લેખાંક : ૨૭ : (જેમાં લેખક - હરિલાલની 'યોગમંજરી' સાક્ષી રૂપે મહેકી ઉઠે છે)
|
પૂર્વજન્મનાં ઋણાનુબંધ - એટલે કે લેણદેણની અસર અને સંચિતકર્મ અનુસાર ભાગ્યયોગ રહસ્યમય હોય છે. માનવીના જીવન સાથે જડાએલા ભાગ્યયોગ -જેને 'સિદ્ધપ્રારબ્ધ' નામ અપાયું છે - તેને ભોગવ્યા વિના છૂટકો નથી. આમ તો ઇચ્છા કે અનિચ્છાએ માણસ પોતાનાં સંચિતકર્મનું ફળ ભોગવતો રહે છે, જે તેના હાથની વાત નથી.
વિશેષ શક્તિઓ સાથે અસાધારણ ભાગ્યયોગ લઇને જન્મેલ માનવી 'ઉગ્રભાગી' હોય છે, અને તે ભાગ્યયોગની અસર તેના જીવનકાર્યમાં અહોભાવજનક અસર ઉપજાવી રહે છે. જયપરાજય, સુખદુ:ખ - એ જન્મ-મરણની જેમ અપરિહાર્ય વસ્તુ છે. તેને ભોગવનાર વ્યક્તિ જ્ઞાન - દ્રષ્ટિવાળી હોય તો એ પોતાના આત્માને અધ:પાતમાંથી ઉગારી અખંડ આનંદ આપનારી ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જવાનો ઉદ્યમ કરે છે.
જન્મ ધારણ કરનાર દરેક જીવાત્માનાં મન, બુદ્ધિ તથા જીવનકાર્યમાં અમુક વિશેષતા તો હોય છે. માનવીનો ચિન્મય આત્મા અનંત શક્તિઓના ભંડાર જેવો હોય છે. બુદ્ધિની જડ નિષ્ઠુરતા આત્માની શક્તિઓને મૂર્છાવશ હાલતમાં દે છે. જ્યારે જ્ઞાનપ્રકાશનો લાભ પામવાનો યોગ લઇને આવેલો માનવી પોતે સર્વમય છે. અનંત બ્રહ્માંડોની સમગ્ર ચેતનાથી પોતે જુદો નથી, અને પોતાના આત્મભાવમાં સર્વસ્વનાં દર્શન કરે છે. પોતે કોણ છે ને પોતાનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે તેનું એ સતતપણે નિરીક્ષણ કરતો રહે છે.
હરિભાઇએ અનુભવેલાં જીવન પરિવર્તનનાં આશ્ચર્યોની ઝલક જોઇએ. અરધી સદી પહેલાં એક રૂપીઆનું સાડાત્રણશેર - લગભગ પોણા બે કિલો ઘી, દોઢ આના (આજનું દસીયું)થી બે આને શેર તેલ, આઠ આને મણ જુવાર, બાર આને મણ બાજરો બજારમાં છૂટથી મળતાં. ચીજવસ્તુઓની આ સસ્તાઇથી જનજીવન નિશ્ચિંત છતાં વપરાશની વસ્તુઓમાં કરકસરથી જીવન બિલકુલ સાદું અને સંયમી બની રહેતું. ચીજવસ્તુઓની આવી સસ્તાઇ સામે 'માનવી' પોતે મોંઘો - એનું જીવન શાંત અને સુરક્ષિત, રાત-દિવસના કોઇ પણ સમયે અને કોઇ પણ સ્થળે એકલા પડેલા માણસને કોઇ જાતનો ભય નહોતો.
એ સમયે સમગ્ર ભારતની કુલ વસ્તી તેત્રીશ કરોડથી ય ઓછી હતી. પાંચ હજારની વસ્તીવાળાં ગામની ગણતરી ત્યારે શહેરમાં થતી. માણસો ઓછાં અને કુટુમ્બો બહુ નાનાં -કેટલાંક તો પોતાની વંશવેલીનો આધાર - પોતાના કુળના વારસદાર બાળક માટે જાતજાતની બાધા રાખતાં.
જીવનમાં સદાચરણ, ધર્મપાલન અને નીતિનાં મૂલ્યની ત્યારે પ્રતિષ્ઠા હતી. પ્રેમ, વિશ્વાસ અને વચનપાલન એ વખતનાં માનવીની મોંઘેરી આકાંક્ષા ગણાતી. હા, તે વેળા નારીજીવન ઘરના એક અંધારા ખૂણામાં - કરૂણાજનક રીતે કચડાએલું હતું. સમગ્ર જગતની આધારભૂતા એવી નારી જીવનના સામાન્ય હક્કોથી વંચિત હતી, છતાં તેની સામે સ્ત્રી-દાક્ષિણ્યની ભાવના પણ એટલી જ પ્રબળ હતી.
