લેખાંક : ૨૫ : (હરિભાઇ અને 'કિસ્મત' વચ્ચે કોઇ ઋણાનુબંધનો સંબંધ હશે?)
|
આમ કાંઇ હરિ મુંબઇથી નાસી આવ્યો ન્હોતો, પણ કુમારસાહેબ અને માસાહેબે પ્રેમથી વિદાય આપી હતી. સવારના ચડતા પહોરે માસાહેબ સાથે આત્મીયતાભરી ઘણી વાતો પણ કરી હતી. એ કહે: 'તુ દીકરા જેટલો વહાલો છે, તબિયત સંભાળજે - આનંદમાં રહેજે' - વગેરે.
સાંજની ગાડીમાં હરિલાલ પડધરી પહોંચ્યો. મંગળા ને બાળકો સ્ટેશને હાજર હતાં. તન અને મનથી વ્યથિત હરિલાલ ગામડે ગયો. ત્યાં રહેતાં કુટુમ્બીઓનો આક્રોશભર્યો ધ્વનિ ખૂંચ્યો. ગામથી દૂર શિવમંદિરે બાંધેલા ઓરડામાં તેને માટે વ્યવસ્થા થઈ. આઘાતની આ પરંપરા હરિલાલે એક વરસ સુધી પીધાં કરી.
સંસારનાં સંબંધીઓની હ્રદયવિદારક ઝપટમાં ફસાઇને પણ દુનિયાદારીનો ઘણો સંચય કરી આવેલો હરિ જરાયે નવાઈ કે ખેદ પામ્યા વગર પોતાના ભાવિ ઉપર સાવધાનીભરી નજર નોંધી રહ્યો. ભોળા શંભુની છાયામાં એક નવલકથા લખવાનો આરંભ કર્યો. આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ હરિલાલે પોતાની વયસંપન્ન પુત્રીઓ માટે યોગ્ય ઘરના - પ્રતિષ્ઠિત તથા સંસ્કારી યુવાનો શોધી એમની સાથે લગ્ન કરી દેવાની સફળ કામગીરી અદા કરી. આવા શુભ-અવસરે પણ અસહ્ય કહી શકાય એવો અવરોધ લેણીયાત કુટુંબીઓએ ઉભો કર્યો. તે આવા પ્રકારનો હતો:' તારી છોકરીઓનાં લગ્ન ગામડાંમાં કરવાં પડશે. લગ્ન પ્રસંગે પણ અમારૂં ધાર્યું થશે. અમે કહીશું ત્યાં લગ્નનાં આમંત્રણની પત્રિકા મોકલવી પડશે.'
'ભલે બાપા, તમે ઇચ્છશો તેમ કરીશું' મારી આવી નમ્રતા તેમ જ અનુકૂળતાને અંગે ધર્મસંકટમાંથી પાર ઉતરાયું. આ રીતે મહામુશ્કેલીએ જાળવેલી સંયુક્ત કુટુંબની ભાવના - વાઘ થઈ, વકરી બેઠી હતી. ત્યારના એક દિવસે બપોરે જમવા બેઠેલા હરિને દહીં પીરસાઇ રહ્યું હતું ત્યારે દહીંનું વાસણ ઝુંટવી લઈ -પૂર્વજન્મનું લેણીયાત ઉંચા અવાજે ઘુરક્યું: ' હવે હરિલાલને દહીં આપવાનું બંધ કરી છાશ આપો. આ માણસ હવે કમાતો નથી, એટલે સ્વાદિયો બને એ નહિ પરવડે.'
પરાકાષ્ટાની એ પળે - જેમતેમ જમી લઇ હરિ બોલ્યો: 'અમને કાયદેસર જુદાં કરી દો; અને અમારે ભાગે જે આવે તે લઇ, હું મારાં બાળબચ્ચાં સાથે જુદો થઇ જવા માગું છું.'
