લેખાંક : ૧૯ : ('કવિરાજ બનેલા હરિએ આલીશાન બંગલામાં નોકરી મેળવી)
|
બચપણમાં સેવેલી ઇચ્છા-આકાંક્ષાઓનાં મૂળ હવે- કવિ બનેલા હરિનાં હ્રદયમાં એવાં જ જળવાઇ રહેલાં. દુનિયાથી દૂર, અંધારાં ખૂણા જેવાં ગામડાંમાં ગરીબ આંગણે જન્મેલા પૂર્વજન્મના સંસ્કારયોગી બાળકની ઇચ્છા -આકાંક્ષા-એની કલ્પનાસૃષ્ટિના સમગ્ર આવિષ્કારમાં રહેલી વિશેષતાઓ તેનાં મનબુદ્ધિનો વૈભવ જ ગણી શકાય, અથવા તેને મળેલો જન્મજાત ગુણપ્રભાવ.
બચપણમાં મોટાબાપુના ખોળામાં બેસી હારમોનિયમ ઉપર ફરતી તેની આંગળીઓ અને એના કંઠમાંથી વહેતાં ભક્તિસંગીતનું માધુર્ય પીતી વેળાએ હરિનું અજ્ઞાતમન ગાયક-અભિનેતા, કવિ, કથાકાર અને કલાકાર બનવાના જાણે સ્વપ્નો પકડી બેઠું હોય.
મોટાબાપુ કહેતા: 'નરભેરામ સંતની હ્રદયસ્પર્શી સ્તુતિવાણી, મારાં કીર્તન, સંગીત હરિકથા, પિતાની દેવસેવા, માતાની રસજિજ્ઞાસા આ બધાંની અસર ગર્ભવાસથી લઇ આવેલ આ છોકરાના ગ્રહયોગ પણ તેના ભાવિજીવનની વિશેષતા સૂચવે છે.
એ જે હોય તે - પણ મુંબઇ જેવાં વિશાળ -જ્ઞાનપ્રેરક ક્ષેત્રમાં કાંઇક રૂચિકર સ્થિતિ સાથે પ્રવેશ પામી ત્યાં સ્થિર થઈ જવાની ભૂમિકા ખોળી રહેલા હરિનું મન તો ચિત્તનાં વિશાળ ગગન પર બચપણમાં ઝીલેલાં આંદોલન અને માણેલી કલ્પનાસર્જી આકાંક્ષાઓમાં તરબતર હતું.
અને અંતરમાં સ્ફુરતી અપ્તરંગી કલ્પનાઓ, જીવન સાથે જડાયેલા અનુભવો, જનજીવનમાં પ્રકાશ-અંધકારમાં થયેલા દર્શન, માનવીય લાગણીઓ સાથે ઓતપ્રોત થઇ ચૂકેલી વ્યથા-વેદનાઓ અને અંતરમાં ઘૂંટાયાં કરેલી રસ ઝંખનાઓને સાહિત્યસર્જનના માધ્યમે અભિવ્યક્ત કરવાની ઉત્કટ મહેચ્છાથી પ્રેરાઇને - 'મોટાબાપુ' ના અભિપ્રેત આ છોકરા કવિ - હરિલાલે સોળ વરસની ઉમરે 'હ્રદયપલટો' નવલિકા લખી. લગ્નંધનનું કાવ્ય 'બન્ધુ' પત્રમાં પ્રસિદ્ધ કરાવ્યું.
લેખક થવાની ધૂન જેના માનસ ઉપર ચડી બેઠી હતી એવો એ હરિ અને તેનો આત્મા - બેઉને ખરે સવરૂપે જોઇ- વાંચી ગયેલા સંત નરભેરામ બાપુ અને સંત નારાયણસ્વામીએ એના જીવનયોગની મંજરી માણી હોય તો એ કહેવાના નહોતા અને કવિ હરિલાલનાં જીવનકાર્ય મારફત તે ભાગ્યયોગ વ્યક્ત થવાના હતા.
