લેખાંક : ૨૬ : (અને અંતે હરિભાઇ સાહિત્યક્ષેત્રે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે છે.)
|
સાહિત્યક્ષેત્રના સંબંધનો પાયો તો ચાર દાયકા પહેલાં- મુંબઇમાં 'ડ્રીમલેન્ડ'ના સહવાસી રહી ગયેલા ભાઇ રમણલાલ એન્જીનીઅરે નાખ્યો. એમણે પોતાના મિત્ર અને પાછળથી ભાગીદાર - રવાણી એન્ડ કંપનીવાળા - શ્રી જમનાદાસ રવાણીનો પરિચય કરાવતાં કહેલઃ 'હરિભાઇના સહવાસ દરમ્યાન મને તેનામાં રહેલું એવું હીર જાણવા મળ્યું છે, કે સાહિત્યક્ષેત્રે તેઓ મેઘાણીના સમર્થ અનુગામી બને.'
શ્રી મેઘાણીનો ઉલ્લેખ કરવામાં રમણભાઇનો હેતુ એ હતો, કે ત્યારે 'ભારતીય સાહિત્ય સંઘ' - નામે એક પ્રકાશનસંસ્થા હતી - જેના સંચાલક - ઇશ્વરલાલભાઇ દવે મેઘાણીના નિકટવર્તી મિત્ર હતા, અને તેણે પૂ. રવિશંકર મહારાજનો સહકાર મેળવી આપી, મેઘાણીની કલમે - 'માણસાઇના દીવા' નામક પુસ્તક લખાવેલું. ઇશ્વરભાઇ દવે ઘણુંખરું અમદાવાદ રહેતા - જ્યાં 'ભારતીય સાહિત્ય સંઘ'નું મુખ્ય કાર્યાલય હતું.
આ શ્રી જમનાદાસ રવાણીએ હરિલાલ ઉપાધ્યાયની પહેલી કૃતિ - 'નવલિકા સંગ્રહ' - 'જીવનછાયા' - 'રવાણી એન્ડ કંપની' તરફથી પ્રગટ કરેલ, અને તે પછી ત્રણ વાર્તાસંગ્રહ અને બે નવલકથાઓ પણ એ જ પ્રકાશકોએ બહાર પાડેલી.
એ અરસામાં શ્રી સારંગ બારોટ અને પિતાંબર પટેલનો પરિચય થયો, ભાઇ ચુનીલાલ મડિયાનો પરિચય 'જન્મભૂમિ' કાર્યાલયમાં અગાઉથી થયેલો.
હરિભાઇ તેનાં પ્રારંભિક રહેઠાણ - 'ડ્રીમલેન્ડ' બિલ્ડીંગનાં સ્મરણો ભૂલી શકે તેમ નથી. ડ્રીમલેન્ડનું અમારૂં નિવાસસ્થાન - 'ફકીરીસ્તાન' જેવું હતું. બધા સહવાસી કોઇને કોઇ રીતે - 'વ્યક્તિવિશેષતા' ધરાવતા હતા. ચંદ્રકાંત પુરોહિત હાસ્યરસના રાજા. પોતાના ટિખળી સ્વભાવથી તેઓ બધાને હસાવ્યા કરતા. ભાઇ પોપટાણી - ડોક્ટર સાહેબના સહાયક - ચિકિત્સક અને વળી લોકસાહિત્યકાર હતા.
શ્રી હરિલાલ પંડ્યા કવિ, લેખક અને -'રાજકારણને આચમન કરી પી ગયેલા' મહાપુરૂષ હતા.
*
અને ત્યારપછી તો સાહિત્યસર્જનને જીવનધર્મ બનાવી - રાતદિવસ લેખન -વાચનમાં રત રહેવા માટે હરિલાલ ઉપાધ્યાયે કાઠીઆવાડમાં જઈ - જૂની નોંધપોથીઓ, ચારણ મિત્રો પાસેથી મળેલી ઇતિહાસની વિગતો પરથી એમણે તવારિખી નવલકથા ઉપર હાથ અજમાવ્યો. આ નવલકથાઓનું પ્રકાશન - 'પ્રદીપ પ્રકાશન'વાળા જયવંતભાઇએ માથે લીધું, અને એ સંસ્થાએ અરધોક ડઝન નવલકથાઓ પ્રગટ કરી તે પછી -'લક્ષ્મી પુસ્તક ભંડાર' - અમદાવાદ તરફથી શ્રી હરિભાઇની સૂર્યવંશી ગ્રંથાવલિનાં દશ અને ચંદ્રવંશી રાજપુતોની ચાર-પાંચ નવલકથાઓ પ્રસિદ્ધ થઈ - જે ઇતિહાસપ્રિય વાચકોએ સારી આવકારી. એ રીતે સંખ્યાબંધ નવલકથાઓ હરિભાઇએ લખી છે.
