. નિશાળિયા બનેલા હરિને ગાડાં સુધી વળાવતાં માનું હ્રદય હાથ ન રહ્યું. આજે રમુજમાં ખપે એવી તે વેળાના વાતાવરણે સાચવી રાખેલી લાગણીઓમાં ઝબોળાતો હરિ પિતા સાથે ગાડાંમાં બેઠો.
'મારાં ઓછાં કુળના દીવડા, તને સરસતીમા ઝાઝી વિદ્યા દેજો.' માએ આવો આશીર્વાદ આપતાં મીઠડાં લઇ દીકરાને ભણવા સારૂં વિદાય આપી.
ગાડું ત્રિવેણી સંગમ પાર કરતું હતું ત્યારે હરિને ગામની સાંકડી શેરી, ડેલી અને ચોરાનો ચોક, વાછડાદાદાના ઓટાવાળું રતમધામ - આ બધું યાદ આવ્યું. પરોઢના ધુંધળા અજવાસે તેની નજર ગામનાં દૂર જતાં વૃક્ષોને વળગવાનાં હવાતિયાં મારી રહી.
પડધરી ગામે પહોંચ્યા. ગામને પાદર વહેતી ડોંડીનદી ઉપર રેલ્વેપુલની કતાર, હરિ જોતો જ રહી ગયો. 'બેટા,' પિતાએ પરિચય આપ્યો: 'આનું નામ રેલગાડીનો પુલ, આપણું ઘર અને આ પુલ એક જ વરસે બંધાયાં. સને ઓગણીસસો પંચાવનની સાલમાં.'
'કોણે બાંધ્યાં હશે આવડા મોટા પુલ?' હરિએ પૂછ્યું. મનમુંઝવણથી ચૂપ રહી ગયેલો હરિ બોલ્યો; અને આનંદમાં પિતાએ જવાબ આપ્યો: 'પુલ બાંધ્યા આપણા શિરછત્ર જામબાપુએ.'
પુલથી આગળ વધી ગામમાં પ્રવેશેલું ગાડું - ચબૂતરાવાળી શેરીને નાકે થોભ્યું. ગાડામાંથી ઉતરતા હરિની નજર કદી ન જોયેલા ચબૂતરા સામે જડાઇ રહી.
'આપણે ત્યાં ગામડાંમાં પંખીને ચણ નાખવા મેદાન. અહીં આવો ચબૂતરો બાંધ્યો છે ધર્મવાળાએ. ચણવા આવેલાં પંખીડાંને બિલાડી જેવાં શત્રુનો જરા યે ડર નહિં. ચબૂતરામાં વહેલી સવારે દાનસ્તાં લોક ચણ નાખીને ચબૂતરાનું બારણું વાસી દે, એટલે પંખીડાંને રામનાં રખેવાળાં.'
'આહોહો, જાદવભાઇ. છોકરાને નિશાળે બેસાડવાનું મૂરત સાચવવા આવ્યા ને - ઇ બઉ સારૂં કર્યું' કહેતાં પિતાના ફોઇના દીકરા દયારામે આવકાર્યા. એનાં પત્ની દેવબાએ ફરીથી હરિના કપાળે ચાંલ્લો કર્યો. નિશાળે જવા પહેલાં બજારે ગયા. દુકાનોની હારની હાર. વેપારી ગોરધન અદાએ નામ લઇ જાદવજીને આવકાર્યા ને પૂછ્યું: 'શું શું ખરીદવું છે એ લખાવો.'
'આજ તો ગોરધનભાઇ, મારા આ મોટા છોકરાને અહીંની નિશાળે બેસાડવાનું મૂરત સાચવી લેવા આવ્યો છું.'
'બઉ સારો વિચાર કર્યો જાદવજીભાઇ. મૂરતનો પડો અને નાળીએર આપું.'
હાથમાં કંકુ છાંટેલ સાકર-પડો ને શ્રીફળ લઇ પિતા તથા દયારામ અદા સાથે પડધરી તાલુકાસ્કૂલના આલિશાન એવા મકાનમાં પ્રવેશીને હું સીધો હેડમાસ્તર સામે દોરાયો. પડો-શ્રીફળ જોઇને આજના આ મૂરતવંતા વસંતપંચમીના દિવસે આવેલા હરિને હેતથી આવકારી પૂછ્યું: 'શું નામ તારૂં?'
હેડમાસ્તર એ પોપટલાલ પરસોતમ ફિચડિયાએ પૂછેલા પ્રશ્નનો નવા નિશાળિયાએ જવાબ આપ્યો: 'હરિલાલ'
'સાહેબ, એને નિશાળે બેસાડવો છે.'
