લેખાંક : ૧ :: અગમનિગમના જાણકાર જાનકીદાસ બાપુએ જક્ષણી બાબતમાં શું કહ્યું હતું?
|
પડધરીના બ્રાહ્મણકુળનો રોમાંચપ્રેરક ઇતિહાસ અહીં અપાય છે.
વિક્રમની ગઇ સદીમાંની એક્યાશી સાલની એ અવિસ્મરણીય રાતે આઠ નવ વરસના કિશોરના હ્રદયાકાશમાં નવી તેજરેખા અંકાઇ ગઇ. આજે છ દાયકાનાં થોકબંધ વરસ વીતી ગયાં. આટલી લાંબી જીવનવાટમાં કેટલું બધું બની ગયું - કેટલું બધું જોયું, જાણ્યું અને કેટલું બધું અનુભવ્યું?!
તેમાંનું કેટલું નકામું ભૂલાયું. કામ લાગે એવું આપમેળે યાદ રહી ગયું. જેનો શબ્દદેહ મહાપુરાણ જેવડા પુસ્તકનું રૂપ ધારણ કરી શકે. તેમાં લખાએલી વિગતો વાંચનારને રસપ્રદ ભાસે, શ્રદ્ધા઼ળુ-જિ઼જ્ઞાસુઓનાં જીવનપંથે તેની કદરદાની કે શ્રદ્ધા પ્રમાણે માર્ગદર્શક સ્થંભ પણ બની શકે.
પેલી એ રાત સંબંધકર્તા કિશોરનાં જીવનમાં જ્ઞાન-સમજદારીની નવપ્રેરણા આપતું પ્રભાત ગણી લેવાય તો યે વાંધો ન ગણાય. કિશોરનાં ગરીબ માબાપ આગલાં વરસના ભાદરવા માસમાં કુટુંબના સ્થંભ જેવા કરમી-કમાઉ અને ખ્યાતિ ધરાવનારા વડીલને ગુમાવી વધુ ગરીબ, વધુ નિ:સહાય બન્યાં હતાં. મૂળ તો દોઢસો વરસ પહેલાં મોટા ખીજડિયા ગામેથી મકાજી-બાપુના પુત્રો - જેઓ ગામધણી હતા - તેનાં ભાવભર્યાં આમંત્રણથી પ્રેરાઈ મેઘપુર ગામે સ્થળાંતર કરીને ત્યાં સ્થિર થયેલા.
ધ્રોળ રાજ્યના ફટાયા કુમાર મકનજી-મકાજી-બાપુના કરમીવટવાળાં પાંચ કુંવર, મોટા અલિયાજી વિસામણ ગામ લઈ, ત્યાં જઇને રહ્યા. બાકીના ચારમાં જિયાજીબાપુ મેઘપુર ગામના આગેવાન જાગીરદાર, ગામનો જૂનો એ'ટીંબો' ત્યારે અઢારમી સદીની અરાજકતા હેઠળ બિસ્માર હાલતમાં પડેલો અને જિયાજીબાપુએ ખીજડિયાથી લાવેલા બ્રાહ્મણભાઇઓ - દયાળજી મોરારજી અને ખોખા ઉપાધ્યાયને પોતાના પુરોહિત તરીકે આગળ રાખી, મેઘપુર ગામને તોરણ બંધાવી તેને આબાદ કરવાના ગણેશ માંડ્યા.
મેઘપુર ગામ અને ત્યાં આવી વસેલાં ઉપાધ્યાય બ્રાહ્મણનાં કુળ તથા લોહાણા, કણબી, વાણંદ, સુથાર, કુંભાર જેવાં અન્ય કુટુંબોના આગમનનો ઇતિહાસ તો છે. બ્રાહ્મણકુળના ખોખા ઉપાધ્યાય ખીજડિયામાં અઢળક સંપત્તિના સ્વામી, જેને સદેહે લક્ષ્મી વરેલાં કહેવાય છે. અઢળક કહી શકાય એટલું ધન ખરચી ખોખા ઉપાધ્યાયે ખીજડિયામાં બે વાવ અને એક બે શિવમંદિર બંધાવેલાં. કદાચ અઢળક લક્ષ્મીના માલિક હોવાને કારણે જ ઉપાધ્યાય કુળને નિર્ભયસ્થળે - મેઘપુર જઇ રહેવું જરૂરી લાગ્યું હોય.