ખેડૂત અને શ્રમજીવી લોકોની યુવાન વહુ-બેટીઓ સીમ શેઢે એકલી પણ નિર્ભયતાથી કામ કરી શકતી. માત્ર પોતાના કુટુંબની જ નહિ, પણ ગામની દીકરી - પુરૂષોને બેન -બેટી જેવી હતી. કન્યાઓ પણ લજ્જાળુ, સંયમી અને સેવાભાવી હતી. ત્યારની નોંધવા જેવી વાત તો ચારિત્ર્યશુદ્ધિની હતી. આજની દુનિયા ન માને એ રીતે - એ વેળાની ગામડાંની નિષ્પાપ - નિર્દોષ પુત્રીઓ મોટી વય સુધી સ્ત્રીધર્મથી અલિપ્ત રહેતી. કિશોરવયનાં છોકરાં - છોકરીઓ નદી અને તળાવમાં લગભગ નિ:વસ્ત્ર હાલતમાં ન્હાતા જોવામાં આવતાં.
મનની આ સંયમ - પવિત્રતા તેનાં શરીરસ્વાસ્થ્ય અને મનોબળ જાળવવામાં ભારે અસરકારક બની રહેતી. ખાસ કરીને ગામડાંમાં જીવલેણ બિમારીનું પ્રમાણ બહુ ઓછું હતું, અને ત્યારનાં ખડતલ શરીરમાં બિમારીનો પ્રતિકાર કરવાની શક્તિ વિપુલ હતી.
આઝાદી મળ્યા પહેલાં તો મુંબઇ જેવા મહાનગરનું જનજીવન પણ અનેક રીતે સુખસંતોષ, શાંતિ અને પ્રેમભરપૂર હતું. સંકટમાં મૂકાયેલાંઓને મદદ કરનારાં મળી રહેતાં. અમુક સંજોગોમાં તો જીવને જોખમે પણ સંકટગ્રસ્તોને મદદ કરવામાં ત્યારે જીવનધર્મ અદા કર્યાનો સંતોષ મનાતો. લોકો પાસે નાણાંની છત ન્હોતી અને ખર્ચ પણ પ્રમાણમાં ઓછો હતો, અને કર-વેરાનું ભારણ એટલું બધું ન્હોતું એટલે વેપાર-વિનિમયનું ધોરણ સ્વચ્છ હતું. ભ્રષ્ટાચાર ન્હોતો - એમ કહી શકાય નહિ - પણ 'ભ્રષ્ટાચારમયં ભારત' એટલી હદે તેનું પ્રમાણ પહોંચ્યું ન્હોતું.
આજે તો બધું જ વધ્યું છે. માણસની વસ્તી વધી છે. કુદરતી નિયમ પ્રમાણે જથ્થો વધે ત્યારે એનું મૂલ્ય ઘટે છે. પોતાના જીવન સાથે જડાએલા ભાગ્યયોગની ઝલક આપતાં જીવનક્રમ સાથે સરજાયેલી ઘટનાઓ અને દરેક દાયકામાં પ્રગટેલાં આંદોલનોનું વર્ણન કરતી આ લેખમાળા હરિલાલની આત્મકથા જેવી લાગે ખરી - પરંતુ સમકાલીન જીવનની અનાસક્તિભાવે સાક્ષી આપવા સિવાય તેનો વિશેષ હેતુ માત્ર જીવન માંગલ્યની ભાવના પૂરતો જ છે.
*
પોતાના ભાગ્યયોગના આભાસનાં માધ્યમ વડે જીવનનાં સુખ-દુ:ખ, અંધારાં-અજવાળાં, જીવનની ખૂબી અને ખામીઓ તેમજ જીવન સાથે જડાએલાં અંદર - બહારનાં સત્યો, શરીર અને મનની ક્રિયાશક્તિનો પરિચય કરાવવાની સુગમતા આપનારાં સહાયક પરિબળોને નતમસ્તકે આભાર માનતો હરિલાલ એકદિવસની અજવાળી રાતે જુનાગઢમાં - 'કિસ્મત'ના તંત્રી, અને ભાઈ કરતાં ય વધુ ભાવાર્થી - ઉષાકાન્તભાઇ પંડ્યા સાથે કુશળ વાતોનો આનંદ માણી રહ્યો હતો.
