લેખાંક : ૧૩ : ( સંત નરભેરામજીએ 'હરિ'ને આપેલા આશીર્વાદ ત્યારે યાદ આવ્યા)
|
બાપુના પગલે હરિના પિતાએ પ્રસ્થાન આરંભ્યું. લીવર કામ કરતું બંધ થયું. નબળાઈ પારાવાર. હસીને એ બોલ્યા: 'હરિ, હવે આટલા દિવસ તારે ઘેર રહેવાનું.' 'ભલે બાપુજી' હરિ બોલ્યો.
પિતાના ખાટલા પાસે બેસી હરિએ ગીતા પારાયણ - જે તેમને પ્રિય હતું - તે કરતાં વારંવાર એની સેવા - પગચંપી કરે. બે એકવાર પડધરીથી દવા લાવ્યો.
માતાપિતા કાંઇક મથામણમાં હતાં. શા માટે? ચાલ, એકાદ દિવસ દવા લેવાને બહાને ખસી જાઉં. હરિ પડધરી ગયો. પાછળથી માતાની સલાહ પ્રમાણે પિતાએ ઘરનું સર્વસ્વ - પટારા-ચોપડા વગેરે નાનાને સોંપ્યું હશે. માએ હરિને મનાવવા કહ્યું: 'તારા બાપુજી પાસે સોંપવા જેવું બીજું શું હોય? અને વહેવારની જવાબદારી પણ મેં ઉપાડી લીધી.'
'બા, એ તો જે હોય તે. મારે કશું જોઇતું નથી - નથી મોટાઇ જોઇતી કે નથી માન જોઇતું. ભગવાને સોંપેલું નશીબ જ મારે મન ઘણું છે. બીજી વાત છોડો અને મારા તપસ્વી પિતાના અંતકાળનો અવસર સાચવી લો.'
જેના મનમાં હરિ અક્કરમી હોવાનો વહેમ પેસાડી દીધેલો એવો એ છોકરો તેની પત્ની સહિત વીસ દિવસ સુધી પિતાની સેવામાં રાતદિન ખડે પગે રહ્યો.
ફાગણ સુદી દશમીની પડતી રાતે પિતાની બીમારી વધી. ગામના સ્નેહી નરસીભાઇ તથા મગનકાકા દોડતા આવ્યા. થોડીવારની બેશુદ્ધિ પછી ભાનમાં આવેલા પિતાએ બારીની બહાર જોઇ કહ્યું: ' વિંછીડો ઉગીને સમો થાય છે - ઘણી રાત બાકી છે.'
'હા, બાપુજી. હવે તમે થોડી ચા પીશો?'
'લે, નરસી અને મગનભાઇ આવ્યા છે. બધાં માટે ચા બનાવો, હું પણ પીશ.' ચા પીવાઇ અને પિતાએ ધીમા અવાજે હરિને કહ્યું: 'મારાથી કાંઇપણ કુકર્મ થયાંનું યાદ નથી દીકરા. ભગવાનનું ભજન ન થાય તેનું કાઈ નહિ, પણ નીતિધરમ ચૂકશો નહિ તો ઇશ્વર ભલું કરશે. મને કોઇ બાબતનો પસ્તાવો નથી એટલે મૃત્યુ આવે તેની બીક નથી.'
હરિએ ગીતાપાઠ પૂરો કરી 'ચર્પટપંજરિકા' સ્તોત્ર ગાયું.
ધ્યાનમગ્ન પિતાએ રાતના ત્રણેક વાગે કહ્યું: 'હવે મને ઘરમાં મારી પૂજાના સ્થાન પાસે લઇ જાઓ.'
અમોએ આજ્ઞાનું પાલન કર્યું. પિતાની પૂજ્ય દેવસેવાના સિંહાસન પાસે ઘીનો દીવો-અગરબત્તી પેટાવી. ફરીથી મેં ગીતાજીના પુરૂષોત્તમયોગનું પારાયણ કર્યું. પિતાના મુખમાંથી 'ૐ નમ: શિવાય'નો મંત્રજાપ રટાતો સંભળાયો.
