લેખાંક : ૧૬ : (આ સાંભળી, ઉશ્કેરાઇ જઇને ક્રોધાવેશમાં હરિએ શું કહ્યું?...)
|
હરિલાલના મન ઉપર આનંદ-આશા, ઉત્સાહ સહિત શેઠ વડાભાનું ભવ્ય અને પ્રસન્ન વ્યક્તિત્વ છવાઇ ગયું હતું. સૂતાં પહેલાં ઉત્કટ આતુરતા સાથે એણે મિત્રને પૂછ્યું: 'ભાઇ, આ શેઠ કોણ?'
'ત્રણચાર પેઢીથી મુંબઇ આવી વસેલા એ કચ્છી ભાટિયા છે. એના વડવાઓ કચ્છના જૂના ઇતિહાસમાં નામ રાખી ગયેલા. તમને સાંભળનાર શેઠ અહીંના વેપારી બજારમાં ભારે આદરપાત્ર વ્યક્તિ છે. એમનું વાંચન અતિ વિશાળ. નાણાંની જેમ એના અનુભવની મૂડી પણ વિપુલ. જેવાતેવાને તો એ ઘોળીને પી જાય. હવે તમારે માટે ત્યાં અવિચળ સ્થાન થઇ ગયું સમજો.'
વજુભાઇએ વિલાપાર્લાના લેખક-પત્રકારો વચ્ચે મને તાન્યાકાવ્ય રજૂ કરવાની તક આપી, મારી શબ્દ પસંદગી અને છંદ રચના ઉપર - કડક આલોચક તે વેળા ચિત્રપટના તંત્રી - રામુભાઇ ઠક્કરે વાહવાહ વરસાવી. સામાન્ય રીતે આવા પ્રસંગે રજૂઆત પામનારનાં વખાણ થતાં જ હોય છે. આઠ દસ દિવસમાં હરિલાલ મુંબઇગરાં જીવન અને મુંબઇગરાંઓની તાસીરથી ઠીક ઠીક પરિચિત થઇ ગયો.
એ વેળા ખાસ કરી 'લોકસાહિત્ય'ની રજુઆતમાં રસ લેનાર શ્રોતાવર્ગ બહુ વિશાળ હતો. જો કે એ વિશાળતા આજે જુદા મિજાજ સાથે પાંગરી છે - પરંતુ ત્યારે ગીત, કાવ્ય, વાર્તા અને ઇતિહાસનાં તથ્યોનું મૂલ્ય વિવેકદ્રષ્ટિથી સ્વીકારાતું હતું. સાધકને સાધના કરવી પડતી. તકલાદીનું સ્થાન ટકતું નહોતું.
જીવનમાં કદી ન જોયેલું પારિશ્રમિક તથા કદરદાની પામીને પણ અહંતાથી છલકાઇ ન જતાં હરિએ પોતાની જાત, જીવનની વાસ્તવિક સ્થિતિ સામે ભવિષ્યના વિચાર સાથે ભારે આત્મમંથન અનુભવ્યું. જો કે ક્ષેત્ર બહુ આકર્ષક હતું - પરંતુ લોકસાહિત્યને જનસમૂહ સમક્ષ રજુ કરતાં લોકસાહિત્યકાર ભાટ, ચારણ જેવો ભાસે. લોકો તેની ભાટાઇની પ્રવીણતાને વખાણે, આ સત્ય હરિના મનમાં ખટકતું -છતાં શું કરે? કસોટીપૂર્ણ -વિસંવાદી કુટુંબજીવનના પરિતાપભર્યા કુંડાળામાંથી મુક્ત થવા માટે તત્કાળ તો માત્ર 'લોકસાહિત્ય' પીરસવા સિવાય બીજો કોઇ ઉપાય નહોતો.
મુંબઇમાં ચોથે દિવસે -સાહિત્યરસિકો વચ્ચે હરિ રજુઆત પામતો. એ જ વેળાએ જેને મળવાની ઝંખના હતી એ હમદિલ મિત્ર જમનાદાસ - જમનભાઇ અને ભાસ્કર રાણા શ્રોતાવૃંદમાં સામેલ થતા દેખાયા - અંતરમાં ઉછળેલા આનંદની એ ક્ષણ કદિ નહિ ભૂલાય. અરધા કલાક બાદ વિશ્રાંતિ મળતાં હરિ મિત્રો પાસે દોડી ગયો.
'છાપામાં વાંચેલા કાર્યક્રમનો જ સાચો પ્રતાપ કે મળી ગયા.' જમનભાઇ બોલ્યા.
'અરે શું, હું પોતે મળવા આવવાનો હતો, પણ લાલબાગમાં ઘર જોયેલું નહિ.'