હવે નિત્ય બનેલા 'બલિહારી' મુંબઇની મોહિનીઓનાં દર્શન અને સંપર્ક મંગળ-શુક્રના પ્રતિયોગની અસરનો સંકેત તેના રસભાવના ઉછાળામાં આપતો હતો.
મુંબઇમાં આ બધાં સાથે હવે ઘૂમી રહેલો કવિ વાલકેશ્વર વિસ્તારનાં જાણીતા ગૃહસ્થોના જે ઘરને આંગણે જતો ત્યાં આવકાર પામતો, પણ જેણે એની 'જીવનનાવ'નું સુકાન સંભાળ્યું હતું એવા મિત્રે આપેલા શુભ સંકેતનું પરિણામ જાણવા આતુર પોતાના ભાગ્યનો ઉદય જોવાની પ્રતિક્ષા એટલા માટે કરતો હતો, કે એણે ગરીબી વેઠી હતી. અપમાન, તિરસ્કાર ને નિંદાનો ભોગ બન્યો હતો. ગામડાના ખાડામાં અજ્ઞાનતાનો કિચડ ખૂંદ્યો હતો.
*
બે-ત્રણ અઠવાડિયાં પછીના સોમવારની ઢળતી સાંજે ભાઇએ આનંદોર્મિ નીખરતા અવાજે કહ્યું: 'કવિરાજ' ધ્યાનથી સાંભળી લો - આજે રાતના આઠ વાગ્યે આપણે બંગલે જવાના છીએ. તમે તમારી રીતે કવિ-કલાકાર અને સભ્ય વેપારી બેઉનો આભાસ આપી શકો એવી રીતે સજ્જ થઇ જાવ.'
'ચાલો, ભારે કામ થઇ ગયું' હરખાઇને કવિ હરિલાલે ધોતિયું, લાંબો કોટ અને ટુંકી દિવાલવાળી ગાંધી ટોપી પહેરી લીધાં, લખેલાં કાવ્યો થેલીમાં સાથે રાખ્યાં, પગમાં સાદી ચંપલ. ઓડ પર ઢળતા છતાં 'ઓડીયા' ન દેખાય એવા કાળા વાળ સરખા કરી - ઉપર ટોપી પહેરી.
આજે સોમવાર, કર્કરાશિનો અધિપતિ અને મન તથા મનોસૃષ્ટિનો કારક ચંદ્રવાર - સોમવારે મુંબઇ પ્રસ્થાન, સોમવારે બંગલે જવાનું. ડ્રીમલેન્ડ, ગોકુલ નિવાસ, તુલસીવિલા બધે ત્રીજા માળનો યોગ. જોઇએ, જો પેલે બંગલે ત્રીજો માળ અવકાશ આપે તો સ્વપ્નસિદ્ધિનો બેડો પાર.
સાત ને પાંત્રીસ મિનિટે, ક્લીનીકમાં આવેલા દરદીને સારવાર આપ્યાં પછી વોશબેસીન ઉપર હાથ ધોતાં ભાઇએ ધીમા અવાજે પૂછ્યું: 'કેમ તૈયાર છો ને?' મેં હકારમાં ડોકું હલાવ્યું, ને અમે બંને એ પ્રયાણ કર્યું.
રાતના બરાબર આઠ વાગ્યે કવિને લઇ ભાઇની ગાડી નિર્ધારિત સ્થળે પહોંચી. ભાગ્યનું દ્વાર ખોલવામાં ચાવી જોઇએ, અહીં કવિ માટે જીવનનો ભવ્ય વળાંક હતો - જેને ભાગ્યયોગની ભવ્યતા સાંપડવાનો સંકેત હતો. ખૂબ જ ભવ્ય નિવાસસ્થાનની ખાસ બનાવાએલી લિફ્ટ મારફત બેઉ તેના ત્રીજે માળે પહોંચ્યા.
