લેખાંક : ૧૮ : ('હું ય થોડોઘણો કવિ, લેખક અને ગાયક પણ છું.' - હરિલાલે કહ્યું)
|
'એકી સાથે અનેક ક્ષેત્રે વગ, કીર્તિ અને કલદાર જમાવનાર મુનશીજીની વાહ વાહની તોલે બીજી કોઇ વસ્તુ મૂકી શકાય નહીં' મુનશીજીને ત્યાંથી નીકળી ઘેર જતાં હરિએ રસ્તામાં ભાઇને કહ્યું.
ઘેર જઈ ભાઈ અને એનાં પત્નીએ હરિભાઇ મુનશીજીની વાહ વાહ મેળવી આવ્યાં બદલ મીઠાં મોં કરી ઉત્સવ મનાવ્યો. ભાઇએ તક સાધી કહ્યું - 'ચાલો કવિરાજ, વડાભાશેઠ જાગતા હશે, જરા આંટો મારીએ.'
બેઉ જણ પાડોશમાં રહેતા શેઠને ત્યાં પહોંચ્યા, ત્યારે બેઠકમાં સંખ્યાબંધ ટેલીફોન-રિસીવર વચ્ચે બેઠેલા વડાભાએ પ્રેમાળ અવાજે કહ્યું: 'હરિભાઇને લઇ વહેલાસર આવવું હતું ને.'
'અહીં આવતો હતો ત્યાં જ મુનશીજીએ ફોન કરી બોલાવ્યો. હરિભાઇને સાથે લઇ ગયો, અને એમણે મુનશીજીની તબિયત ખુશખુશાલ કરી એમની વાહ વાહ મેળવી.' ભાઇએ જવાબ આપ્યો.
'મુનશીજીની લાગવગનો ઉપયોગ કરી લેજો. આ મુંબઇ છે.'
'આપનું સૂચન યાદ રાખીશ.' નમ્રભાવે હરિ બોલ્યો, અને ભાઇ સામે મોં ફેરવી શેઠે ભલામણ કરી: 'તમે કહેજો મુનશીજીને, કે એની કોઇ સંસ્થામાં હરિભાઇને નોકરી આપે.'
'નોકરી' શબ્દ હરિભાઇના અંતરમાં અમૃતકુંભ ઠાલવી ગયો. 'શેઠસાહેબ માણસ પારખુ અને મનપારખું છે ભાઇ! મારા મનમાં સતતપણે ઉછળ્યા કરતી ઇચ્છા તેઓએ પકડી લીધી.'
આ સાંભળીને મુખ મલકાવી ભાઇ બોલ્યા: 'હરિભાઇ માટે કાયમી સ્થાન મારા ધ્યાનમાં છે. તેઓને અનુકૂળ કામ મેળવી આપવાના વિચારમાં હતો ત્યાં મુંબઇના ઉદ્યોગપતિ એક શેઠનાં કુટુંબમાંથી માગણી આવેલી.'
'તો પછી એ માગણી ઝીલી લેવામાં શો વાંધો હતો?'
'વાંધો એટલો કે માગણી કરનારની સચ્ચાઇ તપાસવી પડે.'
'ચાલો, આ વાત તમારા ધ્યાનમાં છે એટલું બસ.' વડાભા શેઠે હરિ સામે જોઇ કહ્યું: 'હવે ઇતિહાસની સરસ વાત કહો.'
હરિએ મન મૂકી ઇતિહાસમાં ચમકતા શુક્ર જેવા મેવાડના મહારાણા હમીરસિંહની વાત કરી. હરિલાલે પૂરી કરેલી ઇતિહાસકથાએ 'વાહવાહ' મેળવી, ભાઇ સાથે મોડી રાતે ઘેર પાછા ફરેલા હરિનું મન નોકરી ખોળી સ્થિર થઇ જવાના સ્વપ્નની સિદ્ધિ ખોળતું હતું.
