લેખાંક : ૨૩ : (જેમાં હરિભાઇને 'યોગિનીકુમારી વિશે ગુરૂદેવ સૂચના આપે છે)
|
નારાયણભક્ત સમૂહમાંથી દૂર બેઠેલા હરિને પૂછ્યું:' આપની પિછાન આપશો?'
'ભાઇ, હું સામાન્ય નોકરી કરૂં છું અને ગુરૂપૂજન સમારોહનાં દર્શન કરવા આવ્યો છું - એથી વધુ મારે કાઈ કહેવાનું નથી.' હરિએ જવાબ આપ્યો. એટલામાં ગુરૂપૂજન શરૂ થયું. 'નારાયણસ્તુતિ' પ્રસાદી તરીકે વહેંચાઈ. ભજન - ગાન થયાં. નારાયણસ્વામીની પ્રાસાદિક વાણી સાંભળી રહેલો હરિ બોલ્યો: 'પ્રભુનો આશીર્વાદ શિરોમાન્ય કરૂં છું'
'કુમારસાહેબ અને તારા માસાહેબ સાથે તારા વિષે મેં વાત કરી લીધી છે. મા-સાહેબ તને મારી સાથે મોકલવામાં ધર્મલાભ સમજશે. બોલ, હવે તું નિશ્ચિંત છે ને?' નારાયણસ્વામી બોલ્યા.
'જી નારાયણ, આપની પ્રતાપી છાયામાં ચિંતાની કલ્પના જ ન હોય.' હરિએ કહ્યું. અને નારાયણે પાસેના ખંડ ભણી મુખ ફેરવીને હાક મારતાં કહ્યું - 'અરે સુમનભાઇ, શું કરો છો? આપણી પારૂ - યોગિની- છે કે?'
યોગિનીને અપાયેલું પારૂ સંબોધન હરિએ પહેલીવાર સાંભળ્યું. બિલકુલ અજાણ્યા અને સામાન્ય એવા મુંબઇવાસી યુવાન તરફ નારાયણ જેવા ગુરૂદેવનો આવો મમતાભાવ - પહેલીવારની મુલાકાતે જ જોઇ ઘણા ભક્તો આશ્ચર્ય પામીને મનમાં ઇર્ષા પણ કરવા લાગ્યા. અને સુમનભાઇ સામે જોઈ નારાયણ સૂચક હાસ્ય કરીને બોલ્યા: 'આપણા બહેનશ્રી - માસાહેબના કર્મચારી હરિભાઇને તમે ઓળખો છો. બપોર પછીના સમારંભમાં 'ગુરૂદક્ષિણા' નાટકનો કાર્યક્રમ યોજાશે, અને આખી રાત ભજનની ધૂન ચાલુ રહેશે.'
આ બધાં વચ્ચે હરિભાઇએ યોગિનીને કહ્યું: 'શ્રેયસાધક મંડળ અને વિશ્વવંદ્યજીના ચરણોથી પાવન થયેલા સ્થાનનાં દર્શન કરવા તું આવીશ ને?' યોગિનીએ હકારમાં માથું હલાવ્યું.
ગુરૂપૂજનના સ્થળે જ રાતે ભક્તજનોની સારી ભીડ જામી. વડોદરાના જાણીતા કીર્તનકારોએ સંગીત-આખ્યાન રજૂ કર્યું. નીલેશ્વરીબેન મહેતાએ ગુરૂવંદના ગાઇ. મહારાષ્ટ્રના સંતો - તુકારામ, જ્ઞાનદેવ, ચોખામેળા, જનાબાઇ અને કાન્હોપાત્રાની ભજનવાણીથી વાતાવરણ ભક્તિમય બની ગયું ગુરૂદેવની આજ્ઞા થતાં - મુંબઇથી આવેલા હરિભાઇએ પણ સોરઠી સંતોનાં ભજનો ગાયાં.
'ધન્યવાદ, યોગિનીબેન.' હરિભાઇ બોલ્યા.
