લેખાંક : ૨૪ : (સંજોગોને કારણે હરિભાઇ મુંબઇનો કાયમી નિવાસ છોડે છે)
|
કુમારસાહેબને ઝડપથી બદલાઈ જતા, અથવા તેમને બદલાવી રહ્યાનું જાણી - એના હિત માટે પ્રયાસ કરી રહેલો હરિ પોતાની હિતસાધના ભૂલી ગયો હતો. પોતાની અંગત બાબતો કાં તો કુમારસાહેબના કાબુમાં નહોતી. અઢળક સંપત્તિ તેનો એવો નશો હતો, કે સારાસારનું વિવેકભાન દબાવી દે. પોતે પૂર્વજન્મના પૂણ્યયોગી, આત્મા જાગૃત, બુદ્ધિ સચોટ અને કર્મયોગ વિકટ - આ બધા યોગ અનિચ્છાએ જ -પોતાથી જે કાંઇ થઈ જતું તે માટે તેઓ અકળામણ અનુભવતા, અને હરિભાઇને - 'હવે શું કરવું?' - તેની સલાહ માગતા. આમ છતાં એની શ્રેયસ્કર સલાહનો અમલ કરી શકતા નહિ. આમ થતું ત્યારે હરિભાઇ ઉપર છેડાઇને બોલી જતા: 'તમે નકામા છો - જેનાથી આનંદ મળે તેવી બધી બાબતો ખરાબ નથી હોતી.'
આ રીતે હરિભાઇ માટે પોતાનું કર્તવ્યપાલન લોખંડના ચણા ચાવવા જેવું બની રહેતું. આમ તો પોતાનો સ્વાર્થ સાધી - ભવિષ્યની ચિન્તા ટાળવાની- હરિભાઇ માટે આ સોનેરી તક હતી, પણ બ્રાહ્મણભાઇ પોતાનો ધર્મ ભૂલ્યા નહિ. કર્તવ્ય ચૂકી મેળવેલું ધન માણસને સુખી નથી થવા દેતું - આ સત્ય ઉપર તેની શ્રદ્ધા અચળ રહી.
*
અને આ સંજોગોમાં શ્રી નારાયણ મુંબઇ આવ્યાંની ખબર મળતાં હરિ એને મળવા દોડી ગયો. નારાયણ હરિભાઇને મહાલક્ષ્મી મંદિરના એક ખૂણે લઇ ગયા, અને બોલ્યા: 'પહેલાં તો તું મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપી દે.'
આ સાંભળી હરિ નમી પડ્યો - કહ્યું: 'આપ જેવા મહાપુરૂષને આશીર્વાદ આપનાર હું કોણ?' એનો અવાજ ગળગળો થઇ ગયો.
નારાયણે ભાવવાહી વાણીમાં કહ્યું: 'તું બ્રાહ્મણ છો, હું જાણું છું કે બ્રાહ્મણત્વ જાળવવા તું બહુ મોટી કિંમત ચૂકવી રહ્યો છે. તું ચાહે તો આજે વિપુલ અસબાબ હાથ કરી તારૂં જીવન વૈભવી બનાવી દેવાનું આયોજન આસાનીથી કરી શકે છે, પણ તને તારો ધર્મ, તારી આત્મનિષ્ઠા અને ત્યાગભાવના આડી આવે છે.'
'તો કૃપા કરી એ કહો કે મારે શું કરવું જોઇએ?' હરિભાઇથી પૂછી જવાયું.
'તું જે કાંઇ કરી રહ્યો છે એથી વિશેષ કલ્યાણકારી કાર્ય બીજું કોઇ નથી. પ્રભુ તને વધુ શુદ્ધ કરવા કષ્ટ આપે તો પણ આખરે તને મોક્ષનો અખંડ આનંદ આપશે. તારા કાર્યક્ષેત્ર માટે તું કશું નહીં કહી શકે. હું પણ તને કશી સૂચના આપી શકું તેમ નથી. બધું માયાનું મંડાણ છે. કમળ પાણીમાં ઉત્પન્ન થઇને પણ જળથી અલિપ્ત રહે છે. આવો વિરલયોગ સાધવો કષ્ટસાધ્ય હોવા છતાં, પરમાનંદની પ્રાપ્તિ કરાવનારો છે. આ વાતનું રહસ્ય તું આપમેળે જ જાણી શક્યો છે એમ માની લઉં?'
