લેખાંક : ૨૧ : ('જીવનછાયા'નું પ્રકાશન થયા પછી 'સોનેરી તકો' મળતી જ રહી હતી)
|
રહેણાકની અનુકૂળતાએ સ્વતંત્ર બની ગયેલો આ માણસ માત્ર કલ્પનાશીલ નહોતો, એનાં અંતરમાં પ્રગટતી લાગણીઓ પણ સામાન્ય નહોતી. ઊઘાડી આંખે સાચા ઠરનારાં એનાં સ્વપ્ન પાછળ તેને મળેલી કો જન્મજાત બક્ષિસનો પહેલો આભાસ એક દેવસ્થાનમાં મળ્યો. અનિવાર્ય સંજોગો હેઠળે પવિત્ર સ્થળે રાત પસાર કરી. રાતના બે અને ચાર વાગ્યા સુધીમાં જાગી જવાનો ક્રમ હતો. સ્તુતિ કર્યાં પછી લાગ્યું - રાતનો ઘણો સમય બાકી છે, એટલે પાછો એ પથારીમાં પડ્યો. છેક સૂર્યોદય વેળાએ તેને યાદ રહી જાય એવું સપનું આવ્યું.
પોતે કેવો ભાગ્યશાળી, શોભીતા લગ્નમંડપ હેઠળ મીંઢળબંધી યુવતી સાથે ફેરા ફરવાનો આનંદ માણતા એ યુવાનની આંખ ઉઘડી ગઈ. લગ્નનું સપનું સ્વપ્નશાસ્ત્રની દ્રષ્ટિએ અશુભ ગણાયું છે. યુવાનને કાંઇક અનિષ્ટ બની જવાનો ભય તો હતો, અને એકાદ માસ જેટલા ટૂંકા ગાળામાં સમાચાર મળ્યા, કે પોતાની કક્ષાના છોકરા સાથે પરણેલી વસુંધરા વિધવા થઇ.
સિનેમા જોતી વેળા પોતાને ફિલ્મી અભિનેતા કલ્પી, મનમોજ માણનાર એ જ યુવાન સામે અહીં મુંબઇમાં 'સનરાઇઝ' પિક્ચરવાળાએ એક સંત ચિત્રમાં 'હીરો'ની ભૂમિકા આપવા માટે ઓફર કરી, આની પાછળ તેના એક 'ડ્રેસવાલા' નામે શુભેચ્છકની ભલામણ કામ કરી ગઇ હતી. પછી યુવાન હરિભાઇ જે રીતે ગોઠવાઇ ગયો તે જાણી એ જ શુભેચ્છક શ્રી મગનભાઇ ડ્રેસવાળાએ યુવાન કવિને કહ્યું: 'તમારા જેવો આત્મદ્રષ્ટા માણસ અભિનય જેવાં છલિત ક્ષેત્રમાં કામ કરે એ ઠીક નહિ. ફિલ્મક્ષેત્રમાં પડવાની તમને હું ના કહું છું.'
ફિલ્મી કલાકારોને ડ્રેસ પૂરો પાડનાર ખ્યાતનામ કર્મવીર શ્રી મગનલાલ ડ્રેસવાલા સાથે સંબંધ જો કે થોડો હતો, છતાં કવિના જીવનમાં નવી સૂઝસમજ આપી યાદગાર બન્યો છે.
એ કર્મવીર જેટલી ઉદારતા, ખેલદિલી અને માણસને પારખી જનારી દ્રષ્ટિ કવિએ બહુ ઓછા માણસોમાં જોઇ. આ બાબતે તેને યાદ રહી જાય એવો પરિચય મળ્યો હતો શ્રી ભાનુભાઇ ઝવેરીનો.
મુંબઇમાં મારે કોને મળવું જોઇએ તે સલાહ પૂજ્ય મુનશીજી પણ આપતા. લાભાલાભનો સ્થિર ખ્યાલ પકડી પાડવામાં ખૂબ જ કાબેલ અને શુભેચ્છક મુનશીજીએ અમૃત ચોઘડિયાંની એક પળે કવિ હરિલાલને સલાહ આપી: 'તમે કહો છો એ વાર્તાઓ લખો અને સાહિત્ય ક્ષેત્રમાં પ્રવેશવાનો નિશ્ચય કરી લો.'
'આપનો દરેક શબ્દ લાખેણો ગણી શિરે ચડાવી લખવાનો પ્રયાસ કરૂં - પરંતુ તેનો પ્રકાશક શોધવાની મુશ્કેલી અને 'લેખક'ની ભૂમિકા કેટલી દુર્લભ?'