*
વડોદરામાં સાંપડેલા અમુક પરિચય યાદ રહી જાય તેવા હતા. મહારાષ્ટ્રિય ભાઇ - બહેનો પણ ખૂબ પ્રેમાળ, ધર્મશ્રદ્ધાળુ અને લાગણીપ્રધાન હતાં. મકરપુરાના રાજમહેલના મુખ્ય સેક્રેટરીને ત્યાંથી જમવાનું આમંત્રણ આવતાં અન્ય ભક્તો તથા ગુરૂદેવ સાથે હરિભાઇ પણ ત્યાં ગયો. અહીં નારાયણસ્વામી સાથે વાતો કરવાની અનુકૂળતા મળી ગઇ. ઇશ્વર અને આત્મા સંબંધી હરિભાઇએ પેટ ખોલીને વાતો કરી. મનથી અભિવ્યક્ત થતો જીવભાવ તથા દેહના ક્ષેત્રે પ્રકાશિત રાખનાર ચિન્મય આત્મતત્વ વિશે હરિએ વ્યક્ત કરેલાં નિવેદન ઉપર પ્રસન્ન થયેલા ગુરૂદેવે ભાવવિભોર બની તેના માથા ઉપર હાથ મૂકી નિખાલસભાવે કહ્યું - 'આટલું જ્ઞાન ધરાવતો તું પોતે - જન્મે અને કર્મે બ્રાહ્મણ છો, અને આજકાલ મોહમાયાની 'કાજળની કોટડી'માં રહે છે....'
અને ચમક્યા વગર સ્વસ્થ ચિત્તે હરિભાઇ સાંભળતો રહ્યો. નારાયણે કહ્યું: 'તું રહે છે ત્યાંના ધનવૈભવ કરતાં તારો આત્મકલ્યાણકારી મનોવૈભવ વધુ મૂલ્યવાન છે. ધર્મલાભ દાયક એ માટે મૂડી જોખમાય નહિ તે માટે તારે સાવધાની રાખવી પડશે.'
આ સાંભળી હરિભાઇ બોલ્યો: 'ગુરૂદેવ, આપે કરેલી અમૃતમય સૂચના હું શિરે ચડાવું છું. આપ મારા વિશે ઘણું સારૂં વિચારો છો, એ મારા પર ઇશ્વરની કૃપા છે. આમ તો વરસો પહેલાં પવિત્ર પુણ્યાત્મા એવા એક સંતબાપુએ મારાં ભાવિ જીવનનો સંકેત આપી આવી જ સૂચના મને આપી હતી. પૂજ્યપાદ સ્વામીશ્રી પ્રકાશાનંદજીએ પણ જીવનશુદ્ધિનો આશીર્વાદ આપ્યો હતો. આપ આજે બ્રાહ્મણધર્મની સુરક્ષાનું સૂચન કરો છો તેથી હું ઘણો ભાગ્યશાળી છું.'
ત્યારબાદ યોગિનીના નામનો ઉલ્લેખ કરતાં નારાયણસ્વામી બોલ્યા: 'એ છોકરીની બાબત કાંઇક વિચારવા અને કાંઇક હસવા જેવી છે. મુંબઇની ચમક અને ચબરાકીનાં સંગ્રહસ્થાન જેવી એ છોકરીનો સંપર્ક - આમ તો તારા માટે ખોટો નથી - કારણકે કન્યાજાતિ માટે લક્ષમાં રાખવા જેવી બાબત શું હોય તે તું જાણે છે, અને વિચારી પણ શકે છે. આટલી સાવધાની પછી એ છોકરીનો અભ્યાસ તને એવી જાણકારી આપશે - જે પુસ્તકો લખવામાં તને કામ લાગશે.'
સ્વામીજીના ઉપરોક્ત શબ્દો હરિને ખુબ જ માર્ગદર્શક નીવડ્યા છે, એ કહેવાની જરૂર નથી.
ત્રણ દિવસ વડોદરામાં આનંદથી માણ્યા પછી મુંબઇ પાછા ફરતા હરિભાઇને નારાયણે પોતાની દિવ્ય પ્રસાદી જેવી સહી કરેલો એક ફોટોગ્રાફ આપ્યો. ત્યાં હાજર રહેલા ભક્તોએ સલાહ આપી: 'એ પ્રસાદીને તમે પૂજામાં રાખજો.'
મુંબઇ ગયેલા હરિભાઇએ વડોદરા-ગુરૂપૂજનના મહોત્સવનું સચિત્ર વર્ણન મા-સાહેબ પાસે કર્યું. બીજું બધું ભૂલી, એ વાતોની રંગત માણતાં મા-સાહેબે આજ્ઞા કરી: 'ચાલ હરિભાઇ, આપણે આણંદી જઇ આવીએ.'
