લેખાંક : ૧૫ : ( જેમાં હરિને મુંબઇમાં આવીને પણ શુભ શુકનો થવા લાગે છે.)
|
બારી બહાર જોયાં પછી ગૂંચવાતા મને હરિએ પૂછ્યું: 'હા, પણ એ માણસ વિશે આપને કાંઇ કહેવું છે?'
'એટલું કે મુંબઇથી પત્રકાર મિત્ર પંડ્યાએ ભલામણ કરી છે કે રાજકોટ તરફ એ નામના ભાઇ મળે તો તેને મુંબઇ જવાનું કહેવું.'
'અરે વાહ, શુકનમાં શુકન ભળ્યાં.' - આનંદઉમળકો જેમ તેમ દબાવી હરિ બોલ્યો: 'આપે જે નામ આપ્યું તે જ વ્યક્તિ હું છું અને હું મુંબઇ જવાનો છું.'
'ચાલો કામ થઇ ગયું' - પેલા ભાઇએ હરિના હાથમાં હાથ મિલાવીને કહ્યું:' મારૂં નામ કેશુભાઇ. ભાસ્કર રાણા અને જમનભાઇ મુંબઇમાં તમને બહુ યાદ કરી કહે છે -'એને મુંબઇ બોલાવી લેવા છે.'
હરિ પોતાને પ્રિય બે મિત્રોનાં નામ સાંભળી હર્ષવિભોર બન્યો. પેલા ભાઇ સાથે રાજકોટ જંક્શનમાં ઉતર્યો ને ત્યાં ભરતભાઇ દેખાયા, મને જોઇ આનંદી ઉઠેલા ભરતભાઇએ કહ્યું: 'ચાલો તમે વચન પાળ્યું ખરૂં.'
હરિએ રેલગાડીમાં મળેલા કેશુભાઇનો ઉલ્લેખ કર્યો. ભરતભાઇએ એ ભાઇને હરિભાઇની ચિંતામાંથી મુક્ત કર્યા, અને બોલ્યા: 'આવતી કાલે બપોરની ગાડીમાં મુંબઇ ઉપડી જાવ.'
હરિએ કહ્યું: 'હું તૈયાર જ છું'
'અલબેલી મુંબઇનગરી વિશે તમે ઘણું સાંભળ્યું છે. વસ્તુસ્થિતિનાં પરીક્ષણમાં તમે મારા કરતાં આગળ છો. ચાલો ત્યારે તમારી તૈયારી જોઇ લઇએ.' ભરતભાઇ બોલ્યા. 'હા,' નવયુવાન શહેરી સ્વજનો વચ્ચે પણ ગામડેથી આવેલા હરિ પોતાની થેલીમાં મૂકેલા કપડાં બતાવતાં શરમાય. ભરતભાઇ અને બીજા એક મિત્રે પોતાનાં નવાંનકોર - ખાદીનાં વસ્ત્ર ખૂબ આગ્રહ કરીને આપ્યાં.
અને ત્રણ વાગ્યાના શોમાં પાંચસાત મિત્રો ગેસ્ફોર્ડ ટોકીઝમાં ચાલતા વાડીયા મુવિટોનની 'વિશ્વાસ' ફિલ્મ જોવા ગયા. બહુ જાણેલું અને ન જાણેલું મુંબઇશહેર મન ઉપર પોતાનો પ્રભાવ પાથરી રહ્યું.
બીજા દિવસની વહેલી સવારે હરિ નિત્યકર્મથી પરવાર્યો ત્યાં જ જમનભાઇનો લઘુબંધુ જગુ આવી ઊભો. 'અરે વાહ, હરિભાઇ મુંબઇ જાય ને હું વળાવવા ન આવું એવું તે કાંઇ બને? ચાલો, બાએ જમવાનું તૈયાર રાખ્યું છે.' ભરતભાઇ અને જગુભાઇ બેઉને ત્યાં અડધી કલાકને અંતરે જમી પાંચ સાત મિત્રો સાથે રાજકોટના ટાઉન સ્ટેશને, અષાડ વદિ ચૌદશ -આવતી કાલે અમાસનું સૂર્યગ્રહણ. આ કારણે હોય કે કેમ રેલગાડીમાં રાજકોટથી વિરમગામ સુધી આરામદાયક જગ્યા મળી. સાંજે સાડા સાત વાગ્યે વિરમગામથી મુંબઇ - બ્રોડગેજ લાઇન- જતી ગાડીનો ડબ્બો પણ ખાલી જેવો. બહુ આરામની સફર.