એકાએક એણે જમણો હાથ ઉંચો કર્યો:, મેં એના ચરણોમાં માથું મૂકી આરજુભાવે ક્ષમા પ્રાર્થતાં કહ્યું: 'પિતાજી, મેં આપના ઘણાય અપરાધ કર્યા. તમે મારા ઉપર અનેક ઉપકાર કર્યા. મારા અપરાધને ક્ષમા કરી આશીર્વાદ આપો.'
'વાહ બેટા, ખૂબ સુખી થઇશ. મારા આશીર્વાદ છે.' એમ બોલતાં એણે મારા માથાં ઉપર હાથ ફેરવ્યો. બધાંઓને રૂદન કાબુમાં રાખવાની સૂચના અપાય અને બધાંએ પિતાનાં ચરણોમાં વંદન કરી આશીર્વાદ લીધા.
એ જ વખતે પિતાએ જેની અપાર સેવા કરેલી એવી અમારી માધવી ગાયે જોરથી ભાંભરડો સંભળાવ્યો. પિતા ગૌભક્ત હતા. મેં દોડી જઇ માધવી ઉપર હાથ ફેરવ્યો, ને તેને શાંત કરીને ઘરમાં પાછા ફરી -'શરણં તરુણેન્દુ શેખર' સ્તુતિમંત્રો શરૂ કર્યા. પિતાજીનો મંત્રજાપ તો ચાલુ હતો. શ્વાસ ધીમો પડતો જોઇ, મેં અને બધાયે પિતાજીને ગંગાજળ પાયું. દૂધ, દહીં, સાકર, મધ, ઘીનું પંચામૃત પાતાં હતાં એ જ વેળાએ આકાશમાં ઘુરઘુરાટી સંભળાઈ. એકવાર આંગણા સુધી આવેલો એ અવાજ તુરત પાછો ફરી ગયો, અને એ જ ક્ષણે શિવસ્મરણ કરતાં પિતા -જાદવજી મૂળજી ઉપાધ્યાયે ફાગણ સુદી અગીઆરસના પવિત્ર પ્રભાતે દેહ છોડ્યો.
તોફાને ચડેલી ગાયને છૂટી મૂકતાં બધાંના આશ્ચર્ય વચ્ચે ઘરમાં આવી માધવીએ પિતાના મૃતદેહ ફરતો આંટો માર્યો ને ભાંભરડો પાડતી એ પાછી ફરી ગઇ.
સાક્ષાત સ્વરૂપે દર્શન આપી ગયેલાં સત્યને આ શબ્દોમાં સ્તવી રહ્યો છું. 'જીવન સાથે જડાએલા યોગની આ ગાથા ગામડાંના આ ગરીબ બ્રાહ્મણના ઘરમાં ઉદ્દ્ભવી - જે ભૂલાય એવી નથી ને શ્રદ્ધાળુજનને પ્રેરણા આપનારી છે. જેનાં કલ્યાણ માટે જીવનભર સખત પરિશ્રમનો યજ્ઞ કરનાર તપસ્વી બેન - 'હરિનાં ફઇબા' - દયાબેને પોતાના બીજા ભાઇને વસમીવાટે વળાવતાં રૂદન કર્યું. દુ:ખી હોવાનો ભૂલેલો ભૂતકાળ, જીવન સાથેનું સત્ય યાદ આવતાં એ શક્તિસ્વરૂપા તપસ્વીની તૂટી પડી. હરિએ એનાં ચરણોમાં પોતાનો દેહ મૂકી વિનવ્યાં:' ફઇબા, હું તમારો પુત્ર જીવનભર તમારી સેવા કરીશ. આશીર્વાદ આપો અને શાંત થઇ જાવ.'
સહનશિલ ફઇબા દુ:ખનો ઘૂંટડો ગળી જઇ બોલ્યાં: 'ચાલો, ભગવાને ધાર્યું થયું. હું અભાગણી જન્મદુ:ખી - જરાદુ:ખી હવે તો હરિભજન કરી આ સંસાર ભૂલી જાઉં.'
પિતાની અંત્યેષ્ઠિવેળા ગામનાં સેંકડો માણસ, ભોળા-ભાવુક દરબાર પવિત્ર બ્રાહ્મણ ખોઇ બેઠાંના પરિતાપથી દિલગીર થયાં.