ગુજરાતી સાહિત્ય ઉપરાંત - અંગ્રેજી, હિન્દી અને મરાઠી જેવી અનેક ભાષાઓનાં સાહિત્ય પ્રકાશનથી ગૌરવાન્વિત થયેલી પ્રકાશનસંસ્થા - 'વોરા એન્ડ કું.'એ હરિલાલની ચાર નવલકથાઓ અને 'સૌરાષ્ટ્રની વીરગાથાઓ' પાંચ ભાગમાં પ્રગટ કરી. સાહિત્યનાં આવાં વિપુલ સર્જન માટે હરિલાલ ઉપાધ્યાય જેટલું પોતાની કલમને મહત્વ આપે તે કરતાં વધુ તો - વર્તમાનપત્રોના તંત્રીઓની કદરદાની તથા પ્રકાશક મિત્રોના સહકારને યશ આપી, તેના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી ધરાવે છે.
બદલાઇ ગયેલા સમય સાથે જીવનમાં નવાં મૂલ્યો ઉમેરાયાં, સમાજ જીવનમાં નવા અભિગમ ઉમેરાયા તે પછી કેવી વાર્તાઓ વાંચકોને ગમે એ વિશે જુદાજુદા અભિપ્રાયો ઉપલબ્ધ હોવા છતાં - હરિલાલે પોતાની સાહિત્ય સાધના - જીવન માંગલ્યના પંથ ઉપરથી વિચલિત ન થવા દેવાનો યથાશક્તિ પ્રયાસ ચાલુ રાખ્યો છે.
સાહિત્યક્ષેત્રમાં મળેલા મિત્રો, પ્રકાશકો, સામયિકોના તંત્રીઓ અને હરિલાલે પોતાના કુટુંબી માનેલા લેખકોમાં નવાં નામો ઉમેરાતાં જ જાય છે. જૂના જોગી ભાઇ વિઠ્ઠલ પંડ્યા, ભાઇ જોરાવરસિંહ જાદવનો ઋણસ્વીકાર કરતાં - 'સાહિત્ય સંગમ'ના કર્ણધાર સચિવ શ્રી નરેન્દ્રભાઇ દવે અને શ્રી અશોક ચંચલ, આપમેળે યાદ આવી જાય છે.
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને બીજા નાટ્યવિદોના સહચારની અસર રૂપે હરિલાલે લખેલાં પાંચેક નાટકો 'આકાશવાણી' દ્વારા રજુઆત પામ્યાં છે.
પોતાના સાહિત્યજીવનની આટલી ઝલકને અંતે હરિલાલે - કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન' વાક્યને પોતાના કર્મયોગનું મધ્યબિંદુ રાખ્યું છે.
કર્મવીર વડીલોએ મહાપ્રયાસે મેળવેલી દુર્લભ સફળતાઓનો ટકાવ અને તેનો લાભ સલામત રાખવાની જવાબદારીનો વારસો જેને સોંપવાનો છે એવાં પુત્રોના સદગુણો, વડિલોની સમૃદ્ધિ-પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે. આ સત્ય સામે રાખી હરિલાલે ધનભૂખના કોઇપણ ખ્યાલને મહત્વ આપ્યા વગર પોતાનાં સંતાનોને વિશુદ્ધ અને અનાસક્ત ભાવિ કર્મયોગના સંસ્કાર આપ્યા છે.
ભારતીય સંસ્કૃતિની ત્રણ વિશેષતાઓ - ગાયને માતાની માન્યતા, કાકાની પુત્રીને બહેનની માન્યતા અને પૂર્વજન્મ -પુનર્જન્મની માન્યતાઓનાં સત્યમાં ભારે શ્રદ્ધા ધરાવનાર એ લેખક પિતૃપૂજામાં પણ ચુસ્તપણે માને છે. ઘણા દાખલાઓમાં પુત્ર અને પિતાના ગુણસ્વભાવ પરસ્પર ભિન્ન જોવા મળે છે.
સંતાનોનાં આચરણો શુદ્ધ રાખવાની પ્રેરણા આપનાર મા-બાપોએ પોતાનાં આચરણની અશુદ્ધિઓ દૂર કરી દેવી જોઇએ. આચરણ એ કર્મ અને કર્મ એ માણસનું ભાગ્ય બની એ બાળકોને વારસો બને છે. સંતાનોનું કલ્યાણ જાળવી રાખવા માટે જીવન સાથે જડાએલાં આવાં ઇશ્વરી સત્યોને હરિલાલે નજર સામે રાખીને તે પોતાના વર્તનમાં ઉતારવાનો પ્રયાસ જારી રાખ્યો છે.
આજે સૌરાષ્ટ્રમાં રહીને પણ હરિલાલ મુંબઇ તથા અમદાવાદના સાહિત્યક્ષેત્રે ગાઢ સંપર્કમાં રહે છે, અને મિત્રો-શુભેચ્છકોની સ્નેહભાવનાનો પ્રભાવ એના આત્મદીપની વાટ સંકોર્યા કરે છે.
|