'નારાયણ, આપ મને મહત્વની વાત કહી રહ્યા છો, તો મને અસર કરનારી બધી વાત કહી દેવાની કૃપા કરો.'
'વચ્ચે મારી વાત કહી દઉં' નારાયણ જરા હસીને બોલ્યા: 'ઉત્પત્તિ, સ્થિતિ અને લયના અફર સિદ્ધાંત પ્રમાણે નારાયણ લયની ભૂમિકા સ્વીકારવા જઇ રહ્યા છે.'
'અરે ભગવાન....' બોલતાં હરિની આંખો વરસી પડી, અને મુક્ત હાસ્ય કરી નારાયણ બોલ્યા: 'ખેદ કરવો છોડીને સ્વસ્થ થઇને સાંભળી લે મારા હરિ, કે તારા અનન્ય મિત્ર ડોક્ટરસાહેબ ગઇકાલે મારૂં સ્વાસ્થ્ય જોઈ ગયા. શું દેખાયું એ તને કહેવાની મના કરી હતી. હવે પછીના દિવસોમાં તને જાણવા મળશે, કે નારાયણનો નશ્વર દેહ સુખડની પેટીમાં મૂકીને તે પતિતપાવની ગંગાજીના પવિત્ર જળમાં વહાવી દેવાયો.'
સાંભળીને આંસુભરી આંખે હરિએ નારાયણના ચરણો પકડી લીધા. હરિભાઇને સ્વસ્થ કર્યા પછી એ બોલ્યા: 'પરમાત્માને જે ગમે તે શિરે ચડાવી લેજે. તું સંસારી માણસ છે. તારા પોતાના હિતને ભૂલી તેં જેની ભલાઇ માટે ચિન્તા સેવી છે, એ મોહ હસતે મુખે જતો કરી, કુટુમ્બીઓ પાસે ચાલ્યો જઇ -તારૂં ઘર સંભાળજે.'
-અને નારાયણે આપેલો આદેશ હરિના મન ઉપર લોહરેખા બની અંકાઇ રહ્યો.
*
ભાવિના ભેદ જાણનાર સંતોએ આપેલા સંકેત વૈભવદર્શનનું આચમન આપવામાં સાવ સાચા ઠર્યા. સગાં-સંબંધીઓએ હરિભાઇને શ્રીમંત માની લીધો હોય તો એમાં તેનો વાંક નહોતો. હરિના ખીસામાં નાણાં રહેતાં, પણ એ જીવન ટકાવવા અને કુટુંબને પોષવા પૂરતાં જ હતાં. આ હાલતમાં મુંબઇ છોડી જવાનો આદેશ અમલમાં મૂકતા પહેલાં - જોઇએ તેટલાં નાણાં ખેંચી લેવાની તક પોતાના હાથમાં છે એવું જાણવા છતાં - હરિલાલે નીતિમત્તાના પોતે સ્વીકારેલા ધ્યેય ઉપર તે અચળ રહ્યો.
'યોગિની' જેવું આદરણીય નામ આપી પોતાનો પ્રભાવ અજમાવનારી યોગિનીએ પોતાના હેતુને અસર કરનારી વાત સાંભળી હશે - 'કુમારસાહેબના વિવિશાળની પ્રવૃત્તિ ગતિમાન થઇ છે.'
એ કામમાં હરિભાઇ અચૂક સામેલ હોય, એમ માની લઇ - નારાયણને મળવાનાં બહાને હરિભાઇ પાસે ઉત્તેજનાભર્યે ચિત્તે દોડી આવેલી યોગિનીએ સીધો જ સવાલ પૂછ્યો; 'આજકાલ તમારા કુમારસાહેબ શું કરે છે.'
