લેખાંક : ૨૨ : (જેમાં સ્વર્ગ - નરક અને પાપ-પુણ્યની ચર્ચા કરવામાં આવી છે.)
|
વિલાસી સૃષ્ટિની રોમાંચ-પ્રેરકતા એવી અજબ હોય છે - જે શબ્દોમાં વર્ણવી શકાતી નથી. દેહસુખની ભૂખ માણસને આંધળોભીંત કરી મૂકી - આપ્તસંબંધની પવિત્રતા અને નીતિમર્યાદાનું ભાન ભૂલાવી દેતી હોય છે. આવાં મોહાંધ બનેલાંઓ, એનો આત્મા ડંખ મારે ત્યારે બેબાકળા બની, પાપ - પુણ્યના બકવાદ કરવા લાગે છે. આખરે તેઓ સ્વર્ગ - નરક દાનલોભી બ્રાહ્મણોએ ચલાવેલું 'હંબગ' માની બેસે છે.
એક સ્વેચ્છાચારી દ્વારા ઉચ્ચારેલાં આવાં મંતવ્ય સામે હરિલાલે મીઠાશથી કહ્યું - 'રામાયણની કથામાં જોઇએ તો મંદોદરીએ તેના સમર્થ પતિ રાવણને કહેલું: 'આપ ભગવાન શ્રીરામનાં પવિત્ર પત્ની - સતી સીતાનું અપહરણ કરી લાવ્યા એ ઠીક નથી કર્યું. તેનું પરિણામ આપણા લાભની વિરૂદ્ધ જશે.'
આ સાંભળીને લોખંડી મનોબળ ધરાવનાર રાવણે ગર્જના કરી: 'ચૂપ રહે, મને શિખામણ આપનાર તું કોણ? હું સ્વર્ગના દેવતાઓને ધ્રુજાવનાર રાવણ છું. સારાં -ખરાબ વિશે તારા કરતાં હું વધુ જાણું છું. મને ગમે તે કોઇપણ સ્ત્રીને હું નીડરતાથી ખેંચી શકું છું.'
પોતાની બુદ્ધિની સમતુલા જાળવી શકનારી મંદોદરી સમજી ગઇ કે અહંતા અને મોહમાં વિવેકભાન ભૂલેલા આ રાવણને કોઇરીતે સમજાવી શકાશે નહીં.'
'આવું દ્રષ્ટાંત તમે અત્યારે શા માટે આપ્યું?' પૂછનારના શબ્દોમાં ઉશ્કેરાટ હતો. હરિલાલે ઠંડા અવાજે જવાબ આપ્યો: 'એટલા માટે કે આપના મનોબળ માટે હું પોરસાયો છું. મને લાગ્યું કે પાપ-પૂણ્ય અને સ્વર્ગ-નર્કનો ઉલ્લેખ કરવામાં આપે તેના વિશે કાંઇ વિચાર્યું હોય.'
'જવા દો યાર, માથાના દુ:ખાવા જેવી વાત છે. આ લોકો પાઠપૂજાનાં ધતિંગ કરે. બીજાંને પોતાના આવા ધતીંગમાં સામેલ કરવા પાપ-પૂણ્યની વાતો કરીને પછી તમે કહેલા - 'કરતૂકના બારે દરવાજા' મોકળા રાખે.
આ બોલ્યા ત્યારે કુમારસાહેબના ચહેરા ઉપર વ્યગ્રતાની છાયા હતી. સાંભળનારને વધુ ખુલાસો માગવાની જરૂર નહોતી. જે એની મોજમજાહનો સાક્ષી હતો. માત્ર સાક્ષી જ નહિ, અંધારી ખીણમાં પડતાં બચાવી લેનાર - અવરોધરૂપ પણ હતો. કુમારસાહેબના ચિત્તવ્યાપાર પર વિચાર કરતાં એ ચૂપ રહ્યો.
'નહિ, તમારે આ બાબતમાં બોલવું જ પડશે. પાપ-પૂણ્ય એ ખરેખર છે, કે માનવમનની કલ્પના માત્ર છે? તમે 'આત્માના ડંખ'ની જે વાત કહી એની અસર ધોઇ નાખવા શું કરવું જોઇએ?' કુમારસાહેબે ગંભીરભાવે પૂછ્યું.