અમદાવાદ પાર કરી ન જોયેલી સૃષ્ટિ જોવાની ઉત્કંઠા સાથે બારીબહાર જોયા કરતાં હરિની દ્રષ્ટિ વરસાદી રાતના ઘોર અંધકારની પેલી પાર ગુજરાતની ચારૂતરા ધરતી પરથી પસાર થઇ સ્પંદન અનુભવતી રહી. તેજગતિએ આગળ ધસતી રેલગાડી પસંદ કરેલાં સ્ટેશને જ થોભે. નડીયાદ, આણંદ ને વડોદરા. બહાર ધીમો વરસાદ, આલ્હાદક વાતાવરણમાં બેઘડી હરિની આંખ ઝોલે ચડી.
ભરૂચ સ્ટેશનેથી ઉપડેલી ગાડી ગુજરાતની પવિત્ર મહાનદી નર્મદાનો પુલ પાર કર્યો ત્યાંસુધી અનિમેષ નજરે હરિ તેનું દર્શન કરી રહ્યો. નદીનો માઇલ લાંબો પટ પુરનાં પાણીથી સાગરનો ખ્યાલ આપે એવો - અહોહો, આવાં પ્રચંડ પાણીપુર પાર કરતાં ય જેના પેટનું પાણી હાલ્યું નહિ એ અમારી રલગાડી કેવી મનપ્રબળા શક્તિ ગણાય?
વડોદરાથી ચાર આનામાં ખરીદેલું ચેવડા પાકીટ હાજર હતું. સુરત સ્ટેશનેથી આઠઆના આપી અડધો શેર ચોક્ખાં ઘી-માવાની ઘારી સાથે ખાવાની તૈયારી કરી સહયાત્રીને ભાગ લેવાનું આમંત્રણ આપ્યું. સામેથી મિઠાઇથી ભરેલી ટોપલી છોડતાં - 'અરે ભઇ, આવો લાભ ક્યારે મળે?' - કહીને સહયાત્રિકે બે ચાર ચોસલાં આગ્રહ કરી ખવરાવ્યાં. ભાંગતી રાતે ગવૈયાનું ગળું ખીલે. અમારાં પેટની નરવી ક્ષુધાએ મીઠાં ભોજનનો સ્વાદ વધુ મધુર બનાવી દીધો. અને પાલઘર આવી ગયું.
વિરમગામથી મુંબઇ જનારા મુસાફરોનું પ્રિય સ્ટેશન પાલઘર - જેનો પરિચય અગાઉથી મળી ગયેલો, દાતણપાણી અને ચાય. નારીએળનું પાણી, કેળાં જે માગો તે મળે. સ્ટેશનનાં દ્રશ્યમાં મુંબઇના પ્રભાવની ઝલક જોઇ પ્રવાસી બેન બોલ્યા: 'અને બોરીવલી પછી તો મુંબઇના ઘોંઘાટભર્યા વાતાવરણનો અનુભવ કરી લેજો.'
સવારના સવા આઠે ગાડી દાદર સ્ટેશને જ્યાં ડબ્બે ડબ્બે ફરી રેલ કર્મચારીઓ બોંબે સેન્ટ્રલ જનારાં ઉતારૂઓની ટિકિટ ઉઘરાવી ગયા. વધારાની પચાસ મિનિટ પછી રેલગાડી પ્રવેશી મુંબઇ સેન્ટ્રલ સ્ટેશને.
જેને કોઇ લેખકે 'તાવદાનિયું' કહ્યું છે એવાં અતિવિશાળ બોંબે સેન્ટ્રલમાં ગાડી ઊભી રહી. અત્યાર સુધી મુંબઇ માટે કરેલી માનસિક તૈયારીમાંનું બધું ભૂલી વાતાવરણના ભારેલા ચિત્તે હરિ વરસતા વરસાદ અને ચોગાનમાં ભરાએલું પાણી જોતો રહી ગયો. ત્યાં તો એક જુવાને દોડતા આવી પૂછ્યું- 'માફ કરજો, પણ તમારૂં નામ હરિભાઇ?'