'મઝા કરે છે' હરિ બોલ્યો - એટલે યોગિનીએ કહ્યુ: 'ના, એમ નહિ. હું તો તમને એમ પૂછવા માગું છું કે તમે તેઓને મારા વિશે કાંઇ જણાવ્યું છે ખરૂં?'
'તમે આ કેવો સવાલ પૂછો છો?' હરિલાલે સામેથી આમ પૂછીને કહ્યું: 'તમારા વિશે કાંઇપણ હું કુમારસાહેબને શા માટે જણાવું?'
'તમે જાણો છો કે કુમારસાહેબ માટે મારાં મનમાં કેવી ઉત્કટ ઝંખના છે. તમને પેલા ભાઇ તથા મારાં વડિલોએ પણ આ બાબત ભાર દઇ જણાવી હતી.' યોગિની બોલી.
કોથળામાંથી આ બિલાડું નીકળવાનું હોવાથી જરા ય નવાઈ પામ્યાં વગર હરિભાઇ બોલ્યો: 'પ્રાણાત્મા કુમારસાહેબની અંગત વાતમાં સલાહ આપવા જેટલો અધિકારી હું નથી, એ પણ તમે જાણતાં હશો, એટલે કૃપા કરી આપ આ બાબત બીજા મંચ ઉપર લઇ જાવ એ જ આપનાં હિતમાં હશે.'
હરિભાઇએ આ કહ્યાં પછી છંછેડાઇને ચાલી ગયેલી યોગિની તે પછી ક્યારેય તેને મળી નથી.
નારાયણ સ્વામીએ આપેલા સંકેત-આદેશ ઉપર વિચાર કરતાં હરિનું મન અનેક મુંઝવણો વચ્ચે અટવાઇ પડ્યું. જોકે જીવનની મુલાયમતા એણે મન ઉપર સવાર થવા દીધી નહોતી. અંગત પરિચર્યામાં સાદગી છોડી નહોતી. નિસર્ગોપચારનો પ્રચાર કરતા ડોક્ટર મિત્રનો ગાઢ સહવાસ છોડ્યો નહોતો. ખર્ચાળ એવી કોઇ આદત અપનાવી નહોતી. સવાલ હતો, સ્વમાન અને સંસારભાર વહન કરવાનો.
કુટુંબનાં પ્રતિરોધક તત્વો આટલાં વરસ પ્રેમ અને સહ્રદયતાનાં આવરણ હેઠળ સક્રિય રહેલાં જોઇને પણ હરિએ યજ્ઞમય જીવનની ભાવનાને આત્મધર્મ માનીને છોડી નહોતી. આમ છતાં તેઓને - હરિ નોકરી છોડીને આવ્યાંની ખબર પડશે કે તુરત - 'ખાઉં ખાઉં' કરતાં તેને પીંખી નાખશે.
પીંખાઈ જવામાં તેની પત્ની અને નિર્દોષ બાળકો પણ હશે. આ ખ્યાલ હરિનાં રૂવાડાં ખડાં કરતો રહ્યો. બીજી બાજુ બાઝી દિન-બ-દિન બગડતી ચાલી. અનેક જોખમ એકીસાથે ઊભાં થયાં હતાં. ચોરી-લબાડીનું કલંક ચડાવી હરિલાલને ભારે હેરાનગતિમાં મૂકવાનું મુંબઇગરાં માટે આસાન હતું. જેઓ વિલાસની આંધીથી વિવેકભાન ભૂલી નીતિ-મર્યાદાની છેલ્લી હદ વટાવી હરિલાલની નજર સામે અધ:પાતની ખીણ ભણી ઘણાં આગળ વધી ગયાં હતાં.