એ કુળના રોમાંચ પ્રેરક ઇતિહાસ - જેની સાથે સંપત્તિનાં સુખદુ:ખ જડાએલાં હતાં તે વિગતોનાં પ્રકરણ યથા સમયે અંકિત કરતાં પહેલાં તેના લેખક - જે સાઠ વરસ પહેલાં કિશોરાવસ્થામાં હતો, તે પેલી રાતને યાદ કરીને પોતાનાં કથનની શરૂઆત કરે છે.
જેઠ મહીનાના લાંબા-ખાઉં-ખાઉં કરતા ગરમ દિવસોમાં એ કિશોર પડધરી કસબામાં ગુજરાતી પહેલાં ધોરણમાં અભ્યાસ કરે. વિધવા-જીવનવિધાત્રી-ફઇબા ત્યાં રહી પોતાના એ બે ભત્રીજાને વિદ્યાભ્યાસ કરાવે. જેઠ માસના એ દિવસે મેઘપુરથી સમાચાર મળ્યા - 'કપાશિયા લાવવા માટે પિતાને જોડીયા બંદર જવાનું હોવાથી મોટા- હરિ-ને મેઘપુર મોકલો.'
હરિ પગે ચાલી બપોર બાદ મેઘપુર માતા પાસે આવ્યો. મા ઘેર એકલી. દરબારનું ગામ એટલે ચોરીનો ભય નહિ. ઘરમાં પણ ચોરાઇ જાય એવું મૂલ્યવાન શું હતું! પણ ઘર ગામની પરવાડે - વિશાળ જમીન ઉપર ઊભેલાં, કાચી માટીનાં ખોરડાં. ઘરમાં બીજું કુટુંબી નહિ - એકલી મા ખાલીખમ જેવાં ઘરમાં રાતવેળા બોલાચાલી માટે દીકરાની હાજરી માગે.
પડધરીથી આવેલા કિશોર વયના હરિને માએ વહાલથી ગોદમાં ઝીલી લેનાં - 'ભલે આવ્યો મારા બાપલિયા. આવડાં મોટાં ઘરમાં હું એકલી તો ફફડી મરત.' - કહી આવકાર્યો ત્યારે એના ઉપર ધસી આવેલા ભારને કારણે માની આંખો હેત અને દુ:ખનાં દ્રવ્ય વડે આંસુ ખેરવી રહી.
આંગણે બે દૂઝણી ભેંસો, ત્રણ ગાયો બાંધેલી. મોટા બાપુ ગયા પછી ઘરમાં ઘૂસી ગયેલી ગમગીની દૂર કરવા કિશોરે સરજુ અને બોડી ગાયની વાછરડીઓ સાથે ગેલ કરી. રાત પડ્યે - ઢોર દોઇ, વાળુ કર્યાં પછી માતા-પુત્ર સૂતાં. હૈયું સાબૂત રાખી માએ પોતાના આશાદીપ જેવા દીકરાને ધરપત આપતાં કહ્યું: 'ભઇલા, ખાટલામાં લંબાવી હું રાતભર જાગતી પડી છું. તું નિરાંતે ભગવાનનું નામ લઇ ઊંઘી જા બેટા. જો આપણા ઘર પાસે બેઠેલા હાજરાહજુર હનુમાન દાદા તો ભૂત-પ્રેત-ચુડેલના દાંત ખેરવી નાખે એવા સમર્થ રક્ષણહાર છે.'