એકાએક આવી પડેલા હરિના આ નિર્ણયથી પ્રતિવાદીઓ ડઘાઇ તો ગયાં, પણ હાથ અને મનનાં મજબુત એ કુટુંબીઓએ -એક અતિશય નિષ્ઠુર માણસની સલાહ પ્રમાણે - એવો માર્ગ લીધો - જે હરિને જુદો થતાં રોકે. નસીબની વાત છે, કે જેનું જેટલું લેણું હોય તેટલું એ લઇ છૂટે છે. સામેથી આવેલી બધી શરતોનો હરિલાલે સ્વીકાર કરી લીધો. એના તીવ્ર બુદ્ધિ અને સમજદારી ધરાવતા ચાર સગીર છોકરા ઉદાસ ચિત્તે લાચારીપૂર્વક પિતાની અતિ વિષમ હાલત જોતા રહી ગયા.
પડધરીનાં છોડી દીધેલાં ઘરમાં રહેલો - પોતાને ભાગે આવેલો સામાન હરિલાલે પોતાનાં જ નાણાંથી ખરીદેલો તે લઇ- જુદા થયાની ફારગતી ખીસામાં મૂકી - હરિલાલ પત્ની અને બાળકો સાથે ગામડે જતો હતો. મુંબઇના વીશ વરસ પછી -જ્યારે દેશમાં જુદા થયા ત્યારે -પોતાની આવેલી જુની સંપત્તિનો વિચાર હરિલાલનું કાળજું કોરી રહ્યો હતો. ચાર દીકરાઓના વિદ્યાભ્યાસ તથા રહેઠાણનો વિકટ પ્રશ્ન હલ કરવા માટે તેની પાસે કોઇ જાતનું સાધન નહોતું જીવનને અંધકાર, નિરાશા અને આઘાત આપી ગયેલા અપ્રિય પ્રસંગ માટે અહીં ઓછું લખ્યું છે. હા, ગામડે જતી વખતે માર્ગમાં પત્ની - મંગળા સામે જોઇ બોલી જવાયું: 'હું હરિલાલ - હવે જીવી શકું તેમ નથી. જીવનનો કોઇ આધાર રહ્યો નથી. એક વખત - 'વાહવાહ' થયા પછી હાડહાડ થઇને શી રીતે જવાય? - ચાલો, હવે આત્મવિસર્જન...!'
હરિલાલ વધુ બોલે તે પહેલાં મંગળાએ આવેશભર્યે અવાજે - તેના ખભા પર હાથ મૂકી કહ્યું: 'સિંહ જેવા બહાદુર અને બુદ્ધિશાળી પુરૂષ થઇ તમે આ શું બોલ્યા? -આવું બોલતાં શરમાવું જોઇએ. આજે ભલે આપણે નળ-દમયંતીની જેમ વિપરીત હાલતમાં છીએ, આવતી કાલ તો હું ઉજળી જોઉં છું. મુંબઇ જેવાં શહેરમાં તમારી વગ છે, તો સમજી લેજો કે જીવન-સફરમાં તોફાનનો ભોગ બનેલા આપણે સલામત છીએ. ઇશ્વરની કૃપા માની ચાલો ગામડે.'
ગામડામાં ઉછરેલી -અભણ છતાં અતિ સમજદાર પત્નીનો આ પડકાર જરાયે બોદો નહોતો - એની સાબિતી એણે આપી પણ દીધી.
સૌરાષ્ટ્રની જેમ મુંબઇના નિવાસ દરમ્યાન બધું પરવારી ચૂકેલો હરિલાલ પોતાની આત્મમૂડી જેવી સર્જકપ્રતિભા સાથે મુંબઇ આવ્યો. - જ્યાં સુખી સમયના સંબંધોમાંના ઘણા નહોતા રહ્યા. ભૂપેનભાઇ, જીવન સોલંકી, રતનશી શાહ જેવા મિત્રોની ભાવનાજ્યોત ઝંખવાઇ ન્હોતી. સહુથી મોટી વિટંબણા રહેણાકની હતી, આ બાબત અંગે રતનશી શેઠ જેવાઓનો કામચલાઉ સહારો તો મળ્યો - પરંતુ સંપૂર્ણ સગવડ વગર મુંબઇમાં બીજી પ્રવૃત્તિ વિકસાવી શકાય નહિ.