'હા' આનંદી ઉઠેલા હરિએ જવાબ આપ્યો: 'ચાલો' નમસ્કાર કરી એ બોલ્યો: 'મારૂં નામ શ્રીયુત કે.ડી. હું તમને લેવા આવ્યો છું. પંડ્યાભાઇએ મને મોકલ્યો છે.'
'કામ થઇ ગયું.' હરિ મનોમન બોલ્યો: મુંબઇ સેન્ટ્રલમાં ત્યારે વાહનમાં 'વિક્ટોરિયા' નામે ઘોડાગાડીની બોલબાલા, સેન્ડહર્સ્ટ રોડ સુધી વિક્ટોરિયા ને ત્યાંથી 'ડી' રૂટ - બસમાં પ્રિન્સેસ સ્ટ્રીટ. 'ફ્રેન્ડ ક્લબ'ના શ્રી ચંપકભાઇ માવાણીને ઘેર - ઉષ્માભર્યો આવકાર. સ્નાનાદિથી પરવારી સરસ મઝાની વેડમી જમ્યા. વજુભાઇ આવી મળ્યા. 'ચાલો હવે ફોર્ટમાં, થેલી સાથે લઇ લો.' ફોર્ટમાં મેડોઝ સ્ટ્રીટમાં એક કાર્યાલયમાં સગવડભર્યો ઉતારો.
અમો જેને સોરઠી જવાંમર્દ -ગાંધીવાદી પત્રકાર - તરિકે વારંવાર બિરદાવતા એવા અમૃતલાલ શેઠની પહેલી મુલાકાત. સત્યાગ્રહી - દેશસેવકોને આશરો આપનારાં 'પિયર' જેવાં મુંબઇ શહેરમાં શેઠે રહેવા - જમવાની વ્યવસ્થા કરી આપી.
શુભ શુકનમાં વધારો થવા લાગ્યો. પાછળથી જે શુભેચ્છક સ્નેહિ બનાવતા હતા તે રવિશંકરભાઇ મહેતા, કરસનદાસ માણેક અને કાર્ટૂનિસ્ટ 'શનિ'નો સુખદ પરિચય, મુંબઇનો પહેલો જ દિવસ મિલન માધુરી છલકાવી ગયો.
બીજો દિવસ, રોક્ષી સિનેમા પાસે મળી ગયા વજુભાઇ શુકલના પરમ સ્નેહિ ડો. શાસ્ત્રી. ઔપચારિક પરિચય કરાવતાં વજુભાઇએ કહ્યું: 'અહીંના નિસર્ગોપચારક -ડોક્ટર આ શાસ્ત્રી રઘુભાઇ.'
'અહો, રઘુભાઇ પી.શાસ્ત્રી. ઓળખું છું.' રઘુભાઇના હાથમાં હાથ મિલાવી હરિ બોલ્યો: 'આપ બજરંગ વ્યાયામ મંડળ ચલાવતા, ને હું, જામનગર ભણતો ત્યારે રોજ સવારે કસરત-કુસ્તી માટે આપના અખાડામાં આવતો, આપના શિષ્યને કદાચ આપ...'
એ કથન પૂરૂં થાય તે પહેલાં રઘુભાઇ બોલ્યા: 'ચાલો ત્યારે હરિભાઇ, તમે આજથી મારા મહેમાન અને દોસ્ત.'
'જુઓ ડોક્ટર'- વજુભાઇ ગંભીર ભાવે બોલ્યા: ' હરિલાલ કવિ છે. કવિ કરતાં વધુ તો લોકસાહિત્યના સંશોધક અને વાર્તાકાર છે, આપણે તેણે લખેલું એક મહાકાવ્ય પુરા ઠાઠથી સાંભળવાનો કાર્યક્રમ છે.'
ઊર્મિવશ ભાવે ડોક્ટર રઘુભાઇ બોલ્યા: 'અરે, આવા માણસને હું શોધતો જ હતો. મારે એનું ઘણું કામ છે. ચાલો, આપણે ત્યાં ડ્રીમલેન્ડમાં આવી જાઓ, જમવાનું મારે ઘેર વાલકેશ્વર.'
