લેખાંક : ૨૦ : ('જોઇને તમે અહીંની રાજખટપટ?' કુમારસાહેબે પ્રશ્ન કર્યો....)
|
કુમારસાહેબ પુખ્ત વયે પહોંચે ત્યાંસુધી એમની સાથે રહેવાનું. અજાણ્યા માણસને શેઠના શયનખંડ સુધી પહોંચાડ્યાં પહેલાં માણસને કસી જોવા, જે કરવું જોઇએ તે થયું. કિમતી ચીજો -બેફિકરાઇથી -ખોવાઇ ગઇ હોય તેમ -જ્યાં ત્યાં દેખાતી થઈ. આનું રહસ્ય પામી ગયેલા 'માણસે' કુમારસાહેબને આત્મીયતાભરી સલાહ આપી: 'સાહેબ, આવી વસ્તુઓ રખડતી રાખવી ઠીક નહીં'
'સાહેબ નહિ. હું તમારા માટે ભાઇ છું. ભાઇ કહીને જ વાત કરજો. તમારી ફરિયાદ મેં સાંભળી લીધી.' ભાઇની અદાથી કુમાર લાડ કરીને બોલ્યા: 'અને તમે સાંભળી લો કે મારી, કે મારા ઘરની કીંમતી ચીજવસ્તુઓ ઉપરાંત અહીંના સર્વસ્વ કરતાંયે વધુ કિંમતી એવા મને પોતાને સાચવવા - સંભાળવા તો તમને જાહેરમાં નોકર અને ખાનગીમાં ભાઇ તરીકે રાખ્યા છે.'
ઝળહળતું વ્યક્તિત્વ, અમાપ મહત્તા, ને કિશોરવયના ભાઇની તીવ્ર બુદ્ધિમત્તા તથા વાણીછટા ઉપર મુગ્ધ થઇ ગયેલા હરિએ -મહાન થઇને અવતરેલા પૂર્વજન્મના પુણ્યયોગી કુમાર સાહેબને જાળવી લેવાની શક્તિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરી.
કુમારસાહેબ પોતે આજુબાજુની સ્થિતિ અને વાતાવરણ આટાપાટાની રૂખ બરાબર જાણતા હોવાથી બીજાંઓની હાજરીમાં એણે પોતાના સાથી - કંપેનિયન- નિકટવર્તી માણસને નોકર જેમ દેખાડ્યો. આમ છતાં દૂરથી આવેલો અજાણ્યો માણસ, પોતાને પરણેલો, બાળબચ્ચાંવાળા માણસ તરીકે ઓળખાવી, કુમાર સાહેબનો વિશ્વાસપાત્ર બની રહે તે ઘણાને ન ગમ્યું. સંસારની દરેક મહત્તાઓ, સત્તા અને સંપત્તિ કેન્દ્રસ્થાને હોય ત્યાંનો સંપર્ક પામેલાં માણસો એકબીજાનાં હરીફ હોવાથી એકનો વધતો પ્રભાવ બીજાને ખૂંચતો હોય છે. ભલે પછી તે બેઉ એકબીજાના મિત્ર-સાથી હોવાનો દેખાવ કરે, પણ હકીકત જુદી હોય.
અને કુમારસાહેબના અંતેવાસી વિરૂદ્ધ ગુસપુસ થઇ. કવિ જેવા કલ્પનારસિક માણસ કુમારસાહેબના સંપર્કમાં સારો નહીં. કુમારસાહેબને આવતીકાલે પોતાનું વિશાળ - ધંધાદારી ક્ષેત્ર સંભાળવાનું છે -જ્યાં કલ્પના, કળા અને કલ્પિત વાર્તાઓનો મેળ જામે નહિ. લાગણીવેડાની અસર માણસનું મગજ ચકરાવનારી જ હોય.
આવી આવી વાતો પહેલાં કુમારસાહેબના કાનમાં રેડાઇ, પણ તેજસ્વી અને પ્રતાપી એ કિશોરે વાત કહેનારને ધુત્કારી કાઢ્યા, એટલે પેલાં પરિબળોએ માસાહેબ ભણી ખટપટનો દોર લંબાવ્યો.
