લેખાંક : ૧૪ : ( સંત નરભેરામ બાપુએ કહ્યું: 'કાળભગવાન પડખું બદલે છે....!')
|
મોડે સુધી જાગવા છતાં, બીજા દિવસ શનિવારે આનંદભર્યાં ચિત્તે વહેલા જાગી ઉઠેલા હરિભાઇએ સ્નાનાદિ નિત્યકર્મ કરી લીધું. ધ્યાનકર્મ ન થાય તો ચેન પડે નહિ. ગામના વાતાવરણની અસર અળગી રાખી, બચપણથી હરિભાઇને ઇશ્વરી મહાશક્તિ માયા- સ્ત્રીજાતિ પ્રત્યે વિશેષ પ્રકારે ચાહના હતી. શહેરની સુઘડ કન્યાઓનાં પ્રસન્ન હાસ્યમાં અનેરી ઉત્સાહચેતના ખેંચતાં મન ધરાય નહીં. છતાં પોતે પોતાનાં જીવનની કઠોર વાસ્તવિકતા માટે સભાન હરિભાઇએ ભરતભાઇની વિદાય માગી: 'વરસાદ ઓછો થયો - હવે મારે ગામડે જવા દો.'
'ના, આજે તો નહીં. તમારા કંઠેથી તાન્યાકાવ્ય પૂરૂં સાંભળી લેવું છે અને આજનો દિવસ આનંદનો માની રોકાઇ જાવ.'
'ચાલો રોકાઇ ગયા.'
રાજકોટ ત્યારે મહાનગર નહોતું. આનંદપ્રમોદનાં સાધન તો ત્યાં મોટા શહેરની તાસીર કરતાં હતાં. સદર વિસ્તારમાં જરા ફરી આવ્યો. જમવાની તૈયારી હતી ત્યાં બહાર ગયેલા ભરતભાઇ ઉછળતે પગલે આવ્યા, હાથમાં રહેલો કાગળા ઉંચો કરી આનંદગળતા અવાજે બોલ્યા: 'હરિભાઇનું કામ થઇ ગયું. મુંબઇથી કાગળ છે; ત્યાંના સાહિત્યપ્રિય મિત્રો - પત્રકારો તાન્યાકાવ્ય ઉપર વારી ગયા છે અને એ કાવ્ય તેના લેખકને કંઠેથી સાંભળવા હરિભાઇને એણે તુરત મુંબઇ બોલાવ્યો છે.' કહી કાગળ એમના હાથમાં મૂક્યો.
'ચાલો ત્યારે હરિભાઇ તમે કરો મુંબઇ જવાની તૈયારી. તમારે જોઇતું બધું અહીંથી મળી જશે. બીજી વ્યવસ્થા પણ થઇ ચૂકી સમજો...આવતી કાલે બપોરની ગાડીમાં જ નીકળો.'
થોડીક્ષણોમાં ઘરસંસાર, વતનનું ગામડું, કુટુંબીઓ અને જીવનની વાસ્તવિકતા વિશે વિચાર કરી લેતાં હરિભાઇ બોલ્યા: 'એમ કરૂં - એક દિવસ ઘેર જઇ, પરમ દિવસે પાછો અહીં આવું તો?'
