લેખાંક : ૪
|
બીજા દિવસની રાતે જિજ્ઞાસુ હરિ મોટાદાદાને અધુરી રહેલી વાત યાદ કરાવી પૂછે છે: હેં અદા, તો પછી અમારા વડવા સહિત પાતાબાપા વોરા તથા શિનાણીદાદાની અઢળક લક્ષ્મીનું શું થયું? નકાબાપા કોળી આ ગામના રખેવાળ હતા અને મેલડીમા એને હાજરા હજુર...'
'તારા કહેવાની ના નહીં, નકાકોળીની ઇષ્ટદેવીમાં ગામના ઉજળિયાતોને તો બહુ શ્રદ્ધા નહિ. એનો ભગત જાતે કોળી, ગામ ઝાંપા પાસે ઝુંપડાં જેવાં ખોરડામાં રાતભર જાગતો રહી માતાજીનું ભજન કર્યાં કરે. ભરેલી બંદુક પાસે પડી હોય. દરબાર તરફથી 'પસાયતા'ની નજીવી જીવાઇ મળે. બાકી તો વાડામાં શાકભાજી ઉગાડી ગુજારો કરે. કોઇને એવી શંકા પણ થાય - 'નકો એટલી ટુંકી આવકમાં ગુજારો શેં કરતો હશે? કદાચ માતાજીને નામે દોરા-ધાગા કરી ભોળાં માણસોને છેતરતો હોય.'
આવી વાતો સાંભળી નકાને દુ:ખ થાય, પણ પોતાનો ધરમ ન ચૂકે, આખી રાત ગામને ઝાંપે જાગતો રહે.
'નીતિધરમનો જમાનો. માણસની જીવનમૂડી માત્ર આબરૂ. આબરૂ ગયા પછી તે વેળાના માણસનું જીવતર ઝેર બની જાય. ગામમાં ચોરી-ચપાટી થાય તો નકાકોળીને મરવા જેવું થઇ પડે-એવું જાણનાર કોઇકે એની વિરુદ્ધ ખટપટ કરી. દરબારી કામદારે આવી, નકાકોળીને પૂછ્યુ: 'એલા, મેલડી માના ભજનને બહાને દોરાધાગા તો નથી કરતોને?'
'ના, બાપુ. ભોળે ભાવે માતાને ભજું છું. માએ મારી લાજ રાખી છે. ધીંગાણાં જેવા અવસરે માતાએ મને બળ દીધું છે, અને મેં દરબાર તથા લોકોની સેવા કરી છે.'
મોટા અદા આ વાત કરતાં ભાવવિભોર બની જતા, અને આગળ વધી કહેતા:'આવો ભલો અને બહાદુર રખેવાળ. એની સેવાની કદર થવાને બદલે ખટપટ થઇ. ખટપટનો રોગ ગામડાંને ગૂમડાં જેવું પીડાકારી બનાવી મૂકે. નકાકોળીને ચાહનારા ગામના સુખી માણસોનાં મનમાં ઓલી ખટપટ સામે દુ:ખ થયું હશે, પણ બોલી જ ન શક્યા. રાજ્યના કર્મચારીઓ સામે હરફ ઉચ્ચારવો લોઢાના ચણા ચાવવા જેવું હતું. ખારા ઝેર બનેલા નકાબાપાએ સતિમાની વાવ પાસે જાગ બેસાડી મેલડીમાની થાપના કરી. જોગાનુજોગ ખીજડિયાના બ્રાહ્મણની દીકરી સાસરવાસે હડમતિયા ગામથી આવેલી. નાણાંવાળું ઘર અને દીકરીને સંતાન નહિ. નકાબાપાની આરાધ્ય મેલડીમાને શરણે જઇ બ્રાહ્મણની દીકરી - શિવકોરે સંતાન માગ્યું. નકાબાપાએ ધૂણીને કહ્યું: ' જા બેન, તને નવ મહીને દીકરો આવશે.'
'તો બાપા, હું દર વરસે તમને 'તાવો' મોકલીશ' શિવકોરે કહ્યું. શ્રદ્ધાની વાત સૌને ગળે ન ઉતરે. કોઇકે સણસણતી ટીકા કરી: 'બામણને દીકરી ઉઠી કોળીની દેવીને પૂજવા ગઇ.' પૂજા ફળી, અને શિવકોરને પેટે દીકરો જન્મ્યો. એ જ હડમતિયાનો હડાબીડ બ્રાહ્મણ - દેવશંકર.
