લેખાંક : ૧૭ : (વીસમી સદીનો નવમો દાયકો જગતમાં આતંક ફેલાવી દેશે')
|
અનંત મનોબળ ધરાવતી પત્નીનું પ્રોત્સાહન પામી હરિ હવે ગમે ત્યારે મુંબઇ જવા છૂટો તો છે, પણ આ બે મહીનામાં ચારણ મિત્રો પાસેથી મળેલાં ચારણી સાહિત્યથી આગળ વધી, એણે પોતે ઘણાં કાવ્યો લખી નાખ્યાં, પ્રાચીન છંદ-દુહા સાહિત્યનું અવલોકન કર્યું. મુંબઇના સાહિત્ય જગતમાં જેવાતેવા ટકી ન શકે. હા, તે વેળા મહાત્મા ગાંધીજી જનતાના પરમપૂજ્ય 'દેવ' હતા. ગાંધીજીનું નામ જ ચમત્કારિક હોવાથી લોકકવિઓ એની બિરદાવલિ વડે આસાનીથી લોકપ્રિયતા મેળવી લેતા.
પુરનાં પાણી ડહોળાં હોય એટલે અનિવાર્ય રીતે જ તેમાં કચરો ભળે. લોકસાહિત્યને લાગે વળગે ત્યાંસુધી એ સમયે ગાંધીજીનું નામ અને રાષ્ટ્રીય ભાવનાનાં ઉપરચોટિયા પોતાં મારી, પોતાનું ગાડું હાંકનારા તો હતા, પરંતુ પોતાના અંતરાત્માને છેતરી હરિ એવું કરવા માગતો નહોતો.
જેને ભાઇ કહેલા એ 'બાપુ'ની ડેલીએ મળેલા મહેમાન દાયરા લોકજીવનમાં જોયેલાં રસપ્રદ દ્રશ્યો, ચારણ મિત્રો, ધુરંધર વાર્તાકારો, અગમ નિગમના ભેદ ઉકેલી જાણનાર અનુભવીઓ અને ત્યાગનાં જીવંત દ્રષ્ટાંત જેવો હરિ યોગવિદ્યાનો અઠંગ અભ્યાસી હતો.
પડધરીના દેશખ્યાત વિદ્વાન રેવાશંકરભાઇ - જેઓ હરિનાં જ્ઞાન ઉપર મુગ્ધ હતા - એમણે ક્ષોભમુક્ત થવાની સૂચના આપતાં કહેલું: 'સામવેદ મેં આત્મસાત કર્યો છે અને હું પોતે વૈદિક સાહિત્યનો ઉપાસક હોવા છતાં -યોગક્ષેમ- ઘરવહેવાર ચલાવવા જ્યોતિષનો ધંધો લઇ બેઠો છું. તમે શું છો એ જાણવા છતાં કહું છું - 'લોકસાહિત્યની રજુઆતને વળગી રહેજો.'
આસોમાસનાં નવરાત્ર મહોત્સવ આવી રહ્યા હતા. મુંબઇથી ભાઇનો કાગળ આવ્યો: 'હરિભાઇ, બને તેમ વહેલીતકે મુંબઇ આવી જાવ.'
'ચાલો મુંબઇ'- ઉત્સાહથી મુંબઇ જનારા હરિને એક મિત્રે કહ્યું: 'નોરતાં આવે છે અને ભટજી બાપાના છંદ સાંભળવાનો લ્હાવો લીધા જેવો છે.' હરિએ એ સાંભળ્યું અને તેનો પરિચય આપવાની પ્રેરણા થઇ આવી.
ભટબાપા ખીમશંકર સાદા, ભલા અને અતિ ભોળા માણસ. ગામડામાં વસનાર આવા સાદા - સરળ માણસ અનંતશક્તિના કૃપાપાત્ર -મહાપુરૂષ હશે એવી કોઇને કલ્પના ય આવે નહિ.
ભાવિના ભેદ ઉકેલવામાં પારંગત ભટ અદાએ બતાવેલી જ્ઞાનસિદ્ધિઓ જોઇ ગયેલા કનૈયાલાલ, ભાણજીબાપા અને તેના મિત્રો તેના ભક્ત અને ચાહક. તંત્રવિદ્યાની એની ઉપાસના લબ્ધિપૂર્ણ. શાંત ચિત્તે બેઠેલા ભટ અદા કોઇવાર શક્તિના આવેશ સાથે જે કાંઇ બોલે તે સાચું પડે. એણે એવા જ આવેશ સાથે કહેલું: 'ઇસુની ચાલુ સદીમાંનુ એંશીનું દશક ભારત-ગુજરાત અને દુનિયાને યાદ રહી જનારો આતંક ફેલાવી દેશે - આ સત કરી માનજો. જીવશે તે જોશે કે આખો સંસાર સંકટ અને ભયના ઓળા હેઠળ અજંપો વેઠી રહ્યો છે.'