'કશો વાંધો નહીં.' ભરતભાઇનો આવો અનુકૂળ જવાબ સાંભળી, જમવાનું પરવારી હરિભાઇએ સ્ટેશને જઇ પડધરીની રેલગાડી પકડી, બે ત્રણ દિવસ પહેલાં જે ગાડીમાંથી ઉતરેલા નંદલાલભાઇએ ફોટોગ્રાફ આપ્યો હતો એ શુકનવંત રેલગાડીમાં હરિભાઇ બપોર પછી પડધરી તો પહોંચ્યો પણ ત્યાંથી વતનનું ગામડું પુરા બાર માઇલ દૂર, ને ઉપરથી વરસી રહેલો વરસાદ. સુભાગ્યે વતનનો સથવારો મળી ગયો. પણ વરસાદને કારણે બીજા દિવસની વહેલી સવારે જ પડધરીથી પોતાને ગામ જવા નીકળેલો હરિભાઇ વરસાદની ઝપટ, રસ્તામાં પડેલા વોંકળાના પાણીપુર - ભૂખ તરસનું ભાન ભૂલી, સથવારા સાથે ગારા-કિચડ ખૂંદતાં પાંચ કલાકે ગામના પાધરમાં પહોંચ્યા. છેલ્લી કસોટી: 'પાધરમાં ત્રિવેણીના ત્રણે વોંકળામાં પુર. 'હિંમતે મરદાં' કહી પાણીપુર પાર કરી ઘેર, ફઇબાએ દીકરાને ઝીલી લેતાં કહ્યું: 'મારા દીકરા, આવા અનરાધાર વરસાદમાં આવ્યો? બે દિ' રોકાઇ રહ્યો હોત તો....?'
'અવળી ખોપરીવાળા તે સમજતા હશે? હવે શરદી થાય તો સેવા કરનારાં ય છે ને? મા બબડ્યાં. મંગળાએ પતિના મુખ પરનો આનંદ જોઇ કહ્યું: 'રૂડા સમાચાર આપશો ને?'
'હા, આવતીકાલે હું મુંબઇ જવાનો છું. ભૂલેચૂકે ય કોઇને ખબર પડવા દેવી નથી.'
'અરે, ચાહે તેવો કડવો ઘૂંટડો પણ અમરત ગણી પી જઇશ, તમે મારી ચિંતા છોડી તમારૂં શરીર સંભાળજો.' ઓછાબોલી મારી સિંહણ થઇ હળવી ગર્જના કરી ઊઠી, પતિનાં અંતરમાં ઉછળતાં આનંદની ભાગીદારીએ એની સહનશીલતા વધુ દ્રઢ બનાવી.
સાંજ પડ્યે બેગમાંથી કાઢેલાં કપડાં હરિ થેલીમાં મૂકતો હતો ને માએ પૂછ્યું: 'શેની તૈયારી ચાલે છે?'
'બા, શ્રાવણ માસમાં જડેશ્વરની પૂજા કરવા જવાનું છે.'
'દખણા-બખણા જડશે કે પછી તારી વીસનોરી અમારા માથે પછાડતો જઇશ?'
'અરે બા દક્ષિણાની વાત શું કરી. માલંમાલ થઇ ગયા સમજોને!'
'તારું માલંમાલ એટલે પોલંપોલ. ઠીક, હવે જોઇશું કે કરમીપુતર શું ઉકાળીને આવે છે?' બાના આવા કટાક્ષ સામે મનમાં રમુજ અનુભવતાં હરિએ ફઇબાનો આશીર્વાદ લીધો. 'આજે તો વહેલું સૂઇ જવું છે. આવતી કાલે પરોઢમાં નીકળી જવાનું' ત્યાં તો નરભેરામ બાપુ પધાર્યાની વાત સાંભળી હરિ એમને મળવા દોડ્યો.
'સુભાગ્યનાં દ્વાર ઊઘડવામાં છે તારાં. માયાએ માંડેલા ખેલ જેવું જગત મોહના વાઘા સજી રહ્યું છે. મોહમાયાના ખેલની લોભામણી રંગભૂમિના આપણે પાત્ર બની ખેલ ભજવી રહ્યા છીએ ત્યારે, અંતરાત્માને પ્રકાશનું એક કિરણ મળે એટલી બારી ખુલ્લી રાખનારનો બેડો પાર. જો મોહમય આવેશમાં પોતાની જાત, મર્યાદાનું વિવેકભાન ભૂલાય તો જાણેલું બધું વૃથા. ભણેલી બધી વિદ્યા નકામી. ના, તારાં દિલમાં આતમારામે સંઘરેલાં ઝવેરાતનું મૂલ ઓછું નહીં થાય. મારા રામજી શાખ પુરે છે.'
સંત નરભેરામ બાપુની સંકેતસૂચક આ અમૃતવાણીનો પ્રત્યેક શબ્દ હરિનાં ચિત્ત ઉપર કંડારાઇ રહે છે. 'બાપુ, હજુ પણ કાંઇક વધુ કહો.'