સંત નરભેરામબાપુ, અગમ્ય વિદ્યા પારંગત અને શક્તિ ઉપાસક એ ભગતબાપા ઉપરાંત સંસાર છોડી ઇશ્વરને ચરણે જીવન સમર્પિત કરી ગયેલા હરિશંકર દાદા તથા ગંગાજળ જેવાં પવિત્ર આચરણથી મોક્ષ સિદ્ધિ હાંસલ કરી ગયેલા પિતાશ્રી આ બધાંએ જીવન અને કાર્ય માટે ભાવિ સંકેત આપતાં પ્રેરેલા ધર્મસંસ્કાર જાળવવા જ હોય તો મુંબઇનો મોહક ઝળહળાટ છોડી વતન ભણી પાછું વળવું એ હરિભાઇ માટે અનિવાર્ય આવશ્યકતા બની ગઇ.
પોતાનો નિર્ણય અમલમાં મૂકવો એ સહેલું કામ નહોતું. મનમાં દ્વિધાઓનું મહાભારત જાગી પડ્યું હતું. આવા તેજાબી મનોવ્યાપાર સાથે તે પોતાના હિતેચ્છુ મિત્ર ડોક્ટર પાસે ગયો. જોગાનુજોગ એ જ વેળાએ લીલાધરભાઇ નામે એક સજ્જન તેના ભવિષ્યવેત્તા મહેમાન સાથે ડોકટરસાહેબને મળવા આવેલા. ભવિષ્યનિદાન વિશે ચર્ચા ચાલી રહી હતી અને હરિલાલને આગળ કરી ડોક્ટરે કહ્યું: 'આ મારા પ્રિય દોસ્ત વિશે કાંઇક કહી શકશો?'
લીલાધરભાઇ પોતે જ્યોતિષ વિદ્યામાં પારંગત હતા. મહેમાન સાથે થોડી વાત કરી લીધાં પછી હરિભાઇ સામે જોઇ એ બોલ્યા: 'તમે અગમ્ય યોગશક્તિનું વરદાન પામ્યા છો. દોસ્તી કરવા જેવા સજ્જન છો. હમણા તમે ઉંચી ભૂમિકા પર ચડી ગયાનું ગુમાન માણી રહ્યા હો તો ના નહિ, પણ આવતા માર્ચ માસ - ફાગણ પછી - નવી નિશાળે બેસવા જઇ રહ્યા છો. પહેલા દાયકાના કઠણાઇભર્યાં ધોરણમાંથી પાસ થઇ સલામતીપૂર્વક આગળ વધો તો બીજે દાયકે આશાનું અજવાળું જોશો, અને ત્રીજા દાયકા પછી તમે તમારી શક્તિઓની ઝળહળતી સિદ્ધિ જોવાના છો.'
અનાયાસે મળી ગયેલો -આવું જાણવાનો લાભ સામાન્ય સંજોગોમાં પ્રાપ્ત થયો હોત તો કેટલો આનંદ થાત.
મહેમાનો ગયા પછી હરિભાઇએ ડોક્ટર મિત્રને નારાયણ વિશે પૂછતાં - ખેદપૂર્ણ ચિત્તે ડોક્ટર બોલ્યા: 'દુનિયા ન માને એવી સાચી વાત નારાયણસ્વામીની સહનશક્તિની છે. 'એક્સ રે મશીન' ઉપર જોયું તો નારાયણની હોજરીમાં મોટાં તૂંબડાં જેવડી કેન્સરગાંઠ દેખાઇ. જોઇને ડોક્ટર ભણસાળી બે ઘડી એવા ખ્યાલથી સ્તબ્ધ બની ગયા કે આવડાં મોટાં દર્દની અસહ્ય પીડા આ સંત સહી લઇને આટલા સ્વસ્થ કેમ રહી શકતા હશે?'
ડોક્ટરની વાત સાંભળી હરિભાઇનું મન ભારે પરિતાપથી ભરાઇ ગયું. આ કેવા ભાગ્યયોગ હતા? એક બાજુથી વ્યવસાયના ક્ષેત્રમાં ઠંડો આતંક ઊઠ્યો છે- બીજી બાજુ જીવનના બદલાતા રાહ વચ્ચે નારાયણસ્વામીના મહાપ્રસ્થાનનો અફર સંકેત.