'માતાજીએ પત રાખીને હરખઘેલો નકો બાપો પસાયતું છોડી પીપળિયા-મેઘપરને સીમાડે ઝુંપડીવાળી ભજન કરવા બેસી ગયો. એ સ્થળે એણે બાંધેલો પાણીકાંઠો હજુય છે.' વાત કરતાં મોટા આદા ઉત્સાહભેર બોલ્યા: 'જંગલમાં જઇ બેઠાં છતાં નકાબાપાની નજર ખીજડિયાની રખેવાળી કરે. રાતદિન એક જ ઝંખના - 'મારી મા મને ધીંગાણે કામ આવી જવાની કિરપા કરે.' થયું પણ એમ જ. કોઇક કવળા વરસે ગામ ઉપર ધાડ પડી ને દોડી આવેલા નકા બાપા ધાડપાડુ સામે લડતાં કામ આવી ગયા.
અને વાત કરૂણરસ રેલાવી રહી. સાંભળી રહેલા ભાણેજે અદાને પૂછ્યું:'જંગલમાં એકલું રહેનારને બીક ન લાગે?'
હસીને અદા બોલ્યા:'તું યે બીકણ થયો કે શું? શ્રીમંતાઇના ચેપવાળા ઉપાધ્યા કુળમાં બધાય બીકણ. પણ બેટા, અમારાં ગામની સીમમાં દેવતાઇ રખવાળાં રહ્યાં છે. પાસેના રાદડ ગામ વચ્ચે 'ખડોપાણો' નામે જગ્યા. ત્યાં જુગજુગથી દેવતાઇ નાગનો વાસ. ખડા પાણાવાળા નાગદાદા રાતવેળાએ સિમાડામાં ફરી વળી આ ગામની રખેવાળી કરે. આપણા કચ્છ - કાઠીઆવાડમાં કેટલાક નામધારી નાગદેવતાનાં થાનક છે. કચ્છ-ભૂજના કોઠામાં ભૂજંગનાગ બધામાં આગેવાન. ધ્રોળશહેર પાસે - 'તંબોળિયા નાગદાદા' - સરાપાદર ગામમાં - 'વાટપડા' અને ખડાપાણે વાસંગી -વાસુકિ નાગદાદા. બીજાં પણ થાનક હશે - જ્યાં કોઇવાર નાગ-દેવતાના વહીવંચા - 'નાગમગા' બારોટ નાગની વંશાવળી વાંચી યજમાન પાસે દક્ષિણા માગે.'
આ વાતમાં હરિને ઘણો રસ પડ્યો, એનો દરેક શબ્દ તેનાં બાળમાનસ ઉપર કોતરાઇ રહ્યો. મોટા અદા સામે જોઇ હરિ પૂછે: 'હેં, અદા. એ નાગમગા બારોટ નાગ પાસેથી શી રીતે દક્ષિણા લેતા હશે?'
'એ તો કોઇએ જોયું નથી; કારણ નાગમગા પોતાના યજમાન વિષે કોઇને કશું જણાવતા નથી. વાત સાંભળી છે, કે વડવાઓ પાસેથી નાગવંશનેએ વિગતનો અભ્યાસ કર્યા પછી તે એના યજમાન - નાગદેવતાને થાનકે કોઇ નાહીધોઇ ભજન, અપવાસ કરે અને નાગદેવતાનું કુટુંબ- અને દીકરીઓ સહિત - પોતાની પાસે આવી તેની વહીમાં લખેલી વંશાવળિ સાંભળે. આ ક્રિયા રાતના એકાંતે થાય. વંશાવળી સાંભળી નાગદેવતા પોતાના લોકમાં સમાઇ જતાં પહેલાં મૂલ્યવાન રત્ન અને સોનામહોરો છોડી જાય - એ જ નાગમગાને મળેલી દક્ષિણા. તે એને જીવનભર પોષે. નાગમગા નદીનું પાણી પીને તેમાં કાંઇક મૂકે. મફતમાં કોઇનું ખાતા-પીતા નથી, તેમ પોતાની ઓળખાણ કોઇને આપતા નથી. એટલે જ તેઓ રહસ્યમય છે. કોઇએ તેને સાચા સ્વરૂપે જોયા-જાણ્યા નથી, છતાં હકીકત છે કે, કચ્છ - કાઠિયાવાડમાં જેમ નાગદેવતાનાં થાનક છે તેમ નાગમગા બારોટ છે જ. એ વાત ખોટી હોય તો સેંકડો વરસ સુધી ટકે નહિ.
મોટા અદાએ કહેલી વાતોનો રસિયો હરિ - ખીજડિયામાં રહે ત્યાં સુધી રોજ સાંભળે.