જવાબ આપતાં હરિભાઇ બોલ્યો: 'જુઓ સાહેબ, પશ્ચાતાપનો ડંખ રૂઝવવાની સિદ્ધિ પામી ગયેલા કચ્છના કાળઝાળ બહારવટિયા જાડેજા જેસલની વાર્તા મેં કહી હતી. પોતાનાં અમાનુષી કૃત્યો માટે જેસલના મનમાં પશ્ચાતાપની અગન ભડકી ઊઠી, અને ભલભલા શૂરવીરોને ધ્રુજાવનાર એ ખુંખાર માણસ પોતાની અહંતા તથા ખુમારીનો અંચળો ફગાવી, ગરીબ ગાય જેવો બની, દિવ્યશક્તિ ધરાવતી નારી સતિતોરલના પગમાં મસ્તક મૂકી, પાપ કબૂલ કરતાં બોલ્યો: 'મા, મેં ઘણાં પાપ કર્યાં. શરીર ઉપર રૂંવાડાં ગણી શકાય, પણ પાપનું માપ અને સંખ્યા મળે નહિ. એ પાપનો આજે મારો અંતરાત્મા જવાબ માગી ર્રહ્યો છે. કરેલાં પાપ ધોઇ નાખવાનો ઉપાય બતાવી મને પશ્ચાતાપની વેદનામાંથી મુક્ત કરો.'
સતિ તોરલ પાપપ્રક્ષાલનની ક્રિયા જાણતી હતી. જુલ્મી જેસલના મનમાં જાગેલા પશ્ચાતાપમાં એ દિવ્યનારીએ તેની આત્મજાગૃતિનું પ્રમાણ ચકાસી જોવા કહ્યું: 'જેસલ, તમે મન સાથે પ્રતિજ્ઞાગાંઠ વાળી બતાવો કે એકવાર કરેલાં પાપો હવે તમે ક્યારેય નહીં કરો.'
'પ્રતિજ્ઞાથી કહું છું કે હું ક્યારેય બીજાના જીવને દુ:ખ પહોંચાડે એવું પાપ નહિ કરું.'
'આ તમારી લાગણીની વાચાને, કર્તવ્ય - કર્મયોગ-ની સરાણ ઉપર કસોટી આપી, સાચી હોવાની સાબિતી આપી ભૂતકાળ ભૂલી જાઓ.' તોરલે આપેલા આ બોધ આચરણમાં મૂકી એકવારનો મહાપાપી જેસલ જાડેજો 'પાવન પીર' બન્યો. માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. 'સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક ને માનવ માત્ર અધૂરા' આ સત્યના અનુસંધાનમાં ભૂલ કે પાપ કરી બેસનાર માણસ ફરીથી એવી ભૂલ ન કરવાના નિશ્ચય જાળવી રાખે તો સંચિતકર્મના બદલામાં દુ:ખની શિક્ષા કરનારું ઇશ્વરી ન્યાયતંત્ર તેને ક્ષમા આપે છે.'
'વેરી ગુડ, ગુરૂદેવ તમે આમ કહો છો, મને પશ્ચાતાપ ભણી ઘસડી જતું કાંઇપણ કરતો અટકાવજો.' કુમારસાહેબ બોલ્યા અને વાત પૂરી કરી.
એ પછીના બે-ત્રણ દિવસની બપોરે ધોમધખતા તાપની ગરમી અનુભવતો કવિ જમીને બિછાનામાં આડો પડી, સાંપ્રત સ્થિતિ સાથે પોતાની જાતના વિચારમાં અટવાયો હતો. આ દાયકાનું સ્વર્ગીય સુખ આત્મભાન ભૂલાવી વિલાસની લપસણી ભૂમિ ઉપર લહેરાવતું હતું. તેના સામે પોતાના જીવનની વાસ્તવિક સ્થિતિ, શિખાસૂત્રમાં બંધાએલું પોતાનું બ્રાહ્મણત્વ પોતાના સંતાનોનાં ભાવિ, આ બધાંને કૂદી પોતે અધ:પાતના ખાડામાં ગબડી પડવાની અણી ઉપરથી સારાસારનો વિચાર કરીને પણ એ વિચાર અમલમાં મૂકી શકશે.