પિતાજીની સ્મશાનયાત્રા ગામના ઝાંપા બહાર નીકળી અને પિતાની ધર્મમાતા માધવી ગાય દોડતી આવી છેક સ્મશાન સુધી, અને તે પછી વિનંતી કરી માતાજીને પાછા ફરવાનું કહ્યું. દરબાર લધુભા ગોપાળજી ગાયને ગોધણમાં પાછા મૂકી આવ્યા.
પિતાની ઉત્તરક્રિયા દરમ્યાન જ ઘરનાંઓનો સંકેત પામી ગયેલા હરિએ માનસિક તૈયારી કરી લીધી. અંતરમાં આનંદ હતો, 'હવે અહીં આપણા માટે સ્થાન નથી.'
'ભલે.' પત્ની મંગળા બોલી: ' તમે અહીંથી જ્યાં જશો ત્યાં તમારી વાહવાહ બોલાશે. મારી ચિંતા ન કરશો. તમારા મનનું દુ:ખ જાણીને મને શું થતું હશે. પણ હવે કરી બતાવવાની જ વાત છે.'
'શાબાશ, ગામડામાં ઉછરેલી અભણ સ્ત્રી, તને ધન્ય છે.'
પિતાનો અવરોધ રહ્યો નથી. પરણેલા છતાં હરિનો ઘર વહેવારમાં કોઇ અવાજ નથી. પ્રભુએ જ એને છૂટો રાખ્યો છે. ગામડાંમાંથી ઉડઉડ થતાં એનાં મનમાં વિચારોની ઘડભાંગ છે. ક્યાં જવું? ગોઠવાઈ જવાનો ખ્યાલ નજર સામે રાખવો. હા, લાગવગ કહો કે આશાનો દોર મળી જવામાં છે.
તારીખ બીજી જુલાઇએ હરિને મુંબઇથી કાગળ મળ્યો. મિત્ર જમનાદાસ અંબાસણાનો, લખે છે: 'મને ટેકનિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. કાકાને ત્યાં રહું છું. મુંબઇનો અજાણ્યો છું, જરા જામવા દો, પછી તમને બોલાવી લેવાનો નિર્ણય મનમાં ઘૂંટી રહ્યો છું.'
ચાલો વધારાનું શુભ શુકન!
અને તે સાંજે ખીજડિયા થઇ આવતા ટપાલી રૂપદાસમામાએ સમાચાર આપ્યા: 'ખીજડિયેથી મણિભાઇ-મામાએ કહેવરાવ્યું છે કે રાજકોટ સોનીને ત્યાંનું કામ હોવાથી મોટા ભનુ - હરિને તુરત મોકલો.'
માએ ઉછળીને આજ્ઞા કરી: 'આવતી કાલે તારે -હરિને- ખીજડિયે જવાનું છે. મારા ભાઇ કોણ જાણે એમાં શું જોઇ ગયા છે. જોખમ પણ એ તને સોંપે.'
વરસાદી દિવસ, સવારે નહીં ને બપોરે ઉઘાડ દેખાતાં હરિ પગે ચાલી ખીજડિયે જઇ રહ્યો હતો. રસ્તામાં અંતરિયાળ જ્યાં પાંચ પેઢી પહેલાંના વડવાએ અઢળક સંપત્તિ દાટ્યાની દંતકથા છે, તે જગ્યા નજીક પહોંચતા દૂર દૂરથી હારમોનિયમ વાગતું હોવાનો ભણકાર સંભળાયો. છેક કાળીધાર સુધી એ જ ભણકાર. હા, ગઇ રાતે રામલીલા જોયેલી - ઉજાગરાને લઇ માથું ધમધમતું હોય તે પણ બને.