હા, મુંબઇમાં એક પછી એક -એમ બે શુકનવંત સંકેત મળ્યા. પહેલો પ્રસંગ રતનશી શેઠને ત્યાં હતો. એ જ અરસામાં એક દિવસે કેમીસ્ટ કંપનીવાળા કાન્તીભાઇની દુકાને બેઠેલા હરિલાલને અચાનક મળી ગયેલા વિદ્વાન મિત્રે આનંદભર્યા અવાજે કહ્યું - 'તમને કાગળ લખી બોલાવવા હતા. તમે હમણાં જ ઓફીસે મારી સાથે ચાલો. ટેક્સી કરી અમે બંધ ઓફીસે ગયા. અહીં તેના માલિકે હરિલાલને આવકારી, આત્મીયતાભરી વાત કરતાં કહ્યું - 'તમે મુંબઇ છોડી ગયા તે પછી તમારા માટે ઘણી વાતો આવી હતી. સારૂં થયું કે તમે પરિસ્થિતિ સમજી ગયા. તમારા ત્યાગ અને સચ્ચાઇ સામે તમને થયેલા અન્યાયની બાબતમાં બીજું કશું મારાથી ન થઇ શકે - તો પણ મારી સહાનુભૂતિ તો તમારા પ્રત્યે છે, અને તે કાયમ માટે રહેશે.'
આ સાંભળી આનંદી ઉઠેલા હરિલાલે કહ્યું - 'હું નિર્ધન માણસ છું તે મારી સમસ્યા નથી - પણ મારી સામે સબળ સ્થાનેથી જે પ્રયોગો અજમાવાઇ રહ્યા છે તે અજંપો છે.' ત્રણ કલાક સુધી વાતો કરીને છુટ પડ્યા ત્યારે હરિલાલનું મન હળવું ફૂલ જેવું બની ગયું. હવે સાહિત્યસર્જન, ઇતિહાસ સંશોધન અને યોગચિંતન સિવાય બીજો વ્યવસાય ન સ્વીકારવાના નિશ્ચય સાથે હરિલાલે મુંબઇના પ્રકાશકોની દુનિયામાં પોતાના સંબંધો વિકસાવવા માંડ્યા.
*
પોતાની આગવી શૈલીથી લખનાર હરિલાલની ધારાવાહિક વાર્તા - 'વસુંધરા' વાચકોને ગમી. જેમાં એ વાર્તા પ્રગટ થઇ હતી તે 'લોકતંત્ર' ના તંત્રીઓ - શ્રી શાસ્ત્રી, શ્રી જયંતિલાલ શુક્લ અને બળવંતરાય મહેતાએ આગ્રહપૂર્વક બીજી વાર્તા માગી, એટલે હરિલાલે - 'રહી ગઇ મનની મનમાં' નામે ચાલુ નવલકથા લોકતંત્રમાં રજુ કરી.
હવે લેખનવ્યવસાય તરફ ધ્યાન એકત્ર થઇ ગયું.ત્યારે પીઢ સાહિત્યકાર - પત્રકાર વિદ્વાન મિત્ર - શ્રી રવિશંકર વિ. મહેતાના તંત્રીપદે ચાલતા અખબાર 'જનશક્તિ'ની ઓફિસમાં ગયા. તેમાં 'અંજલિ' નામે ચાલુ વાર્તા પ્રગટ થવાનો નિર્ણય લેવાઇ ગયો. પછી થયેલી વાતોમાં - મુંબઇથી પ્રગટ થતાં - 'યોગ, અગમ્યવાદ, જ્યોતિષ, મંત્ર-તંત્રના જાણીતા માસિક 'કિસ્મત' માં પોતાની - 'અઘોર સંપ્રદાયનું રહસ્ય' - જેવાં ભારેખમ નામવાળી લેખમાળા પ્રગટ થવા લાગી છે એ વાત શ્રી રવિશંકરભાઇ મહેતાએ હરિલાલને કરી, અને ઉમેર્યું -'તમને રસ હોય તો એ લેખમાળા જોઇ જજો.'