'ઓહ' - ચમકી ઉઠેલા હરિએ બારણાં તરફ જોયું અને તેની નજરે પડી સુચારુ કવિતાની સાક્ષાત પ્રતિમા સમી એક પરિચિત કિશોરી. અને બોલાઇ ગયું - 'અરે, તમે અહીં...?'
'આશ્ચર્ય પામતાં નહિ. તમને કુમારસાહેબ સાથે વાત કરતા સાંભળી ગયા પછી - ખુશીખબર આપવા આવી છું. તમે વિશ્વવંદ્યજીનું 'યોગિનીકુમારી' પુસ્તક વાંચ્યું છે. આગળ વધી તમે 'ઋતંભરા' પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરી રહ્યા છો. 'યોગિનીકુમારી'ની યાદ મેં એટલા માટે આપી કે નિકટનાં મારાં સ્વજનો મને 'યોગિની' નામે સંબોધે છે. તમે પણ એ નામે સંબોધી શકશો.' એ કિશોરી પોતાનો પરિચય આપી રહી હતી.
બાલિકા યોગિનીની હાજરીથી હરિની ઓરડી જાણે હસી ઉઠી. થોડીક્ષણો સ્તબ્ધ નજરે જોઇ રહ્યા પછી કોઇ અજ્ઞાન ભયની અસર અનુભવતાં હરિએ પૂછ્યું: 'તમને લાખ ધન્યવાદ યોગિનીબેન, પણ હવે તમે ખુશખબર આપી દો.'
'તમને ગેબીશક્તિ ધરાવતા યોગીરાજના સત્સંગનો લાભ મળશે અને અમને ભજનવાણીનો લાભ. ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ બધું કહેશે. કુમારસાહેબ પાસેથી બધું જાણવા મળશે.' આનંદ, ક્ષોભ અને ભયભ્રાંતિભરી નજરે કિશોરી યોગિની સામે હરિભાઇ જોઇ રહ્યો. વડોદરાના શ્રેય સાધક મંડળવાળા વિશ્વવંદ્ય - છોટાલાલ માસ્તરની કલમે લખાયેલી 'યોગિનીકુમારી'નો સાક્ષાત્કાર હરિને કરાવી રહ્યો, અને કવિએ કહ્યું - 'ભલે, યોગિનીબેન, અવકાશ મેળવી હું જરૂર આવીશ.'
'ચાલો ત્યારે - હરિ ૐ તત્સત' -હું જાઉં છું' એટલું બોલી એ ચાલી ગઇ. હ્રદયતંત્ર હલાવી નાખનારાં વાક્યો હરિના કાનમાં ગુંજી રહ્યાં.
*
પિક્ચર જોઈ સાંજે ઘેર પાછા ફર્યા બાદ હરિભાઇને કુમારસાહેબે પૂછ્યું: 'કહો ન કહો, આજે તમે ખૂબ આનંદમાં અથવા અવનવા વિચારમાં ડૂબેલા છો.'
'હા, નવી નવલ લખવા માટે પ્લોટ વિચારી રહ્યો છું.'
'તમારે જવાબ શોધવાની જરાય મૂંઝવણ નહિ.' હસીને કુમાર બોલ્યા. પછી ગંભીરભાવે કહ્યું: ' હા, તો આવતી પૂનેમે ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવા વડોદરા જવાનું છે.'
જવાબ આપતાં હરિભાઇએ કહ્યું - 'ભલે, હું ખુશીથી જઇશ.'
'તો એ બાબતમાં તમે મહેતાને મળીને પૂજામાં જોઇએ તે બધું સાથે લેતા જજો. તમને ત્રણચાર દિવસ રોકાવાનો આગ્રહ થાય તો ખુશીથી રોકાજો. આ બાબતમાં માસાહેબ તમને ઢગલાબંધ માહિતી અને સૂચના આપશે. બાકી તમે મારા વિચાર તો જાણો છો.'
નિરાંતની પળે માસાહેબે હરિભાઇને વડોદરા હરિભાઇને વડોદરા જવાની વાત જણાવીને પૂજા-ઉત્સવ અંગે ઘણી સૂચનાઓ આપી.