ખીજડિયે ગયો, મામાએ કહ્યું: 'આવતી કાલે મારી સાથે તારે રાજકોટ આવવાનું. ભલે, બીજા દિવસે મામાભાણેજ ભર વરસતા વરસાદમાં - પગેચાલતા રાજકોટ જવા નીકળ્યા. નજીકના પડધરીથી રેલગાડી પકડવાની હતી. રસ્તામાં ગામેગામ ભવાઇ-ખેલ કરનાર તરગાળા મંડળ' મળ્યું. ભાથી-ડાગલા-નું પાત્ર ભજવનારે તુક્કા લગાવી હાસ્યરસ રેલાવ્યો. પડધરી સ્ટેશનમાં રાજકોટથી આવતા નંદલાલભાઈ નામના સ્નેહીએ મળી હરિને તેનો ફોટોગ્રાફ આપ્યો, ને તે સાથે વજુભાઇએ મોકલાવેલ શુભ સમાચાર આપ્યા.
રાજકોટ પહોંચી પોતાનું કામ પત્યાં પછી મામાએ તેની આદત પ્રમાણે હરિનું કહ્યું: 'હવે તું છૂટો. જવું હોય ત્યાં જઇ શકે છે.' મામાની સ્વાર્થપરાયણતા પચાવી ગયેલો હરિ રાત્રી પાર કરવા વજુભાઇને ત્યાં ગયો. તેઓ પોતે આજે જ મુંબઇ ગયાનું જણાવી તેમનાં પત્ની જયાબેન અને પુત્ર ભરતે ઉષ્માભર્યા આવકાર સાથે રોક્યો. તાન્યા કાવ્યની વાત થઇ. બે એક માસનો સમય લઇ - ઝુલણા સારસી છંદોમાં હરિએ પાંચસો પંક્તિનું કાવ્ય લખી જોવા માટે નર્મદને મોકલેલું અને એ કાવ્ય ક્યારનું યે મુંબઇ - નવી રોશની- પત્રને મોકલાઇ ગયાંનું જણાવી ભરતભાઇએ તેનો પ્રોત્સાહક પ્રતિભાવ જણાવ્યો. ભરતભાઇના કુટંબીઓ અને બીજા રસજ્ઞ શ્રોતાઓ વચ્ચે હરિભાઇ ખીલ્યા. બુલંદ કંઠે તાન્યા કાવ્યની રજૂઆતે પાડોશીઓને ખેંચ્યાં. લોકકથાઓ અને કાવ્યોની સૃષ્ટિમાંથી ઘણો સંચય કરી આવેલા હરિભાઇની રસવાણી ઉપર મુગ્ધ થયેલા એક વકીલસાહેબે: 'ગુજરાતને બીજા મેઘાણી મળી રહ્યાં'નો પોરસ વ્યક્ત કર્યો.
ઉત્સાહ, આત્મવિશ્વાસ અને આનંદની દુનિયામાં હરિભાઇનો આ પ્રથમ પ્રવેશ. આશાની સફળતાનો વિચાર કરતા હરિભાઇને પિતાનાં પુણ્યમય જીવનનો પ્રતાપ અને સંત નરભેરામ બાપુએ ઉચ્ચારેલી આશીર્વાદયુક્ત ભવિષ્યવાણી યાદ આવ્યાં.
મોડી રાતે રાજકોટમાં સૂતી વેળા - પેલી યાદગાર રાતે જેનું અદ્ભત મિલન થયેલું એ સંત નરભેરામજી યાદ આવ્યા. સત્યયુગના સાક્ષાત્કાર જેવા એ આત્મદ્રષ્ટા સાધુએ -બાલ્યવયના હરિને- ભાવિજીવનના યોગ વિશે સંકેત આપ્યા હતા. એની વાણી સાચી ઠરવાની ખાત્રી મળ્યાંનો આનંદ, બીજાં પણ અનેક માધ્યમથી તત્કાલીન જીવન અને જગત વિશે પ્રમાણભૂત સંકેત આપી કહેલું: 'તું મોક્ષાર્થી આત્મા છો. તને અધિકારી જાણી આ કહ્યું - જે રહસ્ય બીજાં કોઇને જણાવવાની જરૂર નથી. જોયાં કરજે તારાં જીવનમાં જે બને તે અનાસક્તભાવે - પ્રેક્ષક બની જોયાં કરીશ તો તે આનંદ અજબ હશે.'
ચાલો આવતીકાલની આશા સાથે આગળ વધીએ.
|