ત્રણનો આંકડો ત્રિભુવનમાં અનંતકાળથી ઘૂમતા કવિ હરિ માટે સર્વાંગ શ્રેયના સંકેત જેવો. ત્રિપદા ગાયત્રી. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ ત્રણ દેવ. સ્વર્ગ, મૃત્યુ, પાતાળ ત્રણ લોક. સત્વ, રજ, તમ ત્રણ ગુણ. મહાકાલિ, મહાલક્ષ્મી, મહાસરસ્વતી ત્રિગુણાત્મકી ત્રણ મહાશક્તિઓ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણ પ્રકૃતિપ્રધાન પ્રક્રિયાઓ. દાન, ભોગ અને નાશ ત્રણ વાસ્તવિકતા અને મુંબઇમાં કવિ હરિલાલને આવકારનારાં ઘરનો ત્રીજો માળ - શુકનવંતો.
શુભેચ્છક શેઠશ્રીએ આ સ્થાનના સંદર્ભમાં સલાહ આપેલી: 'ત્યાં જે પ્રકારનું કામ અને જેટલો પગાર મળે તે માન્ય કરી લેવું. તારી શક્તિઓને તક મળશે. તારા ગુણની કદર થશે. પણ એ બધું ત્યાં સ્થાન મળ્યા પછીની વાત હશે.'
એ શબ્દો હરિના કાનમાં ગુંજતા હતા. અહો, આવા વિશાળ ક્ષેત્રમાં પગલું ઠેરાય તે ઓછું સુભાગ્ય નહોતું.
નાનાંમોટાં માલિક કુટુંબીજનો નવો આવેલો માણસ જોવા - એના વિશે જાણવા માટે પોતપોતાના ઓરડામાંથી બહાર આવ્યા. નવીનતા અહીં આકર્ષક ન હોય, તોયે રસક્ષમ તો હતી. મધ્યબિંદુ જેવાં માલિક સામે રજૂ થયેલા માણસે વિનયભેર પ્રણામ કર્યા. આજુબાજુ બેઠેલાં કુટુંબીઓ 'નવા માણસ'નો વિનય ઝીલતાં આનંદી ઊઠ્યાં.
ભાઇ સહિત બીજા કોઇ શુભેચ્છકે નવા માણસની કાર્યશક્તિ, લાયકાત અને ઉપયોગિતા વિશે વિસ્તારથી માલિકને ખ્યાલ આપી દીધો હોવો જોઇએ. પુરી ચકાસણી અને એકબીજાંની અનુમતિ મેળવ્યા વગર મોટાં માણસો ગમે એવા નિપુણને પણ તુરત તો નોકરીમાં રાખી લેતા ન હોય.
નોકરીનો ખ્યાલ આપ્યાં વગર માલિકણે નવા માણસને નખશિખ જોયો. ઉદાસીનભાવે એણે હરિની ભલામણ કરનાર સામે સંકેતસૂચક નજરે જોયું અને એ ભાઇએ 'માતુશ્રી' સહિત એના પરિવાર વતી કહ્યું 'કવિરાજ જુઓ, અહીં હિંદીભાષાનું ચલણ છે, છતાં ગુજરાતી ભાષા ચાલશે. તમે ખાસ કરી સામે બેઠેલા કુમારસાહેબ ખુશ થાય એવી વાર્તા કહી દો.'
કવિએ વિચારી રાખેલી લાખાફુલાણીની વાત એવી ઢબે કહી -જેમાં ઘોડીઓ દોડે, લડાઇ જામે, દિવ્યશક્તિનો ચમત્કાર 'અદ્ભૂત રસ' ચખાડે અને વચ્ચે હાસ્યરસનાં છાંટણાવાળા તુક્કા પણ આવે.
અહીં તો મિનિટેમિનિટની ગણતરી હશે. પાંચથી પંદર વરસના શ્રોતાઓને ઉંઘવાનો સમય થઇ જવામાં હશે, એમ માની અરધા કલાકમાં વાર્તા પુરી થયાનું કહી હરિ ચૂપ રહ્યો.
અને કુમારસાહેબ આનંદ લહેરાતા અવાજે બોલ્યા: 'બહુ મજા પડે છે વાર્તા સાંભળવામાં.' અને કવિસાહેબ ચુપ રહી ગયા.