વડોદરા જવાની તૈયારી પણ વર્ણન કરવા લાયક હતી. નીકળતાં પહેલાં હરિએ - 'નારાયણસ્તુતિ'- પ્રાસાદિક કાવ્ય છપાવી સાથે રાખ્યું હતું. મુંબઇ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશને પહોંચેલા હરિભાઇએ ઘણાં સહયાત્રીઓ જોયાં. 'સત્સંગી સહયાત્રી' હરિલાલ પાસે દોડી આવેલી 'યોગિની' બોલી: 'મેં તમને કહ્યું જ હતું ને - તમારે મારા સહયાત્રી બનવું જ પડશે.'
મને મરાઠીભાષાનું પેલું જાણીતું ભાવગીત યાદ આવ્યું: 'માઝા હોશીલ કા?' વડોદરા સુધીના રેલપંથના સાડાચાર કલાકનો આનંદ અનેરી યાદ બન્યો. ઓછાબોલી, ગુમાની, સમજદાર અને દિવ્યશક્તિજ્યોત જેવી યોગિની મુગ્ધ સદ્ભાવ કરતાં યે તેના માબાપે હરિ પર વધુ મમતા દાખવી. માતા બોલી: 'મારી છોકરી બહુ ઓછાંને પોતાનું 'યોગિની'નામ જણાવે છે. તે કવિશ્રી તમારાં વખાણ થતાં સાંભળી આનંદી ઉઠે છે. હવે જ્યારે આપણે ભાવાત્મક એકતાના પવિત્ર દોરથી બંધાયા છીએ ત્યારે મુંબઇ પાછાં ફર્યા પછી તમે મારે ત્યાં આવજો. યોગિની વિશે જાણવામાં તમને રસ પડશે.' આટલું બોલી માતા ચૂપ થઇ ગઇ.
થોડીવારે માતાએ આગળ ચલાવ્યું - 'પૂર્વજન્મનો યોગભ્રષ્ટ આત્મા 'યોગિની' રૂપે અમારે આંગણે જન્મ્યો છે, કવિભાઇ! વધુ તો તેના જન્મ સાથે સંકળાએલું રહસ્ય જાણી શકશો.'
યોગિનીની માતાનું આ મંતવ્ય તેના પતિ પ્રસન્નતાથી સાંભળી રહ્યા. યોગિની હરિભાઇએ લખેલું - 'નારાયણસ્તુતિ' કાવ્ય એકાગ્ર ચિત્તે વાંચી રહી હતી.
પાછલી રાતે બધાં વડોદરા ઉતર્યાં. મુંબઇ, પૂના, મદ્રાસથી આવેલાં ભાવિકો કરતાં અમદાવાદ-વડોદરાના ભક્તોની સંખ્યા વધુ હતી.
જેનાં પૂજનનો સમારોહ યોજાયો હતો એ ગુરૂદેવ - તેના કોઇ ભક્તને ત્યાં બિરાજતા હોવાથી બધાં તેમનાં દર્શન-મિલન માટે ત્યાં ગયાં. સંતચરણે નમસ્કાર કરતાં પોતે આવ્યાનાં નિવેદન કરવા માંડ્યાં. ઘણીવાર પછી, ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા એ તેજોમય સંત સમક્ષ પહોંચેલા હરિએ 'ૐ શ્રીનારાયણ નમ:' - કહી ગુરૂદેવને વંદન કર્યું. એકાએક જાગૃત થયેલા ગુરૂદેવે પોતાની પાસે પડેલા ચંદનથી હરિભાઇને કપાળે ચાંદલો કરી તેના માથા ઉપર હાથ મૂક્યો.
આવો કૃપાભાવ જોઇ, ભક્તો પરસ્પર પૂછવા લાગ્યા -'કોણ છે આ માણસ? - હેં ક્યાંથી આવ્યા છે આ ભાવિક ભક્ત?'
અને ત્યાં તો ગુરૂદેવ ફરીથી ધ્યાનસ્થ થઇ ગયા. હરિભાઇ શાંત પગલે ત્યાંથી દૂર જઇ બેસી ગયો.
|