'જવા દો' - રાણા અને સિનરોજા એકીસાથે, ધીમા સ્વરે બોલ્યા: 'હવે અહીંથી છૂટ્યાં પહેલાં મળવા-હળવા વિશે કાંઇ બોલશો માં.'
'જેની જોતાં વાટ (તે) શેરડિયે સામા મળ્યા' - અંતરની વહાલપ તણાં અમૃતઝરા મળી ગયા. આવતીકાલ આખો દિવસ સાથે રહેવાનો વાયદો અને મારૂં ઠેકાણું આપ્યું. કાર્યક્રમ પતાવી અમો બધા છુટા પડ્યા.
મિત્રતાની એ મધુરતા તે વેળાના દાયકાઓની યાદ -મૂડી બની ગઇ. મારા યજમાન ડોક્ટરે હજુ મારા માટે ઘણી ઓળખાણો કરાવવાનું બાકી રાખ્યું હતું.
-પણે ઘેર મંગળાને કાગળ લખી શકાય તેમ નહોતું. મેં મારા પરમ વિશ્વાસુ મિત્ર - ભાઇ કરતાં વધુ ભાવાર્થી નરસીદાસભાઇને મારી કુશળતા જણાવી, એટલે કુટુંબીઓને ખુશીખબર મળી ગયા.
મુંબઇશહેરમાં મારૂં નિવાસસ્થાન ચોપાટી - દરિયાકિનારે. કાર્યક્રમનું રોકાણ ન હોય ત્યારે પી. એમ. સ્વીમીંગ બાથ પાસે જઈ બેસું.
બદલાની આશા વગર અણમોલ સહાય કરનાર શુભેચ્છકને હરિ - 'ભાઇ' કહે. વાત ઉચ્ચારી એણે પૂછ્યું: 'ભાઇ, હું થોડા દિવસ કાઠિયાવાડ-મારે ઘેર-જઇ આવું?'
ભાઇ હરિના ચહેરા ઉપર ઉપસેલા મનોભાવ જોતા રહી ગયા, 'આ ભોળો માણસ મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યો લાગે છે.' વિચાર કરી એણે સામેથી પૂછ્યું: 'ઘેર જવું ખૂબ જરૂરી લાગે છે?'
પોતાના કુટુંબજીવનની વાસ્તવિકતા હરિએ ખુલ્લેદિલે જણાવી. થોડામાં ઘણું સમજી ગયેલા ભાઇ અનુકંપાભર્યા અવાજે બોલ્યા: 'ભલે, ખુશીથી જઈ આવો.'
પોતાને ગામડે ગયેલા હરિને પારિવારિક મુશ્કેલીઓએ ઝકડી લીધો. આશા અને ઉત્સાહ સાથે આગળ વધવામાં તેને હવે વાંધો રહ્યો નહોતો. મુંબઇની કામગીરી વિશે કહેવા જેવી વાત કરી. 'ના, હવે આને ફરીવાર મુંબઇ જવા નથી દેવો. જડેશ્વરની પૂજાએ જવાનું કહી છેક મુંબઇ ચાલ્યો ગયો.' ઘરમાંથી આ શબ્દો સંભળાયા. એ સાંભળીને હરખઘેલી મંગળાએ કટાક્ષપૂર્ણ હસી દીધું. ફઇબા બોલ્યાં: 'પગની દામણ તોડી તેં તો દીકરા તારાં નસીબના બારણાં ઉઘાડી નાખ્યાં. દુનિયા મારા દીકરાની વાહવાહ બોલશે, પડધરીમાં રહી ઘણી મહેનતે તને ભણાવ્યો. મારું કર્યું તેં સવાયું કરીને શોભાવ્યું. ઘરમાં થતી વાતને કાન દીધા વિના તું જે ઇચ્છે તે કરજે, મારો તને આશીર્વાદ છે.'
'તમે તો જીવંતવિધાત્રી છો ફઇબા, પણ ત્રણ સંતાન અને એની માનું શું? આ સવાલ મારા ગળાની ફાંસી જેવો....'
'લે...' ધીમા અવાજે ફઇબા બોલ્યાં: 'એ તો હું યે સમજુ છું. વહુ અને છોકરાં મારા દીકરા માટે ડુંગર જેવડી ચિંતા થઈ પડશે, જેના પેટમાં આંટી છે તે તારાં વહુ-સંતાનને આડાં ધરશે, પણ મુંઝાઇશ માં. વહુને પડધરીમાં રહેવાની સગવડ કરી છે. બહાનું તો છે છોકરાંને ભણાવવાનું.'