'મારી નિશાળ મા બની અમારા હરિલાલને વિદ્યાદાન આપશે.' આમ બોલતાં હેડમાસ્તરે રજીસ્ટર - કેટલોગમાં નામ સ્વહસ્તે લખી, પછી પાટીમાં 'શ્રી' લખી આપી ઘૂંટાવવાથી વિદ્યાભ્યાસનું મૂરત કર્યું, અને પછી ઉંચા અવાજે બાળપોથીના વર્ગશિક્ષક હીરજીભાઇ પરમારને બોલાવીને કહ્યું: 'હરિલાલ જાદવજી ઉપાધ્યા' નામે આ નવો વિદ્યાર્થી તમારા વર્ગમાં સંભાળી લો.'
હરિએ મોટા સાહેબ અને હીરજી માસ્તરને વંદન કર્યું. અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓ પોતાના સમૂહમાં ઉમેરાયેલા હરિને મમતાભરી નજરી જોઇ રહ્યા. પડધરી એ જામબાપુના જામનગર રાજ્યનો કસબો હતું. બાપુનો એવો હુકમ હતો, કે કોઇ વિદ્યાર્થી ઉઘાડે માથે નિશાળમાં આવે નહિ.
નિશાળમાંથી અઠવાડિયાની રજા લઇ પિતા સાથે ખીજડિયા ગામે લગ્નપ્રસંગે ગયેલા હરિની યાદદાસ્ત તાજી થઇ. જાનનાં ત્રણ-ચાર ગાડાં કન્યાના ગામને પાદર પહોંચે. વળાવિયો બંદુકનો ભડાકો કરી, જાન આવ્યાંની વેવાઇને ખબર આપે. હરખઘેલી જાનડીઓ કન્યાપક્ષની મીઠી રમૂજ કરતું ગીત લલકારે.
પાંચ-છ દાયકા પહેલાંનો એ સમય અને તે વેળાનો માનવી કેટલો સાફદિલ, નમ્ર, પ્રેમાળ, વિવેકી અને રસભાવ સાથે જીવનમૂલ્ય જાળવવાની હામવાળો હતો?! પ્રેમ, વિશ્વાસ ને આત્મીયતાની સુવાસથી જનજીવન તરબતર. એકને જોઇ બીજો રાજી થાય. એકની ભલાઇમાં બીજાનો ભાગ.
માત્ર આટલા દાયકા પછી આજે એ વેળાના વાતાવરણ, સમાજમર્યાદા અને સુખ-સંતોષ સાથે જીવનસાફલ્યની કલ્પના યે અલોપ થઇ ગઇ. બ્રાહ્મણોનાં બહોળાં ઘરવાળાં ખીજડિયામાં એકી સાથે ત્રણ-ચાર કન્યાઓનાં લગ્ન, મહેમાન-સગાંવહાલાં ને સાજનમાજનના આનંદકિલ્લોલ જેવા એના અંતરના પ્રેમભાવ, અને એવાં જ સાચા કસવાળાં ભોજન.
ખીજડિયામાં નાતીલાને આંગણે માણેલા લગ્નના લ્હાવ. લગ્નગીતોમાં વહેલી ગંગધારા જેવી માંગલ્યભાવના ભૂલી નહીં ભૂલાય.
અને આટલો આનંદ માણ્યાં પછી સાથે પડધરી જઇ રહેલો હરિ પહેલે દિવસે નિશાળે જતો હતો, ફઇબા પોતે સાથે હતાં. માંડવીશેરીને નાકે હરિ જેવડો જ સહપાઠી મળી ગયો. એનું નામ શાંતિલાલ નરભેરામ પંડ્યા. 'એ બોલી ઊઠ્યો: 'તારૂં નામ હરિલાલ અને હીરજી સા'બના ક્લાસમાં આવવું છે ને? હાલ્ય, આપણે બે ય સાથે જઇએ.'
'અરે આપણા બેયનું કામ થઇ ગયું ને દોસડા લેરી.' શાંતિએ પહેલા પરિચયમાં જ દોસ્તીની ખાતરી સાથે પોતાનું નામ અને ઘર બતાવ્યું. હવે અમો બેઉ રોજ હારે નિશાળે જવાના. તારાં બાને કઇ દે દોસ્ત, એ પાછાં વળે - નહીં તો બીજા છોકરા તારી ઠેકડી કરશે.'
મેં શાંતિને કહ્યું: ' એ મારી બા નથી, પણ ફઇબા છે.'
'ફઇબા, હવે હરિની ચિંતા ન કરશો. પેમલાના ઘર પાસે 'ચપાટી'-કરડકણો કુતરો, પણ અમે બે રહ્યા એટલે એની ય ખેર નહીં હોં...' શાંતિએ કહેલી વાત ઉપર વિશ્વાસ મૂકીને પણ પહેલે દિવસે તો ફઇબાએ મને નિશાળના દરવાજા સુધી જાતે પહોંચાડ્યો.
|