'એ બધું વિચારવાની જરૂર નથી. મેં કહ્યું તેમ વાર્તાઓ લખી લાવો.'
સંખ્યાબંધ વાર્તાઓ અને જથ્થાબંધ જીવનપ્રસંગોનો અખૂટ ભંડાર ધરાવનાર કલ્પના સમૃદ્ધ યુવાન હરિલાલને મળેલી, મહાનુભાવની અણમોલ સલાહ તેના સાહિત્યજીવનની ભૂમિકા બની રહેવાની હતી. એ સલાહથી પ્રોત્સાહિત થયેલા 'હરિ'એ તે જ દિવસથી વાર્તાઓ લખવાના ગણેશ માંડ્યા.
એકાદ મહીનામાં એણે વીસેક નવલિકા લખી, નવલિકાસંગ્રહની હસ્તપ્રત તેણે મુનશી દંપતિને બતાવી. તેમાં સામેલ કરાએલી બે ત્રણ વાર્તા તો લેખકને મુખેથી સાંભળેલી, એટલે મમ્મી - શ્રી લીલાવતી મુનશી-એ હરિલાલની એ પહેલી સાહિત્યકૃતિ માટે આવકાર - આશીર્વચન લખી આપ્યું.
એ 'નવલિકાસંગ્રહ'નું નામ - 'જીવનછાયા' - અને તે 'રવાણી એન્ડ કંપની'- પ્રકાશનસંસ્થાએ પ્રકાશિત કરી. આ રીતે સાહિત્યસૃષ્ટિમાં પ્રવેશતા હરિલાલને તેના શુભેચ્છકોએ વધાવી લેતાં એ સલાહ પણ આપી: 'સાહિત્યક્ષેત્રમાં પણ વાડાબંધી, વાદવિવાદ જોવા મળશે - પણ ક્યારેય તારે એમાં ચંચુપાત કરવો નહિ.'
એ સલાહનું જીવનભર પાલન કરવાની ખાતરી અપાઈ. 'જીવનછાયા' વાર્તાકારના વાર્તાસંગ્રહ તરિકે ઠીકઠીક આવકાર પામી. વિવેચકોએ તેના ગુણદોષનો નિર્દેશ આપીને પણ -તેના લેખકની કલમ કસોટીની એરણ ઉપર આગળ વધશે તો પાણીદાર બની ગુજરાતી સાહિત્યનો ભંડાર સમૃદ્ધ કરવામાં નોંધપાત્ર ફાળો આપી રહે' એવી આશા વ્યક્ત કરી. અને તેથી પ્રોત્સાહિત થયેલા એ લેખકે ઘટનાપ્રધાન કથાવસ્તુના માધ્યમ સાથે પહેલી નવલકથા 'રામકલી' લખી, અને વસ્તુવિધાન તથા લેખકની ઝબકેલી મૌલિકતા ઉપર સમીક્ષક વર્ગે પ્રસન્નતા વ્યક્ત કરી. 'ઓલ ઇન્ડીયા રેડિયો'ના મુંબઈ કેન્દ્રે 'રામકલી' નવલ વાંચી જવાની વાચકોને ભલામણ કરી હતી.
મુંબઇના જાણીતા વેપારી અને રાષ્ટ્રીય ભાવના સાથે જાહેર જીવનમાં પડેલા શુભેચ્છક મુરબ્બી શ્રી દુર્લભજી ઉમેદચંદ પરીખ સાથે સ્નેહ સંપર્ક બંધાયો, અને તેને પગલે એ વેળાએ ગુજરાતી સાહિત્યક્ષેત્રના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદભાઇ મેઘાણીનો પરિચય થયો.
આમ પણ મેઘાણીભાઇ હરિલાલની પ્રવૃત્તિથી અજાણ નહોતા. એમની નવલ -'સોરઠ તારાં વહેતાં પાણી'ના કથાનાયકે તેને હરિલાલનું નામ ને કામ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના 'ફુલછાબ' જેવાં પત્રોના તંત્રીપદે રહી, પોતાની કલમને કીર્તિ અપાવી ચૂકેલા મેઘાણીજી ત્યારે 'જન્મભૂમિ' દૈનિકમાં 'કલમ ને કિતાબ'નો સમીક્ષાવિભાગ સંભાળતા.