માસાહેબ, અજબ માનસ ધરાવનાર, વહેમી, અવિશ્વાસુ અને ધૂની બાઇ. જેઓ જુવાનીમાં વૈધવ્યના દુ:ખદેણ ફાંસલામાં ફસાઇ વ્યગ્રતા અને ક્રોધાવેશની અસર નીચે રહેતાં. એમણે કુમારસાહેબના અંગત માણસ માટે આડીઅવળી વાતો સાંભળી શું કર્યું હોત તેનો વાત કરનારાઓએ બાંધેલો અંદાજ સફળ થાય તે પહેલાં એ ધૂની નારીનું મગજ તો પેલા માણસની તરફેણના ખ્યાલ ભણી સરી ગયું.
કુમારસાહેબનો 'કંપેનિયન' કલ્પનાશીલ કવિ - રસવાર્તાઓ કહેનાર જુવાન હોવા છતાં -ભોળો ને નિખાલસ હોવાની તેને ખાતરી થઇ ચૂકી હતી - છતાં, વાતાવરણ આશંકાભર્યું હતું. વિશ્વાસ અને પ્રેમને અહીં બહુ અવકાશ નહોતો. માએ હરિભાઇને પોતાની પાસે બોલાવી કહ્યું: 'તમે કુમારસાહેબના સંપર્કમાં છો, પણ તેની સાથે વધુપડતો સંપર્ક તમારા હિતમાં નથી. ઘરનાં બીજાં વડિલ તમને અણગમાભરી નજરે જુએ અને આવતી પરીક્ષામાં કુમારસાહેબ નાપાસ થાય કે તેને ઓછા માર્ક મળે તો તે તમારી સોબતનું પરિણામ ગણી લેવાશે.'
માની વાત આમ તો પ્રેમાળ લાગણીભરી હતી. હકીકતમાં તો એ હતી સુંવાળા શબ્દોવાળી ધમકી. રજવાડી મિજાજનો સારો એવો અભ્યાસ પામી ચૂકેલો હરિભાઇ ચૂપચાપ માની વાત સાંભળી રહ્યો.
અને મા બોલ્યાં: 'તમે કુમારસાહેબ અને તેના મિત્રો સાથે રોજ સાંજે ફરવા જાઓ છો તે ઘણાઓને નથી ગમતું. જુઓ, અહીં ગમા-અણગમાનો તાગ મેળવવો સહેલો નથી. જેઓ અહીં પોતાનું ધાર્યું કરી શકે એવાં વડીલ તમારી કોઇ પણ ગલતી કે કોઇ પ્રકારના આગળવેડા જોશે તો તમને અહીં રાખવા અમારા માટે મુશ્કેલ બની જશે.'
આમ બોલી માએ હરિભાઇ ઉપર પોતાનાં વાક્યોની અસર જોઇ. નમ્રતાપૂર્વક - આજ્ઞાંકિત ભાવે હરિભાઇ બોલ્યો: 'આપે આપેલો આ ખ્યાલ હું શિરોમાન્ય કરવા તત્પર રહીને મારાં વર્તનમાં મારે કેવો ફેરફાર કરવો તેની આપ પાસેથી સૂચના માગું છું.'
'તો એમ કરો, કુમારસાહેબ સાથે બહાર ફરવા જવાનું ઓછું કરી તમે કોઇ સારૂં વાંચન સંભળાવવાનું રાખો.'
એ માટે તૈયાર છું મા.'
'ચાલો ત્યારે તમે મારી વાત સમજી ગયા, હવે કુમારસાહેબને તમે તમારી રીતે સમજાવી દેશો કે હું વધુ પડતો તમારો સંપર્ક જાળવી નહિ શકું.'
માનાં આ સૂચનનો હેતુ હરિના કાળજાંમાં ખુંચ્યો, પણ કાળજું કઠણ કરવાની સહેજમાં મળેલી 'સગવડ'નો લાભ શા માટે જતો કરવો?
ઢળતી સાંજે નિયમ મુજબ કુમારસાહેબે હરિને કહ્યું: 'આપણો ફરવા જવાનો સમય થઇ ગયો છે.'
'સાહેબ, આજે હું આપની સાથે ફરવા ન આવી શકું તો?'
'તો એનો અર્થ એ કે તમને મારી બાબતે કોઇએ ચમકાવ્યા છે.'
'ચમકાવનારનું મન મારે તો સાચવવું રહે.' હરિભાઇ બોલ્યો.
'ચા...લો. આજે ફરવાનો પ્રોગામ બંધ.' - કહીને એણે કપડાં બદલાવી વાંચન હાથ ઉપર લેતાં હરિભાઇને કહ્યું: 'જોઇને અહીંની રાજખટપટ?' હરિ મલકાઇને ચૂપ રહ્યો.