વનવગડાની નિર્જન - નઘરોળ વાટે વેઠેલી ભૂખ-તરસ, પિતાના ઘરમાં જોયેલી ગરીબી અને ગરીબીના ઘાવ ઉપર મીઠું છાંટનાર હરીફ જેવા એક બ્રાહ્મણ કુટુંબ- પોતાનાં ઉપર વીતેલાં અસંખ્ય વીતક - કાઠિયાવાડમાં બરદાસ્ત કરેલી સમગ્ર પરિસ્થિતિના બદલામાં ભાગ્યદેવીએ અભ્યુદયની આશાનું અણમોલ દાન આપવા હાથ લંબાવ્યો હતો.
મુંબઇમાં બીજા મિત્રો ઉપરાંત પત્રકારોનો પરિચય પણ વધ્યે જતો હતો. સહવાસી અને સ્નેહીઓનું મંડળ હરિભાઇની રસવાણીનું બંધાણી બન્યું હતું.
ફરીવાર મુનશીજી અને મમ્મી - લીલાબેને હરિને સાંભળ્યો. ધનની કોઇ અપેક્ષા નહિ. અહીંથી સ્નેહ મેળવાય તો ય બેડો પાર થઇ જાય. આમ ત્રણ મહીના પસાર થઇ ગયા. અને પોષ માસના શિતળ દિવસોમાં એક શુકનવંતો પ્રસંગ હરિના સુભાગ્યનો સંદેશ લઇ આવ્યો.
*
'થોડા દિવસમાં શુભ સમાચાર આપીશ.'- બોલી ભાઇ ચૂપ રહી ગયા. હરિએ ચોખવટ ન માગી. આગલા રવિવારે પોતાની મોટરમાં મિત્રને તેઓ સાથે લઇ ગયા. મુંબઇ શહેરના વિસ્તારો અનેકરંગી માણસો અને દ્રશ્યોનાં વીરલ એકીકરણ જેવાં આમ તો વિશ્વના લગભગ બધા દેશોની વિવિધ જીવન પદ્ધતિઓ ત્યાં જોવા મળે.
એક દિવસે શાંત વિસ્તારમાંના એક બંગલામાં પ્રવેશી - ગાડીમાંથી ઉતરી. ભાઇ એના કવિમિત્રને બંગલામાં લઇ ગયા.
બંગલાના સુશોભિત પોર્ચ આગલા આરામદાયક ચાર ખુરશીઓ ગોઠવાએલી તેમાંની એક ઉપર કવિને બેસાડી, ભાઇ બંગલાની અંદર ગયા, અને થોડીવારમાં ભાઇ સાથે કોઇની વાતચીત થતી સંભળાઇ.
મુંબઇના વ્યાપારી ક્ષેત્રમાં જેના નામની બોલબાલા હતી એવા મારવાડી શેઠનો આ બંગલો. ભાઇ આ ઘરના ડોક્ટર.
ખરસટ છતાં મોટા અવાજે બોલવાની આદતવાળા એ બંગલાના માલિક અને તેની સાથે ભાઇની વાતચિત સાંભળતાં કવિ બંગલાના દિવાનખાનાની સજાવટ ઉપર નજર ફેરવતો બેસી રહ્યો.
થોડીવારે કામવાળી બાઇએ હરિ સામે આવી કહ્યું: 'તુમકો અંદર બુલાતા હય.' મોટાં ઘરના નોકરોનાં વર્તન તથા તેની વાણીની તોછડાઇથી સારી રીતે પરિચિત થઇ ગયેલો હરિ અંદર ગયો, અને સોફા ઉપર પગ લાંબા કરી બેઠેલા શેઠને એમણે નમસ્કાર કર્યા. શેઠે હરિને બેસવાનું કહ્યા પછી ડોક્ટર ભાઇ સામે જોઇ મારવાડી મિશ્રિત ગુજરાતી ભાષામાં કહ્યું: 'શું કરવો ડોક્ટર, લડકીયાં - ઓરતલોક પોતાની તબિયત સુધરવા જ નથી દેતી. જરા જરામાં બહારગામ નાસવાની જ બાતેં...કરવું શું?'