'ઘણું કહ્યું. પાંચ મહાભૂત - મન, બુદ્ધિ અને અહંકાર - આ આઠ પ્રકારની પ્રકૃતિના દોર ઉપર નાચતાં-નાચતાં શરીર થાક્યું છે. જેમ શરીરને રોગ જેવા વિકાર તેમ જગતને કાળબળની અસરના ફેરફાર વેઠવા પડે છે. કાળભગવાન પડખું - પાસું બદલાવી રહ્યો છે. યાદ છે ને, સંવત ૧૯૯૫નાં બેસતાં વરસના દિવસે જીવરાજભાઇની બેઠક દુકાનમાં થયેલા અનુભવની વાત?'
'હા બાપુ, બરાબર યાદ છે. સાંજનાં ચાર વાગ્યાનો સમય. કારતક સુદી એકમ, દિવાળીના પર્વનો બીજો ને વરસનો પહેલો દિવસ. પર્વ તહેવારના આનંદ, લગ્નસમારંભ, આનંદપ્રમોદ, મધુર મિલન, અને પછી વિયોગ. બેટીની વિદાય જેવા પ્રસંગે ભારે થયેલું મન ચોક્કસ પ્રકારની અસર સંઘરતું હોય છે. આપે ઉચ્ચારેલું સત્ય મને બરાબર યાદ છે. તે દિવસે સાંજે ચાર વાગ્યાનો સમય, આદ્ય રામાયણ ગ્રંથમાં લક્ષ્મણના ત્યાગ અને હનુમાનજીની સેવાપરાયણતાનું કથાપાન કરાવી રહ્યા હતા એ જ વેળા ભારે ધરતીકંપ થયો. આંચકા લાગતાં આપણે ગભરાઇ ગયા અને તે પછી આપ સંત બોલ્યા:
'ભગવાન રામજીની ઇચ્છા. બેસતાં વરસના આજના દિવસે કાળદેવતા પોતાના આમુલ પરિવર્તનનો સંકેત આપી ગયા, જો જો આ વરસે દુકાળ ન પડે તો સારૂં. પણ સારૂં-ખરાબ કશું જ કાળને અડતું નથી. એ તો આંખો બંધ કરી દોડ્યો જ જાય છે. દુનિયાને ભીંસમાં લેતા મહાયુદ્ધના ઓળા, માણસનાં જીવતર અને કર્મમાંથી માણસાઇનું ધોવાણ - અરે આસુરી સ્વાર્થવૃત્તિ, એકલ સૂરાપણું, અહંતા, સત્તા, ખુમારી, વેરઝેર, કલેશ-કંકાશ, તોફાન-મારામારી અને બે બાબત એક વસતીનો, બીજો મોંઘવારીનો વધારો. આ બધાંના નશામાં ગાંડું થયેલું જગત ક્યાં ઘસડાઇ જશે એની કલ્પના યે લોહી થંભાવી દે છે. સંત-સાધુ પીડાશે. ધર્મકર્મના ઉપર મેલી બુદ્ધિનાં આવરણ ચડી જશે. અરે ભાઇ, ચેતવું હોય તો ચેતજો. સમય સાથે જગત અને જીવન બદલાઇ રહ્યું છે.'
સંત નરભેરામ બાપુએ ઉચ્ચારેલી ભવિષ્યવાણીનો આટલો અંશ કહેવા જેવો છે. હરિને યાદ છે - જાણી આનંદી ઊઠેલા બાપુએ તેના મસ્તક ઉપર ભાવપ્રેમળ હાથ ફેરવી કહ્યું: 'વાહ, બ્રાહ્મણપુત્ર, હવે આપણી વાત પુરી થઇ. બાકીનું વિચારી આચરણમાં મૂકવાનો પ્રયાસ કરતા રહેવું. સુખેથી જાઓ બેટા, ભગવાનની અપરાશક્તિ તારી સાથે છે.'