દુર્લભજીભાઇનાં - લોકસેવિકા અને સાહિત્ય રસજ્ઞ - પત્ની અ.સૌ. વિજયાબેન પરીખ જેટલાં મેઘાણીજીના ચાહક - એટલાં જ હરિલાલનાં પ્રશંસક - ગુણગ્રાહક શુભેચ્છક હતાં. તકલાદી અને અનુકરણીયા વાચાળો પ્રત્યે મેઘાણીનાં મનમાં ભારે અણગમો હોવાનું જાણવા છતાં, હરિલાલે મન મૂકી પોતાનું કથાનક રજુ કરવા માંડ્યું. લોકજીવનના દર્શનમાંથી સાંપડેલા વાર્તાપ્રસંગો, બાપુની ભવ્ય મિત્રતાથી મળેલાં ત્યારનાં જાજરમાન પાત્રો - છેલભાઇ દવે, હરભાઇ દેસાઇ, છગનભાઇ શાહ, કલ્યાણજીભાઇ, રતનસિંહ જાડેજા અને શિવપ્રસાદ વસાવડા જેવા સમર્થ પોલીસ અમલદાર, શંભુગીરી, રાજુલ, જુમાભાવર, સરદારખાં, ઝુલેખાં કાસુડો, નાગુમન-ઇસબાન, લાલસિંહ નાયક, વલીમામદ જમાદાર, ગુલજાન, દોસ્તમહમદ, કાદરખાન, નુરી અને જાદવશંકર ત્રવાડી જેવાં સાચાં મોતી જેવા માનવીઓનાં નામ અને જીવનકાર્યની ઝલક આપતી - થોડી નજરે જોયેલી અને વધુ સાક્ષીઓ પાસે મેળવેલી વાતો હતી.
અને એ વાતો પર મંત્રમુગ્ધ બનેલા મેઘાણી - 'બાપો બાપો' કહી બોલ્યા હતા: 'તમે આટલું બધું જાણો છો. 'સોરઠ તારાં વહેતાં પાણી'માં હું જે પાત્રોના કથાનક સમાવી શક્યો તે પાત્રો અને તેના જીવનપ્રસંગોનું તમારી રીતે સંકલન કરી વાર્તા લખો એવી અબળખા જાગે છે, અને એ વાર્તા હું 'જન્મભૂમિ'માં લઇશ.'
આ શબ્દ ઉઠાવી હરિલાલ ઉપાધ્યાયે 'ધરતી લાલ ગુલાલ' અને 'સાવજડાં સેંજળ પીએ' બે વાર્તા લખી. પહેલી વાર્તા 'અંજલિ' નામે 'જનશક્તિ' અને બીજી 'જન્મભૂમિ - પ્રવાસી' પત્રોમાં ક્રમશ: રજૂઆત પામી. ભાગ્યયોગે ત્યારે મેઘાણીજી હયાત નહોતા. 'જન્મભૂમિ'ના તે સમયના તંત્રી શ્રી રવિશંકરભાઇ મહેતાએ - 'સાવઝડા સેંજળ પીએ'ના પ્રતિભાવમાં ધન્યવાદ ઉચ્ચાર્યો, ત્યારે લેખક હરિલાલે મેઘાણીજીને યાદ કર્યાં હતા.
*
મેઘાણીજી વિશે એટલું જણાવી હરિ કહે છે: 'સ્વરાજ મળવાનાં આગલાં વરસે હ્રદયરોગના હુમલાનો ભોગ બની મેઘાણીજી અવસાન પામ્યા. તેની શોકસભામાં રજુ કરવા મેં - સૌનો લાડકવાયો- શ્રદ્ધાંજલિ કાવ્ય લખી રાખેલું - પણ મુંબઇ ખાતેના બિસાંટ હોલમાં મળેલી એ શોકસભામાં બોલનાર મહાનુભાવ પત્રકાર - લેખકોની પડાપડીને કારણે જે કાવ્યને રજુઆતનો અવકાશ ન મળ્યો, તે કાવ્ય 'સાંજવર્તમાન' - પત્રમાં પ્રગટ થયું હતું.
ચુનિલાલ મડિયા, સારંગ બારોટ, પીતાંબર પટેલ, સોપાન, મૂળરાજ અંજારિયા જેવા લેખકો તથા રતિકુમાર વ્યાસ, પિનાકિન મહેતા જેવા ગાયકો તેમ જ વેણીભાઇ પુરોહિત તથા રસકવિ રઘુનાથ જેવા ત્યારના લોકપ્રિય કવિઓનો પરિચય તે અરસામાં વધુ ગાઢ બન્યો હતો.
મુંબઇના ધનાઢ્ય કુટુંબોની ધર્મશ્રદ્ધા જાણવા જેવી લાગી, કોઇકોઇ કુટુંબો સાધુ-મહાત્માને ગુરૂદેવપદે સ્થાપી તેને પોતાને ત્યાં બોલાવી એની સેવા કરતા.