ખીજડિયાની ધરતી ઉપર વેરાઇ-કાળનાં મુખમાં અલોપ બનેલાં ઇતિહાસનાં પ્રકરણોને મૂળશંકરદાદા વાચા આપે. ખીજડિયાના ત્રણ લક્ષ્મીનંદનોની વાત અદા આવી રીતે રજૂ કરે છે.
લેખાંક : ૪ : (ચાલુ) -("કિસ્મત" - ઓક્ટોબર ૧૯૮૫)
'અહોહો દીકરા, કહે છે, કે આખો સંસાર જેને ઝંખે છે એવી લક્ષ્મીદેવી સાક્ષાતરૂપે પોતાના કૃપાપાત્રને વરે છે અને એવા લક્ષ્મીલાડીલા ભાગ્યવંત જ્યાં ખોદે ત્યાંથી સિક્કાના ચરૂ નીકળે છે. કાઠિયાવાડના સુપેડી ગામના બ્રાહ્મણ જગુમોઢ, ગુજરાતના ખેડાજિલ્લાના સોજિત્રા ગામના કણબી - પટેલ વીરાગગજી અને બ્રાહ્મણ વછરાજ - વાછા ઉપાધ્યાને સાક્ષાત લક્ષ્મી વરેલાં. જગુમોઢે લક્ષ્મીથી સુપેડીમાં મોરલીમનોહરનાં ભવ્ય મંદિર બંધાવ્યાં.સોજિત્રાવાસી વાછા ઉપાધ્યા અને પટેલ વીરાગગજીની લક્ષ્મી ઉપર ત્યારના શાહીસુબાની લાલચુ નજર ગઇ અને સંકટમાં મૂકાએલા એ બેઉએ લખમીદેવીને બચાવવાની આરદા કરી. માતાજીએ સપનામાં આવી કહ્યું - 'ઉચાળા ભરી તમે બેઉ ગુજરાત છોડી કાઠિયાવાડ ચાલ્યા જાવ. ત્યાં તમને દેવતાઇ રક્ષણ મળશે. અને પટેલ વીરાગગજી તથા વાછા ઉપાધ્યા કુટુંબ કબિલા તથા માલસામાનનાં ગાડાં ભરી સંવત પંદરસો એકાવનમાં કાઠિયાવાડ ઊતરી આવ્યા. અજાણી ધરતી- પણ માતાજીની સહાય. આગંતુકોના ગાડાં આ ખીજડિયા ગામના પાદરમાં પહોંચ્યાં અને પાદરના વડલા પાસે એણે તેજ ઝબકાર જોયો. માતાજીની આજ્ઞા માની, બેઉ કુટુંબે ખીજડિયામાં કાયમી વસવાટ કર્યો.
વીરાબાપાએ કસદાર જમીન ઉપર ખેતી, અને વાછા ઉપાધ્યાયે વેપાર ધંધો જમાવ્યો. ખીજડિયા ધ્રોળ રાજ્યના સરપદડ મહાલનું ગામ. ધ્રોળ ઠાકોર જાડેજા રાજપુત - જે કચ્છથી કાઠિયાવાડના હાલારમાં ઉતરી આવી જામ રાવળજીએ જામનગર વસાવી, ત્યાં ગાદી સ્થાપી. એના પ્રચંડ પરાક્રમી નાના ભાઇ - હરધ્રોળજીએ ચાવડાનું ધ્રોળ રાજ્ય હાથ કર્યું.
એવા હરધોળજીની નવીસવી રાજસત્તા પણ પ્રજાના જાનમાલની ભારે રખેવાળી કરે. ખેડૂત એના પ્રિય, અને બ્રાહ્મણ પૂજનિક. પાતા વોરા પટેલના અને ખોખા ઉપાધ્યા- હરિના વડવા - એ વાછા ઉપાધ્યાના વંશજ. તેઓના જીવનકાળમાં પેશ્વાઇ સૂબાની મહાસત્તા. ધ્રોળનું સરપદડ પરગણું જામનગરને ગિરો અપાએલું. ઓગણીસમી સદીના બર્બર સંધિકાળે કાઠિયાવાડનાં ગામડાં બેહાલ અને અરક્ષિત. શ્રીમંત પાતાપટેલ રક્ષણ મેળવવા, જામનગર રાજ્યના પાતા મેઘપર સ્થળાંતર કરી ગયા. ખોખા ઉપાધ્યાને મકાજી-મકનજી-બાપુના ગામધણી કુમાર જિયાજી મકાજી મેઘપર લઇ ગયા.'