મુક્ત હાસ્ય કરતાં ભાઇ બોલ્યા: 'તંદુરસ્તી જાળવવા દરેક માણસે કામ અથવા કસરત કરવી જોઇએ. માંદગીની ફરિયાદ કરનારાં માટે પરસેવો વળે એવી વ્યવસ્થા કરો.'
'અરે વાહ ડોક્ટર, બહુ કામની સલાહ આપી.' મોટેથી હસતાં ખુશ થયેલા શેઠ બોલ્યા. ભાઇએ મને આગળ કરવાની યુક્તિપૂર્વક કહ્યું: 'મારા આ દોસ્ત અચ્છા કવિ અને ગાયક છે. ખાસ કરી રાજસ્થાનના ઇતિહાસના અભાસી હોવાથી તેની વાતો સાંભળી મુનશીજી, વડાભા અને સર ચુનીલાલજી જેવા વાહ વાહ બોલી ઉઠે છતાં આ ભાઇ રોજ સવારે બે કલાક પગે ચાલી ફરવાનો અને યોગાભ્યાસ કરવાનો કાર્યક્રમ કદી પણ ન ચૂકે.'
'વાહ જી વાહ. તમારા દોસ્તને ધન્યવાદ. મોટા મોટા લોક તો તેને સાંભળ્યા પછી ખુશાલીનો ધન્યવાદ આપતા હશે. હું તેને અગાઉથી જ ધન્યવાદ આપીને માની લઉં કે તમોએ કહ્યા એવા જ કવિ હશે.'
થોડીક વાતો કરી ભાઇ સાથે હરિ મારવાડી શેઠના બંગલા બહાર નીકળ્યો ત્યારે બેઉના મુખ પર મજાકી મલકાટ હતો.
'આ તો મારવાડી શેઠ.' -ભાઇ બોલ્યા: 'સંસારમાં એક માત્ર નાણાં સિવાય ભગવાને બીજું કાંઇ નિર્માણ કર્યું હોય તેવી એને ખબર ન હોય. કામ કરાવતી વેળા અને નાણાં આપતી વખતે એનાં જુદાં જુદાં સ્વરૂપ જોવા જેવા હોય છે.'
'એવાં સ્વરૂપોની વાર્તાઓમાં જ રસ હોય છે.' બેઉ હસી પડ્યા.
મોટર 'કેમ્પ્સ કોર્નર' આગળ આવી એટલે ટ્રાફિક પોલીસે ગાડીઓ રોકી. ગંભીર ભાવે હસી ભાઇએ હરિને કહ્યું: 'હવે હું તમને એવા આલીશાન બંગલે લઇ જાઉં છું - જે રાજમહેલનો ખ્યાલ આપે. એના માલેક મુંબઇના ટોચના લક્ષ્મીનંદન ગણાય છે. એનું નામ હમણાં નહિ આપું. એકવાર તમે બંગલો જુઓ તો જોતા જ રહી જાવ, હરિભાઇ. તમે ગાડીમાં બેસી રહેજો - હું બંગલામાં જઇ ત્યાંના એક વિધવા બેન -જે શેઠાણી છે -તેને તબિયતના ખબર પૂછતાં વાત કરીશ. શ્રીમંતોના માનસનો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. એ વિધવા બાઇ અઢળક નાણાંના ઢગલા ઉપર-યુવાન વયે વૈધવ્ય વેઠવું કેટલું દુષ્કર છે - એ વાત તો તમે જ કરેલી.' અને ભાઇ ગંભીર બની ગયા.