સંતબાપુએ જાણે મુંબઇ જવાની આજ્ઞા સાથે આશીર્વાદ આપ્યો. બાપુને નમસ્કાર કરી તેમની પાસેથી વિદાય લીધી, ત્યારે એ સંતના ચહેરા ઉપરના ભાવ આજે પણ હરિને યાદ છે.
ઘેર જઇ પત્ની સાથે મુંબઇ જવા બાબતે જરૂરી વાત કરી. વહેલી સવારે ચાર વાગ્યે ઊઠી, સ્નાનાદિ નિત્યકર્મ આટોપ્યું. પત્નીએ બનાવેલી ચા પીધી. બે જોડી કપડાં અને જોઇતી ચીજની થેલી ઉંચકી હરિએ પહેલીવાર - દૂરની મહાનગરી મંબઇ જવા પગે ચાલી પ્રસ્થાન કર્યું ત્યારે મોંસૂઝણું થયું નહોતું.
ગઇકાલે ભારે વરસાદ પડી જતાં આકાશ વાદળછાયું હતું. સ્ટેશન-હડમતીયા-આઠ માઇલ દૂર દોડતી ચાલે પહોંચી જવું છે. ગામબહાર નીકળી, ત્રિવેણી વોંકળો પાર કરતો હતો. ત્યાં સથવારો મળી ગયો. એ જુવાન આહિરના સથવારે રેવાળ ચાલે ડોગરા ગામ પાસેના કિનારે પહોંચ્યા. અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના પરમસિદ્ધ સંત જાગાસ્વામીનું ભવ્ય મંદિર હતું. તેની સામે માથું નમાવી બેઉએ નદી પાર કરી. રેલ્વે સ્ટેશન અઢી માઇલ દૂર હતું. ગુડ્ઝટ્રેનના ધુમાડા જોઇ આહિર જુવાને દોટ મૂકી આગળ નીકળી ગયો. જામનગર જવાની ગાડીને ય હજુ દોઢ કલાકની વાર હતી, વાંધો નહીં. એકલો ને રેલ્વે સ્ટેશન નજીક પહોંચતો હરિ વચ્ચે વહેતાં ઝરણાં પાસે આવ્યો, બરાબર એ જ વેળા પોટલી છોડી શિરામણ કરવા બેઠેલા અજાણ્યા ભાઇએ હરિને જોઇ કહ્યું: 'હાલો, ભાઇ રોટલા ખાવા.'-'અરે વાહ.' હરિએ એ અજાણ્યા ભાઇ પાસે જઇ તેણે આપેલો શુકનવંતો રોટલાનો ટુકડો શિરે ચડાવી તેને કાગળમાં બાંધી થેલીમાં મૂક્યો. આશ્ચર્ય થશે કે શુકનવંતા રોટલાનો એ ટુકડો પાંચ દાયકા સાચવી રાખ્યો છે. હવે તો રહ્યું છે માત્ર અવશેષ, પણ જગત તથા જીવનને પોષનાર એ અન્નદેવતા!
સવારને સાડાઆઠે હડમતીયા સ્ટેશને પહોંચેલા હરિ પાસે સત્તર રૂપીયાની મૂડી. દસરૂપીયા ને છ આના મુંબઇનું રેલભાડું. આજે તો રાજકોટની જ ટિકિટ લીધી. સાડાદસ વાગ્યે ગાડી આવી, રેલગાડીના મુસાફરોમાંના એક ભાઇએ હરિને રસપૂર્વક જોયાં કર્યો, વાતમાંથી વાત કાઢી એણે તેને પૂછ્યું: 'તમે ક્યા ગામના વતની?' જવાબ અપાયો: 'તમે ક્યા ગામના વતની?' જવાબ અપાયો: 'મેઘપુરના.' સામેથી ભાઇએ કહ્યું: 'એ ગામમાં એક હરિલાલ ઉપાધ્યાય રહે છે એને તમે ઓળખો?'
'લે કર વાત.' નવાઇમાં ગરકાવ હરિએ જવાબ આપતાં પહેલાં બારીબહાર જોયું.
|