સામાન્ય લાગતા ભટબાપાની શક્તિ-સિદ્ધિઓનો પ્રભાવ અદ્ભૂત. ખાસ કરી નવરાત્રિના શક્તિ ઉપાસનાના દિવસોમાં એમનું વ્યક્તિત્વ અનોખો પ્રભાવ ઝબકાવી રહે. નવે દિવસ પૂર્ણ ઉપવાસ અને પોણોસોનું વય વટાવી ગયેલા ઉપવાસી ભટબાપા ગરબામંડપમાં જ્યારે જગદમ્બાના ગુણગાન - છંદ ગાવા ઊતરે અને વાતાવરણમાં શક્તિ-ચેતના લહેરાય. માઇભક્ત વલ્લભ ધોળા રચિત છંદ-ખાસ કરી 'હમચી' છંદ ગવરાવતાં એ શક્તિભક્ત જળથળ નચાવી દે. એનાં શરીરની ચેતના માઝા મૂકે - એનાં ગળાંમાં અનેરી સ્વરમિઠાશ ઘુંટાય.
આવી વિશેષતાઓ ધરાવનાર ભટબાપા વિશે નોંધવા જેવી બાબત એ છે, કે નવરાત્રીના નવે દિવસ ભટબાપાને ધાણીફુટતો તાવ ચડે. સાંજે માતાજીની માંડવીમાં જ્યોત પ્રગટે અને ગરબીનું નગારૂં વાગે કે તાવમાંથી ઊઠી બાપા ઠંડે પાણીએ -માથાબોળ સ્નાન કરે- ઘરમાં માતાજીની પૂજા-આરતી કરે અને પછી, ઘણીવાર તો ભીને કપડે જ ગરવા ગાવા દોડી જાય. તાવ ક્યાં ગયો તેની કોઇને ખબર પણ પડે નહિ.
ગરબીના છંદોને તાલ આપતાં નગારાં બજાવનાર પોપટભાઇ સોની, એના નગારાં ઉપર વારી ગયેલા એક 'કચ્છી નગારચી -વાહ વાહ પોકારી ઉઠેલા.
એકવાર નવરાત્રીમાં અનિવાર્ય કારણસર જામનગર ગયેલા ભટબાપા સાંજની ગાડી ચૂક્યા, અને મિત્રો સાથે ત્યાંના સોનીબા સાહેબનાં મંદિરે ગરબીમાં ગયા. ભટબાપાને છંદ ગાવાનો આગ્રહ થયો અને શક્તિજ્યોત જેવા એ બ્રાહ્મણે 'હમચી'નો છંદ ગાયો, ને વાતાવરણમાં ચેતના લહેરાઇ, ને યોગાનુયોગ બન્યું એવું કે જામનગરના છત્રપતિ મહારાજા દિગ્વિજયસિંહજી ગરબીનાં દર્શને પધાર્યા, ત્યારે ભટબાપા હમચીનો છંદ ગવરાવતાં વાતાવરણ ડોલાવી રહ્યા હતા.
ફરીથી એ જ છંદ ગવરાવવા ભક્તિભીનાં હ્રદયે જામબાપુએ ભટબાપાને વંદન કરી કહ્યું: 'બ્રહ્મદેવ તમે જ શક્તિસ્વરૂપ છો. તમારી ઉપાસનાને ધન્યવાદ.' અને ભટબાપાને સારી એવી રકમ આપી એમનું બહુમાન કર્યું.
પોતાના પૂજ્ય એવા ભટબાપાના છંદ સાંભળવાનો આનંદ તો હરિએ માણ્યો હતો, પણ નવરાત્ર આવતાં પહેલાં મુંબઇ પહોંચવું એને માટે જરૂરી હોવાથી પત્ની -મંગળાની સંમતિ લઇ હરિ મુંબઇ ગયો.
મુંબઇના વિશાળ ક્ષેત્રમાં બહોળા સંબંધો ધરાવનાર 'ભાઇ' તથા મિત્રોએ નવરાત્રના પ્રસંગે હરિના લોકસાહિત્યના કાર્યક્રમો યોજેલા - જેમાં શ્રોતાઓ એના પર મુગ્ધ બની જતા.