આ વાત કહેતાં મોટા અદા બોલ્યા: 'અને ભનુભાઇ, આમ તો ખોખા ઉપાધ્યાયે ખીજડિયાને પાદર પિયાવાની વાવ બંધાવી. બીજાં લોકોપયોગી કામ કર્યા. પાતા વોરાએ ઓગણોતરા દુકાળમાં ગામ લોકોને અનાજ પૂરૂં પાડ્યું એટલે સત્તાધીશોની આંખે ચડ્યા.
ખીજડિયા ગામ - 'ખોખાનું ખીજડિયું' કહેવાએલું. દયાળજી અને મોરારજી બેઉ ભાઇઓ, અને પોતાની અઢળક લક્ષ્મી - કોરી સિક્કાથી ભરેલાં ગાડાં સાથે ખીજડિયાથી મેઘપુર પહોંચતાં પહેલાં હરામદાનતની સત્તાધીશ ગિશ્તે એને - 'કાળીધાર' નામે સ્થળે આંતર્યાં. મેઘપરથી આવેલા જિયાજી બાપુના વળાવાએ દુશ્મનને પડકાર્યા, પણ સમયની રૂખ જોઇ, ખોખા ઉપાધ્યાયે નાણાંનાં સંખ્યાબંધ ગાડાં - વીરડાવાળાં નાળાંમાં ઠાલવી નાખેલાં. આ લક્ષ્મીએ વરસો સુધી અમુકને દર્શન આપેલાં.'
આ સાંભળી ગેલમાં આવી ગયેલો હરિ પૂછે છે: 'અદા, એ લક્ષ્મી અમારી જ ગણાય ને?'
'તમારી તો ખરી, પણ જેના ભાગ્યમાં ભોગવવી લખી હોય તેની જ ગણાય.' જવાબ આપીને અદાએ વાત આગળ વધારતાં કહ્યું: 'જો, બેટા, તું એ વાત નહિ સમજી શકે, પણ લક્ષ્મી યે સુરી અને આસુરી એમ - બે પ્રકારની હોય છે. કહેવાય છે કે મેઘપર ગયેલા ખોખા ઉપાધ્યાની લક્ષ્મી આસુરી હતી એટલે એનો વંશ ન ચાલ્યો. ખોખા ઉપાધ્યાના ભાઇ મોરારજી ઘણા પવિત્ર, સદાચારી અને ગરીબ બ્રાહ્મણ. મોરારજીના ત્રિકમજી, તેના મૂળજી, તેના જાદવજી અને એનો દીકરો તું.
પોતાના વિશે આવી સરસ માહિતી જાણી હર્ષથી હરિએ પૂછ્યું: 'અદા, હવે પાતાબાપા અને શિનાણીદાદાની વાત કહો.'
'હા, પાતાબાપા એ રાજાકરણ જેવો દાનેશરી. એની વાત મેં કહી છે, અને શિનાણીદાદાની વાત તને રણછોડ અદા ને વેલજી અદા કહેશે. રણછોડ મહારાજની વાત સાંભળવા મોટા માણસો ય આતુર હોય છે. એટલે હું એમને મોઢેથી શિનાણી દાદાની વાત કહવરાવીશ.'
અને વાત સાંભળવા થનગની ઉઠેલા હરિએ રણછોડ અદાને મુખે એના પ્રચંડ પરાક્રમી પૂર્વજની જીવનકથા સાંભળવાની તક મેળવી. એ વાત બે કલાક ચાલી: 'જાદવશંકર ત્રવાડી પાંગરાળ જુવાન, પરણ્યાં પછી એનાં વહુને દીકરો જન્મ્યો. ઘરમાં જાજરમાન મા અને એક રૂપાળી બેન ઉપરાંત અઢળક સંપત્તિ. ઘરધણી મોસાળ ગયેલો, અને એના ઘર ઉપર ધાડ પડી. લક્ષ્મી લૂંટાઇ એ તો ઠીક, પણ પરશુરામના અવતાર જેવા જાદવની જુવાન બેન ઉપર અસુરોનો પડછાયો. ઘેર આવેલા શિનાણી જુવાને આ વાત સાંભળી, અને એને રૂંવે-રૂંવે શુરાતન સળગી ઊઠ્યું. દુશ્મન -સત્તાધીશના આક્રમણનો હિસાબ ચૂકતે કરવા એણે તલવાર ઉઠાવી, પડધરીને રસ્તે દોટ મૂકી. ધાડપાડુ પડધરી તરફ નાસી ગયેલા. એ વખતે પડધરીમાં તે વેળા જુનાગઢના ઇતિહાસ પ્રસિદ્ધ અમરજી દિવાનના દીકરા રણછોડજી દિવાન રહે. આ ઉપરાંત પેશ્વાઇ સૂબા શિવરામ ગાર્દીનો મુકામ પણ ત્યાં જ પડેલો.