હવે વાતમાં વધુ રસ જામ્યો. હરિલાલે કહ્યું - 'ભગવાન મહારૂદ્રના અગિયાર સ્વરૂપનો મંત્ર આપ જાણો છો. રૂદ્રનાં અઘોર સ્વરૂપને પ્રસન્ન કરનારી રહસ્યમય અઘોર સાધનામાં પણ - 'ગોરખ ઘોડા ચોળી' સંપ્રદાય જુદો....'
આ સાંભળી શ્રી રવિભાઇ ખુલ્લે દિલે બોલ્યા: 'ગોરખ ઘોડા ચોળી' મારી પાસે હતી, પણ આજે નથી. મેં મારે હાથે જ તેનું તીર્થજળમાં વિસર્જન કરી નાખ્યું હતું.'
ત્યારપછી તો યોગીરાજ ભગવાનદાસજી તેમજ 'દીપડીઆ બાવા'ની રસપ્રદ વાતો નીકળી. આમ ઘણો સમય પસાર થઇ ગયો. વિદાય માગતા હરિભાઇને ઉભા થતા જોઇ - શ્રી રવિભાઇ બોલ્યા: 'કદાચ હમણાં જ લેખમાળાનો હપ્તો લેવા માટે 'કિસ્મત'ના તંત્રી ઉષાકાન્તભાઇ પંડ્યા અહીં આવશે. થોડીવાર બેસો તો તમને હું એમનો પરિચય કરાવું - જે બેઉ પક્ષે ઉપયોગી થશે.' આ સાંભળીને હરિલાલ - 'જનશક્તિ કાર્યાલય'માં ઠેરી ગયા.
સત્પુરૂષે આપેલો સંકેતયોગ સાચો ઠર્યો અને થોડી જ વારમાં -'કિસ્મત'ના તંત્રી - ઉષાકાન્ત આવી ઉભા. ખપપુરતી વાત કરી લીધા પછી શ્રી રવિશંકર મહેતાએ ઉષાકાન્તભાઇ સાથે હરિલાલ ઉપાધ્યાયનો પરિચય કરાવતાં કહ્યું :'કિસ્મત' પત્ર માટે હરિલાલ બહુ કામના માણસ છે, અને તેઓ માટે 'કિસ્મત' એમના અગમ્યવિદ્યાના જ્ઞાનનું વાહન બની શકે. શક્યતો ચકાસી જોવા જેવી છે.
હરિલાલે ઉષાકાન્તભાઇને પ્રેમળ ભાવે અભિવાદન કર્યું. 'કિસ્મત'ના તંત્રીએ કહ્યું: 'તમે એમ કરો હરિભાઇ, આવતી કાલે 'કિસ્મત'ની ઓફિસે આવો.'
હરિલાલને અનોખી અને અતિ ઉપયોગી ઓળખાણની ખાણ મળી ગઇ, અને વાયદા પ્રમાણે - બીજે દિવસે તે ઉષાકાન્તભાઇને મળ્યો. આ મિલન પાછળ નિયતિએ યોજેલો યોગ કેવો અદ્ભૂત સાબિત થવાનો હતો?
મિલનની પહેલી વેળાએ જ ઉષાકાન્ત તથા હરિભાઇનાં ચિન્મય મન પૂર્વજન્મનો કોઇ અગમ્ય સંબંધ અનુભવતાં સ્નેહગાંઠે જાણે બંધાઇ ગયાં. ઉષાકાન્તભાઇએ 'કિસ્મત'માં પ્રગટ કરાતા લેખોના અનોખા પ્રકાર વિશે ટૂંકો ખ્યાલ આપતાં કહ્યું: 'તમે અગમ્ય વિષયોના જાણકાર તરીકે મારી વાત સમજી ગયા હશો, અને સૌરાષ્ટ્ર પાછા ફરતાં પહેલાં એકાદ લેખ આપી જાવ તો એની યોગ્યતા તપાસીને હું કોઇ નિર્ણય લઇ શકું.'