કુમારસાહેબની રસમગ્નતાએ કવિનાં ભાગ્યનો દરવાજો ખોલી નાખ્યો. તેઓ ખૂબ ખુશ થયા ને દીવાનખાનામાં ખુશાલી પ્રસરી ગઇ. ખુશાલી પ્રસરી ગઇ. ખુશાલી માત્ર ઔપચારિક નહોતી. કુમારસાહેબ - 'ઓહ માઇ ગૂડ ગોડ, આઇ એમ લક્કી.' બોલી કવિ સાહેબ પાસે આવી બેસી ગયા.
અમૂલ્ય ખજાનો સાંપડતી વેળા પોતે હરખઘેલો ન થઇ જાય તે માટે મનનો ઉછળતો ઉમંગ જેમ તેમ કાબુમાં રાખી કવિએ કુમારસાહેબની ભરીભરી પીઠ ઉપર હાથ પસવારતાં કહ્યું: 'આપને મળવામાં - આપની ખુશાલી જોવામાં ભાઇસાહેબ ખરેખર તો હું નસીબદાર છું.'
દુધના છલકતા કટોરા સાથે મનભાવન નાસ્તો - માલિકણની મમતાભાવના, કુમારસાહેબની કવિ તથા તેના ભાઇએ વિદાય માગી, ત્યારે માલિક અને 'મા' બોલ્યાં: ' ડોક્ટર, હરિભાઇ માટે કહેલી વાત બની ગઇ સમજો અને જુઓ, હું તમને ફોન કરીશ.'
બીજા દિવસની સાંજે કવિ પાસે દોડી આવેલા ભાઇએ ખુશાલીના સમાચાર આપ્યા: 'બાના બંગલામાં તમને નોકરી ઉપર લઇ લેવાયા છે, અને આવતી કાલથી તમે ત્યાં પહોંચી જાઓ. ત્યાં શું કરવાનું છે તે તમને કહેવું નહીં પડે. પહેલી મુલાકાતમાં જ તમે એને ગમી ગયા એ સહેલી વાત નથી, બીજાંને ગમી જવાની તમારી જન્મજાત ઇશ્વરી બક્ષિસ ઉપર અમારો વિશ્વાસ સો ટકા સાચો ઠર્યો છે. આ માટે બીજા બે શુભેચ્છકોએ પણ તમને હાર્દિક અભિનંદન આપવાનું કહ્યું છે.'
જીવનને તેજોમય માર્ગ ઉપર લઇ જનારા આ પ્રસંગનો આનંદ કવિ પોતે પણ શબ્દોમાં તો વ્યક્ત કરી શક્યો નહિ. ભાઇ સામે માથું ઝુકાવી કૃતજ્ઞતા દાખવ્યા પછી કવિ પોતાના બીજા બે મહાનુભાવ શુભેચ્છક્નો આભાર શિરોમાન્ય કરી આવ્યો.
મુંબઇ દરિયા જેવડું વિશાળ શહેર. દરિયાની માછલીઓની જેમ મુંબઇમાં વસનારો માણસ - ચાહે તો પોતાની જાત અને સંસારજીવનને આસાનીથી ગુપ્ત રાખી શકે છે - કારણ 'કોઇ કોઇના સામે જોતું નથી. કોઇને કોઇની પડી નથી.' મુંબઇ શહેરની એ બીજી વિશેષતા છે.
'અહોહો, માલિક કુટુંબ કેવડું મોટું? - મોટું છતાં સંયુક્ત કુટુંબ. બધાં કુટુંબીઓનો પરિચિત થતાં હરિને અઠવાડિયાં જેટલો સમય રાહ જોવી પડી, અહીંના સંખ્યાબંધ નોકરોમાં એકાદનો વધારો થાય તેની શી વિસાત?
કુમારસાહેબના અંગત માણસ બનેલા હરિ પોતાનાં બધાં સંબોધનો ખંખેરી નાખી હવે 'હું' તરીકે રજૂ થઇ શકે તેવી ભૂમિકા ઉપર પહોંચી ગયો હતો.
|