હરિના સહવાસી એક શિક્ષિત યુવાન પોતાને સર્વજ્ઞ માનતા, અને કાવ્ય-કલા-લોકસાહિત્ય ઉપરાંત રાજકારણમાંય પોતે પારંગત હોવાનો ભ્રમ સેવતા. આ ભાઇ મને કહેતા:' હું ન જાણતો હોઉં એવો કોઇ વિષય નથી. કવિસંમેલનો મારાં કાવ્ય વગર નીરસ લાગે. સભાઓ મારા પ્રવચન વગર સફળ ન થાય, છાપાંઓ મારી વાર્તાસમીક્ષા વગર ફેલાવો વધારી શકે નહિ. કેટલાક તંત્રીઓ તો મારો લેખ મેળવવા કાલાવાલા કરે.'
સાંભળીને હસી દેતાં હરિ કહેતો: 'વાહ - વાહ, આપ જેવા સર્વજ્ઞો વસે છે એટલે જ મુંબઇનગરી મોહમયી છે.'
એક પ્રસંગે મેં એ મહાનુભાવનાં નામનો ઉલ્લેખ કર્યો ત્યારે એક છાપાંના વિદ્વાન તંત્રી મોઢું બગાડી બોલ્યા: 'એમ. એ. થયેલો એ મૂર્ખ દયાપાત્ર છે. અને જોયુંને અહીંનું સાહિત્યક્ષેત્ર કચરો પણ સહી લે છે.' મારા નિવાસસ્થાન -ડ્રીમલેન્ડમાં મોહનભાઇ ભારદ્વાજ, ચંદ્રકાંત પુરોહિત, મનુભાઇ સોની અને બાલુભાઇ અમીચંદ દોમડિયા જેવા પોતપોતાનાં ક્ષેત્રમાં યશસ્વી અને સહ્રદયી મિત્રો મળ્યા.
ઠીકઠીક ચમકીને મુંબઇમાં ને મુંબઇથી જાણીતા બનેલા હરિનું મન પોતાની ઇચ્છાપૂર્તિની શોધ કરતું અસ્થિર હતું. અનિવાર્યપણે થોડો સમય મબલખ કમાણી કરી દેખાડીને પણ જીવનનો બેડો પાર કરી શકવાનો નહોતો. બીજું બધું હોવા છતાં એ વ્યવસાયમાં નગદ પ્રતિષ્ઠા નહોતી, એ તો દીવા જેવી બાબત હોવાથી એનું મન વ્યગ્રતા અનુભવતું.
નોકરી મેળવી સ્થિર થઇ જવાની ઇચ્છાવાળો હરિ પોતે બિનાનુભવી ઉપરાંત અમુક લાયકાતમાં ઉણો હતો, એ મુંઝવણ પણ એને ખટકતી. આ સ્થિતિમાં તારીખ બાવીશમી ડિસેમ્બરની સાંજે ભાઇએ બહાર જતાં જતાં કહ્યું:' વિખ્યાત નેતા, સફળ વકીલ અને મહાન સાહિત્યકાર એવા મહાનુભાવ મુનશીજીને ત્યાં મારી સાથે ચાલશો?'
'ઘણી ખુશીથી.' ઉત્સાહભેર હરિ રીજ રોડ પર રહેતા મુનશીજીને ઘેર ગયો. ભાઇને મળેલા એ મોટા માણસના આવકારમાં
પોતાનો ય ભાગ માની હરિનો મનોભાર ઓછો થયો. કામપુરતી વાત કરતાં ભાઇએ મને મુનશી દંપતિ સમક્ષ રજુ કરતાં કહ્યું: 'સૌરાષ્ટ્રથી આવેલા આ લોકસાહિત્યકાર કવિને મળવામાં આપને રસ પડશે એવી આશા છે.'
ચાણક્ય મુનશીજી બોલ્યાં: 'વધુપડતા આશાવાદી થવું એ ખોટું તો નથી, પણ કંઠસ્થ સાહિત્યની રજુઆત માગી લે એટલો સમય મારી પાસે નથી. છતાં દશ મિનિટમાં કહેવું હોય તે કહે.'
'પેંગડે પગ અને બ્રહ્મઉપદેશ'ને બને નહિ. હરિ બોલ્યો: 'અત્યારે હું દુર્લભ દર્શન પામ્યો છું એટલું જ સુભાગ્ય સ્વીકારતાં કહું તો આપ મહોદય માટે કોઇ પણ સિદ્ધિ સહજ છે ત્યારે સાધના સારૂ પણ મારે ઉપકરણના ભારા શોધવા પડે. ઉપકરણરૂપ આ કાવ્ય રજૂ કરૂં-' કહી મેં ઝુલણાં છંદમાં સ્વરચિત -'બ્રાહ્મણ' નામે કાવ્ય રજુ કર્યું.
સાંભળીને આનંદી ઉઠેલા મુનશીજી બોલ્યા: 'લાગે છે, કે આ ભાઇ વારંવાર બોલાવવા જેવા છે.'
|