બીજા દિવસે જ - 'અગમ્યવાદનું અસ્તિત્વ' - મથાળાનો એક લેખ લખીની ઉષાકાન્તભાઇને આપ્યો. આ લેખ હરિલાલના ફોટા સાથે 'કિસ્મત' દ્વારા લેખો- લેખમાળાઓ અને ચાલુ નવલકથાનો વિપુલ પ્રવાહ વહાવવા માંડ્યો.
*
એક સવારે એક્સપ્રેસ ટ્રેઇનમાં ઉષાકાન્તભાઇ, 'રવિવાર' સાપ્તાહિકના માલેક નારાયણજીભાઇ અને હરિલાલની ત્રિપુટી સૌરાષ્ટ્ર - રાજકોટ જવા નીકળી. વાતોની જામેલી રંગત વચ્ચે ઉષાકાન્તભાઇએ - 'કિસ્મત'માં રજુ કરવા 'કિસ્મતના સિતારા' ના શીર્ષકથી માહાનુભાવોના ટુંકા પરિચયો આપવા હરિભાઇને સૂચવ્યું અને તે લેખમાળા શરૂ થઇ અને ત્રણેક વરસ સુધી ચાલી. ત્યાર પછી તો 'અગમ્યવાદ એ શું છે? તેમ જ તેને પગલે 'દેવાંગી પાણી ઘોડો' -'નાગરહસ્ય', 'મહાશક્તિ મેલડી' -'પશુ-પક્ષીઓની વાણી' - 'અગમ્ય યોગિની' જેવી લેખમાળાઓ - પુરા બે દાયકા સુધી રજુઆત પામ્યા કરી.
આ ઉપરાંત, 'કિસ્મત'નાં વાર્ષિક ગ્રાહકોને દર વરસે - 'પાંચ -પાંચ ભેટ પુસ્તકો' અપાતાં ત્યારે - 'મહાદેવી ખોડિયાર' -'હરસિદ્ધિ અને હિંગળાજ' - 'અલકા' - 'સંત દાદા મેકણ' - 'નાગમહિમા' - 'મસ્ત અવધૂત મુંડિયા સ્વામી' વગેર પુસ્તિકાઓ પણ હરિલાલની કલમે - 'કિસ્મત પ્રકાશન'ને આપી છે.
*
સાહિત્યસર્જનના આ મધ્યાન્હકાળે મુંબઇમાં મળેલા મહાન મિત્ર શ્રી વિષ્ણુદત્તજી શુકલે કરાવેલા પરિચયથી -'જ્યોતિર્વિજ્ઞાન'ના તંત્રીશ્રી હરિશંકર રેવાશંકરજીના આગ્રહને વશ થઇને એમના સામયિકમાં 'પ્રાચીન યુગમાં કાળના ગર્ભમાં છુપાયેલાં રહસ્યો' બતાવી ગયેલાં મહાન આર્ષદ્રષ્ટાઓ તથા તેમણે ભાખેલા ભાવિને લગતા તેમજ કલિકાલસર્વજ્ઞ વિદ્યાજ્યોતિર્ધરોના પરિચય આપતા લેખો લખ્યા. તેમાં પણ વેદવિજ્ઞાન ને પુરાણવિજ્ઞાનની લેખમાળાઓ ઉપર પ્રસન્ન થયેલા - 'જ્યોતિર્વિજ્ઞાન સંશોધનકેન્દ્ર'ના સંચાલક અને તે સામયિકના તંત્રીમહોદય શ્રી હરિકૃષ્ણ યાજ્ઞિકે - ઇનામનો ભવ્ય સમારંભ યોજી - પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના વરદ હસ્તે હરિલાલને - 'જ્યોતિષપદ્મ એવોર્ડ' પ્રમાણપત્ર સાથે આપ્યો હતો, અને એ રીતે હરિભાઇનું બહુમાન કર્યું હતું.
|