કુમાર બોલ્યો:'હું નાનો છું ત્યાંસુધી બધું ચલાવી લેવું પડશે. અત્યારે ખુલ્લું પાડવાથી મને મોટો થવાના ચાન્સ પણ કદાચ ન મળે.'
'અરે, અરે ભાઇ...'
'કવિ જેવા થાવ મા. તમે કલેજાંના ટુકડા બની ગયા છો.' કહી હસીને ભાઇએ વાંચવાનો ડોળ કર્યો. હરિભાઇ ત્યાંથી દૂર જઇ બેઠો. કુમારસાહેબ નિત્યક્રમ પ્રમાણે ફરવા ન ગયા, આટલી બાબત અસાધારણ લેખાઇ. ધીમે પગલે માએ કુમાર પાસે જઇ પૂછ્યું: 'કેમ ભાઇ, આજે ફરવા જવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો કે શું?'
માના મુખ પર ખુશામતી હાસ્યરેખા રમતી'તી. સત્તાવાહી ગંભીર અવાજે કુમાર બોલ્યા: 'હું મારી રીતે જીવવા સ્વતંત્ર નથી, અને તેથી જ હું તમને સાચો જવાબ આપી શકવાનો હકદાર નથી.'
ફાટેલ પ્યાલા જેવો મિજાજ ધરાવનાર કુમારે કરેલા ધડાકાથી હેબતાઇ ગયાં હોય તેમ માએ પુત્રની પીઠ ઉપર હાથ મૂકી કહ્યું: 'ના, પણ ભાઇ, મને તમારે સાચી વાત કહેવી પડશે, કે આ બાબતમાં છે શું?'
'બધું છે, અને આ ઘરમાં કશું નથી. મા સાહેબ, તમે વધુ પૂછપરછ કરી ટાઇમ અને એનર્જીનો 'લોસ' ન કરો તો સારૂં. અને તમે પણ મારી સાથે વધુપડતો સંપર્ક રાખવા જતાં વડીલોના અણગમાનો ભોગ બની જવાનો સંભવ છે.'
આ સાંભળીને મા માત્ર ઠંડાં જ નહિ - ભયવશ થઇ ગયા. વધુ પૂછવાની હામ ન રહી. મા અને કુમારની વાતચીત સાંભળી હરિભાઇનું મન તેની સમજદારી ઉપર પોરસ વરસાવી ઉઠ્યું.
ભાવનાનો દોર બેઉનાં મનમાં આત્મીયતાની ગાંઠ બાંધી રહ્યો. ખાનગીમાં કુમાર 'ગુરૂદેવ'નું સંબોધન આપી હરિભાઇને મનમાં ઉપસતી લાગણીઓ મન મૂકીને કહેતા થઇ ગયા.
આવા સંજોગોમાં પોતાના હિતનો વિચાર કરી હરિભાઇએ મુંબઇમાં રહેવા-જમવાની તકલીફનો તોડ કાઢવાની વાત ઉપસ્થિત કરી. પ્રાણાત્મા બની ચૂકેલા ભાઇ કુમારસાહેબે પોતાના પ્રિય થઇ પડેલા હરિભાઇની યોજના ખાનગીમાં બિરદાવી, અને કહ્યું: 'તમારી સોબત મને બધી રીતે લાભદાયક બની રહેશે. ઇશ્વર સંબંધી મારી ગુપ્ત માન્યતા વિશે કોઇકવાર હું ચર્ચા કરીશ. એ બાબત હું ભૂલી જાઉં - કારણ તમે મારાં જીવનની દોટ જુઓ છો. તેમાં તમે ભાગીદાર પણ છો. તમે એવી રીતે ગોઠવાઇ જાવ જેથી કોઇની આંખે ન ચડો.'
અસંખ્ય આંખો અહીં પોતાની ઇર્ષા ઉછાળતી ચકરાય છે. સામા માણસની અંશમાત્ર ક્ષતિ કે તેની શરતચૂક ઉપર પ્રહાર કરવાનાં કારણોની શોધ ચાલતી રહે છે. આ બધાં વચ્ચે હરિભાઇએ પોતાનું રહેઠાણ એવી રીતે અલગતાવાળું મેળવી લીધું - જે સામાન્ય નહોતું.
જીવનના ભવ્ય-ભાગ્યયોગનો વળાંક આમ તો અનેક સાવધાનીઓની અપેક્ષાવાળો હતો - પરંતુ સંત મહાત્મા, પવિત્ર જીવન જીવી ગયેલા પિતા અને ભાગ્યદેવીના આશીર્વાદથી અશક્ય કાર્ય શક્ય બનાવ્યું.