મન ઉપર ખડકાયે જતો વિષાદ ભૂલી હરિભાઇએ મિત્ર સાથે મનની વાત કરવા જીભ ઉપાડી- ત્યાં ડોક્ટર જ બોલ્યા: 'ફારસ જેવી વાત કહું છું. સાંભળવામાં આવ્યું તમે - હરિભાઇ મારી વિરૂદ્ધ પ્રચાર કરતા ફરો છો. એ વાત કોણે કરી હોય તે તમે કલ્પી લેજો. મેં તો ધારી જ લીધું છે, કે તમારી આજુબાજુ ઝેર્રીલા સાપ ભરડો લઇ રહ્યા છે. આનું કારણ સમજાયું નહીં. હરિભાઇ, સાચું કહું તો પેલી વાત એવા પેચ સાથે આવી કે સાંભળીને મારાં મનમાં તમારા પ્રત્યે રોષનો ઝટકો લાગ્યો.'
'રોષનો ઝટકો લાગે એ સ્વાભાવિક છે. સારી વાત એ છે કે તમે મનોવિજ્ઞાની છો ડોક્ટર, અને મને તથા સામા પક્ષને જાણો છો. ચાલો, એ વાત એક બાજુ રાખી હું તમને પૂછું છું - 'હું મુંબઇ છોડી ઘેર ચાલ્યો જાઉં તો?'
'તમને એમ કરવાની સલાહ આપવાનો જ મારો વિચાર હતો. બીજું નહિ તો કુટુંબકબીલાવાળા તમે કોઇ ગુનાહિત લફરાંમાં સંડોવાઇ બેઆબરૂ બનો તો તમારૂં જીવન બગડી જાય.'
'ચાલો ભાઇ, તમારો આ શબ્દ મેં માથે ચડાવી લીધો. મારા ઉપર વહેવારિક જવાબદારીઓના થોકડા સઝુમે છે. નાખી નજર પડે તેમ નથી. આ બધું તો છે - પરંતુ, 'શ્રેયાર્થે પ્રેયં ત્યજેત' સ્વીકારી લીધાં વિના બીજો કોઇ રસ્તો નથી.'
'તમારો આ નિર્ણય હમણાં જાહેર ન કરતા. મને ભય છે કે તેથી તમે ભારે મુશ્કેલીમાં મૂકાઇ જશો. સામા પક્ષે એવો વહેમ પેદા થશે કે તમે જાણો છો તે બધું પુસ્તકરૂપે બહાર પાડી દો. વળી આજકાલનાં બ્લેકમેઇલીંગ વિશે પણ તમે જાણો છો, અને હવે સલામતીથી તમારી જાત ખેંચી લો. એ તમારી કસોટી બનશે. જો કે તમારાં પગલાં પછી યે કાંટાળી કેડી તો પસાર કરવાની રહેશે.'
'ગોળ ખાય એ ચોકડાં ખમે.'
સ્વયં નારાયણે આપેલા સંકેત પ્રમાણે તેઓ મહાપ્રસ્થાન કરી ગયાનાં સમાચાર આવ્યા ત્યારે હરિભાઇ મુંબઇ છોડી જવાની તૈયારી કરી બેઠો હતો. હવે આવતીકાલના ગમે તેવા ઉપાલંભનો વિચાર કર્યો પોષાય નહિ. વાતાવરણ એવું તેજાબી બન્યું હતું કે ક્યારે દાઝી જવાશે તે નક્કી નહિ.
એક માત્ર સહારો હતો કલમનો. મનની સ્વસ્થતા અને ધીરજ રાખી શકાય તો સાહિત્ય ક્ષેત્રમાં જામવા માટે ભરપુર અવકાશ હતો. મુંબઇના વર્તમાન પત્રોના તંત્રીઓ સાથે મીઠા પરિચય હતા. અને ફાગણ માસના બીજા દિવસે હરિભાઇએ મુંબઇનો કાયમી નિવાસ છોડી ઘર ભણી પ્રસ્થાન કર્યું.
|