એક ધનવાન કુટુંબમાં ગુરૂદેવનાં માનપાન જોઇ ચકિત થયેલા હરિલાલને કુમારસાહેબે કહેલી 'પોતાની માન્ય્તા'ની યાદ આવી. અને ખૂબ અનુકૂળ તકે તેઓને પૂછ્યું: 'ઇશ્વરભક્તિ તથા ધર્મભાવનાની બાબતમાં આપનું મંતવ્ય જણાવવા કૃપા કરો.'
પોતાના રમતિયાળ મિજાજ પ્રમાણે હસી દઇ કુમાર બોલ્યા: 'હું કાંઇ ભગવાંધારી ગુરૂદેવ નથી, કે કૃપા કરૂં. હા, ઇશ્વરના અસ્તિત્વમાં માનું છું. ઇશ્વરના પ્રિય તપસ્વી સાધુઓ હશે તેની પણ ના નહિ - પરંતુ એવા તપસ્વીઓ જંગલની એકાંત ગુફાઓની શાંતિ અને ત્યાંનું પવિત્ર વાતાવરણ છોડી મુંબઇ શહેરમાં પધારે તે હું માનતો નથી.'
કુમારસાહેબની માન્યતા અને વાક્ છટા ઉપર વાહ વાહ બોલી ઉઠેલા હરિએ તેનાં મંતવ્યમાં સુર પુરાવી -સાચા સંતનો પરિચય આપતી સ્વામી શ્રી પ્રકાશાનંદજી અને નિત્યાનંદજીએ કરેલી ઇશ્વરભક્તિની વાત કરી.
લગભગ નેવું વરસની વયે, શારીરિક કારણોસર મુંબઇ પધારેલા પ્રકાશાનંદજીના દર્શન કરવા હરિ કુમારસાહેબ તથા માસાહેબને લઇ ગયેલો. સ્વામીશ્રી સાથે હરિનો પ્રથમ પરિચય પણ - સંત નરભેરામબાપુની જેમ -આશીર્વાદ બની ગયો.
ક્લબ - હોટલોના ઝાકઝમાળ વાતાવરણ, બોલરૂમ નૃત્ય, નૃત્યના પ્રકારો, પાર્ટીઓની ખાણી-પીણી અને સંસારની મોહમાયાનાં બંધન છોડી - સંતની છાયામાં કુમારસાહેબનું - મન કોળ્યું - અને ઘડીભર વિલાસિતા ભૂલી ગયા.
મુંબઇની મોજના અનેક પ્રકાર જોઈ-અનુભવી રહેલો કવિજીવ પોતાની અભિવ્યક્તિ એક બાજુ રાખી, સૂટ-બૂટમાં સજ્જ, આજનાં ઉંચાવર્ગમાંનો - 'સભ્ય - જેન્ટલમેન' બની ગયો. મુંબઇ બહાર - દૂરદૂરનાં આનંદપ્રમોદધામ, હિલસ્ટેશન તથા જોવાલાયક સ્થળોમાં ઘૂમતાં-ઘૂમતાં રજોગુણી જીવ બની ગયો.
સગાંસંબંધી - મિત્રો તથા ઓળખીતાઓનો વિશાળ સમૂહ હરિની ચમક જોઈ અંજાતો હતો. ચોતરફ ખુશામતના ભણકાર સાંભળી એનાં મનમાં અહંતાનો હૂંકાર ઊઠતો હતો.
પત્ની, બાળકો અને કુટુંબનો સંપર્ક જાળવી રાખવા ઘેર ગયેલા હરિભાઇની છનાછની જોઇ - વિરોધ કરનારાં કુટુંબીઓ - 'રાજા કરણ' કહી રમુજ અનુભવતાં.
કુમારસાહેબ જેવા સમર્થની મીઠી નજર મેળવવાના લોલુપ્ત જીવો તેના પ્રિય અંતેવાસીની કૃપા મેળવવા ફાંફાં મારતા હોય એવી ખુશામત કરતા. કુમારસાહેબની ઉમર વધવા સાથે એમની વિલાસિતાએ ઉછાળો લેવા માંડ્યો.
તેઓનાં મા-સાહેબ હરિ ઉપર મા - જેવું હેત ઠાલવતાં. હરિભાઇને કંઠેથી રોજ સાંજે ભજન સાંભળવા આતુર રહેતાં. કવિ અને હવે લેખનકાર્ય ભણી વળેલા હરિ માટે આ દાયકો સોનેરી તકો આપી રહ્યો.
|