મેળવેલાં અલગ રહેઠાણમાં હરિભાઇની બુદ્ધિશક્તિ, આત્મબળ, વિશ્વાસ ને તેના આત્માની પૂર્વદત્ત જ્ઞાનસંપત્તિના વિકાસ સાથે એની મનોભાવનાઓ ઇચ્છા-આકાંક્ષાઓને સફળ થવાની ભરપૂર તક મળી રહેવાની હતી.
કુમારસાહેબ મનની વાત બીજાંને જણાવે નહિં. એનાં વાણી વર્તનમાં દેખાતી નિર્બદ્ધ વિલાસિતા કોઇની નજરે ચડે નહિ. એ રહસ્યમયતાએ વિરોધી, ટીકાખોર, ખણખોદિયાં પરિબળોને દબાવી રાખ્યાં. પોતાનાં વર્તનમાં રહેલી સ્વચ્છંદતા સામે તેઓ પૂરેપૂરા સ્વતંત્ર નહોતા - કારણ વયમાં નાના હતા. આટલા અવરોધ વચ્ચે પણ મનધાર્યું કરવાનો માર્ગ હરિભાઇએ મોકળો કરી આપ્યો. 'કમાલ છે આ લાગણીશીલ માણસની બુદ્ધિ' તેઓએ પોતાના મિત્રને કહ્યું.
'હા, મિત્રો એ કુમારસાહેબના જીવનનું ધ્યાન રાખવા જોગ એવું અંગ હતું - જેના ઉપર ચાંપતી નજર રાખવી પડે. અને હરિભાઇએ પ્રાણાત્માના મિત્રોને વિશ્વાસમાં લઇ પોતાના કરી લીધા.'
પ્રાણાત્મા અને તેનો સહવાસી ભરપુર એકાંતમાં જીવન, જગત, ઇશ્વર અને જીવનયોગનાં બધાં પાસાં ઉપર પોતાનાં મંતવ્યો સાથે વિચારની આપલે કરતા હોય એવો પેલા મિત્રોને ખ્યાલ પણ આવવા દીધો નહિ.
વિદ્યાભ્યાસ માટે ભરપુર સાધન-સગવડ ધરાવતા પ્રાણાત્મા કુમારસાહેબ નાટક-સિનેમા, રોજરોજના મનોરંજન કાર્યક્રમો, સહેલાણી સ્થળોએ 'પિકનિક' -ઉજાણીની દોડાદોડી, આ બધાંની અવળી અસર તેના અભ્યાસમાં અવરોધરૂપ ન બને તે માટે પણ પરિણામદાયી સાવધાની રખાવી.
આખો દિવસ અને મોડી રાત સુધી ચાકરબાઇઓ વચ્ચે વિચારમગ્ન, વ્યગ્ર અને ગુસ્સાથી મનોવ્યથા - વિચારમંથન વેઠી રહેલાં વિધવા મા પોતાની જાત જાળવવા જેટલાં યે સ્વસ્થ નહોતાં. કઇ ઘડીએ તેઓ શું વિચારે, શો હુકમ કરે અને શું કરી બેસે તેનું નક્કી નહિ. કુમારસાહેબની તહેનાતમાં રાખેલો માણસ ચાહે તો મનના બધા ઉધામા ભૂલાવી આનંદગરકાવ કરી શકે, પણ એ બદમાશ પોતાના પ્રાણાત્માની સોબત છોડતો નથી.
ફુરસદના બધા સમયમાં કુમારસાહેબ તેના અંતેવાસી ને દોસ્તો સાથે મહામાયા-મોહિની નગરી - મુંબઇમાં મોજ માણતાં ઘરબહાર રહે છે. અગમ્ય ભાગ્યયોગનો બચપણથી આભાસ પામી ચૂકેલો હરિભાઇ જીવનની વિલાસિતા સાથે સંકળાએલાં તથ્યો, જે માણસના આત્માની પવિત્રતા - નિજાનંદ અને શાશ્વત સુખ - આ બધાંના ઉપર પડદો પાડી દે તેનો અનુભવ, અભ્યાસ અને અસર પામવાની ભૂમિકા ઉપર ક્રિયાશીલ હતો.
ક્યાં પેલાં ગામડાંની ઉદાસ કંગાળતા અને ક્યાં મનમોહક મુંબઇ નગરીની દુર્લભ, રંગદર્શી, સુખદ વિલાસિતા?
|