તંત્રી અને લેખકનો પહેલો પરિચય એક વિદ્વાન દ્વારા પામી - ગાઢ મિત્રો બની રહેલા ઉષાકાન્તભાઇ અને હરિલાલના ગ્રહયોગમાં સરખાપણાની અસરકારક ભૂમિકા હતી. આમ તો ભાગ્યયોગ કોઈના સમાન હોતા નથી - છતાંય જીવન અને કર્મમાં આપમેળે અભિવ્યક્ત થયેલી યજ્ઞમયતામાં સામ્યનો આભાસ સાંપડતો હતો.
નવેક વરસ પહેલાંના એક પ્રસંગની વાત છે. વાતવાતમાં ઉષાકાન્તભાઇ બોલ્યા: 'કિસ્મત'ના પાંચસો અંક મારી હયાતીમાં પ્રગટ કરવાની ઇચ્છા છે. 'કિસ્મત'ની સ્થાપના સમયે જ કદાચ - આ ઇચ્છા અમૂર્ત રૂપે મારા મનમાં ઘર કરી ગઇ હોય. આમ તો અગમ્ય વિષયોનું સામયિક પ્રગટ કરતી વખતે જ ઘણાઓએ - એને સાહસ લેખાવ્યું હતું. એ વખતે ગુજરાતી અખબારો જ્યોતિષમાં આજ જેટલી શ્રદ્ધા રાખતાં નહોતાં. આ સિવાય બીજી ઘણી બાબતો અંગે- કપરૂં ચઢાણ 'કિસ્મત' પ્રગટ થયું અને ચાલ્યું. લેખો મેળવવા માટે કરેલા પ્રયાસને વાંચકોએ દાદ આપી. એ બધી લાંબી વાતો જવા દઇ- આઠ દાયકા પૂરાં થતાં -એટલી જ ઇચ્છા છે, કે મારે હાથે 'કિસ્મત'ના એકાવનમાં વરસનો પહેલો અંક પ્રગટ થાય તો પ્રભુની કૃપા.'
ભાઇએ કહેલી વાત સાંભળી હરિલાલ બોલ્યો હતો: 'આપને ધન્યવાદ કે મને આનંદ આપતી આ વાત કરી. ખાનગીમાં હું જ્યોતિષી છું. આપ 'કિસ્મત'ના છસોથી પણ વધુ અંકો પ્રગટ કરી શકશો.'
ઉત્સાહ અને આત્મવિશ્વાસથી મેં કહેલાં વાક્યો અંગે વિચારમાં પડી ગયા હોય તેમ ઉષાકાન્તભાઇ મારી સામે જોતા રહ્યા.
હરિલાલ એ જ ઉત્સાહથી બોલ્યો: 'ભાઇ, મેં કહેલું આ આપણા બેઉનું 'સિદ્ધ પ્રારબ્ધ' છે.
'જોઇએ' - ઉષાકાન્તભાઇ બોલ્યા હતા અને પછી ચૂપ રહ્યા હતા.
આ વાતને ચાર વરસનો ગાળો વીતી ગયો છે. એ વખતે જ હરિલાલના મનમાં - 'યોગમંજરી' - સ્ફૂરી હતી. જીવનને સ્પર્શતી અનેકવિધ બાબતો ઉપરાંત મનોસૃષ્ટિમાં આપમેળે પ્રગટતાં અસાધારણ અને અનિર્વચનીય આંદોલનો અને સંકેતોમાં ભાગ્યના યોગ જ ભાવ ભજવતા હોય છે. એ યોગ તેના નિર્ધારિત સમયે આપમેળે પોતાની અસર સરજાવે છે, અને જીવનનો ઘણોખરો ભાગ ઘણાઓ સંઘર્ષમાં પસાર કરે છે, પણ આવા જાતકો ઓછા ભાગ્યશાળી નથી - કારણકે કસોટીઓ જ માનવીના અંતરનું લોચન - એટલે કે હ્રદયચક્ષુ ખોલી શકે છે - એની સહાયતા વગર આંતરચક્ષુ ઉઘડી શકતાં નથી.
સુખદુ:ખ, ખોટ-વટાવ, માન-અપમાન અને મનમાં પ્રગટતાં ઇચ્છા -આકાંક્ષાઓનાં બધાં જ ઉપાલંભો એક બાજુ રાખી - પોતાના આત્મતત્વની ખોજ સાથે આ લેખકે - સાક્ષીરૂપે લખેલી આ લેખમાળા - 'યોગમંજરી'ને મહેકાવવાની તક આપનાર 'કિસ્મત'ના તંત્રી તથા તેના વિશાળ વાચકસમૂહ પ્રત્યે ધન્યવાદ સાથે આભારની લાગણી વ્યક્ત કરતાં લેખક - હરિલાલ ઉપાધ્યાયના મનમાં આ સૂત્રનો ધ્વનિ સંભળાઇ ઉઠે છે: 'આનંદેન જાતાનિ જીવન્તી.'
|