ભાઇની મોટર એ બંગલામાં પ્રવીશી ત્યારે દરવાજે ઉભેલા ચોકીદારોએ એમને નમસ્કાર કર્યા. મોટરગાડીમાં બેઠેલો હરિ રોનકદાર બંગલાની વિશાળતાને અહોભાવથી જોતો રહ્યો. અડધા કલાક બાદ પાછા ફરીને ગાડી સ્ટાર્ટ કરતાં પ્રસન્ન અવાજે ભાઇ બોલ્યા: 'આશાજનક તો લાગ્યું - પરંતુ હજુ આઠેક દિવસનો સમય લાગશે.'
એ જ અરસામાં મળી ગયેલા શ્રી મણિશંકરભાઇ ત્રિવેદીએ કવિને સૂચન કર્યું - તમે અહીંના જાણીતા કીર્તનકાર પં. દેવેન્દ્રવિજયજીને મળો એ જરૂરી છે.' એમ કહી તેઓનું સરનામું આપ્યું.
આમ પણ કવિએ તે કીર્તનકાર તથા તેના સાથીદાર - 'હરિદાસ મહારાજ' ની ખ્યાતિ સાંભળેલી, અને ભુલેશ્વરના તેના નિવાસસ્થાને -પૂર્વપરિચય વગર મળવા ગયેલા. કવિને પ્રેમથી આવકાર આપતાં પં. દેવેન્દ્રવિજયજીએ કહ્યું હતું: 'તમારૂં નામ અને સાહિત્યપ્રવૃત્તિ વિશે જાણી ખુશ થયો છું. તમને સહાયક બનવામા મારો ધર્મ માનીશ. અત્યારે પણ કોઇ ખાસ હેતુથી આવ્યા હો તો ખુશીથી બોલી દો.'
કવિએ કહ્યું: 'આપની ઉદાત્ત ભાવના બદલ આભાર. આપને મળવા સિવાય બીજો કોઇ હેતુ નથી. છતાં આપે દાખવેલી આત્મીયતાથી પ્રોત્સાહિત થઇ, આપને વિનંતી કરૂં - 'ગ્રામોફોન કંપની' સાથેના આપના પરિચયનો લાભ આપો. હું થોડોક કવિ અને ગાયક પણ છું.'
'ઓહો, એમાં શું? હું તમને ગ્રામોફોન કંપનીનો ગુજરાતી વિભાગ સંભાળતા - શ્રી રતિભાઇ વ્યાસનો પરિચય કરાવી આપીશ. હું એમને આજે મળવાનો છું એટલે તમારૂં નામ આપી, તમારી ઇચ્છા જણાવીશ. તમે કોઇપણ દિવસે બપોરના સમયે એમને મળી શકશો.'
દેવેન્દ્રવિજયજીએ પોતાના ઉપરોક્ત શબ્દો સાર્થક કરી બતાવ્યા. ગ્રામોફોન કંપનીવાળા રતિભાઇ વ્યાસ અને રૂપજીનો પરિચય થયો, અને કવિને કંઠેથી સાંભળેલી એની ત્રણ-ચાર ગીતરચનાઓ રેકોર્ડ કરવા માટે કરાર પણ થયો.
એ અરસામાં 'ટ્રાન્ઝીસ્ટર રેડીઓ' નહોતા. આમ પણ રેડીઓનો પ્રસાર કસબાના વિસ્તારો અને ગામડાંઓમાં ન્હોતો, અને ગ્રામોફોન રેકોર્ડનું આકર્ષણ ઘણું હતું.
મુંબઇમાં ગ્રામોફોન કંપની ગીત-સંગીત, નાટક અને લોકવાર્તાઓની ઢગલાબંધ રેકોર્ડો બનાવી આપતી. જો કે ત્યારે, તાજેતરનાં વરસોમાં 'ફિલ્મી ગીતો'નું આકર્ષણ અસાધારણ બન્યે જતું હતું.
આ સમય દરમ્યાન હરિલાલનું નામ - મુંબઇના સ્નેહીઓમાં 'કવિ' રૂપાન્તરની સ્વીકૃતિ પામ્યું હતું.
|