ભૂતપ્રેત અને ચુડેલનો ઉલ્લેખ આપમેળે જ છોકરાના કાળજે ભયની રેખા દોરી રહ્યો. ભણવામાં - બોલવા ચાલવામાં ચબરાક છોકરો ગુપચૂપ સૂઇ જાય એ તો બને નહિ. એણે માના હ્રદયને ઠેસ ન લાગે એ રીતે વડવાઓની કરમીવટ યાદ કરી કહ્યું: ' બા, અમો બેઉ ભાઇ સવારે ભણીગણીને બાઝંદા બની જઇશું. તે પછી તને અને મારા પિતાજીને કોઇ વાતની ચિંતા નહિ રહે.'
'મારા ભગવાન તમને ઝાઝી વિદ્યા આપશે.' આશાભર્યો શ્વાસ લઇ મા બોલી પડતી. રાતનો અંધકાર ધીમે ધીમે ઘાટો થતો ગયો. હજારેક માણસની વસ્તીવાળું ગામ ચેતનાભર્યું ખરૂં - પણ રજવાડી જમાનાની ચોક્કસ જાતની શાંતિવાળી ઉનાળાની એક રાત. સમી સાંજે જ સોપો પડી ગયો. માત્ર બાપુની ડેલીએ નરકેસરી જિરાજબાપુના ખોંખારા સંભળાય.
રાત્રિની નિરવતા. તમરાંઓના તમતમ અવાજ, દૂર નદીમાં બોલતાં દેડકાં - કોઇ કોઇ વાર ચીબરીના ચણભણાટ અને લીંબડીની ભેખડમાં ઘૂઘવતઅ ઘૂવડના અવાજ સાથે પવનઝપાટે ગાજતાં ઝાડવાંઓના ઝંકાર! રાતની નિરવતા વચ્ચે આવા અવાજ વાતાવરણમાં ભયની ભ્રાંતિ સીંચી રહ્યા. ઇષ્ટદેવનું નામ લઇ પથારીમાં લંબાવી ગયેલા કિશોરે આંખો બંધ કરી એટલામાં તેને ભૂત-પ્રેત અને ચૂડેલનો ઉલ્લેખ આપમેળે યાદ આવી ગયો.
એ યાદ પાછળ કારણ હતું. કિશોરે ગામની અમુક જગ્યાઓની વિચિત્રતા વિશે થોકબંધ દંતકથાઓ સાંભળેલી. અને તેમંય લીંબડીની ભેખડેથી સંભળાતી ચીસો, તળી નામની જગ્યાએ ઉભેલી જાંબુડીના ઝાડમાં રહેતી જક્ષણી, મસાણખડીથી માંડી સરવાણીયા વોંકળા સુધી ફેલાએલી ભૂતાવળ અને પીઠાપીરના વડલાથી નવા દિવસો - આસો માસમાં નીકળતી પીરદાદાની સવારી. આગળ મશાલો ઝળહળે, નગારાં-શરણાઇ વાગે. ફઇબાએ એવાજ સગા કાને સાંભળેલો હોવાની વાતો કરેલી. એ વાતો સદંતર ખોટી, માનવમનની નિર્બળતાએ સર્જેલી માત્ર કલ્પનાઓ હોય તો યે કિશોરને હૈયે ચોંટી રહેલી.
કલ્પના અને સત્ય બેઉને કોઇક તો સંબંધ જરૂર હોવો જોઇએ, કલ્પનાને ખોટી માનવા જતાં કિશોરને જાનકીદાસ બાવા યાદ આવ્યા. અગમનિગમનાં રહસ્યોને જાણનાર એ સિદ્ધયોગી સાધુ મેઘપુર ગામે આવી - દરબારની ડેલીના મહેમાન બનેલા. અમુક કોમના દેવની 'જાતર' ગામમાંથી નીકળેલી ડાકલાંની ધૂર અને ભૂવાઓના હૂહૂકારથી વાતાવરણ ભયપ્રેરક બનેલું અને જાનકીદાસ બાપુએ 'જાતર'માં ચાલતા ભૂવાભક્તો સામે હસીને જોયું કે તુરત એ બધા માણસો જમીનથી સવા ગજ ઉંચા હવામાં ચાલવા લાગ્યા. ગજબનો ચમત્કાર બન્યો. જાનકીદાસ બાપુની પેલાઓએ માફી માગી, અને તેને જમીન ઉપર લાવી બાપુ બોલ્યા: ' હવે પછી દરબારની ડેલીવાળી શેરીમાંથી ક્યારેય મેલાઘેલાં દેવની જાતર ચલાવશો નહિ.'