ફઇબાએ રસ્તો કાઢી આપતાં કહ્યું - 'જો ભાઇ, આપણી વચ્ચે થયેલી આટલી વાત મનમાં રાખી તને સૂઝે એ અમલમાં મૂકી દેજે. દીકરા તું દધિચી ઋષિની જેમ પોતાનું શરીર પણ બીજાની ભલાઇ માટે આપી દે એવો છો. તને હેરાન કરનારાં કુટુંબીઓની ભલાઇ કાજે તું એને છોડતો નથી.'
'ના, ફઇબા, હજુ પણ એને છોડવાનો નથી, પૂર્વજન્મનાં લેણદેણ પુરાં ન થાય ત્યાં સુધી છોડ્યો સંબંધ છૂટે નહીં. તમારા આશીર્વાદથી હું સુખી થઇશ તો સુખનો મોટો ભાગ બધાંને વહેંચી દઇશ.' હરિએ કહેલા આ શબ્દો ઉપર ફઇબાએ લાખ ધન્યવાદ વરસાવતાં કહ્યું: 'તારૂં કહેવું ખરૂં છે. કોણ કોના નશીબનું ખાતું હશે તે કોણ કહી શકે...?'
ફઇબાએ કાઢી આપેલો રસ્તો હરિ માટે એકમાત્ર તરણોપાય હતો. જુવાન પત્નીને સંતાનો સાથે પડધરીમાં એકલી રાખવા માટેનો નિર્ણય - સહેલાઇથી તો સર્વમાન્ય થવાનો નહોતો, અને હવે હરિ પોતાનું ધાર્યું કાંઇક કરી શકે છે એવી ખાતરી આપી ચૂક્યો, એટલે એનો વિરોધ કરતાં તે છટકી જાય એવો ભય સ્પષ્ટ બન્યો હોવા છતાં, પાસો નંખાયો: 'ભલે ત્રણ છોકરાં થયાં, પણ બાળકુંવારી દેખાતી જુવાન વહુ...આટલાં દબાણ હેઠળ પણ મનધાર્યું કરે, અને અંકુશ વગર તો એકલી રહે. કહેવાય નહિ, પણ એની ચાલચલગત સારી નથી.'
આ સાંભળતાં જ ઉશ્કેરાઇ ગયેલો હરિ મગજની સમતુલા ગુમાવી બોલ્યો: 'કલ્પના કરવી હોય તો તમારો છોકરો -હું પોતે ચારિત્ર્યહીન છું- એમ કહેશો તો સાંભળી લઇશ - પરંતુ શક્તિસ્વરૂપા મારી પત્ની મહાસતિ છે. એના ચારિત્ર્યબળે મારાં નસીબ આડેથી પાંદડું ખસી રહ્યું છે. જો હું કાંઇ પણ હોઉં, કે થઇ શકું તો સાચો પ્રતાપ એનાં 'સત'નો લેખીશ. માટે આજે આટલું બોલ્યાં તે બોલ્યાં, હવે પછી જો એક પવિત્ર નારી માટે જરાપણ ઘસાતું બોલશો તો સંબંધનો છેડો ફાટી ગયેલો માનજો.'
'હાય-હાય, નાખેલો દાવ અવળો પડ્યો.' હરિને ઠંડો પાડતા કહેવાયું: 'ના ભાઇ, નહોતું બોલવું એવું બોલી જવાયું. મને એમ કે આજકાલનો સમો કેવો ફરી ગયો છે...'
'ના, હવે આવા ગોટા વાળો મા, મંગળા એનાં સંતાન સાથે એકલી જ પડધરી રહેશે એમાં ફેર નથી. છોકરીઓને ભણાવવી છે. છૂટ આપીને તેનું મનગમતું કરવા દેવું છે. એક ચારિત્ર્યશીલ માતાની પુત્રીઓને લોહીમાં મળેલા સંસ્કાર ઉપર વિશ્વાસ ન હોય તે આડેથી ખસી જાય.'
'ભલે ભાઇ, એમ કરો. અમારી કોઇ બાબતે ના નથી.' મન મારીને પણ સામાને આમ કહેવું પડ્યું. 'ચાલો, એક સમસ્યા હલ થઇ.'
મંગળાએ કદરદાનીભર્યા ભાવે પતિને કહ્યું: 'તમે આકરા તો એવા કે ગુસ્સે થાઓ ત્યારે ઝાલ્યા ન રહો. પણ તમારો ક્રોધ તલવારની ધાર જેવો સાચો છે. તમે મને ભારે ઉપમા આપી, મારા ઉપર ઘણો વિશ્વાસ મૂક્યો. હવે તો મારે તમારી ઉદારતાને લાયક બની બતાવવું રહ્યું. પડધરીમાં રહી હું છોકરાંઓને અભ્યાસ કરાવીશ. એને રમતગમતની છૂટ આપીશ, ને તમારી ભાવનાઓ સવાઇ કરીને સાચવીશ. તમે છૂટા.....'
|