અને ઝડપી તૈયારી થઈ. મા-સાહેબ પોતાની અંગત બાઈ તથા હરિ સાથે જવાનાં હતાં. આમ તો હરિ આ પ્રદેશનો અજાણ્યો હતો - છતાં એણે તીર્થસ્થાનમાં માસાહેબને સ્નાન તથા દર્શનનો આનંદ આપવાની હામ ભીડી.
ભગવાન વિઠ્ઠલની મહાપૂજા અને રેલાઇ રહેલા ભક્તિભાવનું આચમન લઇ, મા-સાહેબ સાથે પૂના થઇ હરિ આણંદી જવા ઉપડ્યો.
*
સંત જ્ઞાનેશ્વરની રમણભૂમિ આણંદી મા-સાહેબનો રસાલો લઇ હરિ મોટર માર્ગે પહોંચ્યો. પરમાત્માની દિવ્ય વિભૂતિ જેવા અંશાવતાર જેવા સંતના મંદિરે મા-સાહેબે ઢગલાબંધ પુષ્પમાળાઓ ચડાવી.
ઢાંકી રાખવામાં આવતાં સંતસમાધિના દ્વાર પાસે શાંતિ જાળવવાની સૂચના લખાયેલી છે. સમાધિમંદિર પાસેથી વહેતી ઇન્દ્રાણી નદી રમણીયતાનું દ્રશ્ય પૂરૂં પાડે છે. આ નદીને કાંઠે એક શિવમંદિર પણ છે.
જ્ઞાનેશ્વરે સ્થાપેલા ધર્મયુગનું ભવ્ય દર્શન કરાવતાં આણંદી ક્ષેત્રનાં દર્શન કરી પાછાં ફરેલાં માસાહેબ અને હરિભાઇને કુમારસાહેબે આવકાર્યાં. હરિભાઇ અને કુમારસાહેબ વચ્ચે ધર્મકર્મની ચર્ચા પણ થઇ. બેઉને એકબીજાનો એ વિશ્વાસ હતો, કે અમારી વાત ત્રીજો કાન સાંભળી શકવાનો નથી.
કુમારે પૂછ્યું: 'ધર્મપાલનની ખરેખર કાંઇ અસર હશે, કે એ માનવીના મનની નબળાઇ હશે?'
તીર જેવા તીખા આ સવાલનો જવાબ શાંત ચિત્તે એવો અપાયો, કે ભૌતિકવાદ અને અધ્યાત્મવાદ વચ્ચેની ભેદરેખા સમજ્યા વગર એની અસર અનુભવી શકાય નહિ.
કર્મફળનાં સિદ્ધાંત વિષે પણ એમ જ છે. સારાં અને ખરાબ કર્મોમાંથી અમુક કર્મો માણસને ડંખે એટલે તે દોષવાળાં ગણાય. આ દોષનાં સમાધાન વગર માણસ જીવનનો સાચો આનંદ અનુભવી શકતો નથી.'
'આ પણ તમે ડરાવવા જેવી વાત કરી.' કુમારસાહેબે હસીને કહ્યું.
'મેં રજુ કરેલું મંતવ્ય મારૂં નથી, અને તે સાચું હોય તેવો મારો આગ્રહ પણ નથી. આમ છતાં, માણસનું મન સ્વતંત્રપણે પોતાના ખેદ અને આનંદની અસર આપતું હોય છે, તેનો જ આ નિર્દેશ છે.'
આ સાંભળી ક્ષણભર ચૂપ રહીને કુમારસાહેબ પોતાના સ્વભાવ પ્રમાણે ઉત્તેજનાભર્યા અવાજે બોલ્યા: ' જવા દો એ પંચાત. તમે મારાં મનને ખેદ અને પશ્ચાતાપ થાય એટલી હદે જવા દેવાના નથી, પછી શી ચિંતા?'
મહત્તાનો આટલો બધો ભાર હરિ ઉપર નાખતા કુમારસાહેબ પોતાની જાત પર વિશ્વાસ મૂકી શકતા નથી. વિલાસિતા ભણી લપસી રહેલા હોય એવું તેમની લાગણી પરથી કહી શકાય. શાંત અવાજે એમણે કહ્યું - 'હવે તમે તીર્થયાત્રી બન્યા છો તેથી તમને પૂણ્યનો ભાગ મળશે.'
'તમે એમ કહી શકો, પણ મારે મન તો મારૂં તીર્થ અહીં જ છે, કર્મયોગ જાળવી રાખીને મોક્ષ મેળવવો છે.' હરિ બોલ્યો, અને બેઉ હસ્યા.
|