જાનકીદાસ બાપુની આવી શક્તિથી પ્રભાવિત દરબારો - વેપારી મહાજન તથા ગામલોકોએ તે સિદ્ધયોગીને પ્રાર્થના કરી: 'બાપુ, જાંબુડીમાં ઘર કરી રહેલી જક્ષણી કોઇ કોઇ વાર ગામમાં આવી રાતવેળાએ સૌને ભડકાવી ઉપદ્રવ મચાવતી હોવાથી એ બલાને ટાળવાની કિરપા કરો.'
'ના,' - જાનકીદાસ બાપુ બોલ્યા: 'એ બલા છેક તો નહિ ટળે, પણ હું તેને કાબુમાં રાખે એવી શક્તિની રખેવાળી મૂકું છું.' એમ કહી - બાપુએ હનુમાનજીનું સ્મરણ કરી તેને નદીની ભેખડ-જીવાવાડીમાં તેમ જ ગામની શેરીમાં બ્રાહ્મણના ઘર પાછળ સ્થાપ્યા. જે બેઉ સ્થળે બિરાજતા હનુમાનજી આજે પણ લોકોની રખેવાળી કરે છે.
આવી વિચારમાળાથી ઘેરાએલાં ચિત્તે પેલો કિશોર - થાકેલાં શરીરે નિંદરના ભારણ હેઠળ ઘેરાયો. જાગૃતાવસ્થાના વિચારોની અસર નિંદ્રાવસ્થામાં જરૂર થાય. ઉંઘમાં પડેલો કિશોર એકાએક ચમક્યો, તેને લાગ્યું કે પોતે જાગતો બેઠો છે. ઘરની બંધ ઓરડીમાં જાણે કોઇકના બોલવાનો ચણભણાટ સંભળાય છે. અહોહો, હરિકેન ફાનસનો કેવો પ્રકાશ કેવો સ્પષ્ટ દેખાયો અને પેલી ઓરડીની અંદરથી અનાજના કોથળા ચોરી જતા ચોર એણે નજરે જોયા. ભયથી ડઘાએલો કિશોર માને જગાડવા કરાંસ્યો. પણ અવાજ ગળા બહાર નીકળ્યો નહિ એટલે તેનું ધ્રુજતું શરીર પરસેવાથી નાહી ઉઠ્યું. નજર સામે સ્પષ્ટપણે પોતાના ગરીબ ઘરમાંથી ચોરી થયાનું જોઇ રહેલા ભયગ્રસ્ત કિશોર-હરિ-એ ચીસ પાડી: 'બા, જાગતો ખરી.' ઝબકી જાગેલી બાએ કિશોરનાં શરીરે હાથ ફેરવી કહ્યું:'હું જાગું છું બેટા, પણ તને શેની બીક લાગી હેં?'
'બા, જોતી નથી, આપણી ઓરડીમાંથી અનાજના કોથળા કેવા ખેંચી જાય છે?' કિશોરના આ શબ્દો સાંભળી તેનું રહસ્ય પામી ગયેલી માએ હનુમાનદાદાનું સ્મરણ કરી પુત્રને ધરપત આપી અને પાણી પાઇ તેને ફરીથી સૂવાડી દીધો. કેવો હરિકેનનો પ્રકાશ, કેવા ચોર અને શી વાત! ઘરમાં તો અંધારૂં જ હતું.
ઊંઘમાં પડેલા કે ઊંઘની કૃત્રિમ અસર હેઠળ પેલા કિશોરને વધુ વિચિત્ર સ્થિતિનો સાક્ષાત્કાર થયો અને તેની અસર એની જ્ઞાન જાગૃતિનો સંકેત બની રહેવા સરજાઇ હશે.
|