પોતાની વંશવેલીના આધાર સમા શિનાણીને મોતના મેદાનમાં ધસી જતો રોકવા એની મા, પત્ની અને બેન ત્રણે પાછળ દોડી, છેક પડધરીની ડોંડી નદીને કિનારે ત્રણે સ્ત્રીઓએ પોતાના ઘરના મોભીને રોક્યો. એને ખબર નહોતી, કે શિનાણી ક્રોધઘેલો બન્યો છે. ત્રણે નારીઓને એણે પાછાં ફરી જવાનું કહ્યું અને ન માન્યું એટલે એણે માતા, બેન અને પત્ની ત્રણેની હત્યા કર્યાં પછી દુશ્મન - સૂબાના સિપાઇઓ સામે ઘમસાણ લડાઇ ખેલી. સંખ્યાબંધ દુશ્મનોને માર્યા પછી શિનાણી જીવતો પકડાઇ ગયો.
પકડાઇ ગયેલા એ બ્રાહ્મણ વીરપુરૂષના પગમાં નાગફણી ખીલા જડવામાં આવ્યા. મરચાંની ધમણમાં ધમાયો. પછીથી ફાંસીએ ચડાવ્યો ને દોરી તૂટી. તોપે બાંધ્યો, ને તોપ છૂટી નહિ. બ્રાહ્મણના દીકરા ઉપર આવા અત્યાચારની વાત સાંભળી રણછોડજી દિવાન, સૂબા શિવરામ ગાર્દીએ તેનો કેસ સંભાળી લીધો. કાઠિયાવાડમાં ઇસ્ટઇન્ડીયા કંપનીના એજન્ટ હેન્લી સાહેબ અને નેટિવ એજન્ટ સુંદરજી ખત્રીને ખબર અપાતાં એ દોડી આવ્યા. શિનાણી જુવાનની તકરારનું સમાધાન થતાં તેને ખીજડિયામાં ખેડવાણ જમીન તથા દોઢ લાખ રૂપીઆ રોકડા અપાયા. શિનાણીએ માતા, બેન તથા પોતાની પત્નીને માર્યાનું પ્રાયશ્ચિત્ત કરી શિવમંદિર ચણાવ્યું. પછી ફરીથી પરણ્યો અને એનો વંશ આગળ ચાલ્યો. વાતની યાદ તરીકે શિનાણીના વંશજો આજે પણ ખજુરડી ગામ પાસે વહેતી ડોંડી નદીનું પાણી પીતા નથી.
આવી રસ, રહસ્ય ને રોમાંચ સભર અનેક વાતો સાંભળી વધુ જિજ્ઞાસુ બનેલો હરિ મોસાળથી મેઘપુર પાછો આવે છે. હરિ માટે એના ઘરનાં આધારસ્તંભ જેવા ફઇબા વાત જીવાડીને ભાઇ જાદવજીને કહે છે: 'જુઓ, હરિને સાથે લઇને હું પડધરી જાઉં છું. ત્યાં બાપુએ ઘર બંધાવ્યું છે, એટલે હું ત્યાં રહીને આપણા છોકરાને ભણાવીશ.'
ભણવાની વાત આવતાં હરિ ગંભીર બને છે. દાદીમા કહે છે: 'સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ' - 'લ્યો દિકરા, હવે તમે નિશાળીયા - વિદ્યાર્થી બનશો, બનવું જોઇએ. મારો જાદવ મોઢાનો મોળો છે, અને છોકરાને ભણાવ્યા વગર ઘરનાં અસ્તિત્વનો આરો નહિ.'
અને મોટાબાપુ - ભવાનીશંકર તો અત્યારથી જ હરિને એકડા-બગડા લખાવતા થઇ ગયા. સંગીતનિપુણ એ કથાકાર હરિને પોતાની કીર્તિનો ભાગીદાર બનાવવા માગતા હતા.
ઘણા દિવસ સુધી હરિને પડધરીની શાળામાં મૂકીને ત્યાં ભણાવવાની વાતો ચાલી. હરિના મનમાં ખીજડિયે સાંભળેલી વાતોની રસછાયા તો હતી, અને હવે નવી દિશાભણી પ્રસ્થાન કરવું છે.
|