આટલી સહેલાઇથી વજુભાઈ આટલું બધું આપી- અપાવી શકે એવા પ્રભાવશાળી. હું સૌરાષ્ટ્રના એ 'જવાહર' સામે પ્રણિપાતભરી નજરે જોતો રહી ગયો. અને આપનારની ઉદારતા હરિને આવી બીજે તો ક્યાંથી મળી શકે?
બીજા દિવસથી હરિલાલ મુંબઇમાં ડો. રઘુભાઇનો કાયમી મહેમાન. ના, એનો સ્વજન બની રહ્યો. ડો. શાસ્ત્રીના પરિચય બહુ મોટા મોટા નેતાઓ, લક્ષ્મીનંદનો, વિદ્વાનો, દેશભક્તો, આદર્શઘેલા ગાંધીવાદીઓ અને સામ્યવાદીઓ બધાના પ્રિયપાત્ર ડો. રઘુભાઇ.
આગલા બુધવારે પાર્લાની એક શિક્ષણસંસ્થામાં લોકસાહિત્યની રજુઆત માટે હરિભાઇને આમંત્રણ આપવા શ્રી પોપટાણી આવ્યા. તે જ સાંજે હરિભાઇએ રઘુભાઇને ઘેર કાવ્યવાર્તાની રસરેલ રેલાવી. એકાએક ડોક્ટરને કાંઇ ખ્યાલ આવ્યો અને અમારો કાર્યક્રમ એમ જ રહેવા દઇ તેઓ હરિભાઇને નજીક રહેતા એક ધૂરિણ સાહિત્ય પારખુ શ્રીમંતને બંગલે લઇ ગયા.
'આ અમારા વાલકેશ્વરવાસીઓના મુરબ્બી શેઠશ્રી વડાભા.' ડોકટરે હરિભાઇને શેઠનો પરિચય આપ્યો. હરિભાઇએ કરેલા નમસ્કાર ઝીલી પ્રસન્ન અવાજે શેઠે ડોક્ટરને કહ્યું: 'જેવા તેવાને તો તમે મારે ત્યાં ન લાવો. બોલો શું કહેવું છે?'
'વડાભા, કૃપા કરી આપ, કાઠિયાવાડથી આવેલા - મુંબઇના અજાણ્યા - મારા આ મિત્ર હરિલાલ ઉપાધ્યાયને સાંભળો.'
'ખુશીથી સાંભળીશ.' અનંત પ્રભાવશીલ વડાભા શેઠે ફરમાવ્યું:
'હરિભાઇ કવિરાજા મહિકરણદાન અથવા કવિ ભૂખંડના કોઇ કાવ્યથી શરૂઆત કરે.'
'અરે વાહ, શેઠ સાહેબ તો પ્રમાણિત - ગૌરવભર્યા સાહિત્યના રસિયા છે ને શું' આનંદ ઉમળકો અનુભવી હરિભાઇએ મધુર અવાજે પહેલાં મહિકરણ - મહાકવિએ અકબર બાદશાહના દરબારમાં રજૂ કરેલી આ પંક્તિઓ લલકારી:
'પગાં નબળ પત શાહ,
જીભાં જશ બોલાં ઘણા...'
અને ભૂખંડનું એ અમર કાવ્ય: 'શિવાજી ન હોતે તો સુન્નત હોત સબ કી' સાંભળીને પ્રસન્ન થયેલા સાહિત્ય રસમર્મજ્ઞ વડાભા શેઠે રઘુભાઇને કહ્યું: 'સાચો હીરો લાવ્યા છો ડોક્ટર, બ્રાહ્મણ છે અને જો બ્રાહ્મણ સંસ્કારિતા સાચવી જાણ્યાની ખાતરી થશે તો હરિભાઇને મારો કુટુંબી માનીશ.'
શેઠજીને બંગલે મીઠું મન -મીઠાં મોં કરી રાત્રે એક વાગે તેમની વિદાય લઇ ઘેર જતાં રસ્તામાં રઘુભાઇએ કહ્યું: 'ચાલો, હરિભાઇ કામ થઇ ગયું. લો, શેઠે શુકનમાં પચાસ રૂપીયા આપ્યા છે. શુકન સ્વીકારી લો, અને આગળ વધો.'
|